મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૬૧)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પદ (૬૧)

નરસિંહ મહેતા

ધન્ય તું, ધન્ય તું, રાય રણછોડજી! દીન જાણી મુંને માન દીધું;
નહિ મુજ જોગ તે ભોગ મેં ભોગવ્યા, અજ-અબંરીષથી અધિક કીધું.
ધન્ય
કનકને આસને મુજને બેસાડિયો, રુક્મિણી વચને તે હાથ સાહતાં;
હેત આણી હરિ ચરણ તળાંસિયા, ખટરસ ભોજન સંગ કરતાં.
ધન્ય
બાળપણા તણો સ્નેહ નવ વીસર્યો, મિત્ર મોહન તણી પ્રીત સાચી;
દીન જાણી હુંને દયા કીધી ઘણી, રંક બેસાડિયો કનક-માંચી.
ધન્ય
ધન્ય ધન્ય, કૃષ્ણજી! સંત સેવા કરી, ધ્યાન ધરતો હું નિજ દ્વાર આવ્યો;
રત્નજડિત મણિ, ભવન શોભા ઘણી, દેવ શું દ્વારકા ફરીને લાવ્યો?
ધન્ય
કનકની ભૂમિ ને વિદ્રુમના થાંભલા, અર્કની જ્યોત ઉદ્યોત દીસે;
ખાન ને પાન, વિહાર-સ્થાનક ઘણાં, કામીજન નિરખતાં કામ હીસે.
ધન્ય
સપ્ત-નવ વરસની દીઠી ત્યાં સુંદરી, નારી નવજોબના બહુ રૂપાળી;
સોળ શણગાર તે અંગ સુંદર ધર્યાં, દેવ વિમાનથી રહ્યા નિહાળી.
ધન્ય
સહસ્ર દાસી મળી નાર વીંટી વળી, કામિની કંથની પાસ આવી;
‘સ્વામી, રે સ્વામી! હું દાસી છું તમ તણી, મંદિર પધારીએ પ્રેમ લાવી.’
ધન્ય
ગોમતીસ્નાન ને નિરખવું કૃષ્ણનું, પુણ્ય પ્રગટ થયું, પાપ નાઠું;
આ કાળિકાળમાં જંતુ સહેજે તરે, જેને શ્રીકૃષ્ણ-શું હોય ઘાટું.
ધન્ય
કૃષ્ણ-માહાત્મ્ય લહી ઘેર આવ્યો વહી, નવલજોબન થયાં નર ને નારી;
વારતા કથતાં રજની વીતી ગઈ, નરસૈંના નાથની પ્રીત ભારી.
ધન્ય