મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૩૯)
Jump to navigation
Jump to search
પદ (૩૯)
મીરાં
વર તો વિઠ્ઠલને
વર તો વિઠ્ઠલને હું વરી રે,
રાણાજી! હવે લાજ કોની કરીએ રે?
ગુરુનાં વચન અમે કેમ ઉથાપીએ?
સંતનાં કહ્યાં કરીએ રે. રાણાજી
તમથી વડેરું કોઈ નહીં મારે,
અમે કોનો મલાજો કરીએ રે? રાણાજી
તિલક છાપ તુલસીની માળા,
હરિએ હાથે દીધી રે. રાણાજી
લોક અમારી નિંદા કરે રે,
અમે ધોખો તેનો ના ધરીએ રે. રાણાજી
વરમાળા વનમાળીની પહેરી,
અમે છૂટે છેડે ફરીએ રે. રાણાજી
મીરાંબાઈ કહે પ્રભુ ગિરધર નાગર,
સંતને ચરણે તરીએ રે. રાણાજી