મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૯)
Jump to navigation
Jump to search
પદ (૯)
મીરાં
મુજ અબળાને
મુજ અબળાને મોટી મિરાત, બાઈ, શામળો ઘરેણું મારે સાચું રે.
વાળી ઘડાવું વિઠ્ઠલવર કેરી, હાર હરિનો મારે હૈયે રે;
ચિત્તમાળા ચતુરભુજ ચૂડલો, શીદ સોની ઘેર જઈએ રે?
ઝાંઝરિયાં જગજીવન કેરાં, કૃષ્ણજી કલ્લાં ને કાંબી રે;
વીછુવા ઘૂઘરા રામનારાયણના, અણવટ અંતરજામી રે.
પેટી ઘડાવું પુરુષોત્તમ કેરી, ત્રિકમ નામનું તાળું રે;
કૂંચી કરાવું કરુણાનંદ કેરી, તેમાં ઘરેણું મારું ઘાલું રે.
સાસરવાસો સજીને બેઠી, હવે નથી કાંઈ કાચું રે;
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, હરિને ચરણે જાચું રે.