મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૧૪)
જળદેવતાને બલિદાન
બાર બાર વરસે નવાણ ગળાવિયાં,
નવાણે નીર નો આવ્યાં જી રે!
તેડાવો જાણતલ તેડાવો જોશી,
જોશીડા જોશ જોવરાવો જી રે!
જાણતલ જોશીડો એમ કરી બોલ્યો,
દીકરો ને વહુ પધરાવો જી રે!
ઘોડા ખેલવતા વીર રે અભેસંગ!
દાદાજી બોલાવે જી રે!
શું રે કો’છો, મારા સમરથ દાદા?
શા કાજે બોલાવ્યાં જી રે!
જાણતલ જોશીડો એમ કરી બોલ્યો:
દીકરો ને વહુ પધરાવો જી રે!
એમાં તે શું મારા, સમરથ દાદા!
પારકી જણીને પૂછી આવો જી રે!
બેટડો ધવરાવતાં વહુ રે વાઘેલી વહુ!
સાસુજી બોલાવે જી રે!
શું કો’છો, મારાં સમરથ સાસુ!
શા કાજે બોલાવ્યાં જી રે!
જાણતલ જોશીડો એમ કરી બોલ્યો,
દીકરો ને વહુ પધરાવો જી રે!
એમાં તે શું, મારાં સમરથ સાસુ
જે કે’શો તે કરશું જી રે!
ઊઠો ને રે મારા નાના દેરીડા!
મૈયર હું મળી આવું જી રે!
આઘેરાક જાતાં જોશીડો મળિયો,
ક્યાં વાઘેલી વહુ ચાલ્યાં જી રે!
ખરે બપોરે મરવાનાં કીધાં,
મૈયર હું મળી આવું જી રે!
મરવાનાં હોય તો ભલે રે મરજો,
એનાં વખાણ નો હોય જી રે!
ભાઈ રે જોશીડા! વીર ર જોશીડા!
સંદેશો લઈ જાજે જી રે!
મારી માતાજીને એટલું કે’જે,
મોડિયો ને ચૂંદડી લાવે જી રે!
ઊઠો ને રે, મારાં સમરથ જેઠાણી,
ઊનાં પાણી મેલો જી રે!
ઊઠો ને રે, મારાં સમરથ દેરાણી,
માથાં અમારાં ગૂંથો જી રે!
ઊઠો ને રે, મારાં સમરથ દેરી,
વેલડિયું શણગારો જી રે!
ઊઠો ને રે, મારાં સમરથ નણદી,
છેડાછેડી બાંધો જી રે!
ઊઠો ને રે, મારા સમરથ સસરા,
જાંગીનાં (ઢોલ) વગડાવો જી રે!
આવો આવો, મારા માનસંગ દીકરા!
છેલ્લાં ધાવણ ધોવો જી રે!
પૂતર જઈને પારણે પોઢાડ્યો,
નેણલે આંસુડાંની ધારું જી રે!
ઝાંઝ પખાજ ને જંતર વાગે,
દીકરો ને વહુ પધરાવે જી રે!
પાછું વાળી જોજો, અભેસંગ દીકરા!
ઘોડલા કોણ ખેલવશે જી રે!
ઈ ર શું બોલ્યા, સમરથ બાપુ!
નનો ભાઈ ખેલવશે જી રે!
પાછું વાળી જોજો, વહુરે વાઘેલી વહુ!
પૂતર કોને ભળાવ્યા જી રે!
કોણ ધવરાવશે, કોણ રમાડશે,
કેમ કરી મોટાં થાશે જી રે!
દેરણી ધવરાવશે, નણદી રમાડશે!
જેઠાણી ઊઝેરશે જી રે!
પે’લે પગથિયે જઈ પગ દીધો,
પાતાળે પાણી ઝબક્યાં જી રે!
બીજે પગથિયે જઈ પગ દીધો,
કાંડાં તે બૂડ પાણી આવ્યાં જી રે!
ત્રીજે પગથિયે જઈ પગ દીધો,
કડ્યકડ્ય સમાં નીર આવ્યાં જી રે!
ચોથે પગથિયે જઈ પગ દીધો,
છાતી સમાં નીર આવ્યાં જી રે!
પાંચમે પગથિયે જઈ પગ દીધો,
પરવશ પડિયા પ્રાણિયા જી રે!
એક હોંકારો દ્યો રે, અભેસંગ!
ગોઝારાં પાણી કોણ પીશે જી રે!
પીશે તે ચારણ પીશે તે ભાટ,
પીશે અભેસંગનો દાદો જી રે!
એક હોંકારો દ્યો રે, વાઘેલી વહુ!
ગોઝારાં પાણી કોણ પીશે જી રે!
પીશે તે વાણિયાં, પીશે તે બ્રાહ્મણ,
પીશે વાળુભાનાં લોકો જી રે!
તરી છે ચૂંદડી ને તર્યો છે મોડિયો,
તર્યાં અભેસંગનાં મોળિયાં જી રે!
ગાતાં ને વાતાં ઘરમાં આવ્યાં,
ઓરડા અણોસરા લાગે જી રે!
વા’લાં હતાં તેને ખોળે બેસાર્યાં,
દવલાંને પાતાળ પૂર્યાં જી રે!