મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૨૩)
Jump to navigation
Jump to search
પદ (૨૩)
મોરલી રૂસણે
મોરલી ચાલી રંગ રૂસણે રે
કોણ માનવા જાય, રંગ મોરલી
જાશે સસરો રાજિયા રે
વળો વવારુ ઘેર રંગ મોરલી
તમારા વળ્યા નહીં વળે રે
તમારા મોભીના અવળા બોલ રંગ મોરલી
હં હં ને હા હું તો મારા મૈયર જૈશ રંગ મોરલી.
મોરલી ચાલી રંગ રૂસણે
કોણ મનાવા જાય, રંગ મોરલી
જાશે તે જેઠજી રાજિયા રે
વળો વવારું ઘેર રંગ મોરલી
તમારા વળ્યા નહીં વળે રે
તમારા બેલીના અવળા બોલ રંગ મોરલી
હં હં ને હા હું તો મારા મૈયર જૈશ રંગ મોરલી.
જાશે તે પરણ્યો રાજિયા રે
વળો, ગોરાંદે ઘેર રંગ મોરલી
હં હં ને હા તો મારા મૈયર જૈશ રંગ મોરલી.