મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૫૮.રણછોડ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૫૮.રણછોડ

રણછોડ (૧૮મી સદી પૂર્વાર્ધ):
મુખ્યત્વે વૈરાગ્યબોધ અને જ્ઞાનબોધનાં પદો રચનાર આ કવિએ વિવિધ રાગઢાળ પ્રયોજ્યા છે. એમનાં પદોમાં સરળતા તથા ઉદ્બોધન-શૈલી નોંધપાત્ર છે. કેટલાંક પદોમાં કૃષ્ણભક્તિનું આલેખન પણ જોવા મળે છે. મધ્યકાળમાં રણછોડ નામે એકથી વધારે કવિઓ મળે છે.

૩ પદો

૧.
દિલમાં દીવો કરો રે...
દિલમાં દીવો કરો રે,
દિલમાં દીવો કરો.
કૂડા કામ ક્રોધને પરહરો રે,
દિલમાં દીવો કરો રે. દિલમાં
દયા-દિવેલ પ્રેમ-પરણાયું લાવો,
માંહી સુરતાની દિવેટ બનાવો;
મહીં બ્રહ્મ અગ્નિ ચેતાવો રે,
દિલમાં દીવો કરો રે. દિલમાં
સાચા દિલનો દીવો જ્યારે થાશે,
ત્યારે અંધારું સૌ મટી જાશે;
પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે,
દિલમાં દીવો કરો રે. દિલમાં
દીવો અણભે પ્રગટે એવો,
તનનાં ટાળે તિમિરના જેવો;
એને નયણે તો નરખીને લેવો રે,
દિલમાં દીવો કરો રે. દિલમાં
દાસ રણછોડે ઘર સંભાળ્યું,
જડી કૂંચી ને ઊઘડ્યું તાળું;
થયું ભોમંડળમાં અજવાળું રે,
દિલમાં દીવો કરો રે. દિલમાં

 


પ્રીતલડી બંધાણી
શામળિયાજી સ્નેહી તારી, પ્રીતલડી બંધાણી વાલા;
વેણા ઉપર હું જાઉં વારી, મીઠી સુખની વાણી વાલ.          ૧

નેણાંકેરો ચાળો કાંઈ, કામણ કરે છે વાલા;
ભૃકુટી કમાને બાણે, પ્રાણને લહે છે વાલા.          ૨

દીનબંધુ દેવકીનો જોયો, રૂપતણી છે ખાણ વાલા;
તન મન ધન મારું, તે તો તારું જાણ વાલા.          ૩

અલકની ઝલકમાં, પલક નવ ઠરે વાલા;
મનડું અધીર મારું, ધીરજ નવ ધરે વાલા;          ૪

આંગલું તો અંગ શોભે, રંગનું રસીલું વાલા;
અધર મધુર મોહન, મુખડું હસીલું વાલા.          ૫

નાસિકામાં નિર્મળ મોતી, જોતી મોતી જોત વાલા;
કેસરની તો આડો કીધી, શોભે ટપકી સોત વાલા.          ૬

આંખલડીમાં અમી ઝરે છે, પ્રેમનો નહિ પાર વાલા;
શશી સૂરજ ઝાંખા પડિયા, તેજનો અંબાર વાલા.          ૭

કાને કુંડળ ઝળહળે, શોભામાં શોભાળ વાલા;
હારના શણગાર મધ્યે, મોતિયોની માળ વાલા.          ૮

જરકસીની પાગ માથે, કલગીનો તોરો વાલા;
કોટમાં કૌસ્તુભમણિ છે, સોઈયે સોના દોરો વાલા          ૯

કટિમેખળા કર કંકણી, રૂડી રીતે રાજે વાલા;
નેપૂરને નૌતમ પાએ, ઘૂઘરીમાંએ ગાજે વાલા.          ૧૦

અણવટ વિછુઆનો છેલ, બનિયો છંદ વાલા;
મુદ્રા પોંચી કલ્લૈયો ને, બાંધે બાજુબંધ વાલા.          ૧૧

ઝીણી ને પછોડી ખંભે, જરકસીનો જામો વાલા;
સુંથણીની શોભા જોઉં, રહે મોહન મુજ સામો વાલા.          ૧૨

નખ શિખ સુધી રૂપ, નિરખીને તારું વાલા;
અંગમાં ઉમંગ ચઢ્યો, મોહ્યું મનડું મારું વાલા.          ૧૩

બેઉ હતાં તે એક થયાં, અંતર નવ રહ્યો વાલા;
મહા રસ રણછોડે, કેમ જાય કહ્યો વાલા.          ૧૪

૩.
લીલા રાસવિલાસની
પાછાં શ્રી યમુના ત્રઠ આવ્યાં, ગોપી સુંદરશ્યામ જી;
ત્રઠની વેલુ સુંદર શોભે, જોતાં અતિ અભિરામ.          શ્રી હરિ

શીતલ સુરભ મંદ મારુત, ત્રિવિધ અતિ સુખકંદ જી;
પદ્મ પરાગ પરસીને આવે, ઉપજે અતિ આનંદ.          શ્રી હરિ

કર પ્રસારણ કરે કો સાથે, કોશું આલિંગન દેતા જી;
કોહોના કર ગ્રહીને કોહોના, કેશપાસ ગ્રહી લેતા.          શ્રી હરિ

અંગોઅંગ અડી કોહોને, કેહને દે નખ દંત જી;
લીલા રાસ વિલાસની રમતાં, ગોપી શ્રી ભગવંત.          શ્રી હરિ

કામ અધિક ઉપજાવ્યો હરિયે, હરિથી પામી માન જી;
નિજ આત્માને ધન્ય જ માન્યો, રૂપનું થયું અભિમાન.          શ્રી હરિ

હરિએ હૈયાની તતક્ષણ જાણી, જે દ્રાષ્ટા પુરુષપુરાણ જી;
ગર્વ ટાળવા રણછોડના, પ્રભુ થયા અંતરધ્યાન.          શ્રી હરિ