મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૫.અસાઈત-હંસાઉલી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૫.અસાઈત - હંસાઉલી

અસાઈત (૧૪મી ઉત્તરાર્ધ) આ સંગીતજ્ઞ બ્રાહ્મણ એમના ત્રણ પુત્રો સાથે નાતબહાર મુકાયા પછી તરગાળા (ત્રણ ઘર વાળા) કહેવાયા ને એમણે સંગીત સાથે લોકનાટ્ય-સાધના પણ કરી. ને ભવાઈના અનેક વેશ લખ્યા. તથા ૪૦૦ ઉપરાંત કડીઓની એક પદ્ય-વાર્તા ‘હંસાઉલી’ લખી. ચોપાઈપદબંધની વચ્ચે દુહા-છંદ આદિનો વિનિયોગ કરીને આલેખેલી હંસાવલી-નરવાહનની આ પ્રણય-પરિણય-કથા તત્કાલીન સમાજચિત્રની અને ભાષાની રીતે પણ મહત્ત્વની છે.

‘હંસાઉલી’ -માંથી (૪ખંડની આ પદ્ય-વાર્તામાં,પહેલાખંડમાં હંસાવલી અને નરવાહનના લગ્નની અને બાકીનામાં એ યુગલના જોડિયા પુત્રો હંસ અને વચ્છરાજને નડેલાં વીઘ્નોની ને પરાક્રમની વાર્તા ગૂંથાયેલી છે. અહીં એ ભાઈઓની વન-વિપત્તિનું વાર્તામય આલેખન છે.)

નિઘટ બોલ રાણીમનિ ભયા, તેતલિ કુંઅર વેગલા ગયા,
ઊંચા પર્વત, વિસમા ઘાટ, નઈ નીઝરણ વનમાહે વાટ.

રાતિદિવસ તુરી સંચરિ; વાઘ સિંઘ સિવા ફેકરિ,
અનેક મહાવૃષ ગહિર ગંભીર; ભૂલા બેઉ નિ નાઠું નીર.

ભણિ હંસ: "વીનવૂં, વછરાજ, ત્રસ લાગી નિ થાકુ આજ,"
અતિ ઊસનુ રહી સવિ સંધિ; પુઢિઉ વડતલઇ ઘોડુ બંધિ.

ત્ર્યસ્યુ હંસ નિદ્રા-વસિ થાઇ; વછરાજ જલ લેવા જાઇ.
ભાઇ કાજિ ભમિ વન ઘણિ, જલચર-સાદ સરોવરિ સુણિ.

તતષિણિ તિણિ સરિવરિ વીર દીઠઉં નયણે નિર્મલ નીર.
ચક્રવાક સારસ સ્વર કરિ; મગર મછ બગ થારટિ ધરિ.

વિવિધ ફૂલ ફલ વૃષ આચરિઉં; રૂપ પંચવિધ કમલે કરિઉં.
  ગુરુડ ગરૂઉ પંષિ વિશ્રામ, સ્વર્ણ સરોવરઇ ભણી નામ.

વીર વિમાસી જલતટ ગયુ, છાગલ વીસારી આવીઉ,
કમલપત્ર જલ ડુંડુઉ લિઉ; ‘લુડુડઉ પાઇ પછિ હૂં પીઉં.’

ઉદક લેઇ આવિઉ જેતલિ, સરપિ હંસ ડસિઉ તેતલિ;
નિદ્રા માહિ વિષમ વિષ દહિઉં; કરી આહાર ઊપરિ રહુ,

જેતલિ સંચલિ કુંયરઇ કરિઉ; ભૂઅ ભૂયંગમ ઉરિ ઊતરિઉ,
દીઠઉ નયણિ પડિઉ ઉરિ ઝાલ, ગયુ વડથુડિ, બલિ પઇઠઉ કાલ.

વછરાજ જોવાનિ (જાય), ગયા પ્રાણ પહિઠાણ[હ] રાય,
ભણિ હંસ[નિ]: "હૂયા અણાહ." જલ લાષી[નિ] મોહલિ ધાહ.

રાગ ગૂડ દેશાષ

"પહિલાં પરદેસી હૂયા, નવિ સરજિઉ સુષ રાજ;"
બાહઇ ધરી બિઠઉ કરઇ, વનિ વલપઇ વછરાજ.

"બંધવ, બોલિ હો, દિઉ હૂંકારડુ હંસ;
જીડુયડુ વનિ વિઘટીઉં; જાૂયલી યાદવવંશ. બંધવ.

વરિ મંત્રેઇ-મતિ ભલી; મરણ ન મૂક્ત સાથ;
હીયડં હંસ ન મેલવિ; દેવી બાઉલિ બાથ. બંધવ.

અનિગણીયાનિ ગારુડી, દૂષ ન દાષિ ડંસ;
સધિ હોસિ હંસાઉલી; હીઉ હણેસિ; હંસ. બંધવ.

અરિ અંગમિ જમલુ રહિઉ; વહિલી વેલા, બંધ;
સે સરણિ બાધંતડિ, કુણ ઉડેસિ કંધ?" બંધવ.

ભણિ અસાઈત લંકા હવિ લષમણ લાગુ ભ્રામુ,
તેમ વછરાજ મનિ ઝૂરવિ, સકતિ-ભેદ શ્રીરામ. બંધવ.

વસ્તુ

કુંઅર ચિતિ કુંઅર ચિતિ મનહ મઝારિ:
‘હવિ હૂં હૂઉ એકલું," હીઇ સબુધિ વિચારી.

આંહાં આછિ અવર ન કોઈ, રાનિ રોયંતા જેવારિ.

"જિહાં જલ તિહાં તીરથ ભણિ, શાસ્ર સોઇ વિચાર,
જઈ સરોવર બંધવા કરું સં–પરિ–સંસ્કાર."

[ચઉપાઈ]


એક અસ્વ બંધવ બાંધીઉ; સુવર્ણ સરોવરિ રડતુ ગયું.
વાજિત્ર શ્રવણ સુણ્યા માહિ ગજર, સાત ગાઊ હુઈ નીડુ નગર.

તતષિણ કુમર વિમાસિ હીઇ; "ઇણિ અવસરિ ચંદન જોઈઇ.
નગરિ અરથ વેચુ આપણુ, ચંદનકાઠ લેઈ આવું ઘણું.

[શબ] મેહલૂ કિમ સૂનું સોઇ? ઇહાં ઉપદ્રવ સાવિજનુ હોઇ."
છઇ વટવૃષે સરોવર-પાલિ; શબ સીચી બાંધિઉ વડ-ડાલિ.

કીઉ સનાન વૃષ ઊતરિઉ, એક આસણ એક હાથિ લીઉ;
દસિ જાણીનિ પુહુતુ જામ, કાતીનગર તેહનું નામ.

જેતલિ કુંયર કાતી ગયુ, તસિ ગરુડ સરોવરિ આવીઉ,
પંષિ-વાઇ કંપિ વૃષડાલી,જઇ બિઠઉ સરોવર-પાલિ.

પંષ-વાઇ લાગુ જેતલિ, વિષ ઊતરીઉ વીર તેતલિ,
જીવ્યું હંસ નિહાલિ નયણિ: "કિહિ બાંધિ વૃષ-ડાલી ગયણિ?"

છોડ્યા બંધ; ઊતરીઉ વીર; કીઉં સનાન સર; પીધું નીર,
હતી ત્રષા તે ત્રપતુ થયું; કરી આત્મા અમૃત સીચીઉ.