મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૮૮.બાપુ ગાયકવાડ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૮૮.બાપુ ગાયકવાડ

બાપુ ગાયકવાડ (૧૮મી ઉત્તરાર્ધ–૧૯મી સદી પૂર્વાર્ધ: ૧૭૭૭ – ૧૮૪૩):
બાપુસાહેબ ગાયકવાડ ઉપરાંત બાપુમહારાજ તરીકે પણ જાણીતા આ જ્ઞાનમાર્ગી કવિ ધીરા અને નિરાંતભગતના શિષ્ય હતા. કાફી, ગરબી, મહિના, રાજિયા એવાં સ્વરૂપોમાં રચેલાં એમનાં જ્ઞાનવૈરાગ્યનાં પદો તળપદી ભાષાના સ્વાદ અને કટાક્ષપ્રધાન શૈલીવાળાં છે. પાખંડી ધર્મગુરુઓ પર પ્રહાર કરતાં, આત્મજ્ઞાન તથા ગુરુમહિમા આલેખતાં પદો તેમજ અનાસક્તિનો બોધ કરતી ગરબીઓ ઉપરાંત એમણે ‘જ્ઞાનીનાં લક્ષણો’, ‘સિદ્ધિખંડન’ વગેરે જેવીપદમાળારૂપ, સળંગ જ્ઞાનવિષયક રચનાઓ પણ કરેલી છે.
૩ પદો
૧.
શાંતિ પમાડે તેને સંત કહીએ
શાંતિ પમાડે તેને તો સંત કહીએ;
એના દાસના તે દાસ થઈને રહીએ રે.          ભાઈ રે શાન્તિ

કલ્પવૃક્ષ સેવ્યે દાળિદ્ર રહ્યું ઊભું;
ત્યારે તેના તો ગુણ શીદ ગાઈએ રે?          ભાઈ રે શાન્તિ

રાજાની ચાકરી નિત્ય રહી ઊભી;
ત્યારે પારકી તો વેઠ શીદ વહીએ રે?          ભાઈ રે શાન્તિ

વિદ્યાનું મૂળ જ્યારે પૂરું ના ભણાવ્યું;
ત્યારે પંડ્યાનો માર શીદ ખાઈએ રે?          ભાઈ રે શાન્તિ
લીધો વળાવો ને લૂંટવા રે લાગ્યો;
ત્યારે તેની સંઘાતે શીદ જઈએ રે?          ભાઈ રે શાન્તિ

વૈદ્યનો સંગ કરે રોગ રહ્યો ઊભો;
ત્યારે વૈદ્યની તે ગોળી શીદ ખાઈએ રે?          ભાઈ રે શાન્તિ

કીધી બાંધણી ને માથું વઢાવે;
ત્યારે તેને તે ઘેર શીદ જઈએ રે?          ભાઈ રે શાન્તિ

નામ અનામ સદ્ગુરુ બતાવ્યું;
તે નામ ચોંટ્યું છે મારે હઈયે રે.          ભાઈ રે શાન્તિ

બાપુ તેની કાયા તો નરવો સ્નેહ છે;
અમે એવા સ્વામીને લેઈને રહીએ રે.          ભાઈ રે શાન્તિ


નામ સમજીને બેસી રહીએ રે
નામ સમજીને બેસી રહીએ રે,
ભાઈ રે, નામ સમજીને બેસી રહીએ,
આત્મા ચીનીને મનમાં મગન થઈએ રે,
ભાઈ રે નામ સમજીને બેસી રહીએ. ટેક.          ૧

રામ ને રહેમાન તમે એક ભાઈઓ જાણજો,
કૃષ્ણ ને કરીમ એક કહીએ;
વિષ્ણુ બિસમિલ્લામાં ભેદ નથી ભાળ્યો,
અને અલ્લા અલખ એક લહીએ રે. ભાઈ રે,          નામ ૨
ગફુર ગોવિંદ રહીમ એક તમે જાણજો,
મૌલા માધવ ગુણ ગાઈએ;
હરિ-હક્કતાલાનો ભેદ મેં તો જાણ્યો,
હવે ચોરાશી માર નવ સહીએ રે. ભાઈ રે,          નામ ૩

પરવરદીગાર પરમેશ્વર એક તમે જાણજો,
નબી નારાયણ ચોંટ્યો હૈયે;
ચોખા ને ચાવલ, પણ ડાંગર એક છે,
એવું સમજે તેના ચેલા થઈએ રે. ભાઈ રે,          નામ ૪

બાપુસાહેબ નામ પાક છે, ને બીજું નાપાક છે,
એવું સમજ્યા કહોને ક્યાં જઈએ;
જે સાધન કરે તેમાં પડે સાંસો,
અમો બ્રહ્મજળમાં તો નિત્ય નાહીએ રે. ભાઈ રે,          નામ ૫

રામનામ લેહે લાગી રે,
સંતો રે ભાઈ રામનામ લેહે લાગી;
ભાખે ભેદ ભ્રમણા ભાંગી રે.          ટેક.          ૧

અજપા નિશ દિન જાપ થાય છે;
ઘટ ઘુંઘટ જોઈ જાગી રે.          સંતો રે૦ ૨

વૃંદાવનમાં રાસ રચ્યો છે;
શરણાઈઓ ભૂંગળ વાગી રે.          સંતો રે૦ ૩

ઉન્મુનિ મંદિરસે જન નિધિ;
પ્રવૃત્તિ-નારી ભાગી રે.          સંતો રે૦ ૪

ભ્રમર–ગુફામાં પોતે બિરાજે,
દીઠા શ્યામ સોહાગી રે.          સંતો રે૦ ૫

દાસના દાસ બાપુ ભક્ત ધીરા;
સુધારસ લીધો માગી રે.          સંતો રે૦ ૬

સચરાચરમાં મેં જોયા વિશ્વંભર;
લક્ષ ચોરાશી ત્યાગી રે.          સંતો રે૦ ૭