મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૯૬.રેવાશંકર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૯૬.રેવાશંકર

રેવાશંકર (૧૮મી ઉત્તરાર્ધ–૧૯મી પૂર્વાર્ધ)
નાગર કવિ. કૃષ્ણ વિશેનાં પદો લખ્યાં છે.
૧ પદ
શિવનું બાલકૃષ્ણ દર્શન
(ચંદ્રાવળા)
એક અવધૂત વિભૂત તન ધારી, અશ્રુત ઉજ્જવલ અંગ,
અકલ અરૂપ સકળ સુર સેવે, અદ્રિસુતા અરધંગ.

અદ્રિસુતા અરધંગ તે આણી, ડમરુ ડાક પિનાક છે પાણિ,
રેવાશંકર શુભકારી, એક અબધૂત વિભૂત તન ધારી.

આંગણે આવી અલખ જગાવી, કીધો શીંગીશોર,
નંદરાણી ગભરાણી ઘરમાં, ગોપમાં વાયો હોર.

ગોપમાં વાય હોર તે જઈને, માતા મનમાં વિસ્મય થઈને,
સુતને લીધો હૃદય લગાવી, આંગણે આવી અલખ જગાવી.

જશોદા જોગીરાજને નીરખી, ભાવ ભરી ભરપૂર,
લ્યો ભિક્ષા રક્ષા કરો સુતની, દૃષ્ટિ પડે, રહો દૂર;

દૃષ્ટિ પડે, રહો દૂર દિગંબર, પે’રો તો આપું પટ અંબર;
હર ઉત્તર હવે દે છે હરખી, જશોદા જોગીરાજને નીરખી.

આદ્ય પુરુષ ને અલખ નિરંજન, જ ે અનંત અવિનાશ,
રોમ રોમ બ્રહ્માંડ ભમે તે, પડખમાં લેઈ પાસ;
પડખામાં લેઈ પાસ પલંગે, અર્ભક જાણીને ઉછરંગે,
અંબુજ–આંખે આંજતી અંજન, આદ્ય પુરુષને અલખ નિરંજન.

શ્રવણ સુણી શુભ વેણ શંકરનાં, વાધ્યો ચિત્ત વિચાર,
કારમો ક્યમ લઈ જાઊં કુંવરને, સર્વાંગે સુકુમાર;

સર્વાંગે સુકુમાર શરીરે. શિશુ સંકુચાયે શીત સમીરે,
વચન જાય ક્યમ જોગેશ્વરનાં, શ્રવણ સુણી શુભ વેણ શંકરનાં.

જશોમતી, બીજું કાંઈ ન જાચું, સાચું કહું સુણ વેણ,
અંતરમાં અભિલાષા એવી, નંદકુંવરને નેણ;

નંદ કુંવરને નેણ નિહાળી, પુત્ર પધરાવ વચન પ્રતિપાળી,
રૂપ જોઈ હૃદયામાં રાચું, જશોમતી, બીજું કાંઈ ન જાચું.

જત્ન કરી જશોદા મહતારી, બાળક લાવી બહાર,
દર્શન કરી દિગંબર રીઝ્યા, ઉમંગ્યા ઉર અપાર;

ઉમંગ્યા ઉર અપાર અવિનાશી,કર્યું કુતૂહલ કૈલાસવાસી,
તાંડન નૃત્ય કર્યું ત્રિપુરારિ, જત્ન કરી જશોદા મહતારી.

પરસ્પરે પ્રભુતાયે પરખ્યા, રીઝ્યા હૃદય મોઝાર,
અદ્ભુત અવિગતની ગતિ દેખી, તૃપ્ત થયા ત્રિપુરાર;

તૃપ્ત થયા ત્રિપુરાર તે ટાણે, અન્યો અન્ય બન્યો મન જાણે,
રસિયા હરિ-હર હઈએ હરખ્યા, પરસ્પરે પ્રભુતાને પરખ્યા.