મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /જ્ઞાનમાસ
પ્રીતમ
અષાઢ માસે આવે નહીં નર તેહ રે, આ અવસરમાં;
જેને નિરભય નારાયણશું નેહ રે, આ અવસરમાં.
વિના કિરણ સરખી તેની કાયા રે, આ અવસરમાં;
દેવ દાનવ માનવનીનવ વ્યાપે માયા રે, આ અવસરમાં.
ગતિ કરે તે સપ્તદ્વીપ નવખંડ રે, આ અવસરમાં;
લોક ચતુર્દશ એકવીસમે બ્રહ્માંડ રે, આ અવસરમાં.
જલ થલ જંગલ સઘળે જેનો વ્યાપ રે, આ અવસરમાં;
કહે પ્રીતમ તે કર્તા હર્તા આપ રે, આ અવસરમાં.
શ્રાવણ શ્રવણ મનની નીત ધ્યઅન કરીએ રે, આ અવસરમાં;
બાકી બીજા પ્રપંચ સૌ પરહરીએ રે, આ અવસરમાં.
સત્સંગ કરતાં તરીએ ભવસંસાર રે, આ અવસરમાં;
વિષય ન વ્યાપે કાપે કોટિ વિકાર રે, આ અવસરમાં.
કૃષ્ણ કથા કિર્તન કળિયુગમાં કરીએ રે, આ અવસરમાં;
ધીરજ રાખી ધ્યાન ધારણા ધરીએ રે, આ અવસરમાં.
તીલક છાપ સેવા સ્મરણમાં રહીએ રે, આ અવસરમાં;
પ્રીતમ પ્રભુને ભજતાં પાવન થઈએ રે, આ અવસરમાં.
ભાદરવે ભરપૂર હરીને ભાળો રે, આ અવસરમાં;
હું, મારૂં, અહંકાર હઈએથી ટાળો રે, આ અવસરમાં.
કીડી કુંજર ચૈતન્યતાથી ચાલે રે, આ અવસરમાં;
ક્ષણ માત્ર તે હરિ વિના નવ હાલે રે, આ અવસરમાં.
કીટ ઇંદ્ર તે આતમ દૃષ્ટે એક રે, આ અવસરમાં;
ગુરૂ ગમ્ય જોશે જેહને જ્ઞાન વિવેક રે, આ અવસરમાં.
ગુરૂ ગોવિંદના ઘરની જેને ગમ્ય રે, આ અવસરમાં;
કહે પ્રીતમ તે જાણે જેમ છે તેમ રે, આ અવસરમાં.
આસોએ રામ રમે તેને અવિધાર રે, આ અવસરમાં;
ઉઠે અજંપા તે એકતિશ હજાર, રે, આ અવસરમાં.
ઉપર આગલા ખટસેંનો છે ખેલ રે, આ અવસરમાં;
રણકાર ધુનિ થાય રંગની રેલ રે, આ અવસરમાં.
કહું રહસ્ય રસિયા રસ પીવાની રે, આ અવસરમાં;
જેમ ડુબકી દરિઆમાં મરજીવાની રે, આ અવસરમાં.
ગુણાતીત તે ગેબ ગગનમાં ગડીયા રે, આ અવસરમાં;
આઠે પહોર અખંડ અનુંભવમાં અડીયા રે, આ અવસરમાં.
દિન દિન પ્રત્યે ચઢે ચોગણો રંગ રે, આ અવસરમાં;
કહે પ્રીતમ કર સદ્ગુરુ સંતનો સંગ રે, આ અવસરમાં.
સંવત અઢાર અતિ ઓગણત્રીસો સાર રે, આ અવસરમાં;
શ્રાવણ શુકલ પક્ષ સાતમ રવિવાર રે, આ અવસરમાં.
સંઘેસરમાં સહુ સંતોનો દાસ રે, આ અવસરમાં;
પ્રીતમ પ્રેમે ગાયા બારે માસ રે, આ અવસરમાં.