મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /નિષ્કુળાનંદ પદ ૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પદ ૩

નિષ્કુળાનંદ

જનની જીવો રે ગોપીચંદની, પુત્રને પ્રેર્યો વૈરાગ્યજી
ઉપદેશ આપ્યો એણી પેરે, લાગ્યો સંસારીડો આગજી.          જનની.

ધન્ય ધન્ય માતા રે ધ્રુવતણી, કહ્યાં કઠણ વચનજી;
રાજસાજ સુખ પરહરી, વેગે ચાલિયા વંનજી.          જનની.

ઊઠી ન શકે રે ઊંટિયો, બહુ બોલાવ્યો બાજંદજી;
તેને રે દેખી ત્રાસ ઊપજ્યો, લીધી ફકીરી છોડ્યો ફંદજી.          જનની.

ભલો રે ત્યાગ ભરથરી તણો, તજી સોળસેં નારજી;
મંદિર ઝરૂખા મેલી કરી, આસન કીધલાં બહારજી.          જનની.

એ વૈરાગ્યવંતને જાઉં વારણે, બીજા ગયા રે અનેકજી;
ભલા રે ભૂંડા અવની ઉપરે, ગણતાં નાવે છેકજી.          જનની.

ક્યાં ગયું કુળ રાવણ તણું, સગરસુત સાઠ હજારજી?
ન રહ્યું તે નાણું રાજા નંદનું, સર્વ સુપંન વેવારજી.          જનની.

છત્રપતિ ચાલી ગયા, રાજ મૂકી રાજનજી;
દેવ દાનવ મુનિ માનવી, સર્વે જાણે સુપંનજી.          જનની.

સમજી મૂકો તો સાું ઘણું, જરૂર મુકાવશે જમજી;
નિષ્કુળાનંદ કહે, નહિ મટે, સાચું કહું ખાઈ સમ જી.          જનની.