મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /નિષ્કુળાનંદ પદ ૪
Jump to navigation
Jump to search
પદ ૪
નિષ્કુળાનંદ
જોગી જીવોરે એવા જગતમાં, સગા સૌના સોહાયજી;
શત્રુ સોધતા સંસારમાં, જેને નવ જડે કોયજી. જોગી.
સ્થાવર જંગમ સ્થૂળ સૂક્ષ્મ, ચરાચર જે જંનજી;
મન ક્રમ વચને દુભે નહિ, દયા દિલે અનંતજી. જોગી.
નિશ્ચે એવાને નિરખીને, દયા દુત્ત્ટને નોયજી;
બીજા તે સર્વે દયા કરે, જ્યારે એવાને જોયજી. જોગી.
દેહદર્શી દુ:ખ ભોગવે, કરે સુખને ઉપાયજી;
આત્મદર્શી આનંદમાં, રહે સુખમાં સદાયજી. જોગી.
મૂલ્યે પોતાનું ભાસે નહિં, ત્રણ કાળમાં તંનજી;
નિષ્કુલાનંદ એમ સમજી, જોગી ન કરે જતંનજી. જોગી.