મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રીતમ પદ ૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પદ ૪

પ્રીતમ

જીભલડી રે!
જીભલડી રે! તને હરિગુણ ગાતાં, આવડું આળસ ક્યાંથી રે?
લવરી કરતાં નવરી ન મળે, બોલી ઊઠે સૌમાંથી રે.          ૧

પરનિંદા કરવાને પૂરી, શૂરી ખટરસ ખાવા રે;
ઝઘડો કરવા જાહેર ઝૂઝે, કાયર હરિગુણ ગાવા રે.          ૨

ઘર લાગ્યા પછી કૂપ ખોદાવે, આગ એથી ક્યાં ઓલવાશે રે?
ચોરો તો ધન હરી ગયા, પછી દીપકથી શું થાશે રે?          ૩

તલ મંગાવો ને તુલસી મંગાવો, રામનામ લેવરાવો રે;
પરથમ તો મસ્તક નહિ નમતું, પછી નામ શું સંભળાવો રે?          ૪

રામનામનું દામ ન બેસે, કામ ખંડે નહિ કરવું રે;
સહેજે પાર પંથનો આવે, ભજન થકી ભવ તરવું રે.          ૫

જેનું નામ જપે જોગેશ્વર, શંકર શેષ વિરંચિ રે;
કહે પ્રીતમ પ્રભુ-નામ વિસાર્યું, તે પ્રાણી પરપંચી રે.          ૬