મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /માસ ૧૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


માસ ૧૨ - ફાગણ

ઉદયરત્ન

દુહા
ભોલી રે ટોલી સવિ મિલી ફાગુણ ખેલિ ફાગ;
કુહુકુહુ કહુકિ કોકિલા, બોલિ પંચમ રાગ.          ૧

રંગભરી રમણી રાતી રે, રાતો કેસર-ઘોલ;
રાતા સાલુ ઓઢણી, રાતા અધર તંબોલ.          ૨

અબીલગુલાલ ઉડિ બહુ, રાતિ થઈ તિણિ વાટ;
કુંકુમજલ ભરી પચરકી છાંટિ રાતી છાંટ.          ૩

ફાગુણના દિન ફુટરા, ફૂલી રહ્યો રે વસંત;
સરખાસરખી ટોલી રે હોલી ખેલે ખંત.          ૪

વાજાં વાજે વસંતનાં, ડફ, કાંસી ને તાલ;
ઘરિ ઘરિ રંગ - વધામણાં, ઘરિ ઘરિ મંગલ માલ.          ૫
આંખડીઉં અણીયાલી રે, કાલી કાજલરેખ;
નેમ વિના ઓપે નહીં, ફાટે ફૂલડાં દેખ.          ૬

વાહાલાવિજોગે વિરહણી સુખનાં દેખી સૂલ;
દિન ગમિવાનિ તે વલી દેહલી મેહલિ ફૂલ.          ૭

આજુનો દિન રલીયાંમણો, વામ ફરુકે નેણ;
ડાવો સ્તન ફરકે વલી, સહી મલસે મુઝ સેણ.          ૮

ગગનમંડલમાં ગાજે રે દુંદુભિનાદ અપાર;
સહસા વનમાં સમોસર્યા સ્વામીશ્રી ગિરનારિ.          ૯

રાજુલ નેમને જઈ મિલી ઉલટ આણી અંગ;
ભગવંત માંહે ભલી ગઈ, સમુદ્રિ મલી જિમ ગંગ.          ૧૦

વિજોગ તણાં દુ:ખ વિસર્યાં, ભાગ્યો ભવનો ફંદ;
આણંદ - રંગ - વધામણાં, પામી પરમાનંદ.          ૧૧

ફાગ
નેમ પહિલી જઈ મુગતિ બેઠી, સાસ્વતા સુખમાં તેહ પેઠી;
ઉદયરતન કહિ ભવ્ય પ્રાણી! જિનગુણ ગાઇ લાભ જાંણી.          ૧૨