મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રણયજ્ઞ કડવું ૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કડવું ૩

પ્રેમાનંદ

રાગ સારંગની ચોપાઈ
સેના ઉતારી સાગરપાર, વાનર-જોદ્ધા પદ્મ અઢાર.
સેનાપતિ કીધો નીલ કપિ, ક્રોધે વીર રહ્યા છે તપી.          ૧

બોલ્યા વાનર કરી વીનતી, ‘જુદ્ધ-આજ્ઞા દીજે, રઘુપતિ!
નલ નીલ અંગદ સુગ્રીવ શૂર, કરવા સંગ્રામ ઘણા આતુર.’          ૨
લક્ષ્મણ કહે: ‘સુણો, શ્રીરંગ! જેમ લોકસાંકળે બાંધ્યા માતંગ,
તેમ તમારી મરજાદાસાંકળે કપિકુંજર બાંધ્યા છે બળે.          ૩

છૂટ્યા હસ્તી વન ભાંજે જેમ, છૂટ્યા વાનર લંકા લેશે તેમ.
જુદ્ધઆજ્ઞા દીજે, રઘુરાય! વિજોગ સીતાજીનો જાય.’          ૪

સાંભળી લક્ષ્મણનો પ્રતિબોધ શ્રીરામને ચઢિયો ક્રોધ;
કીધો ધનુષ તણો ટંકાર, તેણે શબ્દે ધ્રૂજ્યો સંસાર.          ૫
ડોલ્યા દિગ્ગજ, કંપ્યા દિક્પાલ, ખળભળિયાં સાતે પાતાળ,
ડોલ્યું રાવણનું સિંહાસન, ધજા-છત્ર બેહુ થયાં પતન.          ૬

રાક્ષસીના થયા ગર્ભપાત, વરસ્યો રુધિર તણો વરસાત;
માન-શુકન લંકા માંહે થાય, રોષે ભરાયા શ્રીરઘુરાય.          ૭

પ્લવંગ પ્રત્યે બોલ્યા શ્રીરામ: ‘ચોહપાસે ઘેરો લંકા ગામ.’
વચન રાઘવનાં સાંભળી, ઉતપત્યા વાનર સરવ હૂકળી.          ૮

ચારે પોળ ઘેરી વાનરે, ચઢી બેઠા કોટ તણા કાંગરે.
સેના રાઘવ કેરી કોપી, ઉઠાડી રાવણની ચોકી.          ૯

પડ્યા કાંગરા કનકને કોટ, કૂદે વાનરા મૂકે દોટ;
પછાડે પૂંછ, વજાડે ગાલ, રુએ રાક્ષસી, બીહે બાળ.          ૧૦

જે હાથ ચઢે તેહને તોડે, છજાં-ઝરૂખા તોડી પાડે.
તરુવર બહુ નાખે પાષાણ, લંકા માંહે પડિયું ભંગાણ.          ૧૧

નાસે લોક, કરે બુંબાણ, થયું સભામાં રાવણને જાણ;
ઊઠ્યો મંત્રી જોડી બે હસ્ત, રાવણ પ્રત્યે બોલ્યો પ્રહસ્ત.          ૧૨

‘સ્વામી! કપિ આવ્યા સમગ્ર ચોહોપાસ ઘેર્યું લંકાનગ્ર;
સિંહના ઘર પર આવે શિયાળ, ત્યમ વાનર આવ્યા, ભૂપાળ!’         ૧૩

સાંભળી મંત્રી તણાં વચન, ક્રોધ કરી બોલ્યો રાજન:
‘કરો સેના મારી સાવધાન, ઉતારું માનવનાં અભિમાન.          ૧૪
વલણ

અભિમાન ઉતારું રામ તણું ને વાળું વાનરનો ઘાણ રે;
દશસ્કંધ કોપે ચઢ્યો, પછે ગડગડિયાં નીસાણ રે.          ૧૫