મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રાવણ-મંદોદરી સંવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


રાવણ-મંદોદરી સંવાદ

(જુદા જુદા વર્ણોની સલાહ)
રાવણ—          પૂછે અઢારે વરણને, કહોને સાચી વાત;
સીતા આપવી કે નહીં, ખરી બતાવો ખાત.

કોની ન રગતી રાખશો, બોલો રુડી વાણ;
સત પ્રકારે સાચું કહો, ન થાયે હાંસુ કે હાણ.

ચોખરો

રાવણ—         વિચાર પૂછ્યો એક વિપ્રને વિધવિધે, મહારાજ મહિમા કહો મંન માની;
આપવી એ ઘટે કે નહિ આપિયે, દલ તમારે કશી બુધ્ય દાની.

વિપ્ર—          મહીપતિ માન મટાવિયે કેમ કરી, લાજ ઘટાવિયે હોડ હાનિ;
પાછી આપતાંમાં પરાક્રમ તે કશું, ભીખ તેને પછે ભૂખ શાની.

સવૈયો

વૈશ્ય—          વૈશ્ય કહે વેવાર એ પાખી છે, આપતે લાજ છે પરિયામાં;
અથડાવો દહાડા દશ વિશેક, હાલક બુકાલેક કરિયામાં.

રાડ જુઓ એ રીંછડાં કેરી, કણ એક ભાજન ભરિયામાં;
કાયર ક્યમ થઈએ આગળથી, શું વહાણ મૂક્યું છે દરિયામાં?

કણબી—          કહે કણબી કેમ કામની દીજીએ, જાત જોરાવર શું એની જાણી;
પાછા જશે અથડાઈને પોતે, કે લહેર સમુદ્રની લેશે તાણી.

લંકા સરિખડો કોટ લેશે ક્યમ, રાવણ રાય દેખિતો જે દાણી;
પૃથિવીપતિ એ પત મૂકે કેમ, છેલ્લે ક્યારે શું ગયું છે જી પાણી.

ચોખરો
સઈ—          ગજધર કહે દહાડા પાધરા દૈત્યના, શિવ વરદાનની છાપ છે રે;
સાત સમુદ્રની આડ છે ઓટે, અધિપત રાણોજી આપ છે રે.
દેવ હીંડે છે દિશોદિશ નાસતા, ત્રણ લોકમાં જેનો તાપ છે રે;
ભલું લાવ્યા છો તો ભૂપતિ ભામિની, ગજે તસુ તો માફ છે રે.
કુંભાર—          કહે કુંભાર કરો શી વાતો, એહ તો મારગ એડો છે;
વઢતાં વણ જિતે કુણ હારે, મહીપતિ માની મેડો છે.

લેવો ગઢ લંકાનો દુર્લભ, વંક વોળામણ વેડો છે;
શું ઘડો કે ઘેડ ઉ તરશે, ચાક ઉપર હજાુ પેંડો છે.

લવાર—          કહે લવાર મોકલો એ કુંભક, ભક્ષ કરે તો એ વાંદર ખૂટે;
નહિતર જોર કરો જંજાળનું, આપ અરાબા અનેકધા છૂટે.

રાક્ષસ મોકલો રીંછડાં સામા, રણ વિષે વરખા જેમ પૂંઠે;
બળવંત રાણા બેઠા જુઓ બારણે, લુહાર ને લોઢું આફણિયે કૂટે.

સોની—          કહે સોની સાવ્યા છો સીતાને, પ્રીતે વચન એ પળવું છે;
ચોટ નાખી છે તો ચંતા શી, રાજ્ય પદવીમાં રળવું છે.

આમે કરમ લેલાટ લખાણું, તે શું ટાળ્યું ટળવું છે;
સોનું પહેરે જો કાન જ ત્રૂટે, જંતરડા વચ્ચે નીકળવું છે.

ઘાંચી—          ઘાંચી કેહ ઘણું શું જોર એમાં, માંકડા કેરો એ માર જો રે;
બાળક બેહુમાં બુધ છે કેટલી, ભૂપ ભારનો એ જોર જો રે.

નહિ ઘોડલા જોડલા હાથિયા સાથિયા, કટક કેરો પોકાર જો રે;
હડબડવું નહીં હિમ્મત રાખવી, તેલ જો તેલની ધાર જો રે.

મોચી—          મોચી કહે મેં તો માંકડાં દોઠડાં, નાસે જેમ રણમાં રોઝડાં રે;
કોઠાં બિલાંને કાજે વઢે ઘણું, તુચ્છ તરણાવત તોછડાં રે.
હૂકતાં કૂદતાં ઢૂંકતાં ઝૂકતાં, ફોજ નહિ એ તો ફોજડાં રે;
હીંમત રાખીએ દલ એ દાખિયે, પાણી પહેલાં શાં મોજડાં રે.

હજામ—          નાઈ કહે છે નાત સઘળી, અમને, રૈયતમાં સહુ કહે છે જી રંકા;
ગત જાણે કુણ ગોવિન્દ કેરી, અકલિત અક્ષર એહના અંકા.

સુઝ વિચારતાં તો નથી સૂઝતું, લંગુર કેમ લેઈ શકશે જી લંકા;
કોથળીમાંથી સાપ જ નીસરે, વાળંદના દંન હોય જો વંકા.

રબારી—          રબારી કહે શ્રીરામ આવ્યા છે, કેટલા દહાડા ઈહાં બેસી રહેશે;
ખાવા પીવા શું પામેશે પૂરણ, દુ:ખ કો આગળ એ કહેશે.

દશાતન સરખો દુશ્મત છે શિર, લંકામાં આવતાં લેખાં બૌ લેશે;
ઢોર ને ચોર થશે એકઠાં જાુઓ, ઊંટડો કુણ કિનારે બેસે.

દરજી—          કહે દરજી દલ જાણું છું હુંય, ભૂપ આપણો ભોળો છે;
પહાણ તારી આવ્યો પરપંચે, જનાવર સંઘાતે જોરો છે.

બાળી ગયો બળવંતો કોયક, ટેક ઘણેરો તોરો છે;
આરા કેડે વારો આવે, જ્યમ સોયની કેડે દોરો છે.

ધોબી—          પરિયટ કહે હું પ્રીછ્યો પારખું, હાથ તારે શિર હરનો છે;
નવ ગ્રહે બાંધ્યા છે નરપત, છો ભાર શો એના ડરનો છે.

હારીને જો હિંમત મૂકો, તો નામોશીનું નરનો છે;
ધોબી કેરો કૂતરો નહિ ઘાટ તણો નહિ ઘરનો છે.

ભોઈ—          ભોઈ કહે ભૂપત કહું તુજને, સીત હરી તે સાંખી છે;
જોરાવર જન દીસે ઝાઝા, ભાગ્યનિધિ શી ભાંખી છે.

પચવાની નથી એહની પ્રમદા, જેવી જીવતી માંખી છે;
અંગદ વિષ્ટિયે આવ્યો તો, તે કણક મચ્છને નાંખી છે.

સલાટ—          સલાટ કહે શાણા છો સઉકો, વેદ વચનની વાણી છે;
સીતાજીને સ્રી જાણો પણ, રામ તણી તો રાણી છે.

એહના શાપથી ઉધ્વસ્ત થાશે, હુંશ થકી બહુ હાણી છે;
રંકનું કહ્યું રાવણ ક્યમ માને, પત્થર ઉપર પાણી છે.