મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /હૂંડી કડવું ૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કડવું ૭

પ્રેમાનંદ

રાગ ધન્યાશ્રી
લેખણ લીધી શ્રીલક્ષ્મીવરે,
મહેતાજીને કૃષ્ણ વીનતી કરે.          ૧

કાગળ ભીંજે ને આંસુડાં ખરે,
ઓધવ આવી આડો કર ધરે          ૨
ઢાળ
ધરે હાથ ન આંસુ ગ્રહે, અમર અંતરિક્ષ જોય રે;
ભૂતળ માંહે ભાગ્ય મોટું: નરસૈયા સમો નહિ કોય રે.          ૩

‘સ્વસ્તિ શ્રીજૂનાગઢ સ્થાને, મહેતોજી નરસહીં રે!
હૂંડી સ્વીકારી આવતાં, જાણજો તમો સહી રે.          ૪

શ્રીદ્વારિકાથી લિખિતંગ શામળશા વાણોતર રે;
આપણ બંન્યો એક છું, રખે જાણતા પર રે;          ૫

તમારી વતી અમો સેવું છું દ્વારિકા ગામ રે;
અજર-આળસ નહિ કરું આવાં કોટિક લખજો કામ રે.          ૬

આડત તમારી પહોંચશે, પત્રની જોઉં છું વાટ રે;
શુભ કામ કાસદ લાવશે, વિશ્વાસ માહારું હાટ રે          ૭

વળી વારું છું વિશ્વાસ મૂકી, રખે વહાતો તાળ રે;
એક પલક દાસ દમાય ત્યારે અમો ઓઢી ચાળ રે.          ૮

ઠગ લોક આ સંસારના નહિ જાચે શું-શુંય રે?
ના ન કહેશો કોઈ વાતની, છું આપનારો હુંય રે.          ૯

તીરથવાસીને પત્ર આપ્યું, ભક્તનું ભગવાન રે;
જાત્રાળુ તો જોઈ રહ્યા: હરિ હવા અંતર્ધાન રે.          ૧૦


તીરથવાસી કર ઘસે અને ધૂણે વળી શીશ રે:
‘આપણે રૂપૈયા દીઠા, પણ નવ દીઠા જગદીશ રે.          ૧૧

છે નરસૈયો વહેવારિયો, આપ્યા રૂપૈયા રોક રે;
શામળશા તે આંહાં વસે, શું જાણે જૂઠા લોક રે?’          ૧૨

એક માસ દ્વારિકા રહ્યા, ને પૂજ્યા જાદવરાય રે;
તીરથવાસી પછે ફરીને આવ્યા જૂનાગઢ માંહ્ય રે.          ૧૩

આવી નરસૈયાને પાય પડિયા: ‘સાચો તાહારો શેઠ રે;
ભાઈ! વણોતર તે તું ખરો, બાકી સરવ દૈવની વેઠ રે.          ૧૪

મહેતાજીએ પત્ર વાંચ્યું જે લખ્યું શ્રીમહારાજ રે;
‘ધન્ય ધન્ય માહારા નાથજી! કોણ તમ વિણ રાખે લાજ રે?’          ૧૫

છે વીરક્ષેત્ર વડોદરું, ગુજરાત મધ્યે ગામ રે;
બહરાનપુર પરદેશ કીધો ઉદર ભરવા કામ રે.          ૧૬

સંવત સત્તર તેત્રીસા વરષે ઉત્તમ માસ વૈશાખ રે,
વદિ પ્રતિપદાએ પદબંધ કીધો અંતરને અભિલાખ(ષ)રે.          ૧૭

ચતુર્વિશી નાત બ્રાહ્મણ, કૃષ્ણસુત પ્રેમાનંદ રે;
હરિકૃપાએ હુંડી કથી તે અંતર-શું આનંદ રે.          ૧૮

પદબંધ આ હૂંડી તણો થયો તે હસનાપુરી માંહ્ય રે;
શ્રોતાજન ‘શ્રીકૃષ્ણ’ બોલો: વૈકુંઠપ્રાપ્તિ થાય રે.          ૧૯