મનોહર ત્રિવેદીનાં કાવ્યો/ઈશ્વર
Jump to navigation
Jump to search
ઈશ્વર
કદી કોઈ કિલ્લે ન પુરાય ઈશ્વર,
સહુ અંતરે તો ય છુપાય ઈશ્વર,
સૌંદર્યને ફૂલ પેઠે જુઓ તો,
બની ગંધ : ઉરે વસી જાય ઈશ્વર.
જરા દૃષ્ટિ નિર્મળ ને ભીની બનાવો,
પછી આંખમાં ન્હાય – રેલાય ઈશ્વર.
નથી પારધી-તીર મૃત્યુનું કારણ –
ફકત, ક્રૂર આંખે ય વીંધાય ઈશ્વર.
કટુતા ગઈ ઑગળી હોઠથી તો,
ખરે શબ્દ શબ્દે જ ફેલાય ઈશ્વર.
બીજાનાં દરદ ગોપવી લો હૃદયમાં,
સહાનુભૂતિમાં ય દેખાય ઈશ્વર.
ઘડીભર ભૂલી દુઃખ-દર્દો હસી લો,
ફરી હાસ્યમાં એ જ સંભળાય ઈશ્વર.
અમે આ ફળીમાં બગીચો ઉછેર્યો,
મને તૃણુ તૃણે જ વરતાય ઈશ્વર.
સમયની ક્ષણોને તમે સાચવી લો,
અનુભવ કહે : એમ ઝિલાય ઈશ્વર.
બધી સ્મૃતિઓ મૌનમાં ચિતરી લઉં,
મનોહર, છબિ જેમ સચવાય ઈશ્વર.