માટીનો મહેકતો સાદ/પ્રકરણ ૧૧

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૧

કૃષ્ણ-બળરામનો રથ રેવતીના પ્રાસાદ પાસે આવી પહોંચ્યો ત્યારે સંધ્યા નમી ચૂકી હતી. ઘટાદાર વૃક્ષો અને ફૂલબાગથી શોભતા વિશાળ પ્રાંગણમાં ઠેરઠેર દીવા ઝગમગી ઊઠ્યા હતા. મહેલની ઊંચી લાંબી પડથાર અને ઝુમ્મરોથી ઝળાંહળાં થતા ખંડોમાંથી પ્રકાશનાં ઝરણાં ફૂટતાં હતાં અને છતાં લાગતું હતું કે આ પ્રકાશની રેલમછેલને કિનારે અંધકારનું ગાઢ વન ઊભું છે. ભૂખ્યા વરુઓ એનો આશરો લઈ ટાંપીને બેઠા છે. એકાદ દીવો ઓલવાય તો એ ગમે ત્યાંથી, ગમે તે પળે ગમે તેના પર તૂટી પડે. અહીં કોઈ પણ જાતના ઊભા કરેલા પ્રકાશને આધારે ચાલવું સલામત નથી અને છતાં ઘોર અંધકારના ઘેરાવા વચ્ચે ધ્રૂજતાં કિરણોને સહારે માણસ ચાલતો રહે છે. કૃષ્ણે બળરામના મુખ સામે જોયું. વરુનો પડછાયો તેના પરથી પસાર થતો દેખાયો. મહેલનાં પગથિયાં પાસે રથ ઊભો રહ્યો અને હલચલ મચી ગઈ. ઉપરના મજલેથી દેવકી-વસુદેવના ઓળા દાદર ભણી આવતા દેખાયા. અવસ્થાથી જીર્ણ તેમના પગ પર વરુએ તીણા દાંત ભરાવ્યા હતા. એક પછી એક કુટુંબીજનો, પરિચારકો, યાદવનાયકો મુખ્ય ખંડમાંથી અને બીજા ઓરડાઓમાંથી ચોકમાં આવવા લાગ્યા. કૃષ્ણ-બળરામને જોઈ સહુના જીવમાં જીવ આવતો લાગ્યો. વૃદ્ધવયે પણ સીધા સોટા જેવા લાગતા રાજવૈદ્યે બંને ભાઈઓનું સ્વાગત કર્યું. કૃષ્ણે પૂછ્યું : “કેમ છે ભાભીને?” “તમારી જ રાહ જોવાતી હતી,” રાજવૈદ્યે કહ્યું : “રેવતીદેવીમાં ઘણી પ્રાણશક્તિ છે. બરાબર ટક્કર ઝીલી રહ્યાં છે. હવે બહાર આવી જશે.” રાજવૈદ્યે ગંભીર સ્થિતિને બને તેટલી હળવાશથી કહેવા પ્રયત્ન કર્યો. બંને ભાઈઓ દેવકી-વસુદેવને પગે લાગી, કુટુંબીઓ, સ્નેહીઓને કુશળક્ષેમ પૂછી રેવતીના ખંડ ભણી ઝડપથી ચાલવા લાગ્યા. અંદર આવીને જોયું તો રેવતી શાંતપણે સૂતી હતી. માથે પાટો બાંધ્યો હતો. મુખ પૂરેપૂરું જોઈ શકાતું નહોતું. રેવતીની પાસે બેઠેલી રુક્મિણીએ નીચાં નમીને રેવતીના કાનમાં કાંઈક કહ્યું. અધબીડી આંખો ખૂલી, મોં પર સ્મિત ફરકી ગયું. બળરામ રેવતીની બાજુમાં જમીન પર બેસી પડ્યા. રેવતીનો હાથ પોતાના હાથમાં લીધો. રેવતીએ અસ્ફુટ સ્વરે કહ્યું : “આવી ગયા?” “કેમ લાગે છે?” બળરામે પૂછ્યું. “શરીરની બહુ ખબર નથી પડતી,” રેવતીએ કહ્યું. પછી થોડી વાર થંભી હૃદય ભણી આંગળીનો ઈશારો કરી કહ્યું : “ત્યાં, ક્યાંક લીલાં ખેતરો ઝૂલતાં હોય એવું લાગે છે.” આટલું કહેતાં પણ રેવતીને થાક લાગ્યો. ધીમે ધીમે, એક એક શબ્દ તોળીને તે ઉચ્ચારતી હતી, અને હજુ બીજા થાક્યાપાક્યા શબ્દો પૂરી શુદ્ધિથી બહાર આવવાની રાહ જોતા હોઠ વચ્ચે બેઠા હોય એમ લાગ્યું. માત્ર શુદ્ધિ જ નહીં, શબ્દો પાછળ રહેલી બારીક સૂઝ પણ રેવતીના ખ્યાલ બહાર નહોતી. શરીરની શિથિલતા અને ચિત્તની સજાગતા વચ્ચે સંગ્રામ ખેલાતો હતો. રેવતીને થાકનાં મોજાંઓ ઘેરી વળ્યાં, તે ચૂપચાપ પડી રહી. “રેવતીને શું આપો છો? કાંઈ પાવાનો સમય થયો છે?” બળરામે રુક્મિણીને પૂછ્યું. રાજવૈદ્ય સાથે નજીકમાં જ ઊભા રહી કૃષ્ણ વાતો કરતા હતા. રેવતીના ખંડમાં ભીડ ન થાય તેની કાળજી રાખી સ્વજનો આજુબાજુ બેઠા હતા કે ટહેલતા હતા. રુક્મિણીને બદલે રાજવૈદ્ય પાસે આવી જવાબ આપ્યો : “હું મધમાં મેળવીને એક ઔષધની માત્રા આપું છું. તમે તેના પર થોડી કાંજી આપશો તો ચાલશે.” રાજવૈદ્યે માત્રા આપી, રેવતીના શરીરમાં ચેતન આવવા માંડ્યું. બળરામ તેને કાંજી પાવા જતા હતા ત્યાં તેને હાથના ઇશારાથી અટકાવી રેવતીએ કહ્યું : “એમ નહીં. હું તકિયાને અઢેલી બેસીશ. કાંજી પીતી જઈશ,” પછી હસીને ઉમેર્યું, “અને વાત પણ કરતી રહીશ.” બળરામે રાજવૈદ્ય સામે જોયું. તેમણે અનુમતિ આપી. રેવતીને તકિયાને અઢેલી બેસાડવામાં આવી ત્યારે જ તેના માથામાં કેટલો ઊંડો જખમ થયો છે તેનો ખ્યાલ આવ્યો. ખભા અને વાંસામાં પણ મૂઢ માર પડ્યો હતો. રેવતીના માથાના વાળ કાપી નાખવામાં આવ્યા હતા. બળરામની સામે આંખો ઠેરવી તેણે કહ્યું : “લાગું છું ને હવે સંન્યાસિની!” બળરામની આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યાં. કૃષ્ણે રેવતીની નજીક આસન ખેંચી કહ્યું : “ભાભી, આપણી જીભ સાજી રહી હોય એટલે બોલવું જ એમ કોણે કહ્યું? તમે કાંજી પી લો! પછી સંન્યાસ સાથે મૌનવ્રત પણ ધારણ કરો!” રેવતીનાં વિશાળ પ્રેમભર્યાં નયનોમાં વિનોદ રમી રહ્યો. કાંજી પીતાં પીતાં તે કૃષ્ણ સામે જોઈ લેતી હતી, વચ્ચે વચન પાળતા બાળકની જેમ હોઠ બીડી દેતી હતી. આ ગમગીન અને ગંભીર સમયે પણ સહુ હસી પડ્યા. કૃષ્ણે હાર કબૂલ કરતા હોય એમ હાથ જોડી કહ્યું : “કાંઈ વાંધો નહીં, બાપુ! શ્રમ ન પડે તેમ ધીરે ધીરે તમે થોડું બોલજો. હોઠ સીવી લેવાની જરૂર નથી.” રેવતીએ સ્મિત કરી સહેજ માથું નમાવ્યું. તેના ચહેરા પર વિલક્ષણ ફેરફારો થતા હતા. થોડી વાર તેનો આખો ચહેરો પ્રકાશિત થઈ ઊઠતો હતો, સ્વર અત્યંત સ્પષ્ટ બની જતો હતો. પણ પછી સઘળું ચેતન હરાઈ જતું હોય એમ લાગતું હતું. તકિયા પરથી માથું સરી પડતું તેને માત્ર ઇચ્છાશક્તિને જોરે તે સ્થિર રાખતી. બળરામને વધુ નજીક લાવી તે ધીમે ધીમે, તૂટક તૂટક સ્વરે કહેવા લાગી : “રામ, મારું બાળપણનું સ્વપ્ન તમે સાચું પાડ્યું. પીપળાની ઘટા નીચે મેં કોશ ચલાવ્યો. પણ બધા જ ક્યારા સુધી પાણી ન પહોંચ્યું. કોશ તૂટી પડ્યો." બળરામે તેને વચ્ચે અટકાવ્યા વિના બોલવા દીધી. તેના દુર્બળ હાથને ઊંચો થતો જોઈ બળરામ તેને હળવેથી નીચે રાખી પસવારવા લાગ્યા. રેવતીએ વાતનો તંતુ સાંધી કહ્યું : “તમે કોશ ચાલુ રાખશો ને રામ, તરસ્યા ક્યારાને મારા વતી પાણી પાશો ને?” બળરામનું હૃદય ભરાઈ આવ્યું. પણ આંસુને પાછાં ઠેલી, અવાજને અકંપ કરી તેમણે રેવતીનાં આંગળાંમાં પોતાનાં આંગળાં પરોવી દીધાં. કહ્યું : “રેવતી, હજુ આપણને ઘણો સમય છે. આપણે સાથે જ આપણું સ્વપ્ન પૂરું કરીશું. જોજે ને-” રેવતીએ ડોકું હલાવ્યું. આંખો મીંચી ક્યાંય સુધી પડી રહી. તેને ફરી સુવરાવી દેવામાં આવી. શ્વાસની ધમણ રહી રહીને બોલતી હતી. લાંબો ગાળો વીત્યા પછી સમગ્ર શક્તિને એકઠી કરી વિરામ ખાતી ખાતી રેવતી બોલી : “સમય નથી. મારી ચિઠ્ઠી ફાટી ગઈ છે. પણ તમારો સાથ નહીં ચૂકું, રામ! તમે આપણી ભૂમિનો સાથ છોડશો મા!” આટલું કહી ઘેરા મૌનમાં ડૂબકી મારી કોઈ ઊજળું મોતી લઈ આવી હોય એમ જરા ઊંચેથી બોલી ઊઠી : “તમે સાદ પાડશો ને રામ, તો હું ભૂમિમાંથી જવાબ આપતી રહીશ.” બળરામે રેવતીના કપાળ પર હાથ ફેરવ્યો. પરસેવાનાં બિંદુ લૂછ્યાં. મુખ પાસે મુખ લાવી કહ્યું : “નહીં ભૂલું રેવતી, બીજું કાંઈ?” "બીજું તો-" વળી જવાબ આપવા જતાં લાંબો ગાળો વીતી ગયો. બળરામના મનમાં રેવતીનું પ્રથમ મિલન અને ત્યાર પછીના અનેક પ્રસંગો રમવા લાગ્યા. રાજરાણીના વાઘા ઉતારી નાખી તે કેવી ગ્રામીણ સ્ત્રી બની ગઈ હતી! તેમણે સાથે ગંગા, યમુના, શતુદ્રિ અને પરુષ્ણીને કિનારે કિનારે યાત્રા કરી હતી. સૌરાષ્ટ્રની ભદ્રા અને શત્રુંજયી તો તેની જાણે ગોઠિયણ હતી. રેવતી કહેતી : આ કાંઈ કેવળ પાણીના પ્રવાહો થોડા જ છે! વિશ્વંભરા પૃથ્વીની ધોરી નસો છે. વનો અને કૃષિક્ષેત્રો માટે લહેરાતી આનંદધ્વજાઓ છે. જ્યારે ખેતરો પર મેઘ ઝૂમી પડતા કે નહેરો વાટે નદીનાં જળ ખેતરોમાં ખળખળ વહેતાં ત્યારે રેવતીનો આનંદ સમાતો નહોતો. બળરામનો હાથ ઝાલી એ નૃત્ય કરી ઊઠતી. ગ્રામસ્ત્રીઓને કંઠે સાંભળેલાં ગીતો ગાઈ ઊઠતી. કેટકેટલાં રાતદિવસ તેમણે ભારતના જુદા જુદા પ્રદેશોમાં આ ગ્રામજનો વચ્ચે ગાળ્યાં હતાં! બળરામને ખરા ભારતનો પરિચય કરાવ્યો રેવતીએ. રેવતી બેચાર નેસડા કે કૂબાઓની વસ્તી જોઈને કહેતી : રામ, આપણી રાજધાની જોઈ! મોટાં નગરોમાં જવાનું થતાં તે ક્યારે મહેલોમાંથી નીકળી જતી તેની રાજવંશીઓને ખબર પણ ન પડતી. બળરામને સાથે લઈ તે લુહાર, સુતાર, કડિયા, કુંભાર કે વણકરોના વાસમાં જઈ ચડતી, તેમનું આતિથ્ય માણતી, તેમની સાથે ઘરોબો બાંધી આવતી. બળરામને કહેતી : આપણા ક્ષાત્રવીરો જેમને તુચ્છકારથી વસવાયાં કહે છે, એમનો રોટલો સાજો છે, એમને આંગણે ભિક્ષાન્ દેહિ કરી ઊભા રહેતા અકિંચન બ્રાહ્મણને ચપટી લોટ મળી રહે છે ને ગામને પાદર ધૂણી ધખાવી ઊપડી જતો રમતારામ સાધુ આ ભારતમાં છે ત્યાં સુધી આ દેશને ભાંગી પડવાનો ભય નથી. બળરામની નજર સામે એક દૃશ્ય તો વારંવાર તરવા લાગ્યું. રેવતી કેટલા ભારપૂર્વક ‘પૃથિવી સૂક્ત’નો પાઠ કરતી! કેટલીયે વાર બળરામને પાસે બેસી એ સૂક્ત સંભળાવતી. કહેતી : “માતૃભૂમિનું મહિમાગાન છે આ તો. ભારત આ એક જ સૂક્ત યાદ રાખશે ને, તો કોઈ સત્તા તેનો સંહાર નહીં કરી શકે. તેના ક્ષુધિત, પીડિત, પરાજિત પ્રાણને ધરતી સદાય અમૃતથી ધવરાવતી રહેશે.” બળરામ રેવતીના ફિક્કા પણ ફોરમતા ચહેરા સામે જોઈ રહ્યા. તેમનો અંતરાત્મા જાણી ગયો હતો કે હવે ઝાઝી વાર નથી. છતાં રેવતીનું જે અંતરતમ પ્રાણતત્ત્વ હતું તેની સાથે તે બળરામનું સૂત્ર પરોવી જતી હતી. બળરામના હૃદયમાં આવી વસમી વેળાએ પણ હાસ્ય ફરકાવી જતો વિચાર ઝબકી ગયો : “અરે, અમારાં નવેસરથી ઊજવાતાં લગ્નની આ મંગલ ઘડી તો નથી ને!” રેવતીએ આંખો ખોલી. ઊંડા ઊતરી ગયેલા શબ્દોને ફરી હોઠ પર લાવી બોલી : "બીજું તો-" “શું?” બળરામ વધુ નજીક સર્યા. રેવતીએ શૂન્યમાં અપલક નેત્રો માંડી કહ્યું : “આ સામે જ મેઘધનુ ખીલ્યું હતું અને એના રંગોમાંથી એકીસાથે સાત સાત સૂરો બજતા સાંભળતી હતી, રામ!’ નાના બાળક જેવું આશ્ચર્ય રેવતીના મુખ પર છવાઈ ગયું. “એવું કાંઈ હોય? રંગોમાંથી સૂર! અને સૂરમાં રંગ! આ તે કેવું!” પછી મનોમન સમાધાન વળતું હોય તેમ બોલી : “ક્યાંક એકમાં બધું જ છે, બધું જ. નિરાળું ને એક.” અચાનક યાદ આવી ગયું હોય એમ બળરામ સામે હસી પૂછ્યું : “આનંદમાં ને?” “આનંદ,” બળરામ માંડ બોલી શક્યા. રેવતી પર ફરી થાકનું મોજું ફરી વળવા માંડ્યું. અસ્ફુટ સ્વરે એટલું બોલી શકી : “ગોપાલને બોલાવો.” બળરામ કૃષ્ણને બોલાવી લાવ્યા. વસુદેવ, દેવકી અને રુક્મિણીને આરામ કરવા મોકલી કૃષ્ણ રાજવૈદ્ય સાથે પરસાળમાં બેઠા હતા. કૃષ્ણે રેવતીના માથા પર હાથ મૂક્યો. રેવતીએ ધીરે ધીરે આંખો ઉઘાડી. હોઠ ફફડ્યા. કૃષ્ણ શબ્દો ઝીલવા નમ્યા. રેવતી કહેવા લાગી : “ગોપાલ, તમારી આટલી નજીક રહી તમને ન ઓળખું એટલી મૂઢ નથી. અને છતાં, તમારી મજાક ઉડાવી છે તેની માફી નહીં માગું.” કૃષ્ણે રેવતીને શ્રમ પડતો જોઈ તેને બોલતી અટકાવી કહ્યું : “તમારો એ અધિકાર છે, ભાભી!” પછી સ્થિર દૃષ્ટિ માંડી પૂછ્યું : “કહેવું છે કાંઈ?” રેવતીનો શ્વાસ મંદ પડતો જતો હતો. રાજવૈદ્યે આવી નાડી તપાસી. એકાદ ગુટિકા ઘોળી આપવા જતા હતા ત્યાં કૃષ્ણે હાથથી ના પાડી. રેવતીના કપાળ પર તેમણે હાથ ફેરવ્યો. રેવતીએ આંખો ખોલી. તેના ચહેરા પર અપાર્થિવ ઝલક પથરાઈ ગઈ. અત્યંત સ્પષ્ટ સ્વરે તે બોલી : “ગોપાલ, મારાં મૃત્યુનાં બંધન કાપી નાખો, અમૃતને બંધને મને બાંધી આપો!” કૃષ્ણ રેવતીના ઓશીકા પાસે બેઠા, ધીમે ધીમે માથે હાથ ફેરવતા કાન પાસે મોટેથી બોલવા લાગ્યા : “ગતા : કલા : પંચદશ પ્રતિષ્ઠા, દેવાશ્વ સર્વે પ્રતિ દેવતાસુ-શુદ્ધ ચૈતન્યની પંદર કળાઓ લીન થાય છે, લીન થતી જાય છે, તલ્લીન, તત્ત્વમાં લીન. ઉદય પામે છે તેની ષોડશી કલા, અક્ષય કલા, અમૃત કલા, કાલાતીત કલા.” કૃષ્ણ ઉચ્ચ સ્વરે એક એક શબ્દ પર ભાર દઈ કહેવા લાગ્યા. તેમનો અવાજ સાંભળી આજુબાજુના ખંડમાંથી કુટુંબીજનો આવવા લાગ્યાં. વસુદેવ અને દેવકીને પણ કોઈ બોલાવી લાવ્યું. કોઈએ સુવર્ણદીપિકામાં ઘીના પાંચ દીવા ચેતાવ્યા. ચંદનના ધૂપથી વાતાવરણ મઘમઘી ઊઠ્યું. સહુ મૌનનો સાકાર પિંડ બનીને ઊભાં હતાં. એક કૃષ્ણનો સ્વર સંભળાતો હતો, જાણે નદીને સમાવી લેતા મહાસાગરનો સ્વર. “લીન, લીન, તલ્લીન. ઇંદ્રિયો વિરામ પામે છે. તેમના દેવતત્ત્વમાં ભળી જાય છે. પરમ શાંતિ. પરમ આનંદ.” રેવતીના મુખ પર ઉજાસ છવાયો. કૃષ્ણે વધુ નમીને પૂછ્યું : “સંભળાય છે?” રેવતીએ સ્મિત વેર્યું. કૃષ્ણ બોલતા ગયા : “અકામ સ્વરૂપ, નિષ્કામ સ્વરૂપ, આત્મકામ સ્વરૂપ! પ્રકાશમાં આથમે છે મન, બુદ્ધિ, અહંકારના પડછાયા. પરમ ચૈતન્યમાં ઓગળી જાય છે, પીગળી જાય છે, એકરસ થઈ જાય છે સહુ રસવૃત્તિઓ. શાંતમ્, શિવમ્, અદ્વૈતમ્, અદ્યૈવ, અત્રૈવ, ઇહૈવ, આ પળે જ, આ સ્થળે જ, આ લોકમાં જ શમે છે પ્રાણ. ક્યાંયે ઉત્ક્રમણ પામતા નથી. શમી જાય છે, સ્વાતંત્ર્યમાં, સ્વાનંદમાં, સ્વરૂપમાં. શાંતિઃ શાંતિઃ શાંતિ.” રેવતીનો શ્વાસ મંદ મંદ થતો ક્યારે વિરમી ગયો તેની ખબર પણ ન પડી. કૃષ્ણે તેના કપાળ પરથી હાથ ઉપાડી ઊંડો શ્વાસ લીધો. તેમના ગંભીર વદન પર આકાશની ગહનતા ઊતરી આવી. બળરામ કૃષ્ણની સાથે પોતાનો સ્વર મેળવવા મથતા હતા. કૃષ્ણના અવાજમાંથી ઊઠતાં આંદોલનો વાતાવરણમાં એક વિદ્યુતસંચાર કરતા હતા અને બળરામનું હૃદય રેવતીના હૃદય સાથે જાણે તાલ મિલાવતું હતું : પ્રેમ, આનંદ, અભેદ. પણ રેવતીએ છેલ્લો શ્વાસ મૂક્યો અને બળરામે બાંધેલા ધૈર્યના તમામ બંધ તૂટી પડ્યા. એ ક્ષણે સંબંધના તમામ સેતુઓ ઊખડી પડ્યા હોય એમ તેમનું હૃદય હાહાકાર કરી ઊઠ્યું. બળરામના છાતીફાટ આક્રંદથી મહેલના પથ્થરે પથ્થર કંપી ઊઠ્યા.