માડી મને સાંભરે રે/મા જૂજવા રૂપે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૩.
મા જૂજવા રૂપે

મધુકાન્ત કલ્પિત

સંધ્યાકાળ વીતી ગયેલો. લાકડાની દીવાધર પર મૂકેલા ઑહના દીવાના અજવાળે મા દાથળામાં ઘૅંશ ઓતતી હતી. દાથળાના ગોળાકારે બહેનો રમતી હતી. એમની પછવાડે હું ઝીણી ડગલીઓ ભરતો હતો. માના મોંમાં જ શબ્દો હશે,’ અલી છોડીયો, ભઈ પડસે. હાચવેજો...’ બહેનો તો રમતમાં ગુલતાન. મા ફાળભરી લાંબી થાય ત્યાં સુધીમાં તો હું લથડી ચૂક્યો હતો. મારો હાથ સીધો દાથળાની ગરમલ્હાય ઘેંશમાં સરકી ગયો. માએ મને તરત ઊંચકી લીધો. હાંફળીફાંફળી મા મારા માથે હાથ ફેરવતી જાય, હાથ પર હળવી ફૂંકો મારી ઝટપટ ઘેંશ સાફ કરતી જાય. હાથ પર નકરા ફોલ્લા જોઈ, દાઢો કચડતી છોકરીઓને મારવા ઘૂરકિયાં કરે. હાથ લૂછવા જતાં, કેળા ઉપરથી છાલ ઊતરે એમ કૂણી ચામડીનો આખોય પોપડો ઊતરી ગયો. જોઇને મા તો હકબક. પછી તો માએ કાંય ઉધમાત કર્યો છે ! ચીસચીસ કરતી રુવે, કકળે; ને ઝટિયાં ચૂંટે. દુસમુસ જાણે ગાંડી ! હોબાળાથી દોટમદોટ આખું ફળિયું ઘરમાં ઊભરાઈ આવ્યું. જે આવે તે દેશી ઉપચારની ઢગલાબંધ સલાહો આપે. મા બેબાકળી બોળી ઊઠે. ‘કોઈ એકાદુ બોલો તો કશી હુઝેય પડ્‌અ...’ ઓસડિયાના એ ધમાલામાં માએ પછી એવો પગ ઊભો કર્યો કે મહિને દાડે મારા હાથે રુઝ લાવી ત્યારે જ ‘હાશ’ કરીને હેઠી બેઠી. આજેય મારા હાથ પર રહી ગયેલ એ ડાઘ જોઉં કે તરત માની વ્યાકુળતા ફરી આંખ સામે તરવરી ઊઠે. વાસના નાકે પ્રાથમિક નિશાળ. એના પટાંગણમાં પુષ્કળ લીંબડા. એક લીંમડા નીચે મારું એકડિયું બેસતું. વાસના અમે બેચાર છોકરાં છેલ્લી હરોળમાં બેસી ભણતા. ક્યારેક જોડાજોડ બેસવાના પ્રશ્ને હમતમ થતી. હુંસાતૂસમાં ક્યારેક ઝઘડી પડાતું. એક વાર આવી જ કોઈ વાતમાં વર્ગનાં છોકરાં ઉશ્કેરાઈને મને મારવા ફરી વળ્યાં. કોઈ જોનારે વાસમાં જઈ માને વાત પહોંચાડી. ‘તમારા છિયા ઉપર તો ગાંમના ચેટલા નેંહાળિયા ધસી આવેલી. જોયું તો હું તળે દટાઈ ગયેલો અને મારી ઉપર ખાસ્સા છોકરાઓનો ઢગલો. ‘ઓ તમારા બુક્કા કૈડું...’ મા તૂટી પડી ધીબવા. બાવડે ઝાલી ઝાલીને છોકરાને વીંઝોળી નાખ્યાં છેટે. માસ્તર વચમાં પડ્યા, તો બોલી. ‘છોકરાન ભણવા મોકલી ય સીય. તમારી માર ખાવા નંઈ, આંતડે ગાંઠો બાંધીય સ તાણ છિયાં મોટાં થાય સ, હમજ્યા ? હવ પસ આંગળીએ અડાડી સ તો ચિયાક ન...’ છોકરાં ઊભાં ચઢી ગયેલાં. હું થરથર ધ્રૂજતો માના સાડલા ઓથે લપાયે જતો હતો. માસ્તર કહેતા હતા. ‘તમે આમ નિશાળમાં આવી છોકરાંને જાતે મારપીટ કરો તે કંઈ ચાલતું હશે ? અમને ફરિયાદ તો કરવી જોઈએ ને ?’ માનો પિત્તો ગયેલો. ‘હેંડ હેંડ ફરિયાદવાળી. મારો છોકરો આટલો ફેંદઈ જ્યો સ એયે આંશે નહીં દેખાતું ? મન ન ઈમ ક નેંચી વૈણ ન સ તે વેઠી લેસે. પણ એ જમાંના જતા ર્‌યા, હોં ?’ મા સમસમતી મને લઈ ઘેર આવેલી. મારાં બધાં લૂગડાં ઊતરાવી, આખાયે શરીરે વિહ્‌વળ હાથ ફેરવી ‘ચાંય કથલુ વાજ્યુ તો નહીં ?’ ની પાકી ખાતરી કરી લીધેલી. માથામાં આંગળીઓ ઘસતાં ઘસતાં ‘ગાંમના દિયોરોએ છોકરા ન ચેટલો રગદોળ્યો સ, ઈમનું બેંટ જાય...’ બોલતી વાળ ખંખેરવા વળગી પડેલી. ખાસ્સી ધૂળ લીંપણની ઓકળિયો પર છવરાઈ ગયેલી. કાળી મજૂરીએથી મા બળીઝળી ઘેર આવી, ખાધું ના ખાધું કરી બપોરે ઓસરીમાં સાવરણી પર માથું ઢાળી ઘડીક આડા પડખે થઈ હોય, ને લાગ જોઈ હું રમવા નાસી જાઉં. હું ગામ તળાવે નહાવા જાઉં કે કાતરા પાડવા આંબલિયે ચઢું એ વાતની માને સતત ફડક રહેતી. માને સાત છોકરીઓ ઉપર હું એકલો જ પુત્ર. બધાંમાં હું પાછો વધુ તોફાની. મારા ઉપર એટલે જ માની ચાંપતી નજર રહેતી. ક્યારેક તો ભાગોળે થોરિયાના ડેંડા પર ચંબૂ ભરાવી, વાસના સરખા છોકરાઓ સાથે આંબલીની છેવાડી ડાળે એટેસથી કાતરા તોડતો હોઉં ને માનો ચિંતાતુર ચહેરો ડોકાય. છાકોટો પાડ્યા પછી મા મનોમન સોસવાઈ જાય. ‘હાચવી ન હેઠો ઊતર, બાપા. પડે પાછો...’ મા ઊભી હોય થડ પાસે, પણ એનો જીવ ટીંગળાયો હોય અધ્ધર. મને નીચે ઉતરવામાં મદદ કરવામાં હાથ લંબાવે. નીચલી ડાળે બેઠો બેઠો પગ હલાવતો જતો હું માને ચીમકી આપું.’ છેટે જઈ ન ઊભી ર, નકર ભૂસકો મારેશ.’ ડરની મારી મા મને વશ થાય. ‘હારુ, આંય છેટી ઊભી રઉ સું, બસ ?’ મા આઘીપાસી થાય એ અરસામાં કૂદકો મારી હું હેઠો પડું એવો જ ભગું. મનો જીવ એક પળ તાળવે ચોંટી જાય. પછી તો દાંત કચકચાવીને, હાથમાં ધોકો ઉલાળતી મારી પાછળ પાછળ દોડતી આવે ઘેર. ચીંથરાળ ગોદડાંના ડામચિયા પાછળથી મને શોધીને બહાર કાઢે. લૂગડાં ઝૂડતી હોય એમ મને ટીપી નાખે. બીજી જ પળે પાણીમાં ઢેફું ઓગળે એમ માનો ક્રોધ ઓગળી જાય. બાથ ભરી મેન છાતી સરસો ભીંસી લે. રડમસ ચહેરે, ડુમાતા સ્વરે માત્ર આટલું જ બોલી શકાય માથી, ‘ભાના દિયોર, હખણો રતો હોય તો...’ બાકીનું ગાઢ આશ્લેષમાં ડૂબી જાય. માની હૂંફ મને ડાહ્યોડમરો બનાવી દે – બે ઘડી પૂરતો... ઘર તો પહેલેથી જ ખાદીલું. મારાથી ત્રણ બહેનો મોટી. એમનાં લગ્ન, આણાં-પિયાણાં અને દાદા પાછળના કાળજમાં ઘર પીંજાઈ ગયેલું. મા કહેતી, ‘હુલ્લી ભરીન ચાંદીની જણસો અતી. સુ કરીય ? ટાંણાં હાચવવા મ આમ બાવળીયા જેવી ઉઘાડી થઈ જી.’ મા એની ઉંમર જેવડો નિસાસો નાખતી. પિતા ઉજળે વાન. ઝાઝો તાપ ખમાય નહીં એટલે બને તેટલી ઓછી મજૂરી કરતા. ઘરાક-ગાંડી અને ચાંબડ-છાંડની મામૂલી આવક ખરી. પણ એમાંથી તો ખાવાનુંયે માંડ નભતું. મા રાત-દિવસ, ભૂખી-તરસી વૈતરું કૂટતી ઘરમાં ઘંટી. તે પરોઢિયે ઊઠી દળવું પડતું. કૂંડમાં, ચામડું રંગમાં નાખ્યું હોય ત્યારે સાઠ હાથ ઊંડા કૂવામાંથી પાણી ખેંચી ગામ છેવાડે ઠેઠ કૂંડે પાણી રેડવા જવું પડે. આમાંથી પરવાળે ના પરવાળે ત્યાં ગામમાં છાશ લેવા જવાનું હોય. ઘણી વાર હું મા સંગાથે જવા હઠ કરું. મા દહેશત રજૂ કરે, ‘તું અળવિતરો ગામ મ હખણો હેંડેસ નઈ...’ હું ખભા ઉલાળું. ‘હેંડેશ, બસ ?’ ખાતરી આપું. મા મને આંગળીએ વળગાડી છાશ લેવા ઊપડે. વારંવાર ઊતરી પડતી ચડ્ડી ચડાવતો હં માની પૂંઠે ઉત્સાહભેર ડગલાં ભરું. એક ઘરની ખડકી બહાર બેસી, બે પગ વચ્ચે કોળી દોણી અને પડખામાં મને સાચવતી મા બૂમ મારે. ‘મણીમા, મુ આઈ સુ...’ થોડીક વારમાં વૃદ્ધ ડોશી બહાર આવે. સાડલાની પલ્લીઓ બે પગ વચ્ચે દબાવી, છાશનું વાસણ બને તેટલું ઊંચે રાખી ડોશી ઝીણી ધારે દોણીમાં છાશ રેડે. મારી સામે જોઈને મલકાય. મા મૂંઝાય. ‘નસેને આવોય રમત મ ડોશી ન વળજી ના પડ્‌અ.’ મા મને મજબૂત પકડી રાખે. હું છટકવા ઘણાયે ધમપછાડા કરું. નિરુપાય બની છેવટે બહાનું કાઢું. ‘બઉ તરસ લાગી સ.’ મા સટ્ટાક મને તમાચો ચોડી દે. ઝટપટ દોણી ઉપાડી મને ઢસડતી હોય એમ માઢ વટાવી ચાલી નીકળે. વૃદ્ધા આ બધું અસહાય જોયા કરે. ઘેર આવી મા મારાં સુકાવા આવેલ આંસુ લૂછતી ફોસલાવે. ‘ગાંમ મ જઈય તાણ કદી પાંણી ના માગીય, બેટા...’ ‘એવું ?’ હું આંખો પહોળી કરી આશ્ચર્ય વ્યક્ત કરું. મા મને બકી કરે. હું પોમાઈ જાઉં. તાલબદ્ધ દસશેરી હલાવતો પૂછી નાખું. ‘ન તરસ લાગી જાય તો ?’ આ વખતે મા મને મારે નહી. લાંબો નિશ્વાસ નાખી દૂર દૂર તાકી રહે. મા મોટે ભાગે હસતી નહીં તે સારું હતું. તાપમાં શેકાયેલ રુક્ષ ચામડીવાળો ચહેરો એથી તો કેટલો બિહામણો લાગ્યો હોત ! હા, મા ઉશ્કેરાયેલી રહેતી. આવા સમયે તો માના સપાટે જે ચડ્યું એની જાણે ખેર નહીં. એક વાર કામસરામાં દાડિયાં કરવા મુખી હાથમાં ઝેડિયો હિલોળતા આંગણે આવી ઊભા. ‘ચ્યાં જ્યાં મેનાં વઉ ?’ મુખીએ હાક મારી. માને પૃચ્છા કરવાની આ રીત સહેજે ગમી નહીં. લાજ કાઢી મા બારણા વચ્ચે આવી ઊભી. મોં બગાડીને બોલી. ‘મુખી થ્યા તોય હજુ બોલત્‌અ નથી આવડતું, ભા. ધરમ મુ વઉ ફરુ સુ ન તમે મારી ઘૈડી હાહુ ન વઉ કૉ સો ? તમારા મન મ અમે છેંકણીનાય તોલ મ નહી, ઈમ ન ?’ ધૂંઆપૂંઆં થઈ ઊઠેલ આધેડ મુખી દાડિયાંની વાત કરવાયે ના રોકાયા. લટ લઈ ગામમાં જતા રહ્યાં. પિતાજી તો જાણે ‘કાળોકેર’ થઈ ગયો હોય એમ માને ડૂં ખરાવવા માંડ્યા. ‘મુખીનો કડપ બઉ ભારે સ. ભલભલાથી મુખી હાંમા નહી બોલાતું. તુયે મુખી ન ખીજવ્યા એ કાંમ હારુ ના કર્યું.’ માએ લાપરવાહીથી જ જવાબ વાળ્યો. ‘ચમ, મુખી સ તે જમ તમ બોલી જાય તોય હાંભરવાનું ? હઉ હઉની રીત મરય વળી...’ ગમે તેમ, પણ તે દિવસથી મુખી મારી દાદીને માનભેર બોલાવતા થયેલા. આખો દિવસ હાયવલુરો ને રાત્રે જીવને ચૂંથતી જરોજથામાં માનુ ગાડું ગબડયે જાય. સૂતી વેળા, જો લગીરેય નવરી પડી હોય તો મારા માથામાં આંગળીઓ ફેરવતાં ફેરવતાં મા કોઈ પરીકથા કહેવાને બદલે નિજી કથા ઉચ્ચારી બેસતી. ‘કદી ટપલીયે ના મારું બેટા. પણ સું કરું ? વિયાદીઓ મ ઍવી જધઈ જઉ સુ ક...’ મા આગળ બોલી શકતી નહીં. પારેવું ગળું ફુલાવે એવો માત્ર અવાજ ક્યાંય સુધી સંભળાયા કરતો. આ આપદાઓમાં સહાયભૂત થવા મારું મન તરંગો કરે. સિઝનમાં બાપુજી કોસ બનાવવા બેઠા હોય ત્યારે હુંયે કોટિયાં ચોડાવવા લાગી જાઉં. માના મનમાં તો ત્યારેય વૃક્ષ પરનાં પાંદડા જેમ ચિંતા જ ફરફર્યા કરતી હોય. બાપુજી ખીજવાય. ‘તું ચાંટ ન એક બાજુ. કાંમ શીખવું અસે તો આરની બીક રાખ્યે ચમ પાલવશે ?’ મા ભાગેલ પગલે ઘરમાં જઈ ભરાતી. ચૂલા આગળથી શબ્દો સંભળાતા ‘કાંઠા કરમ ન સીય ભઈ, નકર તમન આમ અતારથી મજૂરીએ જોતરવાના હોય ?’ મા પછી તો નસીબનેય પેટ ભરીને ભાંડી નાખતી. મને તો ભણીગણીને સારી નોકરી કરવાના મનસૂબા. પણ શહેરમાં જઈને આગળ ભણાય એવી ઘરની સ્થિતિ નહોતી. તકલીફો વેઠી લઈનેય આગળ ભણવાનો નિર્ધાર મેં બાપુજીને જણાવ્યો. બાપુજી તાડૂકેલા, ‘અમદાદ મ કુણ તમારું રેદુ ભરસે ? ચાંથી ભણસો ? ભણીનેય તમને કુણ સાયેબ બનાવવાનું સ ? ગાંમડું તો બાપદાદાની થાંભલી સ. ઈના વરુંદે જ પેટ ભરાસે.’ મા ગભરાતી ગભરાતી વચમાં બોલી પડી. ‘કઉસુ, આપડા ભેંડી કૂટતાં ભવ જ્યા. આ એક છોકરું સ તે ઈન યે આંમ વૈતરાં મ કૂટાતું કરવુ સ ? ભણી ગણી ન આપડું ગામ ચેવું બદલઈ જયુ સ એ તો જોવો ? ન હાચુ કઉ તો ભણતર વના કસુંય નઈ...’ બાપુજીનો મિજાજ ગયો. ‘તન કુણ ડાપણ ડૉળવાનું કીધુ સ તે વચ મ લપ લપ કરવા મંડી ? તેં જ ફટવી માર્યો સ ઈન.’ મા ઝઘડી બેઠી. ‘એટલે ઘર મ મન કશી વાત કરવાનો યે અધિકાર નહી, ઈમ ? કાંન ખોલી ન હોંભરી લો તાણ. મજૂરી કરી ન તો મુ નેંચેવાઈ જઈ સુ. છોકરાનું ભવિસ સુધરતું અસે તો મુ જીવતર આખું તરીલાં તાંણેસ. પણ...’ માને મેં પરાણે શાંત પાડી. વહેલી સવારે બાપુજીની ખફગી વહોરી લઈને હું શહેરમાં જવા ગાડીએ ચાલી નીકળ્યો. બાપુજીના ડરથી મા જાજરૂ જવાના બહાને ચંબૂ લઈ મને રસ્તામાં મળી પહોંચી. મા ખૂબ હતાશ અને લેવાઈ ગયેલી. ‘તારા બાપના બોલ્યા હાંમુ ન જોતો. હારી રીતે ભણજે. પાસુ શેર સ ભઈ. લાખ મલસે પણ શાખ નઈ મલ્‌અ. સું કીધું ? લાંબા હાથે ચંબૂનું પાણી ઢોળી નાખી મા સડસડાટ ચાલી નીકળી. મારો પ્રતિભાવ જાણવાયે ના રોકાઈ. કદાચ પૂર આવેલી બેય આંખોમાં મા મને ડુબાડી દેવા નહોતી માગતી. જીવાયેલ જીવનની સંકડાશ, વિષમતા અને અભાવોએ શહેરના કૉલેજકાળ દરમ્યાન મને વધુ સમાજાભિમુખ કર્યો, નાની મોટી સામાજિક પ્રવૃત્તિઓ મનમાં ઊગી આવતી. ઉત્સાહી યુવાનો એને સાકાર કરતા. અમારી આ પ્રવૃત્તિઓમાં સ્રીઓ પણ એટલો જ રસ લઈ કામ કરે. એક સ્રી સાથે પરિચય વધતાં મિત્રતા બંધાઈ. અમે સાચાં, અમારો અર્થ સાચો. છતાં હોહા થઈ. મારી જ પછાત જાતિની પણ જુદી વર્ણની એ સ્રી અપૂરતી જાગૃતિવાળા અને ટૂકી સમજ ધરાવતા સમાજના રોષનું કારણ બની. ખાસ્સું છિન્નભિન્ન થવાયું. મારો બેસાડેલો અર્થ સાચો ઠેરવવા હુંજ જિદ્દી. સૌ સમજાવે, પણ વ્યર્થ. ગામડેથી મા આવી. ‘ભઈ, તમ ન મુ સુ હમજાવું ? તમે હાત હાચા સો. પણ આ તો પાડાના આંકે પખાલી ન ડાંમ ચોડાય સ. આંમ જોવો તો એયે અન્યા જ સ ન, ભઈ ?’ માની ઊંડી ઊતરી ગયેલ આંખોમાં તગતગતી યાચનાએ મને પોચો પાડી દીધો. તીક્ષ્ણ ધારથી પાતળી ડૂખ કપાય એમ મારી જીદ ટચાક્‌ દઈને કપાઈ ગઈ. મને નોકરી મળ્યા પછી તો ઘરમાં સૌ રાજી. મા વિશેષ. મારી પત્નીને, બાળકોને મા જીવ પરાણ રાખે. મા હવે વધુ પ્રેમાળ લાગતી. એકવાર વતનમાં જવાનું થયું. સાંજે જમી પરવાળી, મોડે સુધી સુખદુખની વાતો કરી સૂઈ ગયાં. હું તો પડ્યો એવો જ લટી ગયો. માને તલભાર જંપ ના વળે. ઊઠે. મને ઓઢાડે. સૂઈ જાય. ઘડીમાં ફરી ઉઠે. ઓઢાડેલું સરખું કરે. હું વારંવાર જાગી જાઉં. પરોઢિયે મેં છાંછિયું કર્યું. જપતી નથી કે ઘડીવાર શાંતિથી ઊંઘવાયે નથી દેતી.’ મા કશું જ મનમાં લાવ્યા વિના કહે, ‘આ ગોદડું એવું ટૂંકુ, સ તે ઘડી મ માથું ખૂલ્લુ રય સ ક ઘડી મ પગ ઉઘાડા થઈ જાય સ. ન આજ તો બળ્યો વાયરોયે એવો ફૂંકાય સ ઠંડો હેમ ?’ પગભર થાઉં ત્યાં જ મને જીવલેણ બીમારી આવી. હૃદયના વચ્ચેના વાલ્વમાં ખરાબી થયેલી, જેથી હૃદયનો દુખાવો અને લોહીનું નીચું દબાણ સતત પજવે. તબીબોએ વાલ્વનું ઑપરેશન કરાવી લેવાની સલાહ સાથે હૉસ્પિટલમાંથી રજા આપી. હું ખાટલાવશ. ને તાકડે બાપુજી માને મોતિયો ઉતરાવવા માટે લઈ આવ્યા. મેં મારી નાજુક સ્થિતિ સમજાવી. હું થોડોક ટકતો થઈ જાઉં ત્યાં સુધી રાહ જોવા કહ્યું. બાપુજી અડગ. ‘મોતિયો ફાટી જાય તો ઓંશ હમૂળગી જાય. આવી રાહ તો ના જોવાય.’ મારા દર્દને દબાવી રાખી મેં માને હૉસ્પીટલમાં દાખલ કરી. મોતિયો પાકી ગયો હતો. ઊતરાવ્યો. રૂમમાં બે બીમાર ખાટલા. એકમેકની સામે જોઈ અમે જીવ બાળીયે માની રજ જેટલીયે ચાકરી ન કરી શકવાનો રંજ મારા મનને કોરી ખાય. સગાં ધૂમ આવે. ખાય, પીવે. મેળા જેવું જામે. આલમેલ અને પહેરામણી–ઓઢામણીની છાલક ઊડે. ઘણાં ગુલતાન કરે. ઘણાં છપ્પન ઉપાધિઓનાં પોટલાં છોડી પોતાપોતાની રેકર્ડ પોતાની રીતે વગાડે. વચ્ચે વાત સાંધી, મારી બીમારીના કિસ્સાને મલાવી વધુ દર્દી લો બનાવે. કેટલાંક આંતરડી કકળાવે. મા આંસુ વહાવે. હુંય વ્યગ્ર બની જાઉં. પણ શું થાય ? હું વધુ કથળ્યો. રડી રડીને માના તાજા મોતિયા વાળી આંખ પણ બાતલ ગઈ, તંગ આવી ગયેલી મા ઊભરો ઠાલવી બેઠી. ‘મડદાંની છાતી ઉપર બેસી ન ખાય એવો ભૂંડો આ સમાજ સ. મૂઓ મારો મોતિયો ના સુધાર્યો. આ સમાજ મ સુધારો આવ્‌અ તો હારું, ભૈ સાબ. જમાંનો ચેટલો આગળ નેં હળી જ્યોસ !’ મા બાપુજી સાથે અવારનવાર અહીયાં પણ રહી જાય. મારાં બાળકો સાથે માને ખૂબ ફાવે. ટોળટપ્પા મારતાં મારા મોટા બાબાને ઉદ્દેશીને એ કહે, ‘પૈણવા જેવડો થઈ જ્યો હોં તું નરેશ ! ભઈ ન કે જલદી પૈણાઈ દે.’ નરેશ ટીખળમાં જ જવાબ આપે. ‘એમાં પપ્પાને શું પૂછવાનું ? મને ગમશે ત્યાં પરણી જઈશ...’ કલું કલું ચહેરે મા બોલી ઊઠતી. જોવો ડોહા, લગીરે છેંકાતું’તું આપરી વારી મ ? ભણતરથી આટલો ફેર...’ બાપુજી પણ હવે આ વાતમાં સૂર પુરાવે. ‘એ તો જમાંનાની પાછળ ઢહેડાવું જ પડ્‌અ. ઓંશ મેંચી ન બેહી રહીય પછ ચેડ જ પડાય ક ?’ બાપુજીમાં આવેલ સુધાર મને હરખાવે. મા હાલ વતનમાં નિવૃત્ત જીવન વિતાવે છે. અવસ્થાએ પહોંચી છે એટલે ઘરકામમાં તકલીફ અનુભવે. મા-બાપુજીને અમારી સાથે રહેવા ઘણું સમજાવું. પણ કોઈ વાતે માનો જીવ માને નહીં. કોણ જાણે શહેર માને વિલાયત જેવું જ અતડું ભાસે. શહેરી પણું એને હાડોહાડ ખટકે. ક્યારેક બળાપો કાઢે.’ ઇ. તો કોઈ કોઈના ઘેર જાય નઇં, આવઅ નઇં, માંણસ ન જાણે માંણસ જ ના ખંટાતું હોય ! બળ્યું એ શૅર. ગાંમડે તો ઓસરી ભરી ન હાંજે ઘડીક બેઠાં હોઈય એટલે લાખમણ દુઃખ વિહારે પડી જાય. માંણસ તો માંણસના આધારે જ ટકી રય, ભઈ...’ અહીં લોહી શેકતી અસંગતિઓ વચ્ચેથી પસાર થતો હું કેટલો વામણો અને ત્યાં હળવી ફૂલ જેવી ક્ષણો વીણતી મા કેટલી વિરાટ લાગ્યા કરે છે હવે ? ?