મારી લોકયાત્રા/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કૃતિપરિચય

મારી લોકયાત્રા : ભગવાનદાસ પટેલ

ભગવાનદાસ પટેલની આ આત્મકથા એમની પોતાની, ને એમણે આપણનેય કરાવેલી, લોક-યાત્રા છે. આ લોકયાત્રા ગ્રામ-વાસીથી શરૂ થઈને વન-વાસીની કથા સુધી પ્રસરે છે. ખેડૂતપુત્ર આ લેખક, પહેલીવાર, ખેતી માટે બળદ ખરીદવા જાય છે. ત્યારે, બળદ વેચવો પડે છે એ આદિવાસી સ્ત્રી આખી રાત બળદને ઘાસ નીરતી રહે છે ને એની સાથે વાતો-વલોપાતો કરતી રહે છે એ ક્ષણ લેખક માટે પરિવર્તનની ક્ષણ બને છે, ને પછી, શિક્ષક બનતા આ લેખક, નાના શહેરની ઉજળિયાત વસ્તી મૂકીને, આદિવાસી વિસ્તારોમાં ઘૂમવા લાગે છે ને સમૃદ્ધ આદિવાસી જીવનને સમજવાનું ને એમની એવી જ સમૃદ્ધ મૌખિક દીર્ઘ કાવ્યકથાઓનું સંપાદન કરવાનું હાથ પર લે છે — એ આખી વાત, ટૂંકમાં, સરળતાથી પણ અસરકારક રીતે આ પુસ્તકમાં લખાઈ છે. વિધિવત્ લગ્ન પૂર્વે પ્રેમસંબંધથી માતા-પિતા બન્યા પછી, પીઠી ચોળીને લગ્નમંડપમાં બેસનાર, ક્યારેક તો, વસ્તાર વધ્યા પછી પુત્રો-પૌત્રોને પણ જાનમાં લઈ જનાર આદિવાસીઓની અકુંઠિત સમુદાર સંસ્કૃતિનુ; મૌખિક મહાકાવ્યોના ગાયકો — માહિતીદાતાઓ — ના મનમાં, એ મહાકાવ્યો છપાશે તે જોવાની અભિલાષા જાગે છે. કહે છે — ‘પગવાનપાઈ(ભગવાનભાઈ), થું માર (મારી) સૉપરી (ચોપડી) બણાવવાનો નં ઉં અમ્મર થાઈ જાવાનો! પુસ્તકનો ત્રીજો વળાંક છે લેખકનું સંપાદનકાર્ય ઉપરાંત સાંસ્કૃતિક અધ્યયન. એ અધ્યયન એમણે આ આદિવાસીઓનો વિશ્વાસ જીતીને, એમના એક પ્રેમાળ પરિવારજન બનીને કર્યું છે — ને અનેક માઈલોની પદયાત્રા કરીને પાષણ-ઓજારો, ગુફાચિત્રો, અશ્મ સમાધિઓનો ઝીણો અભ્યાસ કરીને, કાવ્યસંપાદનગ્રંથો ઉપરાંત ‘ખેડબ્રહ્મા તાલુકાની પ્રાગૈતિહાસિક સંસ્કૃતિઓ’ નામનું પુસ્તક કર્યું — એ યાત્રાકથન રોમાંચક ને આદરપ્રેરક છે. ઘરોબો વધતાં આ આદિવાસી પ્રજાની ઉદારતા સાથે એમની અદિમ પાશવી હિંસકવૃત્તિ નો પરિચય થતાં, લેખક એક બીજો વળાંક લે છે — કર્મશીલ બનવાનો મનસૂબો. સમજાવી-મનાવીને, પ્રબોધક નાટ્યઅંશો એમની જ પાસે ભજવીને રજૂ કરીને લેખકે આ પ્રજાની હિંસકતાને ઘણે અંશે ઠારવાનો પ્રયાસ પણ કર્યો. આવી, વિવિધ પરિમાણોવાળી આ કૃતિ સાહિત્યના તેમજ સમાજશાસ્ત્રોના વિદ્યાર્થીઓ સામે પાઠ્યપુસ્તક તરીકે પણ મૂકાવી જોઈએ એવી, સંવેદનશીલતાની ને સંશોધનની તાલીમ આપનારી કૃતિ છે. સૌથી પહેલાં તો આ પુસ્તક, એક રોમાંચક અને રસપ્રદ વાચન સંપડાવનારું છે. એ વાચન વાચકને તૃપ્ત અને સમૃદ્ધ કરશે.

—રમણ સોની