મારી લોકયાત્રા/૧૫. લોકસંપદાનું વિસ્તરણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧૫.

લોકસંપદાનું વિસ્તરણ

‘રંગબહાર’ સંસ્થાના નેજા અને રાજેન્દ્ર ભગતની રાહબરી નીચે ૧૯૮૪ માં હું, હરેન્દ્ર, રોહિત ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ અને ૧૯૮૭માં હું, મહેન્દ્ર દીક્ષિત (શેઠ કે.ટી. હાઈસ્કૂલ, ખેડબ્રહ્માના શિક્ષક) અને અન્ય મિત્રો તથા આદિવાસી કલાકારો વિશ્વલોકનૃત્ય સમારોહમાં સહભાગી થવા ફ્રાન્સ, ઇઝરાયલ, બેલ્જિયમ, હોલૅન્ડ (નેધરલૅન્ડ), સ્પેન, જૉર્ડન, ચેકોસ્લોવેકિયા વગેરે યુરોપના દેશોની સાંસ્કૃતિક યાત્રાએ નીકળેલા. વિશ્વના રંગમંચ ૫૨ ગુજરાત અને એમાં પણ આદિવાસી સંસ્કૃતિ અને લોકનૃત્યોની વિશેષતાઓ પ્રદર્શિત કરી બે વાર સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરેલું. આ સમયે મને કેટલાક હૃદયસ્પર્શી અનુભવો થયેલા :

  • કેટલાયે દિવસોથી દેશવાસીઓને બ્રેડ ચગળતા જોઈને દુઃખી થયેલું અજાણ્યું ભારતીય કુટુંબ ઇઝરાયેલના ભૂમધ્ય સમુદ્રકિનારે આવેલા નતાનિયા શહેરની પ્રિન્સેસ હૉટલના સ્વાગતકક્ષમાં નામ જણાવ્યા વિના મૂકી જતું ગુજરાતી ખાણું.
  • ફ્રાન્સના પ્લોઝવેટ ગામમાં સ્વદેશની યાદમાં સ્વજનોની જેમ ગુજરાતીઓના ગળે વળગી પોક મૂકી ૨ડતો ૧૧ વર્ષથી યુરોપમાં વસતો લુધિયાણાનો શીખ જોગારસિંઘ અને ભાવાવેશમાં આવી દેશવાસીઓ માટે ખોલી દેતો ડૉલરની તિજોરી; છતાં ડૉલરની માયામાં ન ફસાતા ગુજરાતીઓ.
  • બેલ્જિયમના એન્ટ્રોપન શહેરના હીરા બજારમાં માતૃભાષા ગુજરાતી બોલવા અને ગુજરાતી ભોજન જમાડી આનંદ લૂંટવા ધંધો બંધ કરી હજારોનું નુકસાન વેઠતો પાલનપુરનો જૈન વાણિયો દિલીપ મહેતા.
  • ઇંગ્લૅન્ડમાં ભારતીય સંસ્કૃતિ અને પશ્ચિમની સંસ્કૃતિનાં જીવનમૂલ્યો વચ્ચે દ્વિધાગ્રસ્ત થઈ પોતાની યુવાપેઢી સાથે યાતના ભોગવતી મરવાના વાંકે જીવતી પૌઢ ભારતીય પેઢી.
  • બેલ્જિયમના બ્રસેલ્સ શહેરમાં એક પાકિસ્તાની ઘણા હેતથી ખવડાવતો સમોસા.
  • બેલ્જિયમના મેખેલિન શહેરમાં બે અજાણ્યા ગુજરાતી મહેમાનોના ભરોસે પોતાની યુવાન પત્ની ડેનિયલને મૂકીને સપ્તાહ માટે ઔષધ સંશોધન માટે સ્વીડન જતો ડૉ. ફ્રાન્સિસ.
  • બેલ્જિયમના એન્ટ્રોપન શહેરમાં ૪૦૦૦ કિલોમીટર દોડીને કૅન્સરના દર્દીઓની સારવાર માટે પૈસા એકઠા કરતો રમતવીર.
  • કન્યાવિદાયની જેમ ભારતીયોને વળાવતાં બેલ્જિયમવાસીઓ.
  • દેશ, પરંપરા, માતૃભાષા, અને ધર્મને આત્માની જેમ ચાહીને તુમુલ પુરુષાર્થ આદરી રણને નંદનવનમાં બદલતા ઇઝરાયેલવાસીઓ.
  • હોલૅન્ડમાં પાણીમાં વસેલા એમ્સ્ટર્ડમ શહેરના સિટી-સંગ્રહાલયમાં વાન ગોગના શ્રેષ્ઠ ચિત્ર ‘સનફલાવર'નાં દર્શન અને માર્ગદર્શકના મુખે સાંભળેલી ચિત્રકારના જીવનની કરુણ કથા.
  • ઇગ્લૅન્ડમાં બ્રિટિશ-સંગ્રહાલયમાં ભારતના કોહીનૂર હીરાનાં દર્શન, મેરી ટુસાંના ભોંયતળિયાના સંગ્રહાલયમાં મીણની જીવંત પ્રતિમાઓ, યંત્રો દ્વારા દર્શાવવામાં આવતાં બીજા વિશ્વયુદ્ધનાં કરુણ દૃશ્યો અને સામાજિક વિઘટન.
  • ઇગ્લૅન્ડમાં એવન નદી ૫૨ આવેલા શેક્સપિય૨ના ગામ-ઘરની યાત્રા, જાહે૨ બગીચામાં તેનાં નાટકોનાં અમર-ચરિત્રોની પ્રતિમાઓ, ગામના થિયેટરમાં બારે માસ ભજવાતાં તેનાં નાટકો.
  • શિલ્પનગરી, પૅરિસના લુવ્રે સંગ્રહ્યાંલયમાં લિયોનાર્કો-દ-વિન્સીની અમરકૃતિ મોનાલીસા'ના વણઊકલ્યા હાસ્યનાં દર્શન.
  • પૅરિસના રાત્રિ ‘લીડો શો'માં અત્યાધુનિક ઉપકરણોની કરામતથી રંગમંચ પર ફાટતા જ્વાળામુખી, જ્વાળામુખીમાંથી વિવિધરંગી પતંગિયાંની જેમ પ્રગટતી રૂપસુંદરીઓ, તેમનાં માદક નૃત્યો, ઊછળતો સમુદ્ર અને સમુદ્રમાંથી ઊગતી લાલ-લીલી-પીળી મચ્છકન્યાઓ, ઇજિપ્તના પિરામિડોમાંથી બહાર આવતાં મદહોશ શહેનશાહ અને સામ્રાજ્ઞી, રણપ્રદેશમાં ફરતા ઊંટ અને પહાડો પરથી પછડાટ ખાતા જળધોધ અને કલકલ નિનાદે વહેતાં ઝરણાં. અંતે માયાવી ઇંદ્રજાળ સર્જીને સમાપ્ત થતો ‘લીડો શો’.
  • વિશ્વલોકનૃત્ય-સમારોહમાં દેશ-પરદેશ, ધર્મ, જાતિ, લિંગ, કાળા-ગોરા વગેરેનો ભેદ ભૂલી, નૃત્ય-ગીત-સંગીતમય બની, ભાવાત્મક ઐક્ય સાધી, ‘વિશ્વ એક કુટુંબ'નાં દર્શન કરાવતા અનેક દેશના લોકકલાકારો. વિશ્વલોકનૃત્ય- સમારોહમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગળે સુવર્ણચંદ્રક લટકાવી વિજયના હર્ષોન્માદમાં હોશ ગુમાવતા ગુજરાતીઓ.
  • એફિલ ટાવર પર ચડી, નેપોલિયનના વિજય-દ્વાર સામે ઊભો રહી, ઢોલ- નૃત્ય કરી યુરોપમાં વિજય-સ્વરો રેલાવતો ખેડબ્રહ્મા તાલુકાના પંથાલ ગામનો આદિવાસી નવજી ખાંટ.

આજે આ બાવીસ વર્ષ પછી ચિત્તમાં યુરોપની અનેક સ્મૃતિઓ જાગે છે અને યુરોપ-યાત્રાનું સ્વતંત્ર પુસ્તક આકાર ધરવા મથી રહ્યું છે પણ અંતે તો ‘હરિ કરે સો હોઈ...' (હરિએ આ કૃપા કરી છે અને ગૂર્જર ગ્રંથરત્ને ૨૦૧૪માં મારી આનંદયાત્રા' પુસ્તક પ્રગટ કર્યું છે.)

***