મારી લોકયાત્રા/૧. મારા શૈશવકાળના લોકસંસ્કારો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧.

મારા શૈશવકાળના લોકસંસ્કારો

વ્યક્તિના શૈશવ અને કિશોરાવસ્થાના અનુભવો અને સ્પંદનો તેની ભાવિ કારકિર્દીને સમજવામાં મદદરૂપ થાય છે.(1) વ્યક્તિ શૈશવકાળથી આ અનુભવો અને સ્પંદનો કુટુંબ, સમાજ અને ‘લોક’ની પરંપરાના સંદર્ભમાં અનુભવતી હોય છે. શૈશવકાળથી જ લોકસંસ્કાર તેના વર્તમાન અને ભાવિ જીવનને પ્રભાવિત કરતા હોય છે. આથી શૈશવકાળે ઘટેલી કેટલીક સહજ આત્મલક્ષી ઘટનાઓ અને ચિત્તતંત્રે અનુભવેલાં સ્પંદનોના ‘ઝળૂકા’ (તેજ- લિસોટા) આલેખવાનો અહીં અભિગમ છે. (1) (Eric Erickson, Childhood and Society, New York, 1969, ફાર્બસ, ઑક્ટોબર- ડિસેમ્બર, ૨૦૦૨, પૃ. ૬૭, અંક-૪) વનરાજીથી આવૃત્ત પાર્વતીય પ્રદેશના ખોળામાં વસેલા વતન જામળા ગામના રમ્ય પ્રાકૃતિક વનમાંથી ઋતુ પ્રમાણે થતાં રાયણાં, કરમદાં, ટીમરુ, આમલીઓ અને બા-બાપુજી સાથે ખેતર-કૂવા ફરતાં ખાધેલ ગાજર, શક્કરિયાં, મકાઈના ડોડા, ઘઉંનો પોંક અને કલમી બોરની મીઠાશ માણતાં તથા ભેરુઓ સાથે રમતાં શૈશવ વહી ગયેલું. ગામની ભાગોળે જ અમારું ખેતર અને કૂવો. ખેતરના પશ્ચિમ શેઢે એક જૂના જોગી જેવું ખખડધજ લીમડાનું વૃક્ષ હતું. તેના પરથી ખેતરનું નામ લીંબડિયો (લેંબરિયો) પડેલું. આ લીંબડિયો મારા શૈશવની લીલાસ્થળી. જીવનના પરોઢે ચાલતાં આવડ્યું ત્યારે હું અને મારા બાપુ એક દિવસે લીંબડિયે ગયેલા. નરદમ પથ્થરો જ વાવ્યા હોય તેમ ખેતર અનેક આકાર-પ્રકાર અને વિવિધરંગી પથ્થરોથી હર્યું-ભર્યું. મારું બાળમન ગાંડુંતૂર બની પથ્થરો વીણવા તૂટી પડ્યું. રમવાનાં વિવિધ રમકડાં સમજીને પથ્થરોનો ઢગ કરી દીધો. બાપુને કહ્યું, “બાપા, આ બધાં જ મારાં ૨મતિયાં! ઘે૨ લઈ લો.” બાપુ પાઘડીના એક છેડે વીણેલા બધા જ પથ્થરો બાંધીને ઘેર લાવેલા. માએ પ્રશ્ન કરેલો, “ફાળિયે આ શાની પોટલી બાંધી લાવ્યા?” બાપુ બોલેલા, “ભૈનાં રમતિયાં! ભૈની ગાડીઓ!” ત્યારે મા હસવા લાગેલાં (અમે બંને ભાઈ-બહેન, મારી નાની બહેન ચંચી અને હું માને માનાર્થે જ સંબોધતાં) પછી વ્યંગમાં બોલેલાં, “બીજાનું તો કહ્યું કરો એવા તમે નથી પણ ભૈએ પથરા ખરા માથે મેલાવ્યા!” અમારા બીજા ખેતર અને કૂવાનું નામ જેસવો. ગામથી પશ્ચિમ દિશાએ ૨ કિ.મી. દૂર તેજપુરા ગામ પાસે આવેલો છે. (કાળજાની કોર જેવું ખેતર અને કૂવો અત્યારે અમારી માલિકીનાં રહ્યાં નથી. દુર્દિનોમાં વેચવાં પડ્યાં હતાં.) જેસાજી ઠાકોર પાસેથી કૂવો વેચાતો લીધેલો આથી તેનું નામ જેસવો પડ્યું હતું. મા ખેડુ(શેરુ)નું ભાત આપવા જતાં ત્યારે હું મનોમન તેમની પાછળ ચાલવા લાગતો. મધ્ય પંથે એક પુરાણા લીમડાના થડના સાંનિધ્યમાં સાપેશ્વર (આપેહણ) મહાદેવનું સ્થાનક છે. મા જેસવે ક્ષેત્રપાળનું શ્રીફળ લઈને જતાં ત્યારે સાપેશ્વરના સ્થાનક પાસેથી પસાર થતાં જ તિરાડો પડી જતી. મા કહેતાં, “માધેવ બાવજીએ નાળિયેર લઈ લીધું.” આ લીમડાની શીળી છાયા અને સાપેશ્વરનું સ્થાનક મા અને મારું વિરામસ્થળ. લીમડા પર વાનરાં કૂદાકૂદ કરે. તેમની સાથે તાડનાં ફૂટતાં નવાં પાન જેવાં બચ્ચાં ‘ચીસાચીસ’ કરે. એક દિવસે મેં ૨ઢ લીધેલી, “મા લીમડા પર મારા ભૈ! આપણા ઘેર લઈ લો.” મા મને સમજાવતાં, “બાબુ (મારું બાળપણનું નામ), એ તો ભૈ નથી પણ વાંદરાં સં એ તો લેંબરે જ રે નં લેંબરો જ ખાય.” મેં કહ્યું, “તો આપણા આંગણે લેંબરો છે ત્યાં રાખશું!” માએ મને સમજાવતાં કહ્યું હતું, “એ તો રૉમજી મંદિરમાં બેઠેલા હરમાંનજીની સેના સ. કાલે હું નાળિયે૨ વધેરીને હ૨માંનજીને પૂસી જોઈશ. રજા આલશે તો વાજતેગાજતે તારા બધા ભૈને આંગણે લાવશું નં લેંબરે બેસાડશું!” અમારા કુટુંબના કાળજાના કોર જેવા જેસવા સાથે કપાસના ફૂલની માફક એક બીજી સ્મૃતિ વિકસે છે અને રાસાયણિક દવાના છંટકાવથી કરમાયેલા ફૂલની જેમ મન ઉદાસ થઈ જાય છે. વર્ષાના એ દિવસોમાં જેસવે ગયો હતો. મન વર્ષાનાં ફોરાં(જળબિંદુ)થી આર્દ્ર હતું. ખેતરના હરિયાળા શેઢે રમતાં-રમતાં મેં એક દેડકાના નાના બચ્ચાને ઊછળતું-કૂદતું જોયું. મારા બાળમનમાં ભાવનાનો તાજો ફણગો ફૂટ્યો, “આ નાનું અમથું બચ્ચું જળ વિના મરી જશે. લાવને કૂવાના જળમાં રમતું મૂકું. હળવેથી આંગળીઓની મદદથી બચ્ચાને હથેળીમાં મૂકી બિડાતા કોમળ ફૂલની માફક હથેળી બંધ કરી દીધી. કૂવા-કાંઠે આવીને હથેળીની પાંખડીઓ ઉઘાડીને બચ્ચાને રમતું મૂકી દીધું. બચ્ચું જળમાં તરવા લાગ્યું અને મારું મન તાજા મોલની માફક આનંદથી લહલહવા લાગ્યું. પણ મારો આ આનંદ દીર્ઘકાળ ટક્યો નહીં. સામેથી એક મોટો દેડકો ધસી આવ્યો અને કોમળ દેહના આ બચ્ચાને ગરક કરી ગયો. મારા બાળમાનસ પર હિમ પડ્યું. ચિત્ત શૂન્ય બની ગયું. માએ મહુડાની છાયામાં બપોરનું ભાત ખાવા ઘણો મનાવ્યો-ધમકાવ્યો, “ખાઈ લે બાબુ, ખાતો નથી એટલે તો ઊતી જ્યો સ.” પણ બપોરનું મારું પ્રિય ભોજન કઢી અને રોટલો ખાઈ શક્યો નહીં. રાતે ખીચડી ને દૂધ ખાતાં-ખાતાં બપોરનું કૂવાનું જુગુપ્સાપ્રેરક દશ્ય પ્રત્યક્ષ થયું અને અધૂરા ભાણે ઊઠી ગયો. માને લાગ્યું કે, “કાલે સવારે પાણી ભરવા વાવે ગયેલી ત્યારે ભૈ મારી સાથે આવેલો ત્યારનો ધપસી પડ્યો (ડરી ગયો) છે. ભૈ વાવનાં માવરિયાં માના આંઝોટ(વાયરા)માં આવ્યો છે.” વાવ તે સમયે કલાત્મક શિલ્પોથી ખચિત હતી. વાવના પ્રવેશદ્વારમાં સપ્તમાતૃકાઓની મૂર્તિઓ હતી. તેને ગામજનો માવરિયાં મા કહેતાં. બાળક બીમાર પડે ત્યારે આ માવરિયાં માની બાધા રાખતાં. બીજા દિવસે મા ફેંફાટે (પરોઢે) ઊઠેલાં. નાહી-ધોઈને કોરાં કપડાં પહેરી એક પરણાયા(કોડિયા)માં દિવેટ અને ઘી ભરી મને જગાડ્યો હતો. પાણી ભરવા ગયેલાં ત્યારે મને સાથે લીધેલો. વાવમાંથી તાજું જળ ભરીને ફરીથી હાથ-પગ ધોયેલા. મને તો નવડાવી નાખેલો. માવરિયાં માના સ્થાનકે ઘીનો દીવો ભરી માનતા માનેલી, “મા, અમે તો ગાંડાં લોક! કોઈ ભૂલ-ચૂક થઈ હોય તો માફ કરજે. ભૈ સાજો થઈને ખાતો-પીતો થશે તો એક નાળિયેર, સવા શેર ઘઉંના ટોઠા અને સવા પાશેર ઘીની સુખડી ચડાવીશ. મું તારી ગાય છું મા! મારા સોરાને હાજો કરજે મા!” જેમ-જેમ કૂવાવાળું કુરૂપ દૃશ્ય સ્મૃતિમાંથી દૂર થતું ગયું તેમ-તેમ હું સ્વસ્થ થતો ગયો. મને સાજો-ન૨વો જોઈને એક સાંજે નાનાં બાળકો સાથે લઈને માએ માવરિયાં માની માનતા પૂરી કરી હતી. બાળકો ટોપરું, સુખડી અને ટોઠા ખાઈ કિલ્લોલ કરતાં ઘેર આવ્યાં હતાં. અષાઢ માસમાં ગંધવતી ઉર્વરા ધરતીના દેહમાંથી ફૂટેલી લીલી રોમાલિ અને વાદળોના અમીવર્ષણથી સદ્યસ્નાતા નાયિકા જેવાં વૃક્ષોના દેહને સૂંઘીને સુવાસિત બનેલા સમીરણના સંગીત સાથે ગોર્યમા કન્યાઓનાં કચ-કુંવારા સપનાં લઈને પૃથ્વી પર અવતરતાં અને હું અને મારા બાળભેરુ કન્યાઓ સાથે કન્યા બની જતા. અમારે પણ કન્યાઓ સાથે રમવાનું અને ગોર્યનાં ગીતો ગાવાનાં ધાંળાં રે મરોલી ફૂલ; રાતાં રે રણકેરલાં રે. પાંચમા દિવસે તો કન્યાઓનું સામૂહિક મન-હૃદય હેલાળે ચડી આનંદની પરિસીમાએ પહોંચતું. બપોર પછી ગોર્યમાની પ્રતિષ્ઠા કરી શણગારવાની શરૂઆત થતી. કરેણનાં ફૂલ અને ચણોઠીઓ વીણી લાવવાનું અમારે - છોકરાઓના શિરે. બાજઠ પર જળથી ગૂંદેલી કાળી માટીમાંથી ગોર્યમા અને તેમના વર કેશરિયાજી(કાનજી)ની પ્રતિષ્ઠા કરી બંનેને ચણોઠીઓની આંખોથી દેખતાં કરી, કરેણનાં ફૂલ અને બીલીપત્રોથી શણગારવામાં આવતાં. ગોર્યમા અને કેશરિયાજીની મૂર્તિઓની સ્થાપના સમયે કન્યાઓના હોઠોમાંથી ગીતોનો ધોધ વછૂટતો. જેનો બાપ બીજા દિવસે કન્યાઓના ઉપવાસ છોડાવવાનું ખર્ચ કરે તેની કન્યા રાતે વરરાજા બનતી. વ૨રાજાનાં આભૂષણોથી શણગારી, શણગારેલા ઘોડા પર બેસાડી કન્યાનો વરઘોડો (ફુલેકું) કાઢવામાં આવતો. ગામમાં ઉત્સવનું વાતાવ૨ણ જામતું અને પૂરા ગામમાં કન્યાઓની કુસુમાકરીય ભાવનાઓ હેલારે ચઢતી. પૂરી રાત કન્યાઓના હોઠ ગીતોથી કૂજતા, ચરણો નૃત્યોથી થિરકતા અને ગામમાં આનંદનું પૂર ઊમડતું. ફેં ફાટીને પરોઢિયું થતાંની સાથે જ આનંદનું પૂર ઓસરવા માંડતું. સૂજીને વડનાં ભુંદાં (ટેટા) જેવી રાતી થયેલી કન્યકાઓની આંખોમાં ગોર્યમાને વળાવવાના વિયોગની સામૂહિક વેદના ડોકાવા માંડતી. એક કન્યા માથે ગોર્યમાનો બાજઠ મૂકતાંની સાથે જ અન્ય કન્યાઓના સુકાયેલી પોયણીની પાંખડીઓ જેવા હોઠો ૫૨ વિયોગનાં ગીતો વલવલતાં : ગોર્યમાનો વ૨ કેશરીઓ; નદીએ નાવા જાય રે ગોર્યમા! ખોળે ઘાલી કાસલીઓ, ખાતાં-ખાતાં જૉય રે ગોર્યમા! ભાવિ સુખી જીવનની ભાવનાઓ માટે પરમ શ્રદ્ધાનું ભાજન અને પાંચ દિવસના આનંદનો આલંબન-આધા૨ ગોર્યમાને જળમાં પધરાવી, સ્નાન કરી જળાશયમાંથી બહાર આવી; સદ્યસ્નાતા કન્યકાઓના હોઠોમાંથી ડૂસકાતાં ગીતો સાથે પાંચ દિવસના ઉત્સવની સમાપ્તિ થતી : ગોર્યમા આજનાં પોઢ્યાં શ્યારે જાગશ્યાં? ગોર્યમા સોરિયો જોવં તમારી વાટો રે, જવારા લઈને વે'લાં આવજો! ભાદરવા માસમાં પ્રાણીઓ અને માનવોમાં રોગની મોસમ બેસતી. રોગને દૂર કરવા ગામની ભાગોળે તોરણ બાંધીને ભેરવ કાઢવાની પરંપરા હતી. ભેરવ ગોંવિદગીરી બનતા. કેડ નીચે કેસરી રંગનું અધોવસ્ત્ર ધારણ કરી ખુલ્લા શરીરે રાખ ચોળતા. કમરે પિત્તળના ઘૂઘરા બાંધતા. શંખઘોષ સાથે હોંકારા-પડકારા થતા અને ગોવિંદગીરીના માથે ભેરવનો ભાવ ઊતરતો. ભયપ્રેરક હાકોટા સાથે ગોવિંદગીરીનું શરીર ધ્રૂજવા લાગતું. ગામનાં પાલતુ પશુ અને માનવો માટે આશીર્વચનો ઉચ્ચારતા. આ પછી એક ઝાટકે ઊભા થઈ જતા. એક હાથમાં નાગી તલવાર ધારણ કરતા અને બીજા હાથની હથેળીમાં સળગતી શગડી લેતા. ‘અહાલેક’ની ત્રાડ પાડી સાક્ષાત્ ભેરવ બની ગામની શેરીઓમાં દોડવા લાગતા. અહાલેક જગવીને ભેરવ જે શેરીમાંથી પસાર થતા તે શેરીનો રોગ શગડીમાં આવતો. પૂરા ગામમાં ફર્યા પછી મોડી રાતે ભેરવ રોગથી ભરેલી શગડી બીજા ગામની સીમમાં મૂકી આવતા. આથી અમારા ગામનો રોગ બીજા ગામમાં પ્રવેશતો. ભેરવનું વિકરાળ રૂપ જોઈને અમે ધાક(ભય) ના ખાઈ જઈએ એટલા માટે અમને, ભાઈ-બહેનને ખાટલામાં રજાઈ ઓઢાડીને સુવાડી દેવામાં આવતાં. ગ્રીષ્મ આવે ગામમાં લગ્નોની મોસમ બેસતી, અને સ્ત્રીઓના હોઠોમાંથી ફટાણાંના ધોધ વછૂટતા. અંતે ગાંદરેથી વિદાય લેતી કોઈ પણ જ્ઞાતિની કન્યાનાં છેલ્લાં ડૂસકાં વચ્ચે ગામની સ્ત્રીઓના વલવલતા હોઠોમાં કારુણ્ય ઘૂંટાતું હોલાંમાંની ઊડણ સકલી ઊડી ઝાહેં...! અને આખું ગામ ખોબોખોબો આંસુડે રડતું! મારા ખેડુ દીપસી વારતાની મોટી ખાણ હતા. તારામઢી હૂંફાળી રાતોમાં લીંબડયે તેમના ખોળામાં સૂતાં-સૂતાં ‘ગજરા-મારુ’ અને ‘સદેવંત-સાવળિંગા’ જેવી ગેય વારતાનું કર્ણો દ્વારા શૈશવકાળે અમૃતપાન કરેલું. શિયાળાની ઠંડી રાતોમાં સામાજિક-ધાર્મિક નાટકો લઈને રામલીલા આવતી. પરબડીવાળા ફળિયાનું ખુલ્લું મેદાન રામલીલાવાળાનો લોકરંગમંચ. હું ખેડુ માટે લાવેલી બીડીઓ મારા કાકાના દીકરા દવાભાઈ માટે ઘેરથી ચોરી લાવતો. તેના બદલામાં મારા ભાઈ ગલબીમાના કોટે મને ઊંચા આસને બેસાડતા અને તેઓ ‘ટૅસ'થી ખાખી બીડીઓ ફૂંકતા નાટક જોતા. એક રાતે ગાયન ‘કટ’ ક૨વાનો કાર્યક્રમ પૂરો થયા પછી રામલીલાએ ‘સગાળશા શેઠ’નો ખેલ (નાટક) પાડ્યો હતો. નાટક જામ્યું હતું. દર્શકો ૨સમાં આકંઠ ડૂબેલા હતા. આવી રસાનંદની ઉદાત્ત ક્ષણોમાં દર્શકોની પાછળથી એકાએક એક ગાંડો બાવો પથ્થરો ફેંકતો અને ગાળો બોલતો ભજવાતા નાટકના મેદાન તરફ ધસી આવ્યો. દર્શકો વિચારવા લાગ્યા, “રાતના સમયે આ ગાંડો બાવો ક્યાંથી ધસી આવ્યો? બાવાએ નાટક જોવાના રંગમાં ભંગ પાડ્યો!” ગાંડા બાવાએ આવતાંની સાથે જ સગાળશા શેઠ પાસે અણછાજતી માગણી કરી, “તું ખરો દાનવી૨ હોય તો તારા એકના એક દીકરા કેલૈયાને મારીને તેનું માંસ રાંધી મને જમાડ અને મારી સાથે તું અને તારી શેઠાણી ચંગાવતી પણ જમો!” આ સમયે ચંગાવતી શેઠાણી કેલૈયા કુંવરને પયપાન કરાવતી હતી. એક ક્ષણના વિલંબ વિના સગાળશા શેઠે હાથમાં નાગી કટાર લીધી. માથું કાપવાનો ‘ખચ્ચ’ જેવો અવાજ આવ્યો અને કેલૈયા કુંવરનું ધડ પડદા પાછળ ધકેલાઈ ગયું અને મસ્તક બહાર આવ્યું. મસ્તકમાંથી લોહીની ધારાઓ ઊછળી. મોટા ભાગના દર્શકો આ જુગુપ્સાપ્રેરક દૃશ્યને સહન કરી શક્યા નહીં અને ભયના માર્યા ભાગવા લાગ્યા. રામલીલાવાળાએ અદ્ભુત કળા પપૈયામાંથી સર્જી હતી. લોહી-નીતરતું મસ્તક પપૈયામાંથી બનાવ્યું હતું. પ્રેક્ષકો આ ભ્રામક દૃશ્યને સમજવામાં ભૂલથાપ ખાઈ ગયા. રામલીલાવાળા ગ્રામજનોને બોલાવવા લાગ્યા કે આ તો નાટક છે પણ ભાગેલા પ્રેક્ષકોએ પૂંઠ વાળીને પાછળ જોયું જ નહીં. હું અને મારો ભાઈ ભયના માર્યા કોટ પરથી નીચે પડ્યા અને મૂઠીઓ વાળીને ભાગ્યા. હું તો ઘેર જઈને ભયથી ધ્રૂજતો ગોદડું ઓઢીને સૂઈ ગયો હતો અને લાંબા સમય સુધી ગોદડું પણ ભયનું માર્યું ધ્રૂજતું રહ્યું હતું. મારા બાળમાનસ ૫૨ આ દૃશ્યની દીર્ઘકાળ સુધી માઠી અસર રહી હતી. અહીં શૈશવકાળની ઘટેલી ઘટનાઓ અને પ્રસંગો આલેખવાનો ઉદ્દેશ એટલો જ છે કે જીવનના પરોઢના કોરા વૈયક્તિક માનસ પર ધીમે- ધીમે ગ્રામપ્રદેશના લોકસંસ્કાર પ્રભાવ પાડવા લાગ્યા હતા. લોકગીતો અને લોકવારતાઓને કંઠની કળા અને લોકનૃત્યો અને લોકનાટ્યોને અંગની કળા તરીકે મૂલવવાના ખ્યાલો શૈશવકાળે તો ક્યાંથી હોય પણ આંખ, કાન, કંઠ, ચરણ અને હસ્તની કળા શૈશવકાળના જીવનનો હિસ્સો બનેલી. અત્યાર સુધી આ દૃશ્ય-શ્રાવ્ય કળા મારી સાથે હતી. આ પછી પહેલા ધોરણથી લખાતો અક્ષર મારી સામે આવ્યો. પહેલા ધોરણમાં ચોપડીની પહેલી કવિતાની કેટલીક પંક્તિઓ આ પ્રમાણે હતી : ચાલો ચાલોને બાળ સૌ રમવાને, આજ આપણાં હૈયાં કૂદે છે! અત્યાર સુધી પર્વ-પ્રસંગે ‘લોક'ને ગાતો નાચતો અને કૂદતો જ જોયેલો અને માણેલો. આથી ‘કૂદતાં હૈયાં'ને જોવા માટે મા જળ ભરવા જતાં ત્યારે ચાર દિવસ સુધી તેમની પાછળ-પાછળ ગયેલો. મા જળ ભરવા વાવમાં ઊતરતાં ત્યારે હું દરજી ફળિયાના એક છેડેથી બીજા છેડે નીરખતો-નીરખતો ફરી વળતો અને પછી નિરાશ થઈ પાછો ફરતો. માની પાછળ ચાલતો વિચારતો કે ચોપડીમાં તો લખ્યું છે કે “આજ આપણાં હૈયાં કૂદે છે!” પણ હૈ (દરજી) ફળિયામાં તો એક પણ હૈ(યું) (દરજી) કૂદતું નથી. ચાર દિવસ વાવે ચાલ્યા પછી માને પૂછ્યું હતું, “મા, આજ આપણાં હૈયાં કેમ કૂદતાં નથી?” માએ પણ મારા પ્રશ્નને ગંભીરતાથી નહીં લેતાં કહ્યું હતું, “હૈ આજે નહીં તો કાલે કૂદશે.” પુનઃ ચાર દિવસ હું માની સાથે વાવે ગયો હતો પણ હૈયાંને કૂદતાં જોઈ શક્યો નહોતો. પછી ધીમે-ધીમે સમજાયું હતું કે હૈયું એટલે ‘હૈ-દરજી’ નહીં પણ ‘હૃદય'. આમ મારું અક્ષર સાથેનું અર્થજ્ઞાન વધવા લાગ્યું હતું. અર્થજ્ઞાનમાં વધારો ક૨વામાં સહાયક થયા હતા સૂર્યકાન્તભાઈના નાનાભાઈ રમેશભાઈ પંડ્યા. જામળાની પ્રાથમિક શાળામાં તેઓ મારાથી ત્રણ ધોરણ આગળ ભણે. તેઓને વાચનમાં અનહદ રસ. એક દિવસ સવારે મારા ઘે૨ આવીને કહે, “ચાલ બાબુ, તને મુંબઈથી આવેલી નવી-નવી ચોપડીઓ બતાવું.” આગ્રહ કરીને તેમના ઘેર લઈ ગયા. દેવદારનાં બે ખોખાંમાં મુંબઈથી સૂર્યકાન્તભાઈ અને તુલસીદાસભાઈએ મોકલેલાં પુસ્તકો ગોઠવીને રમેશભાઈએ લાઇબ્રેરી બનાવેલી. મને હર્ષઘેલા. બનીને ઉત્સાહથી પુસ્તકો બતાવવા લાગ્યા. પછી મને કહે, “તું શયદાની ‘મા તે મા’ ચોપડી લઈ જા. મા તે મા નહીં વાંચીએ તો કંઈ વાંચ્યું નહીં કહેવાય.” મને લાગ્યું કે મારી મા જેવી તો કોઈની મા નથી (સગાં-સંબંધીઓ અને ગામજનો પણ આ હકીકતનું અનુમોદન આપતાં.) પછી ચોપડીમાંની મા વાંચીને શું કામ છે?' આ સમયે હું કાકાસાહેબ કાલેલકરનું પુસ્તક ‘સ્મરણયાત્રા’ લઈ આવેલો. જીવનના પરોઢે વાંચેલી સ્મરણયાત્રાનું એક સ્મરણ જીવનની સંધ્યાએ ઝાંખું-પાંખું સ્મરણે ચઢે છે. તે કંઈક આવું હોવાની સંભાવના છેઃ દત્તુ (કાકાસાહેબ કાલેલકરનું બાળપણનું નામ) મામાને ઘેર ગયો છે. મામીએ નાસ્તામાં સારેવડાં આપ્યાં. દત્તુએ સારેવડાનો એક ટુકડો ચાવીને ખાવાનું બંધ કરી દીધું. મામીએ ભાણાને કહ્યું, “સારેવડાં ખાવાનાં બંધ કેમ કર્યા?’ દત્તુએ પ્રત્યુત્તર પાઠ્યો, “અમારાં સારેવડાં ખાઉં છું ત્યારે (દાંતમાં) ‘શિવ-શિવ’ બોલે છે જ્યારે તમારાં સારેવડાં ‘કિવ-કિવ' બોલે છે. માટે તમારાં સારેવડાં ભાવતાં નથી.” સ્મરણયાત્રાના વાચનથી શિષ્ટ સાહિત્યમાં રસ વધવા માંડ્યો હતો. ભણતરનાં ધોરણો પસાર થતાં ગયાં તેમ બોલાતા શબ્દ સામે લખાતા શબ્દનો પ્રભાવ વધવા માંડ્યો. સૂર્યકાન્તભાઈ સાથે પ્રત્યક્ષ પરિચય તો જીવનના મધ્યાહ્ન પછી થયો પણ તેમણે અને તુલસીદાસભાઈએ મોકલાવેલાં પુસ્તકો સાથે તો શૈશવકાળથી જ થયો હતો. વતનમાં પુસ્તકાલય નહોતું (આજે પણ નથી) તેવા સંજોગોમાં દુષ્કાળમાં નવી-નકોર માટલીના શીતળ જળ જેવાં આ પુસ્તકોએ જીવનની દિશા બદલવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. અત્યારે એ પણ સમજાય છે કે સૂર્યકાન્તભાઈ મુંબઈ નગરમાં વસતા હોવા છતાં વતનની દાઝ દેહમાં ફરતા લોહીની માફક નસનસમાં વહે છે. શૈશવકાળની બે બાલસખી સ્મરણમાં છે. એક વિદ્યા દરજી અને બીજી વિજયા શુક્લ. હું, કરસન અને ડાહ્યો (ડાહ્યા ભગાભાઈ પટેલ) તેમની પાસે બેસતા. ચોથા ધોરણમાં મને વિષમ-જ્વ૨ આવેલો. એક માસની બીમારી પછી શાળામાં ગયેલો. વર્ગમાં વિજયા શુક્લ હતી. વિદ્યા દરજીને જોવા તરસતી મારી નજ૨ વર્ગનો ખૂણે-ખૂણો ફરી વળેલી પણ તેના માટે આતુર મારાં નેત્રોને તેનાં દર્શન ન થયેલાં. બે વાગ્યાની રિસેસમાં મને વિજયા શુક્લે વિદ્યા દરજીની બીમારીના સમાચાર આપેલા. વિદ્યાના દેહમાં શીતળામાતા પધાર્યાં હતાં. બીજા દિવસે સવારે મારા ઘે૨ વિદ્યાની મા છાશ લેવા આવેલી. આંગણે ભેંશો ઘણી જેથી મા સઈ-સુથા૨-લુહાર માટે છાશની પરબ માંડતાં. માએ વિદ્યાના સમાચાર પૂછેલા. મેં મા સન્મુખ વિદ્યાના સમાચાર પૂછવા તેના ઘેર જવાની ઇચ્છા વ્યક્ત કરેલી. માએ મને વિદ્યાની મા સાથે મોકલેલો. દ૨જીવાસમાં વિદ્યાનું ઘર હતું. કોઈનો ખરાબ ઓછાયો ન પડે અને શીતળામાતા કોપે નહીં આથી દ્વા૨ના નકૂચે લીમડાની ડાળી ભરાવેલી વિદ્યાની મા મને વાટકીમાં ભરી રાખેલા ગાયના ઝરણ(મૂત્ર)ના છાંટા નાખી, પવિત્ર કરી ઘરમાં લઈ ગયેલી. ગાભાની ગોદડી એક ખાટલીમાં પાથરીને વિદ્યાને સુવાડી હતી. તેના લાલ બની ગયેલા શરી૨ ૫૨ મોતી જેવા ફોલ્લા ફૂટી નીકળ્યા હતા. તેની સુંદર સુકોમળ કાયા કુરૂપ બની ગઈ હતી. મરતા પતંગિયાની પાંખોની જેમ તેણીએ ઊંડી ઊતરી ગયેલી આંખોની પાંપણો ખોલી હતી. મને જોઈને અસહ્ય યાતનામાં પણ તેના હોઠ પર હાસ્ય ૨મવા ઊતર્યું હતું. તેનું દુ:ખ ન જીરવી શકેલા મારા આત્મા ૫૨ તેના દેહ જેવા ફોલ્લા ઊઠ્યા હતા અને મારી આંખો રાતાં આંસુએ વરસવા લાગી હતી. બીજા દિવસે મને મોતના સમાચાર મળ્યા હતા. બારમાના દિવસે તેની મા વિદ્યાની સ્મૃતિમાં વર્ગમાં ગોળીઓ વહેંચવા આવી હતી ત્યારે મને મોતનો અર્થ સમજાયો હતો અને ઘણા દિવસ સુધી હૃદયમાં સૂનકાર વ્યાપી ગયો હતો. વિજયા શુક્લના બાપા બ્રાહ્મણોના ગોર. બ્રાહ્મણ કુટુંબમાં સત્યનારાયણની કથા કરે. કથામાં કમળકાકડી, બદામ, કાજુ, દ્રાક્ષ અને સોપારીનો ભારે મહિમા. વિજયાનું દફ્તર એટલે સૂકા મેવાનો ભંડાર! ડાહ્યો ચૌર્યકલામાં પ્રવીણ પણ એકલપેટો નહીં. ચોરે એકલો પણ સરખા ભાગે મિત્રોમાં વહેંચે. નાની રિસેસમાં વિજયાના ભંડારમાં લૂંટ ચલાવે અને મોટી રિસેસમાં મિત્રોમાં ચોરીનો માલ વહેંચે. આ સમયે ચોરી કરવી કે ચોરીનો માલ લેવો એ પાપનું કામ છે, એવા ખ્યાલો જન્મેલા નહીં. રિસેસ પૂરી થયે વર્ગમાં આવીએ ત્યારે વિજયાનું લૂંટાઈ ગયેલું ઉદાસ મુખ નીરખીએ. આંખો ચાર થાય ત્યારે શરમિંદા થઈ માથું ઢાળી દઈએ. ચોર પકડાયાની જાણ થતાં વિજયા અમારામાંથી જે હાથમાં આવે એને એક-બે ચૂંટી ભરી લે અને બદલો લીધેલાના આનંદથી તેનું મુખકમળ ખીલી ઊઠે. પાંચમું ધોરણ પૂરું થતાં જ તેને ઉઠાડી લીધેલી. તેના બાપને વિજયાની આ ઉંમર પરણાવવા-લાયક લાગેલી. તેમના શાસ્ત્ર પ્રમાણે કન્યા રજસ્વલા થાય એ પહેલાં પરણાવીએ તો કન્યાદાનનું પુણ્ય મળે. પછી પરણાવીએ તો પાપનાં અધિકારી બનીએ. વિદ્યાના ગયા પછી અમારી બાલસખી એકલી વિજયા જ હતી. થોડા દિવસ અમને તેના વિના સૂનું-સૂનું લાગેલું. આ પછી હૃદયમાં વ્યાપેલા આ સૂનકારને હળવો કરવા અમે એક માર્ગ કાઢેલો. હું અને કરસન શાળા છૂટ્યા પછી ઘે૨ દફતર મૂકી આ ચંદ્રમુખીને જોવા તેના ઘર આગળ આંટા મારતા. શિયાળાની ઋતુમાં તેના ઘરની સામે આવેલી ફાતુમા (ફાતમા) ડોસીની ઘાણી પાસે બેસતા. ફાતુમા સવારે મારા ઘેર મા પાસે છાશ લેવા આવતાં. આથી અમને બંનેને કોઈ-કોઈ વાર કચરિયું ખાવા આપતાં. ચંદ્રમુખનાં દર્શન ન થાય તો ત્યાંથી ગામની મધ્યમાં આવેલી વાવની ટેકરી ૫૨ આવેલા જૂના રામજી મંદિરે આવતા. માટીનાં નળિયાં છાયેલા એક ઘરમાં રામ-લક્ષ્મણ-જાનકીની મૂર્તિઓ સ્થાપેલી. સામે તેમનું રક્ષણ કરતા દક્ષિણાભિમુખ હનુમાન બિરાજે. પાસેનું બીજું ઘર પૂજારી કેશાકાકા સાધુ અને એમના પરિવા૨નું. તેમના ઘર પાછળ ચા૨ આમલીનાં ઝાડ. ત્રણ પાસે-પાસે અને એક દૂર. આ વૃક્ષો અમને ખાવા આમલીઓ આપતાં. આથી અમે તેમને રામ-લક્ષ્મણ-જાનકી અને હનુમાન કહેતા. કુદરતી રીતે ઊગેલાં આ વૃક્ષો પર કેશાકાકા સાધુએ અધિકાર સ્થાપેલો. અમે સંધ્યા ટાણે દર્શનના બહાને સાધુની કાર્ય-પ્રવૃત્તિ નિહાળતા. કેશાકાકા દીવા પ્રગટાવવા રૂમાંથી કપાસિયા કાઢતા હોય કે દિવેટ વણતા હોય. એમની નજર ચૂકવી આમલીના ઝાડ પાસે પહોંચી જતા. કરસન આમલીઓ પાડવામાં પારંગત. પાકો તાકોડી. આમલીનાં ઝૂમખાં જોઈને એના મોઢામાં સૌથી પહેલું પાણી છૂટે અને પથ્થર લઈ નિશાન તાકે, એ આમલીઓ પાડે અને મારે વીણીને ગજવાં ભરવાનાં કેશાકાકાના કાન સસલા જેવા સરવા. તરત જ ઘર પાછળ દોટ મૂકે અને અમે ટેકરી ઉપરથી પડતું મૂકીએ. દોડતા વિજયાના ઘર પાસેથી પસાર થઈએ. વિજયાને આમલીઓ અતિ પ્રિય. ભેટો થાય તો તેના પોયણાં જેવા હાથમાં ગજવાં ખાલી કરતા અને કમળકાકડી, બદામ, દ્રાક્ષનું ચડેલું ઋણ ચૂકતે કરતા. વિજયાનો ભેટો ન થાય તો બીજા દિવસે કચરિયું ખાવાની લાલચે ફાતુમાના રસુલને અડધા ભાગે આમલીઓ આપતા. આમલીઓ ખાઈ વાળુ સમયે ઘેર પહોંચતા. રાતે આખું ગામ પોશ-પોશ આંસુડે રડ્યું હતું અને સવારે ફળિયાવાળાં મારા કાકાના દીકરા દવાભાઈને વઢવા આવ્યાં હતાં. અમે રાતે ઈશ્વરે ઘર બદલ્યું' નાટક ભજવ્યું હતું. એમાં મારું પાત્ર બાળક સુધીરનું હતું. હું બીમાર પડ્યો હતો અને ‘બા...બા... પાણી'ના પોકાર સાથે આત્માએ દેહ છોડ્યો હતો. ફળિયાવાળાં મારા ભાઈને ઠપકો આપતાં હતાં, “મેનાંમા ને કુબાભાભાનો બાબુ સાત ખોટનો એકનો એક સોરો સ. તેને મરી જવાનું સરિતર (ચરિત્ર-પાત્ર) અલાતું અશે?” દવાભાઈ ઓશિયાળા બની નીચી મૂંડીએ બેઠા હતા. ‘લોક’ની મંગલ ભાવનાને ન સમજી શકતું મારું બાળમાનસ વિચારી રહ્યું હતું, “હું તો સૌની સામે જીવતો ઊભો છું અને મારા ભાઈને ગંગાકાકી (બાળમિત્ર કરસનની બા), ગોવાકાકા (બાળમિત્ર ભીખાના બાપા) અને ભગાકાકા (બાળમિત્ર ડાહ્યાના બાપા) કેમ વઢે છે?”’ આ સમય ‘દેશી નાટક સમાજ’નો ચાલતો હતો. રામલીલાની સાથે સાથે ટિકિટવાળી નાટકકંપનીઓનું પણ પૂર આવેલું. મોટાં ગામો અને નજીકનાં શહેરોમાં આ કંપનીઓ ‘ઈશ્વરે ઘર બદલ્યું', ‘વડીલોના વાંકે' જેવાં સમાજસુધારણાનાં નાટકો ભજવતી. કિશોરો અને યુવાનો આ નાટકો જોવા જતા. મોડી રાત સુધી નાટકો ચાલતાં. હું અને મારા કાકાનો દીકરો પૂરો દિવસ ખેતરમાં મગફળી વીણવા જતા. સાંજે ભાયચંદકાકાની દુકાને મગફ્ળી વેચતા. આ પૈસા લઈને નાટક જોવા જતા. નાટકકંપની ચાલી ગયા પછી ગામના કિશોરો અને યુવાનો સ્મૃતિમાં સાચવેલા સંવાદોમાંથી નાટકો રચતા. બે માસ સુધી નાટકની તૈયારી ચાલતી. પંદરમી ઑગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરીનાં રાષ્ટ્રીય પર્વોમાં જાહેરમાં આ નાટકો ભજવતા. સ્ત્રી-પાત્રો પણ પુરુષો જ ભજવતા. મારા ભાઈને સ્ત્રી-ચરિત્ર ભજવવું ખૂબ ગમતું. બહેચરભાઈ પટેલ અને સોમાભાઈ મિસ્ત્રી મહત્ત્વનાં પુરુષપાત્રો. પ્રાથમિક શાળાના શિક્ષકો મથુરભાઈ પટેલ (હડિયોલ), ઈશ્વરભાઈ પટેલ (વાઘરોટા) અને જાદર ગામના સુંદરભાઈ નાયક નાટક શીખવવા આવતા. આચાર્ય અંબાદાન ગઢવી ગીતો શીખવતા. મારી હાજરી નાટકની તાલીમના પહેલા દિવસથી જ રહેતી. મારા પ્રાથમિક શાળાના શિક્ષકોની સ્મૃતિ નાટકના સંદર્ભે જ રહી છે. બાલ્યાવસ્થામાં પડેલા નાટકના સંસ્કારોએ મને નાટ્યસર્જન ક૨વા પ્રેરેલો. ખેડબ્રહ્મા કે. ટી. હાઈસ્કૂલની શિક્ષક તરીકેની આરંભની કારકિર્દી સમયે મેં ‘પોકારે છે ભોમકા’ (દેશપ્રેમનું નાટક), ‘આણું' (પટેલ સમાજના રીતરિવાજને સ્પર્શતું લોકબોલીમાં લખેલું નાટક) અને ‘ચહેરા વિનાનો ભગવાન’ (અસ્તિત્વવાદી વિચારધારા આધારે રચાયેલું નાટક) જેવાં નાટકો રચીને વિદ્યાર્થીઓ અને શિક્ષકોના સહયોગથી ભજવ્યાં હતાં. આથી ખેડબ્રહ્મા તાલુકામાં નાટ્યલેખક તરીકે ખ્યાત થયેલો. નજીકના ભૂતકાળમાં લીધેલા મેક આર્થર ફાઉન્ડેશન અમેરિકાના આદિવાસી વિસ્તારોમાં કલા અને સાંસ્કૃતિક સંચાર દ્વારા વૈચારિક ક્રાંતિ' પ્રૉજેક્ટની સફળતામાં આ નાટ્ય-સંસ્કારોએ નોંધનીય ફાળો આપ્યો છે. મને નાટકોનો શોખ છે એવું જાણીને ઠાકરડા કોમનો એક વિદ્યાર્થી પોષ માસમાં તેને ગામ દિધિયા લઈ ગયેલો. આખું ગામ નાટક માણવા આવેલું. નાટક તો ‘સોનબાઈની ચૂંદડી’ હતું. રામલીલાની નકલ કરેલી. પણ સવારે રાવણ મારવાનો પ્રસંગ અદ્ભુત રીતે ભજવાયેલો. રામ, રાવણ, હનુમાન, લક્ષ્મણ જેવા યોદ્ધા હળ, કળબ, ધૂંસરી જેવાં ખેતીનાં હાથવગાં ઓજારોથી લડેલા. રામે ગાડામાં બેસીને હળની અણીએ રાવણને મારેલો. વૃદ્ધો પ્રસંગને પદ્યબદ્ધ ગાતા હતા. આ પછી યોદ્ધાને શૂરાતન ચડતું હતું, અને યુદ્ધ આદરતા હતા. આ પ્રદેશમાં મેં સંગીતબદ્ધ પહેલું લોકનાટ્ય નિહાળ્યું હતું.

***