મેઘાણીની સમગ્ર નવલિકા 2/એના પગની પાની!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
એના પગની પાની!

“હં-હં! ત્યાં તે પાની લૂછાય?” કહેતાં તો મારાથી કહેવાઈ ગયું છે; પણ તે પછીથી આજ સુધી મને બેચેની રહ્યા કરી છે. વળી પાછો મારી જ બેચેની પર હું હસું છું: અરે બેવકૂફ! એક ભાડૂતી નાચનારીને તેં એટલું કહ્યું તેમાં આટલા લાગણીવેડા શા! વાત આમ હતી: સિનેમાનો સ્ટુડીઓ તે દિવસની ઝરમરતી સંધ્યાએ કોઈ એક કામરૂ દેશનું રંગભવન બની રહ્યો હતો. એક નૃત્યનો ‘સીન’ લેવાતો હતો. પાંચેક જુવાન નર્તકીઓને તેડાવી હતી. હું તો ત્યાં અકસ્માત્ જઈ ચડેલો. કામરૂ સરદારના રંગીલા બેટાએ ચાબુકનો ફડાકો બોલાવ્યો: જંગલી ડમરૂ-નાદ અને શરણાઈના ચેંચાટ સાથે ચાર કામરૂ-કન્યાઓનું ખંજરી-નૃત્ય છંટાવા લાગ્યું. પાંચમી સહુથી નાની, અંગુલીઓમાં મજીરાં ગોઠવી, પોતાને દાખલ થવાની ઇસારતની રાહ જોતી, હજુ બહાર ઊભી છે: ડમરૂ અને શરણાઈના શરૂ થયેલા સ્વરોએ એના પગની પાનીઓ તળે અંગાર પાથરી દીધા છે. એ થનગની ઊઠી. એનો આખો દેહ ડોલવા, પીગળવા, સળગી જવા લાગ્યો. ને એનો સમય થતાં જ એણે અંદર દોટ દીધી. નૃત્યની મદિરા એની નસે નસમાં ચડી ગઈ. પાંચ મિનિટનું એક નૃત્ય: જાણે એક જીવતો વંટોળ: જોનારા ચકચૂર બની ગયા. નૃત્યને અંતે જ્યારે એણે પોતાનું કલેવર એ યુવાન નાયકના હાથમાં પુષ્પની પાંદડીની માફક ઢાળી દીધું. ત્યારે તો ઓહોહો... મારું કલેજું ડૂલ થઈ ગયું. ‘ફરી એકવાર, હજુ એકવાર!’ એવા ડાયરેક્ટરના આદેશો મને બહુ મીઠા લાગ્યા. ત્રણ ત્રણ વાર મેં એ કલાવંતીનું વંટોળ-નૃત્ય દીઠું. ને એ બહાર આવી ત્યારે મેં કહ્યું: વાહ! નૃત્ય વિનાનું જીવન કેવું નીરસ! શી તારા પગની પાની! હજુ તો મારું ‘આફ્રિન’ ઊછળતું હતું. ત્યાં તો મેં એને પોતાના પગની પાનીઓ લૂછતી દીઠી: શાની સાથે? પિયાનો ઉપર ઓઢાડેલ એક તાડપત્રીની સાથે: જે તાડપત્રી પર તો સેંકડો પગના કાદવ ઘસાયા હશે. — ને છતાં મારાથી બોલાઈ ગયું: “અરે, અરે, એના પર કાં પાની લૂછો? તાડપત્રી બગડશે. એ તાકી રહી. આટલું જ બોલી: “મારી પાની બગડી છે તેનું કંઈ નહિ?” મે હાજરજવાબીથી કહ્યું: “પાની તો ધોવાશે, તાડપત્રી કંઈ મફત ધોવાય છે?” એ તો ચાલી ગઈ. કોણ જાણે ક્યાં હશે. પણ મને હવે થયા જ કરે છે કે મેં આ શું કહ્યું? કોને કહ્યું? પછી પાછો મને ને મને વિચાર આવ્યો કે એમાં શું ખોટું કર્યું? આ દુનિયામાં તો એ રીતે વાણિયાભાઈ જ થઈએ; વાણિયાભાઈ થતાં આ પહેલી જ વાર આવડ્યું, એટલે હવે ફતેહને રસ્તે છીએ!