મેઘાણીની સમગ્ર નવલિકા 2/રંગમાં ભંગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
રંગમાં ભંગ

આજે ગ્રાન્ડ રીહર્સલ હતી: નાટકશાળા સન્માનિત મિત્રોથી શોભતી હતી. ‘ઇંદ્રનો અભિશાપ’ નામનો નવો ખેલ આવતી કાલે તો નગરને ઘેલું કરશે. ગજબ ‘સેટીંગ’ કર્યું હતું ડાયરેક્ટરે. ગાંધર્વ-કુમારી પોતાની સખીઓ સંગાથે ‘આંધળો પાડો’ રમી રહી છે. અમરાપુરીનાં અટારીઓ, સ્થંભો, દીપમાલા, લતામંડપો, ફૂલવાડી, ઝલમલ, ઝલમલ, ચોમેર ઝલમલ: ને એની વચ્ચે ગાંધર્વ-કુમારીને રમાડતી પંદર દેવક્ન્યાઓ. અંગે અંગે આભરણ, અંબોડે ફૂલવેણીઓ, ગળામાં ઝૂલતા ડોલર-હાર, કાને મંજરીઓ લહેરાય છે — ને દેવગાયકોનું સંગીત ચાલે છે. શી રસ-જમાવટ! કવિએ તો કમાલ કરી હતી. દોસ્તોના ધન્યવાદોના ધબ્બા કવિની પીઠ પર ગાજી રહ્યા. અચાનક રંગમાં ભંગ પડ્યો, ચાર વરસનો એક કંગાલ છોકરો દોઢ વર્ષની — જાણે ગટરમાંથી ઉપાડી આણી હોય તેવી એક છોકરીને તેડીને સ્ટેજ પર આવ્યો ને એણે બૂમ પાડી: “મા, ઓ મા, ભેંણ ભૂખી હુઈ હે. મા ધવરાવગી? મા...મા...મા...” “હટ, હટ, હટ એય બેવકૂફ!” એ હાકલ કોની હતી? કવિની પોતાની જ: “કોણ છો તું, ગમાર?” છોકરાની કમર પર છોકરી ડઘાઈ ગઈ. છોકરાએ કહ્યું: “મેરી મા — મેરી મા કાં હે? મેરી ભેંણ ભૂખી—” “અત્યારે તારી મા! અત્યારે તારી બહેનને ધવરાવવા તારી મા નવરી છે? જોતો નથી? ઊતર ઝટ નીચો.” એટલું કહીને કવિએ મિત્રો તરફ જોયું: “છે ને ડફોળ! બરાબર અત્યારે ધવ—” કવિ હસ્યા. મિત્રો હસ્યા, નટનટીઓ હસ્યાં. છોકરાની વાંકી વળેલી કેડે છોકરી રડવા લાગી. રમતી દેવકન્યાઓ તરફ લાંબા હાથ કરવા લાગી. એક દેવકન્યા જુદી પડી, નજીક આવી. છોકરીની સામે તાકી રહી. “કેમ મરિયમ! શું છે?” ડાયરેક્ટરે બૂમ પાડી. “મેરી લડકી હે — ભૂખી હે—” “ભૂખી છે તો જા મરને! ઝટ પતાવને ભૈ!” કવિએ ત્રાસ અનુભવ્યો. દેવકન્યાના ઝળાં ઝળાં પોશાકમાં મરિયમે ‘મેરી લડકી’ને તેડી લઈ સ્ટેજની લીંગ પછવાડેના એક ખૂણામાં ઊભે ઊભે જ છોકરીને છાતીએ લીધી. બધા ખૂબ ખૂબ હસ્યા.