મોટીબા/છ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

હં, તો, ‘ચૉક’ પછી આવે ‘પરસાળ'. ચોમાસામાં ક્યારેક સખત વરસાદ પડે ત્યારે, રસોડું થોડા સમય માટે ખસેડાય પરસાળમાં. ‘પરસાળ’ તથા ‘ઓરડા’ની ઉપર એક માળ. પરસાળની ભીંતો પરની અભરાઈઓ પર ગોઠવેલાં પિત્તળનાં વાસણો. અભરાઈની કિનારી પર મીણ વડે લાઇનસર ચોંટાડેલી પિત્તળની નાની નાની છલૂડીઓ. ‘ઓરડા’માં જવા માટેના બારણાની ડાબી બાજુની ભીંત પર લોલકવાળું, ડંકાવાળું વર્ષો-જૂનું ઘડિયાળ. જેને સમયસર ચાવી આપવાનું કામ પણ મોટીબા જ કરે. એ ઘડિયાળના ડંકાનો રણકોય ખૂબ સરસ. મોટીબા કહેતાં, કલાકે કલાકે ડંકા પડતા રૅ એટલ ઘરમોં એકલું નોં લાગ. શેરી જેવડા મોટા ઘરમોંય ડંકાના અવાજથી વસતી જેવું લાગ.. વળી, રાતેય, કલાકે કલાકે ડંકા પડતા રૅ એટલ એવું લાગ ક કોક ચોકી કરનારું ય સ. રાત ભેંકાર નોં લાગ.. કોકવાર ઓંખ ઊઘડી જાય નં ઊંઘ નોં આવઅ્ નં મન વિચારે ચડી જાય તારઅ્, હજી હવાર થવાની કેટલી વાર સ એ જોવા પથારીમોંથી ઊભુંય થવું નોં પડ... ડંકા પડઅ્ તે તરત ખબર પડઅ્ ક તૈણ વાગ્યા ક ચાર.’ એ ઘડિયાળ બગડતું ને બાપુજી કહેતા, ‘હવે એ ઠોચરાને કંઈ રિપેર નથી કરાવવું... ઘડિયાળ નવું જ લાવી દઈએ...' ‘તાર ઘડિયાળ નવું લાવવું હોય તો ભલ… ઈની ના નથી. નવા ઘડિયાળનં ખડકીમોં લગાવજે. પણ જૂનું ઘડિયાળ તો ઈંની જગ્યાએ જ રૅ’શે નં ઈનં હોંચ કરાવવું પડશે.. ડંકા નથી વાગતા તે જોંણ આ ઘડિયાળ મરી ગ્યું હોય એવું લાગઅ્ સ… ઈનં ઝટ પાછું બોલતું કરાય...' ‘પણ એ બહુ જૂનું થઈ ગયું છે તે ખડકી ને પરસાળ, બેય માટે લોલકવાળાં, ડંકા પડે એવાં જ, નવાં ઘડિયાળ લાવી દઈએ...’ ‘તું નવોં હત્તર ઘડિયાળ લાવ તોય મારઅ્ તો આ જ ઘડિયાળ જોઈઅ… નં બનં એટલું જલદી એ હોંચ થવું જોઈઅ નં ડંકા પડવા જોઈઅ...’ ને કંપતા અવાજે મોટીબા આગળ બોલે, ‘ખબર સ? તારા બાપના વખતનું સ આ ઘડિયાળ...’ ‘પણ હવે તો રામભૈ ઘડિયાળીય કહે છે કે, મ્યુઝિયમમાં મૂકવા જેવા આ ઘડિયાળને હવે ક્યાં સુધી રિપેર કરાવ્યા કરશો? ક્યાં સુધી સરખું ચાલે… કેટલું જૂનું થઈ ગયું છે?’ ‘હુંય જૂની થઈ ગઈ છું. ઈંમ કર, મનંય મૂકી આય ‘મુઝ્યમ'... મોં.’ મોટીબા ખોવાઈ જાય અતીતમાં.. ‘ખબર સ તનં? મારાં લગન કેડી મીં જિદ કરીનં તારા બાપા ફાહે આ ઘડિયાળ માગી'તી... ક... ઘરમાં ઘડિયાળ વના નોં ચાલ… તો, તારા બાપા કીં ક આપડ ક્યોં નોકરીએ જવું સ…?’ ‘કેમ? ગોરપદું કરો સો તે મુરત તો હાચવવું પડઅ્ ક નંઈ? મીં ઓંમ કયું એટલ ઈમને કૅડમોં ખોસેલી ગોંધીજી જેવી નેંની ઘડિયાળ કાઢીનં બતાઈ નં મૂછમોં હસ્યા.. પસ મીં તો કીધું ક, તમે ગોરપદું કરવા બા’રગોંમ ગયા હોવ નં ઘરમોં હું હાવ એકલી હોઉં તો, કલાકે કલાકે ઘડિયાળમોં ડંકા પડતા હોય તો કોંક ‘વસતી’ જેવું લાગ… નં એ જ હોંજે આ ઘડિયાળ ઘરમોં આઈ.. લગન કેડી ઘર માટ ખરીદેલી પૅલી જ ચીજ… તું અંગરેજી પે'લામોં ભણતો નં તારા બાપા મરી ગ્યા એ કેડીય આ ઘડિયાળના ડંકા..' આગળ કશું બોલવાને બદલે મોટીબાએ સફેદ સાડલાના છેડાથી આંખો લૂછી. સત્તરેક વર્ષની ઉંમરે એમનાં લગ્ન થયેલાં પચાસેક વર્ષના ગંગાશંકર સાથે. એ ક્ષણથી જ એમના માટે વૈધવ્ય નિશ્ચિત હતું. દર્પણમાં જોઈ, મોટા ગોરા કપાળમાં ચાંલ્લો કરતી વેળાએ કદાચ, ચાંલ્લાના કંકુમાંય ભળેલું હતું વૈધવ્ય... જુવાનજોધ વિધવાની, અનેક ઋતુઓની, અનેક લાંબી લાંબી રાતો પણ થઈ હશે પસાર આ જ ઘડિયાળના ડંકાઓના સહારે.. આ જ ઘડિયાળમાં ફરતા કાંટાઓમાંથી ક્યારેક પ્રગટતાં હશે સ્વપ્નોય — નાના નાના દીકરા-દીકરીને મોટાં કરવાનાં, ભણાવવાનાં, પરણાવવાનાં…

‘બસ.. ભાનુ મોટો થઈ જાય નં ઈનં નોકરી મળ ત્યોં હુદી જ આ દુઃખ વેઠવાનું સ…’