યુગવંદના/સ્વપ્ન થકી સરજેલી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સ્વપ્ન થકી સરજેલી

ધન-ધાન્ય-ફૂલે લચકેલી
આ વસુધાના પટમાંય,
કો સ્વપ્ન થકી સરજેલી
મુજ જન્મભૂમિ લહેરાય:
નવખંડ ધરા પર ભમો – નથી આ ભોમ સમોવડ કોઈ:
સહુ દેશ તણી મહારાણી મુજ માભૂમિ તુલ્ય કો ન્હોય.

કહો ક્યાં બીજે દીઠેલી
આ મેઘ તણી કાળાશ?
– આ નભમંડલની કાન્તિ?
– આ વીજ તણા અજવાસ?
અહીં પંખી તણા સ્વર સુણી પોઢવું, સુણી જાગવું હોય,
સહુ દેશ તણી મહારાણી મુજ માભૂમિ તુલ્ય કો ન્હોય.

કહો ક્યાં બીજે દીઠેલાં
નદીઓનાં નિર્મલ વ્હેણ?
– આ પહાડો ધુમ્મસઘેરા?
– આ હરિયાળાં મેદાન?
ભરચક ખેતર પર લહર લહન્તા પવન અન્ય ક્યાં હોય,
સહુ દેશ તણી મહારાણી મુજ માભૂમિ તુલ્ય કો ન્હોય.

અહીં તરુતરુએ ફૂલ હીંચે,
વન વન પંખીડાં ગાય;
અહીં મધુકર મદભર ગુંજે
પુંજે પુંજે લહેરાય:
મધુ પી પુષ્પો પર ઢળી પોઢતા અન્ય ક્યહાં એ હોય?
સહુ દેશ તણી મહારાણી મુજ માભૂમિ તુલ્ય કો ન્હોય.

તુજ સમ નથી ક્યાંય જગતમાં
પ્રિયજનના આ વિધ પ્રેમ;
તુજ ચરણો ચાંપી હૃદયમાં
જીવવાની હરદમ નેમ:
હું જનમ જનમ અહીં મરું-અવતરું – મુક્તિ અન્ય ક્યાં હોય?
સહુ દેશ તણી મહારાણી મુજ માભૂમિ તુલ્ય કો ન્હોય.
૧૯૨૫