યુરોપ-અનુભવ/નીસથી બાર્સિલોના

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નીસથી બાર્સિલોના

નીસના સ્ટેશન પર ભારે ભીડ હતી. યુરોપના દેશોના કોઈ નગરમાં ભાગ્યે જ આટલી ભીડ હોય! નીસથી અમારે બાર્સિલોના (સ્પેન) માટે ગાડી લેવાની હતી. ગાડી આવતાં જ અમે પાંચેય એક કંપાર્ટમેન્ટમાં ગોઠવાઈ ગયાં.

અમારા કંપાર્ટમેન્ટનું બારણું અમે બંધ કર્યું, પણ એ રિઝર્વ ન હોવાથી લૉક ન થઈ શક્યું. અહીં બેઠકોની વ્યવસ્થા એવી હોય કે લંબાવવાથી તે નાનીસરખી પથારી બની જાય. અમે પાંચેય બેઠકો લંબાવી દીધી. અમારો સામાન લંબાવેલી સીટોની નીચે ગોઠવી દીધો. કંપાર્ટમેન્ટના કૉરિડોરમાં અવરજવર ચાલુ હતી. એક વિચિત્ર લાગતો શખ્સ અમારા કંપાર્ટમેન્ટની બહાર ઊભો હતો તે યાદ છે.

સવારમાં બાર્સિલોના આવવાનું હતું. અમે નીસના સાગરતટની વાતો કરતાં કરતાં લંબાવ્યું હતું. ખબર નહિ, ક્યારેય પાંચેય જણ ઘસઘસાટ ઊંઘી ગયાં!

સવારે બાર્સિલોના આવ્યું. અમે અમારો સામાન બહાર કાઢ્યો. સ્ટેશન પરથી અંદર પ્રવેશ માટે સ્પેનના વિસા બતાવવાના હતા. અનિલાબહેને પોતાનું પર્સ ખોલી પાસપૉર્ટ તો બહાર કાઢ્યા, પણ તેમણે જોયું કે, તેમના પર્સમાંથી રોકડા પાઉન્ડ અને ટ્રાવેલર્સ ચેક ગુમ હતા!

અમારા સમગ્ર પ્રવાસમાં ખજાનચીનું કામ અનિલાબહેન કરતાં. એમનું કામ પણ ચૉક્કસ. અમે સૌએ અગાઉથી બધાના સર્વસાધારણ ખર્ચ માટે તેમને પૈસા આપી રાખેલા. તેમની પોતાની રકમ ઉપરાંત અમારી રકમ પણ પર્સમાંથી અદૃશ્ય. સાથે ટ્રાવેલર્સ ચેક! કેવી રીતે આમ બને?

સ્ટેશન પરની એક બેંચ પર અમે બેસી ગયાં. એમણે પોતાના પર્સમાં નીસથી રાતે સૂતી વખતે આખા દિવસના ખર્ચનો હિસાબ કરી પૈસા ગણીને મૂક્યા હતા. સામાન્ય રીતે પોતાનું પર્સ આવી યાત્રા વખતે તેઓ સુરક્ષાની દૃષ્ટિએ પોતાના ઓશીકાની નીચે રાખીને સૂએ છે, પણ નીસથી નીકળતાં સૌએ પોતાનો સામાન લંબાવેલી સીટોની નીચે મૂકેલો, તેમણે પોતાની પર્સને પણ એ રીતે નીચે, છેક ખૂણે મૂકી હતી.

પર્સ હતી, પણ અંદરથી પૈસા અને ટ્રાવેલર્સ ચેક ગુમ? એ જ પર્સમાં તેમનો અને મારો પાસપૉર્ટ પણ હતા. એક વાર પાસપૉર્ટ ચોરાયા પછી મેં મારો પાસપૉર્ટ સાચવવા તેમને આપી રાખેલો. બન્ને પાસપૉર્ટ હતા.

તો પછી ચોરે શી કરામત કરી? ધારો કે એ પર્સ લઈને જતો રહ્યો હોત તો? એની કલ્પના પણ અમને ધ્રુજાવી દેવા પૂરતી હતી. પણ ના, આ કોઈ દયાળુ ચોર હશે. એને માત્ર પૈસામાં જ રસ હતો અને પ્રવાસીને બીજી અગવડ ન પડે તેનો ખ્યાલ રાખ્યો હશે. પૈસા પૈસા લઈ લીધા, બાકીનું બધું એમ ને એમ જ.

પણ એ પર્સ અમારી લંબાવેલી સીટોને છેડેથી એણે કેવી રીતે કાઢ્યું હશે? પૈસા લીધા હશે? અને પછી પર્સ પાછું મૂકી દીધું હશે? અમે ભરનિદ્રામાં ઊંઘી ગયાં એમાં એની કોઈ કરામત હશે? કંઈ છાંટ્યું હશે?

અમારો સૌનો આનંદ ફરી એક વાર ઝુંટવાઈ ગયો હતો. ટ્રાવેલર્સ ચેક અને રોકડા પાઉન્ડ મળી લગભગ બારેક હજાર રૂપિયા ગયા હતા. એક તરફ ચોરનારનો આભાર માનતા હતા કે એ પાસપૉર્ટ સમેતની પર્સ લઈને જતો નહોતો રહ્યો, પણ બીજી તરફ આ ચોરીને લીધે થયેલો ઉદ્વેગ તરત તો શમે એમ નહોતો.

સ્પેન જોવાનો અમારો આનંદ અર્ધો થઈ ગયો. અમે અનિલાબહેનને કહ્યું : જે પૈસા ગયા છે તે આપણા સૌના સહિયારા છે એમ ગણીશું. એટલે મોટી રકમનો બોજ તમારે એકલાએ ન ઉપાડવો પડે. પણ એ તો કહે કે, મારી પાસેથી ચોરાયા એટલે એ તો મારી જ જવાબદારી! તમારા કોઈના પૈસા હું ન લઈ શકું.

આ અશાંત માનસિકતા સાથે અમે સ્પેનના દરિયાકાંઠેના એ પ્રસિદ્ધ નગરમાં પ્રવેશ કર્યો.

બાર્સિલોના સ્પેનના કાતાલુનિયા વિસ્તારનું મુખ્ય નગર, મોટું બંદર અને ઔદ્યોગિક શહેર પણ ખરું જ. અમને તો સ્પેન અને કાતાલુનિયા – બાર્સિલોના આદિના સંદર્ભે જો કોઈ પ્રથમ યાદ આવે તે તો સર્વાન્ટિસનો ડૉન ક્વીક્ઝોટ અથવા કહો, દૉન કિહોતે. સાન્કો પાન્ઝા અને દૉન કિહોટેની સવારી અહીં કાતાલુનિયા વિસ્તારમાં જરૂર પહોંચી હશે. સર્વાન્ટિસ ઉપરાંત આધુનિક યુગના કવિ તરીકે એકદમ યાદ આવે – કવિ લોર્કા. કાતાલુનિયાની પોતાની આગવી સંસ્કૃતિ અને ઇતિહાસ છે. એની જાળવણી પણ એવી કે આ વિસ્તારમાં ૩૦૦ જેટલાં તો મ્યુઝિયમો છે.

થોડાંક સ્વસ્થ થયા પછી અને નાસ્તાપાણી પછી અમે બાર્સિલોનાનું પ્રસિદ્ધ સાગ્રાદા ફેમિલિયા ચર્ચ જોવા નીકળ્યાં. બાર્સિલોનાની સડકોની વ્યવસ્થા જુદા પ્રકારની હતી. રોડની – રસ્તાની બન્ને બાજુ વાહનોની અવરજવર અને વચ્ચેની પહોળી પટ્ટી રાહદારીઓ માટે. એથી ચાલવાની સુવિધા રહે.

અમે ચર્ચ આગળ આવી પહોંચ્યાં. પ્રવેશતાં જ વિરાટનો અનુભવ થાય. ઓગણીસમી સદીમાં ઍન્ટોનિયો ગૌડી નામના સ્થપતિએ બાંધેલા આ દેવળને કવિપુત્રી સ્વાતિ જોશીએ પોતાના ગ્રંથમાં ‘સ્વયંસ્ફુર્ત કવિતા’ની ઉપમા આપી છે.

સ્પૅનિશ સ્થાપત્યના નમૂના જેવાં બીજાં પણ ચર્ચ બાર્સિલોનામાં છે, પણ અમારો ઉત્સાહ થોડોક મોળો પડી ગયો હતો. બાર્સિલોનામાં તો ૧૯૯૨માં ભરાનાર ઑલિમ્પિક રમતોત્સવનાં વિજ્ઞાપનો અત્યારથી જ જોવા મળતાં હતાં.

બાર્સિલોનામાં ચાલતાં ચાલતાં એવો અનુભવ થાય કે એ યુરોપનાં નગરો કરતાં જૂનું છે, કદાચ ધીમું પણ છે. અમારા સહપ્રવાસીઓ બાર્સિલોનાના બજારમાં પ્રવેશ્યાં. થોડીક સ્મૃતિચિહ્નરૂપ વસ્તુઓ ખરીદી, તેમાં અનિલાબહેને તો દૉન કિહોતે અને સાન્કો પાન્ઝાનું ધાતુમાં કોતરેલું નાનકડું શિલ્પ લીધું.

એ જ માર્ગે અમે પછી સમુદ્રકિનારા તરફ ચાલ્યાં. રસ્તામાં એક સરઘસ! હરે રામ, હરે કૃષ્ણના સાધુઓનું. મોટા ભાગના, કહો કે બધા જ યુરોપ-અમેરિકાના જ હશે. બાર્સિલોના શહેરની વચ્ચે પગે ચાલવાના રસ્તે ચૈતન્ય મહાપ્રભુની મુદ્રામાં ઊંચા હાથ કરી નાચતા-ગાતા ‘હરે રામ હરે કૃષ્ણ’ના નામગુંજન સાથે તેઓ જઈ રહ્યા હતા. બાર્સિલોનામાં ઝાંઝ-પખવાજ સાથે રામ-કૃષ્ણનું નામ સાંભળવા મળે એ નવાઈ ન કહેવાય? માત્ર સંકીર્તન નહિ, પ્રસાદ પણ વહેંચતા જતા હતા. અમે સૌએ માગીને પ્રસાદ ખાધો!

ક્યાંક દુકાનોમાં આપણાં નગરો જેવી મ્યુઝિક ટેપ વાગે છે, વાતાવરણ જીવંત. લોકો પણ ખાસ્સા, માર્ગ પર હતા. જોકે આજે શનિવાર છે એટલે પણ હોય.

અહીં રસ્તા પરના બજારમાં પાંજરામાં રાખેલાં પક્ષીઓ વેચાતાં હતાં. યુરોપમાં માત્ર અહીં જ આમ પક્ષીઓ વેચાતાં જોયાં. અલબત્ત, પક્ષીઓમાં મુખ્યત્વે પોપટ, જુદા જુદા રંગના હતા કે એ જુદાં પક્ષીઓ હતાં?

બાર્સિલોનામાં આમ ફરતાં ફરતાં અમે સાંજ પાડી દીધી. સાંજના વખતે અમે પોર્ટ પર આવી પહોંચ્યાં હતાં. સાંજનું માર્કેટ ભરાયું હતું. એક જગ્યાએ ટેરેટ કાર્ડ દ્વારા ભવિષ્યકથન કરાતું હતું. પ્રવાસીઓની સંખ્યા પણ જણાતી હતી.

પાછાં ચાલતાં ચાલતાં બાર્સિલોના સ્ટેશન પર આવ્યાં. નાસ્તોપાણી કરી લીધાં. પહેલી વાર રિઝર્વેશન કરાવવાનો વિચાર આવ્યો.

હવે અમે સ્પેનના પાટનગર માડ્રિડ (માદ્રિદ) જઈશું, પણ, સવારની ઘટનાથી ઉત્સાહ ઓસરી ગયો છે.