રચનાવલી/૧૮૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૮૧. વેરવિખેર (ચિનૂઆ અચેબે)


ચિનૂઆ અચેબે આફ્રિકી લેખકોમાં સૌથી વધારે પ્રભાવશાળી રહ્યો છે. એની પહેલી જ નવલકથા ‘વેરવિખેર’ (થિંગ્સ ફૉલ એપાર્ટ) સમર્થ સાહિત્યકૃતિ ઠરી છે. અંગ્રેજી ભાષી દેશોમાં એ બધે જ વંચાય છે અને ભણાવાય છે. લગભગ ૪૫ જેટલી ભાષાઓમાં એના અનુવાદ થયા છે અને લાખોની સંખ્યામાં એની નકલો ખપી છે ઉપરાંત નવલકથાનાં રંગમંચ માટે રૂપાન્તરો થયાં છે, એનાં રેડિયો નાટકો અને ટી.વી. શ્રેણીઓ પણ રજૂ થઈ છે. પૂર્વ નાઇજીરિયાના ઈગ્બો ભાષા સંસ્કૃતિના ઓગીડી નગરમાં ૧૯૩૦માં ચિનૂઆનો જન્મ ખ્રિસ્તી પિતાને ત્યાં થયો હતો. ચિનુઆના ઘણાં વર્ષો બ્રિટિશ શાસન હેઠળ વીત્યા હતાં. અલબત્ત, આઠ વર્ષની વયે એનું અંગ્રેજી શિક્ષણ શરૂ થયું અને કારણે એક ફાયદો થયો કે એના પર પોતાની ઈગ્નો સંસ્કૃતિ અને ભાષાના સંસ્કાર દૃઢ થઈ ચૂકેલા હતા. એક બાજુ પોતાની માતા અને બહેન દ્વારા પારંપારિક ઈગ્બો કથાઓનો વારસો અને બીજી બાજુ પિતાના પુસ્તકાલયમાંથી અંગ્રેજી પુસ્તકોનું વાચન—આ બંનેએ ચિનૂઆને પશ્ચિમની સંસ્કૃતિ અને પોતાની સંસ્કૃતિની પરિપક્વ સમજ આપી છે. બંને સંસ્કૃતિના ફાયદા - ગેરફાયદાને એ તટસ્થ રીતે જોઈ શકે છે પણ આફ્રિકી પ્રજાનું ગૌરવ અને એની અસ્મિતા એનામાં ભારોભાર રહ્યાં છે. કૉલેજના શિક્ષણ દરમ્યાન સભાન થયેલા ચિનુઆએ પોતાનું ખ્રિસ્તી નામ આલ્બર્ટ બદલીને ઈગ્બો નામ ચિનૂઆ રાખેલું. આફ્રિકાના દૃષ્ટિબિંદુથી આફ્રિકાના ભૂતકાળને જોવાય અને પશ્ચિમની સંસ્કૃતિના દષ્ટિબિંદુથી એને માપવામાં ન આવે એ જોવા માટે એણે કમર કસેલી. શ્વેત સભ્યતા અને શ્વેત પ્રજા જન્મસિદ્ધ ચઢિયાતી નથી એવું બતાવી એ આફ્રિકાની સંસ્કૃતિ અને પ્રજાનું આદરપૂર્વક સ્થાન રચવા માગતો હતો. આમ કરવામાં ચિનૂઆ કોઈ પ્રચારક નથી રહ્યો. હા એની નવલકથા સામાજિક કાર્ય વધુ કરે છે અને નવલકથાનાં ધોરણો ઓછાં જાળવે છે એવો આક્ષેપ થયો છે પણ આ આક્ષેપની સામે એણે નવલકથાની પોતાની સમજ વ્યવસ્થિત રીતે રજૂ કરી છે. ચિનુઆ જણાવ્યું છે કે સાહિત્ય મુખ્યત્વે માનવીય છે અને તેથી સાહિત્યનું કામ કલા રચવાનું છે એથી વધુ માનવ પ્રયત્નોને રજૂ કરવાનું છે. આ જ ધ્યેય સાથે ચિનુઆ ખાસ્સો પ્રયોગશીલ રહ્યો છે. એણે નવલકથાને આફ્રિકાના વાતાવરણ માટે સદંતર પલટી નાંખી એટલું જ નહીં પણ અંગ્રેજી ભાષાને પલટી નાંખી. અંગ્રેજી ભાષામાં જરૂર પડી ત્યાં ઈગબો ભાષાની રૂઢિઓ અને કહેવતો મૂકી, ઈગ્બો વાતાવરણને સીધું આવવા દીધું, એની માન્યતાઓ અને ધારણાંઓને સીધી પ્રગટ થવા દીધી અને એમ કરતાં કરતાં અંગ્રેજી ભાષામાં એ બધું એવી રીતે ગોઠવ્યું કે અંગ્રેજી ભાષાએ એક નવું રૂપ ધારણ કર્યું. આજે ત્રીજા વિશ્વમાં, પૂર્વે જે યુરોપીય સંસ્થાનો હતાં એ સંસ્થાનોએ આઝાદ થયા પછી ગયેલા શાસકોની ભાષામાં લખવું કે પ્રાદેશિક ભાષાઓને ઉત્તેજન આપવું એ એક પેચીદો પ્રશ્ન છે. વળી, એમ પણ મનાય છે કે પોતાની સંસ્કૃતિને પોતાની ભાષામાં જ બરાબર વ્યક્ત કરી શકાય. આ બધી માન્યતાઓ વચ્ચે ચિનુઆએ સમાધાન અને સમન્વયનો નવો માર્ગ કાઢ્યો છે અને બતાવ્યું છે કે વિશ્વવ્યાપી અંગ્રેજી ભાષામાં અનુભવને લઈ આવતો પોતાનો આ નવો અવાજ છે. ચિનૂઆ અચેબેએ નવલકથામાં વીસમી સદીની સક્રાન્તિ વખતના નાઇજીરિયન જીવનને અને ખાસ કરીને ઇગ્બો સમાજને રજૂ કર્યાં છે. એમાં પશ્ચિમની અને આફ્રિકાની બે સંસ્કૃતિઓનો સંઘર્ષ વ્યક્તિ અને સમાજ બંને કક્ષાએ રજૂ કર્યો છે. ઓકનોક્વો એ ઇલ્કાબ વગર બાયલાની જેમ ગુજરી ગયેલા આળસુ પિતા ઉનોકાની નિષ્ફળતા સામે સભાનપણે એક શૂરવીર અને સમાજના અગ્રેસર તરીકે ઊભરી આવે છે. એકવાર કબીલાની એક સ્ત્રીની બીજા કબીલાવાળા દ્વારા હત્યા થતાં ઉમુઓફિયાના લોકો લડાઈ જાહેર કરી નક્કી કરે છે કે બાજુના કબીલાએ ઉમુઓફિયાના કબીલાને બદલામાં એક યુવાન અને હત્યા પામેલી સ્ત્રીની સામે એક યુવતી આપવાં. યુવતી તો જેની પત્ની મરી ગઈ હતી એની સાથે રહેવા જાય છે પણ યુવાન ઓક્નોક્વોને સુપ્રત કરાય છે. બહારથી સખત દેખાતો ઓક્નોક્વો ધીમે ધીમે યુવાનને પુત્રવત ચાહવા લાગે છે પરંતુ ત્રણ વર્ષ પૂરા થતાં દેવવાણી પ્રમાણે યુવાનની બલિ નક્કી થાય છે અને મિત્રની સલાહ છતાં ઓક્નોક્વો એની હત્યામાં સામેલ થઈ પછીથી અત્યંત દુઃખી થાય છે. આ પછી કબીલાના એક અગ્રણીના અવસાન વખતે દારૂ પીને ઉન્માદમાં ઓક્નોક્વોને હાથે ગોળી છૂટતાં અજાણે એક બાળકનું મૃત્યુ નીપજે છે અને કબીલાના નિયમ પ્રમાણે સાત વર્ષ માટે ગામ છોડી એને બીજે ગામ દેશવટે જવું પડે છે. દેશવટાના બીજે વર્ષે એને ખબર મળે છે કે અબામે ગામમાં સાઇકલ લઈને જતાં કોઈ શ્વેતની અશ્વેતોએ હત્યા કરેલી ને તેથી શ્વેતોએ એ પછી આખા ગામને સાફ કરી નાંખેલું. પોતાના ગામમાં શ્વેત મીશનરીઓએ કબજો લીધો છે અને પોતાનો દીકરો પણ વટલાઈ ગયો છે એવું જાણતા એક્નોક્વોની કબીલાના વડા થવાની ઇચ્છા પર પાણી ફરી વળે છે. દેશવટો ભોગવીને ગામ પાછા ફર્યા પછી ખ્રિસ્તી પ્રભાવને વધતો જોઈને અને કબીલાનાં કુટુંબોને તૂટતા જોઈને ઓકોનક્વો રંજ અનુભવે છે. એ કબીલાના માણસોને ખ્રિસ્તીઓની વિરુદ્ધ આક્રમણ માટે ઉશ્કેરે છે પણ એને ઠંડો પ્રતિભાવ મળે છે. ઓકોનક્વોને બધી વસ્તુઓ વેરવિખેર થતી લાગે છે ઉમુઓફિયાની બદલાતી સામાજિક પરિસ્થિતિથી ઓકોનક્વો હેરાન છે. બાયલાની જેમ દુર્બળ થઈ જતાં પોતાના જાતભાઈઓ માટે એને અપાર રંજ છે. ખ્રિસ્તીઓ સાથેના છેલ્લા સંઘર્ષમાં ઓકોનક્વો કબીલો જેને ધરતી વિરદ્ધનું પાપ કહે છે તે ઝાડ પર લટકી આત્મહત્યાનું પાપ કરે છે. અશ્વેત રીત-રિવાજો, લગ્ન-મૃત્યુ પ્રસંગો, ધર્મગાથાઓ અને શ્રદ્ધા-વહેમો સાકાર કરતી આ કથા દસ્તાવેજ નથી, તો સાથે કલાનો અવેજ પણ બની નથી. એમાં એક સમર્થ લેખકના સામાજિક ધ્યેયની કલાસિદ્ધિ છે.