રણજિતરામ ગદ્યસંચય – ૧/ઉપોદ્ઘાત

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ઉપોદ્ઘાત

કેટલાકનાં જીવન સાગર સમા ઊછળ્યા કરે છે; કેટલાકનાં નદીના પ્રવાહની પેઠે ક્વચિત્ તોફાની, ક્વચિત્ શાન્ત, ઘડીમાં એક દિશામાં, ઘડીમાં બીજી દિશામાં વહે છે; અને કેટલાકનાં જીવન નહેરો સમાં સખ્ત અને સીધી મર્યાદામાં શાન્ત રીતે વહ્યાં જાય છે. સદ્ગત ભાઈ રણજિતરામનું જીવન આ ત્રીજા પ્રકારનું હતું. કદીયે તેમાં સ્વછંદી તરંગો આવતા નહિ, કદીયે તેનો પટ બદલાતો નહિ; કદીયે તેની સરલતામાં ભંગ પડતો નહિ. આવી જિંદગીમાં ધ્યાન ખેંચે એવા ખાસ બનાવો ઘણા થોડા હોય એમાં શું નવાઈ? રણજિતરામના પિતા વાવાભાઈ નાતે સુરતના કાયસ્થ હતા અને સરકારી રેવન્યુખાતામાં નોકરી કરતા હતા. એમનાં માનું નામ કમળાબહેન (તુળજાબહેન) છે. વિ. સં. ૧૯૩૮ના કાર્તિક સુદી ૨ બીજને દિને પ્રાતઃકાળમાં રણજિતરામનો જન્મ સુરતમાં એમની માનાં મોસાળમાં થયો હતો. તેમનાં ભાંડુમાં હાલ તેમનાથી નાનાં એક ભાઈ અને બહેન હયાત છે. નોકરીને અંગે વાવાભાઈને ભરૂચ ને સુરત જિલ્લાનાં ગામોમાં ફરવાનું થતું અને તેની સાથે રણજિતરામને પણ ગામડામાં બાળપણ ગાળવાનો લાભ મળ્યો. તેનું શરીર પહેલેથી ઘણું નબળું હતું અને પાછળથી નબળાઈ દૂર થઈ હતી છતાં છેલ્લે સુધી તે એકવડી કાઠીના અને નાજુક રહ્યા. રણજિતરામે પાટી પર ધૂળ સુરતના નારણ મહેતાની ગામઠી શાળામાં નાંખી; અને પછી અભ્યાસ માટે પોતાના પિતા સાથે અમદાવાદમાં રહ્યા. તેણે ગુજરાતી અભ્યાસ ત્યાંની પ્રેક્ટિસીંગ સ્કૂલમાં અને અંગ્રેજી મિશન હાઈસ્કૂલમાં કર્યો. ઈ. સ. ૧૮૯૯માં મૅટ્રિક પસાર કરી ગુજરાત કૉલેજમાં ગયા. ઈ. સ. ૧૯૦૩માં બી. એ. થયા અને એક વર્ષ કૉલેજમાં ફેલોશીપ ભોગવી. બી. એ. થયા અગાઉ એક વરસે એટલે ઈ. સ. ૧૯૦૨માં વિ. સં. ૧૯૫૮ના મહા સુદી પૂર્ણિમાને દિવસે તેમનાં સુરતમાં રા. રા. મહાસુખરામ માણેકરામ વકીલનાં પુત્રી અ. સૌ. શાન્તીગૌરી સાથે લગ્ન થયાં હતાં. ઈ. સ. ૧૯૦૫ ના એપ્રિલમાં તેમણે ઉમરેઠની હાઈસ્કૂલના હેડમાસ્તરની નોકરી લીધી અને તે જ વર્ષના નવેમ્બર માસમાં સદ્ગત પ્રો. ગજ્જરના ખાનગી કારભારીની નોકરી સ્વીકારી. મહત્ત્વાકાંક્ષા લલચાય એવી, મન લોભાય એવી ઘણી તકો તેમને મળી હતી; પણ જે નોકરીમાં સંસ્કારી અને સીધું કામ હોય, જ્યાં સાહિત્યનો શોખ કેળવી શકાય એવા પ્રસંગો અને ફુરસદ મળતી હોય તેવી જ નોકરી કરવી એ એમનો જે દૃઢ સંકલ્પ હતો તેનાથી તે ડગ્યા નહીં. ઈ. સ. ૧૯૦૮માં તેમણે સર પ્રભાશંકર પટણીના ખાનગી કારભારીની નોકરી લીધી અને ઈ. સ. ૧૯૧૬માં ત્યાંથી શેઠ નરોત્તમ મોરારજીને ત્યાં તે જ જગ્યાએ રહ્યા. ઈ. સ. ૧૯૧૭ની શરૂઆતમાં શેઠ ગોકળદાસ તેજપાલ બૉર્ડિંગના સુપરીટેન્ડન્ટની નોકરી મેળવવા તેમને અભિલાષા થઈ; પણ શેઠ નરોત્તમના આગ્રહથી તે વિચાર માંડી વાળ્યો. તે વર્ષના મે મહિનામાં શેઠ નરોત્તમના પુત્ર સાથે જુઈમાં તે રહેવા ગયા અને તા. ૪થી જૂન સં. ૧૯૭૩ના જેઠ સુદી ૧૪ને સોમવારે ત્યાંના દરિયામાં નહાવા પડતાં તે ડૂબી ગયા. જે સવારે તેઓ નહાવા ગયા અને આમ અકસ્માત પાછા ન ફર્યા તે જ સવારે તેઓએ યુનિવર્સિટીના લાઇબ્રેરિયનની જગા માટેની અરજી સર્ટિફિકેટો સાથે તૈયાર કરી ટેબલ ઉપર જ રાખેલી હતી. એમના મિત્રો અને હિતેચ્છુઓ એમને માટે અનેક જગાઓ ખોળી તેની ભાળ એમને આપતા અને પ્રયત્નો કરવા ઉશ્કેરતા, તેમાંની ઘણીખરીને માટે એ લલચાતા જ નહિ. એમનો છેવટ પ્રયત્ન પણ આવી શાન્ત અને અનેક દિશામાં અભ્યાસ વધારી શકાય એવી નોકરીને માટે જ હતો. ૩૫ વર્ષની વયે આ પ્રમાણે તે અકાળ મૃત્યુને વશ થયા. તેમના મરણ પછી વરસ સવા વરસે તેમનાં વિધવા ગં. સ્વ. શાન્તિબહેન પણ એક પુત્ર અને બે પુત્રી મૂકીને સ્વધામ ગયાં. રણજિતરામ સ્વભાવે શાંત, સરલ અને મીઠા હતા; બોલવે સદાય હસમુખા ને સ્નેહાળ હતા; રહેણીકરણીએ મર્યાદાશીલ અને મિલનસાર હતા. મિત્ર તરીકે તે અપૂર્વ હતા. તે ધાઈને ભેટતા નહીં; વધારેપડતો સ્નેહસંબંધ બાંધતા નહીં કે બીજા પાસે તેવી આશા રાખતા નહિ; અને છતાં, જ્યારે જોઈએ ત્યારે સ્નેહભર્યા હાસ્ય, સહાનુભૂતિથી ને સલાહથી—બનતી મદદથી—મિત્રની વહારે ધાવા તત્પર રહેતા. કદી એવું બનતું નહિ કે એને મળતાં કોઈને કચવાટ થતો કે તેમને કચવાટ થાય છે એવો ભાસ થતો. મિત્રો સાથેના એના વ્યવહારમાં બે ખૂબીઓ અદ્ભુત હતી : એક તો વિશ્વાસ આકર્ષવાની અને બીજી વ્યવહારને માનસિક સહજીવનની ભૂમિકા પર લઈ જવાની. તે પોતે પોતાનો અભિપ્રાય એકદમ દર્શાવતા નહીં – તેને જોરથી બહાર પાડતા નહીં અને વાતમાં વિરોધનો સ્પર્શ માત્ર પણ આવવા દેતા નહીં. સામા માણસને તેને જોતાં જ પોતાના અભિપ્રાય દર્શાવવાની, અંતરની ઊલટો બહાર પાડવાનું મન થતું અને રણજિતરામ ધીમેથી હસીને, ગમે તેવાને ઉત્તેજતા, તે ન જાણે તેમ નવા વિચારોના અંકુર મૂકતા અને અવનવાં દૃષ્ટિબિન્દુઓ સૂચવતા. એ બધાની વાત સદાયે ધ્યાનથી, ધીરજથી સાંભળતા. એની આગળ અપરિચિત છટાથી બધાને પોતાના મનોરથો વર્ણવવાનું મન થતું; કારણ કે તેને મળતાં જ કાંઈ અજબ જેવો વિશ્વાસ પ્રકટ થતો. એની જોડેના સંબંધમાં, ઊછળતી સ્નેહોર્મિઓને માટે સ્થાન રહેતું નહીં; તે દરેક મિત્રની માનસિક જરૂરિયાતો જાણતા અને તે પૂરી પાડવા કે તેને સંતોષવા જોઈતું વાતાવરણ પેદા કરવા મથન કરતા. થોડાં પ્રસંગ પછી ઘણાને રણજિતરામને મળવું એ થાક પછી ઠંડા, વિશાળ, વહેતાં પાણીના સ્નાન સમો, આહ્લાદ અને ઉત્સાહપ્રેરક લહાવો થઈ પડતો. અને આ લહાવો લેનાર દરેક જણ પોતાના કાર્યમાં વધારે ઉત્તેજિત થઈને જતો; અને ઘણી વખત તેને ભાન પણ નહીં રહેતું કે આ પરિણામ થોડાબોલા રણજિતરામના મીઠા વ્યક્તિત્વનું છે. આવા પ્રસંગ ઉપરાંત એ ઘણા મિત્રો જોડે સતત પત્રવ્યવહાર ચલાવતા અને તેમાં સામાને ગમતાં પુસ્તકો, સંસ્થાઓ ને ચાલુ બનાવો વિષે વિચારો દર્શાવી માર્ગદર્શક સૂચનાઓ કરતા. ઘણી વખત આવી કુપ્રેરણા કરીને તે વિરમતા નહિ પણ શ્રમ વેઠી મિત્રને જોઈતી, વિચારની સામગ્રીઓ એકઠી કરી તેને પૂરી પાડવામાં આનંદ લેતા. આવો અસ્મિતા વિનાનો, નિસ્વાર્થી, મિત્ર અને પ્રેરક દરેકને અમૂલ્ય થઈ પડે એ સ્વાભાવિક છે. પુરુષો જે કદી એક વિચારના થતા નહિ, જે સ્વભાવ અને દૃષ્ટિબિંદુની ભિન્નતાથી કદી એક આરે પાણી પી શકતા નહિ તે એની મૈત્રીથી રાચતા, એની સલાહની મોટી કિંમત આંકતા અને એની પ્રેરકશક્તિની મદદ લેતા. એ ગુજરી ગયો ત્યારે જુદા જુદા ગામના, જુદી ભાવના ને ભૂમિકાવાળા તેના મિત્રોએ જે દિલગીરી જાહેર કરી હતી એ જ તેની મિત્ર તરીકે કિંમત શી હતી તેનો કાંઈક ખ્યાલ આપે એમ હતું. તેના ઘરસંસારમાં પણ તેના મીઠા વ્યક્તિત્વની છાપ પડી રહેતી અને શાંત છતાં મમતાથી ઊભરાતો સ્નેહ જે એ તેમનાં બાળકો તરફ દર્શાવતા એ તેના હૃદયના ગુણોની સાખ પૂરતો.

*

રણજિતરામના ચારિત્ર્યનું પ્રથમ લક્ષણ સંસ્કારિતા હતું. તેની વાતમાં શબ્દે શબ્દે સંસ્કાર નીગળતો, તેના સાદા ને સરલ જીવન પર સંસ્કારની છાયા સદાય દેખાતી. અભ્યાસથી તે સંસ્કારને તે ઉચ્ચ અને શુદ્ધ કરવા મથતા એટલું જ નહિ પણ ગુજરાતનું જીવન સંસ્કારી કેમ બને તે તરફ લક્ષ રાખી તે હંમેશાં વિચાર કરતા અને પ્રવૃત્તિઓ યોજતા. બંગાળના ભાગલા વખતે નવીન બંગાળમાં જે રાષ્ટ્રીય અસ્મિતા પ્રગટી તેને લીધે તે પ્રાંતના જીવનમાં અનેક પ્રકારની ભાવના પેદા થઈ; બંગાળ એક અને અભેદ્ય છે, તેની સંસ્કૃતિ નિરાળી છે, તેનો ઇતિહાસ ને જીવન મહાન છે—એવી અનેક ભાવનાઓ ઉદ્ભવી. આ ભાવનાઓ વ્યક્ત કરવાનું કામ અનેક ઉત્સાહી બંગાળી યુવકે ઉપાડી લીધું. આવી ભાવનાઓ આછે રૂપે કેટલાક બીજાં પ્રાન્તોમાં પણ પ્રગટી પણ ગુજરાતમાં તેની ઝાઝી અસર થઈ નહિ. આપણા યુવકોમાં થોડાને જ ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતાનાં સ્વપ્નાં આવ્યાં : આવા થોડામાં રણજિતરામનું સ્થાન હતું. ઇતિહાસ અને સાહિત્યનો તેનો શોખ આ સ્વપ્નાં સિદ્ધ કરવા વળ્યો અને તેના વિચારો આ સ્વપ્નોથી રંગાઈ આદર્શરૂપે મૂર્તિમાન થયા. તેનો સ્વભાવ એટલો શાંત હતો, તેની દૃષ્ટિનાં લક્ષ્યો એટલાં તો વિવિધ હતાં અને તેના હૃદયનો વેગ એટલો માપસર હતો કે આ આદર્શો રાજકીય ક્ષેત્રમાં સિદ્ધ કરવા તે પ્રેરાયા નહીં, પણ તે સિવાય જીવનનાં અન્ય ક્ષેત્રોમાં પ્રગટાવવાનો પ્રયત્ન કરવા તરફ તે દોરાયા. તેણે ગુજરાત–રાષ્ટ્રની પોતાની ભાવના પોષવા માંડી. ગુજરાતનો ઇતિહાસ રાષ્ટ્રીય દૃષ્ટિબિંદુથી લખાય, તેની ભાષા અને સાહિત્ય નવીન સંસ્કાર પામી સમૃદ્ધિવાન બને, તેની કેળવણી માતૃભાષા દ્વારા ઉત્સાહપ્રેરક થાય, તેની સંસ્થાઓમાં અને નાતોમાં નવું ચેતન અને ઐક્ય આવે—એવી એવી અનેક પ્રવૃત્તિઓ તેણે આરંભવા માંડી; તેમાં ખાસ કરી આ પ્રવૃત્તિઓએ ત્રણ સ્વરૂપ લીધાં. તેણે લેખો લખવા માંડ્યા, યોગ્ય લાગે તેવી સંસ્થાઓ ઊભી કરવા કે મજબૂત કરવામાં મદદ કરવા માંડી અને જેટલા બન્યા તેટલા ગુજરાતી લેખકોના સંસર્ગમાં આવી મદદરૂપે, સૂચનારૂપે અને સલાહરૂપે પોતાનું દૃષ્ટિબિંદુ સર્વમાન્ય કરવા મહેનત કરી. એની લેખનપ્રવૃત્તિએ લોકગીત, વિવેચન, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, નવલકથા, નાટક એવા અનેક સાહિત્યના વિભાગો સ્પર્શ્યા. કૉલેજમાં તે ભણતા ત્યારે એમનો ઉત્સાહ ‘ધી સોશ્યલ એન્ડ લિટરરી’ સભા ચલાવવામાં દોરાયો. પછીથી અમદાવાદમાં સ્થપાયેલ ‘સંસાર સુધારા સમાજ’માં તે જોડાયા અને ‘ગુર્જર સાક્ષર જયન્તી’ની યોજના કરવામાં ગુંથાયા. ઈ. સ. ૧૯૦૪ માં આ સભા ‘ગુજરાત સાહિત્ય સભા’ને નામે પુનર્જન્મ પામી અને તેના એક અગ્રગણ્ય સભાસદ તરીકે સાહિત્ય પરિષદની યોજના ઊભી કરવામાં રણજિતરામે મોટો ભાગ લીધો. સાહિત્ય પરિષદ સ્થપાઈ ત્યારથી તે રણજિતરામ ગુજરી ગયા ત્યાં સુધીનો એમનો એ સંસ્થા જોડેનો નિકટ સંબંધ જગજાહેર છે. છતાં ઘણાને એ ભાગ્યે જ ખબર હશે કે કેટલેક અંશે તે, તે સંસ્થાના આત્માની ગરજ સારતા હતા. એ સંસ્થા વિષે માહિતી પ્રસારવી, નવા નવા પુરુષોને એમાં રસ લેતા કરવા, જુદા જુદા મત ધરાવતા સાક્ષરોનો વિરોધ ભાંગી તેમને એકઠા રાખવા, પરિષદ્ શોભી નીકળે એવી સામગ્રીઓ એકઠી કરવી અને જ્યાં તે ભરાવાની હોય ત્યાં જઈ તેની બેઠક સફળ થાય તેની બધી તૈયારી કરવી – આ બધાને પોતાનાં જીવનની આદ્ય પ્રવૃત્તિ તેણે કરી રાખી હતી. સુરતની પરિષદને એમની સંસ્કારી, ઉદ્યોગી, અનેકવિધ સ્વયંસેવાનો લાભ મળેલો; અમદાવાદની પરિષદ એમના મૃત્યુથી એ લાભ મેળવવા ન પામી – એ જ એ બે પરિષદો વચ્ચેના ભેદનો મોટો અને પૂરતો ખુલાસો છે. ‘ગુજરાત કેળવણી પરિષદ’ સ્થાપવાની પ્રથમ યોજના રચવામાં પણ તેમનો અગત્યનો હિસ્સો હતો. અને મુંબઈમાં રહ્યા પછી ગુર્જરસભા તેમ જ જ્ઞાતિપત્ર તંત્રીઓના સંમેલનમાં પણ તે આગળપડતો ભાગ લેતા. ગુજરાતી સાહિત્યને શોભારૂપ અથવા તેને સમૃદ્ધિવાન કરવાને ઉત્સુક એવો ભાગ્યે જ કોઈ હશે કે જેની મૈત્રી રણજિતરામે કેળવી નહિ હોય, કે જેની લેખનપ્રવૃત્તિમાં તેણે રસ નહીં લીધો હોય. સુધારવા કે સૂચના મેળવવા માટે અનેક લેખોની વૃષ્ટિ એના પર થતી, સલાહ અને સમાલોચના માટે સતત પત્રવ્યવહાર ચાલતા, અને તે બધાને ખંતથી તે બનતી મદદ દેતા. અહીંયાં એની જોડેના મારા સંબંધ વિષે બે બોલ મારે કહેવા જોઈએ. એ મુંબઈમાં આવી મારી પાડોશમાં રહ્યા ત્યારથી એમની મૈત્રીનો લાભ મેળવવા હું ભાગ્યશાળી થયો. તે વખતે રા. ઇન્દુલાલ યાજ્ઞિક પણ અમારી પાસે જ રહેતા. અને નવરા પડતાં અમે ત્રણે જણા ભેગા મળી અનેક વાતની ચર્ચા કરતા, એક એકના લેખોનું પારાયણ કરી રસ લેતા ને જે કાંઈ નવું દૃષ્ટિબિન્દુ કોઈને સૂઝ્યું હોય તે બધા આગળ મૂકતા. આ અરસાનું માનસિક સાહચર્ય હું વિસરી શકું એમ નથી. મારી ‘પાટણની પ્રભુતા’ બહાર પડી ત્યારથી મારી સાહિત્ય પ્રવૃત્તિમાં તેણે રસ લેવા માંડ્યો; અને જ્યારે તેના પછીનો ભાગ લખવા માટે હું ઐતિહાસિક સાધનો ખોળી રહ્યો હતો ત્યારે એની સૂચનાઓ મને અમૂલ્ય થઈ પડી. જ્યારે જ્યારે પણ મને આ સાધનોમાંથી મળેલી હકીકતો વિષે કાંઈ મુશ્કેલી નડતી ત્યારે એમની મદદ મને મળતી. જ્યારે ‘ગુજરાતનો નાથ’ મેં લખવા માંડ્યો ત્યારે પહેલા એક બે ભાગ ‘વીસમી સદી’માં પ્રગટ થતાં તેને પોતાના અભિપ્રાયનો લાભ આપી મને બનતું ઉત્તેજન આપી જતા. ગુર્જરસભાના એક સહમંત્રી તરીકે અને જ્ઞાતિપત્ર માસિકના સહતંત્રી તરીકે પણ મને ઘણી વખત એમની સાથે અનેક કાર્યોમાં જોડાવાની તક મળી અને એમ કહેવું જ જોઈએ કે એવા સમજુ અને ઉત્સાહપ્રેરક સહયોગી મળવો ખરેખર કઠણ છે. પ્રશંસનીય તો એ છે કે આવા સદ્વિચારો અને શુદ્ધ આશયો પોતે બીજી રીતે સામાન્ય હતા છતાં સાચવી શક્યા; કારણ કે એમ કહેવું તો જોઈએ જ કે નવા કે વિશાળ વિચાર ઉપજાવવાની શક્તિ તેનામાં નહોતી. પ્રતાપી, નવીન ભાવનાઓ ઊભી કરવાની કે મોહક વ્યૂહો સર્જવાની કલ્પનાશક્તિ તેનામાં નહોતી; જે અગ્નિ કેટલાકના હૃદયમાં તપે છે અને જેના વડે તેઓ સંસ્થાઓ અને પ્રશંસકોને ગાળી તેમને નવાં સ્વરૂપે નીર્મે છે, તેમને નવો જ અવતાર આપી શકે છે – એ જ્વલંત અગ્નિ પણ તેનામાં નહોતો. તેનામાં નહોતી પ્રબલ ઇચ્છાશક્તિ કે નહોતો એકાગ્ર ઉત્સાહ, પણ બધાને એવી મહત્તા ક્યાંથી મળે? રણજિતરામની મહત્તા રહી હતી એમના જીવનમાં, કે જે તેણે આકરી પરિસ્થિતિ છતાં શુદ્ધ અને સંસ્કારી બનાવ્યું હતું; અને એમની પ્રવૃત્તિઓમાં, કે જે પ્રભાવશાળી શક્તિઓની મદદ વિના તેણે ઉચ્ચગામી અને આદર્શશીલ બનાવી હતી; અને એમના મંત્રમાં, કે જે જૂનો હતો છતાં ગુજરાતમાં અને ગુજરાતીઓને માટે નવો ઉચ્ચારાતો હતો.

*

જ્યાં સુધી એમના બધા લેખો પ્રકટ થયા નથી ત્યાં સુધી કલાવિધાયક તરીકે રણજિતરામની કિંમત આંકવી એ ઘણું મુશ્કેલ કામ છે; અને ત્યારે પણ એ કામ થઈ શકશે કે કેમ એ સવાલ છે; કારણ કે જે બે મોટી વસ્તુઓ એણે આરંભી હતી તે બન્ને માત્ર આરંભની દશામાં જ અપૂર્ણ પડી છે. આનાં મુખ્ય કારણો રણજિતરામનો સંપૂર્ણતાનો શોખ અને નિશ્ચયાત્મક બુદ્ધિનો અભાવ હતાં. તે જે કાંઈ પણ લખતા તેથી તેને સંતોષ થતો નહીં. જ્યાં સુધી પૂરેપૂરી સંતોષકારક તૈયારી થાય નહીં ત્યાં સુધી ભગીરથ કામમાં ઝંપલાવવું નહીં એ એમનો સ્વભાવ હતો. વળી જેમ જેમ નવાં દૃષ્ટિબિન્દુઓ તેમને જડતાં તેમ તેમ તે બધાંમાં ખરું કયું તેનો નિર્ણય ન થાય ત્યાં સુધી લખવા ન માંડવું એમ એ માનતા. આ એમની શરતો એવી હતી કે તે સર્વમાન્ય થાય તો ભાગ્યે જ સાહિત્ય જન્મ પામે; અને પરિણામ એ જ આવ્યું. આટલા વર્ષની સાહિત્યસેવા પછી પણ જીવ મૂકીને તે એકે મોટો લેખ લખી શક્યા નહીં. લખવા ધારેલો ગુજરાતનો ઇતિહાસ તે શરૂ પણ કરી શક્યા નહીં; માત્ર તેણે ભેગી કરેલી સામગ્રી—શિલાલેખ ને સિક્કાઓ વગેરેની નકલનો સંગ્રહ—જે તેણે અથાગ મહેનતથી ભેગી કરી હતી તે, અને કેટલાક છૂટાછવાયા ઐતિહાસિક લેખો તે જ માત્ર આ અભિલાષાની સાક્ષી પૂરે છે. તે ઇતિહાસ કેવો લખી શકત એનો નમૂનો તેના લેખોમાંથી મળવો મુશ્કેલ છે. રણજિતરામે ઘણા વિષય ઉપર ઘણા નિબંધો લખ્યા છે અને ગુજરાતના જીવનનું એકીકરણ કરવાના કે ઐક્ય વ્યક્ત કરવાના હેતુથી તેમાંનો મોટો ભાગ પ્રેરાયેલો છે. આ સંગ્રહ જ્યારે બહાર પડશે ત્યારે ઘણો કિંમતી નીવડશે. રણજિતરામનું વાંચન ઘણું જ વિશાળ હતું. જ્યારે તે કોઈ મોહક યૂરોપીય વિદ્વાનનું પુસ્તક વાંચતા ત્યારે તેના વિચારો ગુજરાતીમાં પ્રગટ કરવા આતુર થતા; અથવા કોઈક વખત એક દૃષ્ટિબિન્દુ જણાતું તો તેને સ્થાયી રૂપ આપવા માગતા. આથી આવા વિચારો અને દૃષ્ટિબિન્દુને પોતાના વિચારો અને ભાવનામાં ઓગાળ્યા વિના તે બહાર પાડતા. આમ પણ કેટલાક નિબંધો લખાયા છે. નિબંધકારની કલા બે વસ્તુમાં સમાયેલી હોય છે – એક તો મોહક શૈલીમાં અને બીજી પોતાના દૃષ્ટિબિન્દુમાં. માત્ર શુષ્ક હકીકત, વિગતવાર તપસીલ કે ગુણ–અવગુણના પૃથક્કરણમાં જ નિબંધનો હેતુ આવી જતો નથી. જ્યારે વિષયમાં નિબંધકાર સર્જકતા દાખલ કરી પોતાનાં જીવન કે કળાની ભાવના લેખમાં પ્રકટ કરે તો જ તે નિબંધ કહી શકાય. રણજિતરામની સર્જકશક્તિ ઘણી સાધારણ હતી એ તો ઉપર કહેવાયું જ છે. ગુજરાતના ઐક્યની ભાવના ઘૂંટી તેણે તેને સર્વગ્રાહી બનાવી નહોતી, અને તેની શૈલી શુદ્ધ અને સંસ્કારી હતી છતાં તેમાં પ્રભાવ કે મોહકતા નહોતાં આથી તેમના ઘણા નિબંધો મીસીસ શૅલીની વાત Frankesteinમાં વિજ્ઞાનશાસ્ત્રીએ તૈયાર કરેલા મનુષ્યશરીરના જેવા લાગે છે. શરીરની બધી સામગ્રી ત્યાં છે; તેની ગૂંથણી પણ મજબૂત છે, અંગોની સબળતા પણ છે – ખોળિયું આબેહૂબ છે, પણ ઘણી વખત લાગે છે કે જે જ્વાલા શરીરને સજીવ કરે તેની ઓટ રહી ગયેલી છે. કારીગરમાં એટલી જ ખામી દેખાય છે. આ સંગ્રહમાં મારા ધારવા પ્રમાણે બધા કાલ્પનિક લેખો આવી જાય છે. રણજિતરામે માત્ર એક જ મોટી નવલકથા ‘સાહેબરામ’ આરંભેલી; પણ થોડાં પ્રકરણ લખાયા પછી તે અધૂરી રહી તે રહી જ. ‘સહિયરો’ નામની વાત પણ આગળ લંબાવાનો વિચાર હોય એમ જણાય છે. આ કાલ્પનિક લેખોની શૈલી કેટલીક રીતે વિષય ન સહે એવા ભારથી ભરેલી છે; એટલું જ નહિ પણ રણજિતરામનો વિગત ભેગી કરવાનો શોખ અને અંગ્રેજી શબ્દોનો શુદ્ધ તરજુમો કરવાની ટેવથી બનેલી ભરચક શૈલીમાં પ્રયત્ન એવો સ્પષ્ટ દેખાય છે કે વસ્તુની ખૂબી અદૃષ્ટ થઈ જાય છે. ઘણીવાર વાતચીત માતૃભાષામાં બોલતાં પાત્રોની ન હોય પણ અંગ્રેજીમાં કરેલી વાતચીતનો તરજુમો હોય એમ લાગે છે. જ્યારે ‘માસ્તર નંદનપ્રસાદ’ કે ‘ખવાસણ’નું આત્મકથન શરૂ કરે છે અથવા ‘હીરા’ જેવી કાઠિયાવાડી વાત કે ‘તોળલ’ જેવી કથા કહેવા બેસે છે ત્યારે વિષયની મહત્તાનો ભાર લેખક કાંઈક વિસરી જાય છે; સ્વાભાવિક શૈલીમાં લખવા માંડે છે અને જોકે તેમાં જોઈએ તેવું પ્રાબલ્ય કે વૈવિધ્ય નથી દેખાતું છતાં પ્રભાવશાળી ગદ્યનું કાંઈક ભાન થાય છે. યોજેલી બન્ને નવલકથામાં action(કાર્ય) ઘણું જ મંદ અને એકાગ્રતા વિનાનું લાગે છે; પાત્રોનું વ્યક્તિત્વ જેવું સ્પષ્ટ ને નિરાળું પડવું જોઈએ એવું પડતું નથી. વળી જે કલ્પનાબળની ઇન્દ્રજાળથી નવલકથાકાર વાતોની આસપાસ જીવતીજાગતી દુનિયાનું જે વાતાવરણ પ્રસારે છે તેની ખોટ માલૂમ પડે છે. એટલું જ નહીં પણ રણજિતરામ ઘણીખરી કાલ્પનિક વાતોમાં કાં તો ન ખરું, ન બને એવું વાતાવરણ પેદા કરે છે કે કાં તો વાર્તા લખતા સામાજિક સુધારણાનો ઉત્સાહ ન દબાવી શકાતાં પાદરીનો પહેરવેશ પહેરી લે છે. આ બન્નેને લીધે વાર્તામાંથી તાદાત્મ્યક(Reality) ઓછું થઈ જાય છે, અને વાંચતી વખત વાચક વાર્તાના વાતાવરણને પોતાની આસપાસ લપેટી લઈ તેમાં સર્જાવેલી દુનિયામાં જ જઈ રહે એવા જાદુનો અનુભવ કરી શકતો નથી. સાહેબરામનો દાખલો લેતાં તેમાં હાલની દુનિયાનો ચિતાર નથી પણ ભવિષ્યના ગુજરાતનું જીવન કેવું થશે તેનું ચિત્ર દોરવાનો પ્રયત્ન કર્યો છે; પણ એ પ્રયત્ન જોઈએ તેવો સફળ થયો નથી. સેના ને ભાસ્વતી હાલની ગુજરાતણો તો નથી જ; ભાવિ ગુજરાતી સંસારની પણ નથી લાગતી; લગભગ કેમ્બ્રિજ કે ઑક્સફર્ડમાંથી ઊતરી આવેલી છે. સંજીવની હાલના જમાનાની પણ કેળવાયેલી ગુજરાતણ નથી અને ધીરજરામ આજથી ત્રીસ વરસ પહેલાંનો સ્ત્રીસન્માનવિહોણો યુવક છે. જે સમયમાં ને સંસારમાં સેના સાહેબરામ સાથે એકલી એક બોટમાં જઈ શકે અને તેની માના કાથાકબલા ભેળવામાં આવે; એક પડ કેમ્બ્રિજનું, બીજું મુંબઈનું અને ત્રીજું પંદર વર્ષ પૂર્વેના અમદાવાદનું – એમ ત્રણ પડ ભેગાં કરવાનો પ્રયત્ન થાય તો એક વાતાવરણ કેમ પ્રગટી શકે? રણજિતરામની ટૂંકી વાતો વધારે સરસ ને કલાવિધાનમાં ચઢિયાતી લાગે છે. તેમાં પણ કલ્પનાશક્તિની ખોટ લાગે છે, વસ્તુમાં વૈવિધ્યનો અભાવ, Action(કાર્ય)માં મંદતા ને વ્યક્તિત્વના આલેખમાં કચાશ સ્પષ્ટ માલૂમ પડે છે. તેથી જ્યાં દંતકથાઓ લેખક કહે છે અથવા તેને નવું સ્વરૂપ આપે છે ત્યાં એની લેખિનીનો પ્રભાવ પડે છે. આમાં ‘હીરા’ બધાથી ચઢિયાતી છે એમ મને લાગે છે અને જો રણજિતરામ વધારે જીવ્યા હોત તો તેના કલાવિધાનમાં ઘણો ફેરફાર પડત—તે સરસ અને શુદ્ધ થાત એમ આ કથા ઉપરથી સ્પષ્ટ લાગે છે. આ બધી ખામીઓ છતાં એમના લેખો ગુજરાતી ગદ્યમાં ઘણું ઉપયોગી સ્થાન લેશે એમ મારું માનવું છે. શોચનીય વાત એ છે કે આપણા ગદ્યનો ઇતિહાસ, તેનું વલણ, તેમાં થતા ફેરફાર અને તેની વધતી સમૃદ્ધિની શાસ્ત્રીય ને ઐતિહાસિક ચર્ચા કરવા કોઈએ પ્રયત્ન કર્યો નથી. નર્મદાશંકર, મનસુખરામ, મણિલાલ, ગોવર્ધનરામ, ઇચ્છારામ, નરસિંહરાવ, આનંદશંકર, ગાંધીજી, ઠાકોર, રમણભાઈ, રણજિતરામ, ચન્દ્રશંકર વગેરે લેખકોના ગદ્યમાં ક્યાં ક્યાં લક્ષણો છે તેનો અભ્યાસ આપણા સાહિત્યને ઘણો જરૂરનો છે, કારણ કે નર્મદાશંકરના સાદા સરળ ગદ્યનો, આનંદશંકરના સંસ્કારી ને સમૃદ્ધિવાન ગદ્ય કે ગાંધીજીના સચોટ ને પ્રભાવશાળી ગદ્યમાં જે વિકાસ થયો છે એ આપણા સાહિત્યની પ્રગતિની સાક્ષી પૂરે છે, એટલું જ નહિ પણ આપણા જીવનની જરૂરિયાતો ને ભાવનાઓ પણ કેમ બદલાતી જાય છે તેનું માપ કાઢવાનું સાધન પૂરું પાડે છે. રણજિતરામનો શબ્દકોશ ઘણો જ વિશાળ ને લગભગ સર્વગ્રાહી છે. અસલી ગુજરાતી, કાઠિયાવાડી, કચ્છી, ગામઠી ગુજરાતી, ફારસી, સંસ્કૃત, ને અંગ્રેજી તે બધી ભાષામાંથી ગુજરાતી બનેલા શબ્દોના ભંડાર એના લેખમાં નજરે ચડે છે. સ્વાભાવિક રીતે સંસ્કૃતને પ્રાધાન્ય આપ્યા વગર એને છૂટકો થયો નથી છતાં બન્યું ત્યાં સુધી એમનો નિષ્પક્ષપાત એ જાળવી રહ્યા છે. એમની ભાષામાં સચોટતા કે પ્રભાવ ઝાઝાં નથી; છતાં વૈવિધ્ય સ્પષ્ટ દેખાય છે. ગુજરાતી ભાષામાં સહેલાઈથી ન દર્શાવી શકાય એવા ભાવો અને વિચારોને અંગ્રેજી શબ્દના તરજુમા દ્વારા દર્શાવવાનો જરા કૃત્રિમ છતાં સફળ પ્રયત્ન કર્યો છે. ગુજરાતી ભાષા નવા જમાનાના અટપટા ભાવો દર્શાવે એવી સમૃદ્ધિવાન કરવામાં રણજિતરામની શૈલી એક પ્રયોગ લેખે ઘણી ઉપયોગી થઈ પડશે એમ હું ધારું છું.

*

રણજિતરામનાં જીવન અને લેખોની કિંમતનો ખ્યાલ આપવાનો મેં અલ્પ પ્રયત્ન કર્યો છે અને આ આંકણીમાં ઘણી ભૂલો રહી ગઈ હશે એમ હું ધારું છું. પણ મને એટલી તો ખાતરી છે કે જો વાચકવર્ગ કે સમાલોચકો જુદી જ કિંમત આંકે અને મેં જે દોષો ધાર્યા છે તે ખૂબીઓ નીકળે તો જેટલો મને આનંદ થશે તેટલો ભાગ્યે જ કોઈ બીજાને થશે. આખરે, જ્યારે રણજિતરામ ગુજરી ગયા ત્યારે એમને વિશે ‘વીસમી સદી’માં એક લેખ લખ્યો હતો તેમાંથી એક ફકરો ઉતારી હું આ ઉપોદ્ઘાત પૂરો કરીશ. ‘રણજિતરામ માણસ નહોતા – એક ભાવના હતા. ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતા(Self Consciousness)ના એ અવતાર હતા. તેને જ માટે તે જીવતા, તેને જ માટે તેણે ત્યાગવૃત્તિ ધારી, તેને જ માટે તે નવા નવા માણસોના સંસર્ગમાં આવવા ઝંખતા, તેને જ માટે ગમે તે વેઠી એ બધાને એ ભાવનાએ પ્રેરવા મથતા. તેના હૃદયમાં એક જ વિચાર હતો; બંગાળની માફક આપણું સાહિત્ય ક્યારે સમૃદ્ધિવાન થાય – આપણી કળા ક્યારે વ્યક્તિત્વ પામે–આપણો ઇતિહાસ ક્યારે સજીવન થાય – આપણી રાષ્ટ્રીય અને સામાજિક અનુકૂળતા ક્યારે સંધાય – આપણી સંસ્કૃતિ ક્યારે વિજય પામે અને આ બધાંને પરિણામે નવીન ગુજરાત ક્યારે અવતરે. એમની નજર આગળ નવીન ગુજરાત સ્વપ્નું નહોતું- જીવંત વ્યક્તિ હતી. એ બધાને પ્રેરતા તો એક લક્ષ તરફ – ગુજરાતનાં ગૌરવ, એકતાનતા, અસ્મિતા, વિવિધતાથી ભરપુર ગામેગામના લેખકોનાં, એ – આ ભાવનાના અવતાર – કેન્દ્રસ્થાન હતા. આ ભાવના પ્રસારવી એ જ એનો જીવનમંત્ર હતો.’

[ઇ. સ. ૧૯૨૧]

કનૈયાલાલ માણેકલાલ મુનશી