રાજા-રાણી/નવમો પ્રવેશ4

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નવમો પ્રવેશ

પાંચમો અંક


         સ્થળ : કાશ્મીરની રાજસભા. વિક્રમદેવ અને ચંદ્રસેન.

વિક્રમદેવ : આર્ય, આજ આમ છાનામાના કેમ? કુમારને તો મેં માફી દીધી છે ને!
ચંદ્રસેન : તમે માફી દીધી, પણ મેં હજુ એનો ઇન્સાફ નથી કર્યો. મારો એ અપરાધી છે, રાજદ્રોહી છે. હવે એને હું શિક્ષા કરીશ.
વિક્રમદેવ : શી શિક્ષા ઠરાવી છે?
ચંદ્રસેન : એનો રાજગાદીનો હક રદ કરીશ.
વિક્રમદેવ : એ તો કદી ન બને. હું સ્વહસ્તે જ એને સિંહાસન આપીશ.
ચંદ્રસેન : કાશ્મીરના સિંહાસન પર તમારો શો અધિકાર છે?
વિક્રમદેવ : વિજેતાનો અધિકાર.
ચંદ્રસેન : તમે કાંઈ કાશ્મીરનું સિંહાસન જીતી નથી લીધું. તમે તો મિત્રભાવે મારા મહેમાન છો.
વિક્રમદેવ : ના, તમે મને વિના યુદ્ધે કાશ્મીર સોંપી દીધું છે. અને હજુયે જો યુદ્ધ કરવું હોય તો પણ ભલે. તૈયાર છું. આ સિંહાસન તો મારું જ છે. ફાવે તેને આપીશ.
ચંદ્રસેન : તમે આપશો? અને કુમાર લેશે? ના, ના, હું એને ઓળખું છું. જન્મથી જ એ ગર્વિષ્ઠ છે. પોતાના પિતૃઓનું સિંહાસન શું એ ભિક્ષા તરીકે લેશે? એ કેવો છે, જાણો છો? પ્રેમને બદલે પ્રેમ દેનારો, વેર બદલે વેર વાળનારો, ને ભિક્ષા આપો તેને તિરસ્કારથી લાત મારનારો છે એ કુમારસેન.
વિક્રમદેવ : એટલો ગર્વ હોય, તો શું આમ પોતાની મેળે પકડાવા આવે?
ચંદ્રસેન : તેથી જ વિચાર કરું છું, મહારાજ, કે આ કુમારસેનનું કામ ન હોય. સિંહ સરખો ગર્વિષ્ઠ એ યુવાન. શું આજે આપોઆપ ગળે સાંકળ પહેરવા આવે? જીવતરનો મોહ શું આટલો બળવાન હશે?

[પહેરેગીર પ્રવેશ કરે છે.]

પહેરેગીર : યુવરાજ શિબિકાનું દ્વાર બંધ રાખીને મહેલમાં આવે છે.
વિક્રમદેવ : દ્વાર બંધ રાખીને?
ચંદ્રસેન : એ શું હવે કદી મોં બતાવે? પોતાના પિતૃરાજ્યમાં એ આજ સ્વેચ્છાએ બંદીવાન બનીને આવે છે; રાજમાર્ગ ઉપર દસેય દિશે લોકની મેદની જામી છે, હજારો આંખો તાકી રહી છે. કાશ્મીરની રમણીઓ બધી ગોખમાં ડોકાઈને ઊભી છે; અને આકાશની વચ્ચેથી પૂર્ણિમાનો ચંદ્રમા પણ એની સામે મીટ માંડી રહ્યો છે. નિત નિત નીરખેલાં એ ઘરો, માર્ગો ને બજારો; સદાનાં પરિચિત એ સરોવરો, મંદિરો ને બગીચાઓ; જૂની પિછાનવાળું એ પ્રત્યેક પ્રજાનું મુખ : એ બધાંની સામે કુમાર શું મોં દેખાડે? મહારાજ, સાંભળો મારી અરજ. આ ઉત્સવ એને મન મશ્કરી જેવો લાગવાનો. રાત્રીની રોશની દેખીને એ બિચારો માનશે કે રાત્રીના અંધકારમાં એનું શરમિંદું મોં ઢંકાઈ ન જાય, તેટલા માટે તમે રોશની કરી છે. અપમાન-રાક્ષસના અટ્ટહાસ્ય જેવું જ આ અજવાળું લાગશે.

[દેવદત્ત પ્રવેશ કરે છે.]

દેવદત્ત : જય હો મહારાજનો! પ્રભુ, કુમારની શોધમાં વનેવન ભમ્યો. પણ પત્તો ન લાગ્યો. ત્યાં તો આજ સાંભળ્યું કે કુમાર આપોઆપ આવીને સોંપાઈ જશે, એટલે હું ચાલ્યો આવ્યો.
વિક્રમદેવ : એક રાજાની માફક હું એનાં સન્માન કરીશ. તું, ભાઈ, એના રાજ્યાભિષેક વખતે પુરોહિત બનજે. અને આજ પૂર્ણિમાની રાત્રીએ ઇલાની સાથે કુમારના વિવાહ જોડશું. એ તૈયારી મેં કરી રાખી છે.

[નગરના બ્રાહ્મણો આવે છે.]

બધા : મહારાજનો જય થજો!
પહેલો : આશીર્વાદ દઈએ છીએ, મહારાજ, કે તમે આખી પૃથ્વીના અધીશ્વર થજો. સદા તમારે ગૃહે લક્ષ્મી અચલ વાસ કરજો. આજ તમે પ્રજાને જે આનંદ ઉપજાવ્યો છે, તે વ્યક્ત કરતી આ શુભાશિષ સ્વીકારો.

[રાજાના મસ્તક પર ધાન્ય, દુર્વા, વગેરે નાખીને આશીર્વાદ આપે છે.]

વિક્રમદેવ : આજે હું કૃતાર્થ થયો.

[બ્રાહ્મણો જાય છે. ડાંગનો ટેકો લેતો, પીડાતો પીડાતો શંકર પ્રવેશ કરે છે.]

શંકર : [ચંદ્રસેનને] મહારાજ! આ શું સાચી વાત? યુવરાજ પોતાની મેળે દુશ્મનોને તાબે થવા આવે છે? બોલો, મહારાજ, શું આ સાચી વાત?
ચંદ્રસેન : સાચી જ તો!
શંકર : ધિઃકાર! હજારો અસત્યો કરતાંયે આ એક સત્ય વાતને વધુ ધિક્કાર હજો! આટલી આટલી વેદના મેં સહી, મારાં ખળભળેલાં હાડકાંના ચૂરા થઈ ગયા. છતાં હું મૂંગો જ બની રહ્યો, એ શું આ માટે? આખરે શું તેં પોતાની મેળે જ કેદીના પોષાક પહેરી લીધા, ને કાશ્મીરની બજારમાંથી નીકળીને નીચે માથે કેદખાનામાં ચાલ્યો આવ્યો, મારા ભાઈલા? એ-ની એ જ શું આ તારા પૂર્વજોની રાજસભા! નવખંડમાં તારા બાપનું જે આ ઊંચામાં ઊંચું બેસણું, તેને તેં ધરતીની ધૂળથીયે નીચું પછાડી નાખ્યું. એ કરતાં તો ઉજ્જડ રસ્તાઓ ઘર જેવા નથી? અરણ્યની છાંયડી ઊજળી નથી? કઠણ પહાડનાં શિખરો અને રેતીનાં રણોમાં રાજવૈભવ નથી ભર્યો? તારો જન્મભરનો ચાકર આ દુઃખનો દિવસ જોયાં પહેલાં મરી કાં ન ગયો, મારા કુમાર?
વિક્રમદેવ : મંગળમાંથીયે અમંગળ ઉપજાવીને, ઓ બુઢ્ઢા, તું ફોગટ આક્રંદ કરે છે.
શંકર : જાલંધરના ધણી! હું તમારી પાસે રોવા નથી આવ્યો. પણ મારી કાશ્મીરના સ્વર્ગવાસી રાજેન્દ્રો બધા, આજ આ સિંહાસનની પાસે બેસીને નિસ્તેજ મોંએ શરમથી ઢળેલે મસ્તકે બેઠા છે, તેઓ મારા મનની વેદના સમજે છે.
વિક્રમદેવ : મને શત્રુ સમજીને શા માટે ભ્રમમાં પડે છે? આજે તો હું કાશ્મીરનો મિત્ર છું.
શંકર : જાલંધરના ધણીની બહુ દયા થઈ! તમે મારા કુમારને માફી આપી! એ માફી કરતાં તો સજા ભલી!
વિક્રમદેવ : હાય! આના જેવો ભક્ત બાંધવ મારે કોઈ નથી!
દેવદત્ત : છે, મહારાજ, એવો બાંધવ છે.

[બહાર જયધ્વનિ, શંખનાદ અને શોરબકોર થાય છે. શંકર બે હાથે પોતાનું મોં ઢાંકી દે છે. પહેરેગીર પ્રવેશ કરે છે.]

પહેરેગીર : દરવાજે શિબિકા આવી છે.
વિક્રમદેવ : વાજિંત્ર ક્યાં? કહો કે વાજિંત્ર બજાવે. ચાલ, બંધુ, સામે જઈને એનો સત્કાર કરીએ.

[વાજિંત્ર વાગે છે. શિબિકા સભામાં પ્રવેશ કરે છે.]

વિક્રમદેવ : [સામો ચાલીને] આવો, બંધુ, પધારો!

[સોનાના થાળમાં કાપેલું માથું લઈને સુમિત્રા શિબિકામાંથી બહાર નીકળે છે. એકદમ બધાં વાજિંત્રો બંધ પડે છે.]

વિક્રમદેવ : સુમિત્રા! સુમિત્રા!
ચંદ્રસેન : આ શું, બેટા સુમિત્રા!
સુમિત્રા : રાજ્યને, ધર્મને, દયાને અને રાજલક્ષ્મીને વિસારી, દિવસ-રાત આ જંગલોમાં, કોતરોમાં ને પર્વતોમાં તમે જેને ગોતતા ફરો છો, જેને માટે દસેય દિશામાં તમે હાહાકાર બોલાવી રહ્યા છો, જેને પૈસા દઈને વેચાતું લેવા પણ તમે ઝંખી ઊઠ્યા છો, લ્યો મહારાજ! પૃથ્વીના રાજવંશનું એ સર્વશ્રેષ્ઠ આ મસ્તક! કાશ્મીરના યુવરાજે પોતે જ તમારી મહેમાનીમાં આ ભેટ મોકલી છે. તમારી મનોકામના પૂરી થાઓ! હવે તમને શાંતિ થાઓ! આ જગતમાંયે શાંતિ પ્રસરો! નરકની અગ્નિજ્વાળા ઓલવાઈ જાઓ! ને તમે સુખી થાવ! [ઉચ્ચ સ્વરે] મા, જગદમ્બા! દયાળુ માડી! તારે ખોળે મારગ દેજે!

[પડે છે, ને મૃત્યુ પામે છે. દોડતી દોડતી ઇલા આવે છે.]

ઇલા : આ શું? આ શો ગજબ! મહારાજ, મારા કુમાર—

[મૂર્છા ખાય છે.]

શંકર : [આગળ આવીને] રંગ છે, રંગ છે મારા ધણી! રંગ છે મારા બેટા! રંગ છે મારા પ્રાણાધિક! મારા — વૃદ્ધના આત્મારામ! તને રંગ છે. આજ તેં સાચો મુગટ પહેર્યો, આજ સાચો રાજા બનીને તું સિંહાસને બેઠો; આજ મૉતનાં અમર અજવાળાંએ તારા કપાળને ઊજળું કર્યું, મારા બાપ! તારો મહિમા દેખાડવા માટે જ આજ સુધી વિધાતાએ મને — વૃદ્ધને જીવતો રાખ્યો હશે! તું તો આજ સીધો સ્વર્ગાપુરીમાં ગયો, અને હું તારો સદાનો ચાકર — હુંયે તારી સાથે જ આવું છું, હો બાપ!
ચંદ્રસેન : [માથા ઉપરથી મુગટ ભોંય પર નાખી દઈને] ધિક્કાર છે આ મુગટને! ધિક્કાર આ સિંહાસનને!

[સિંહાસનને લાત મારે છે. રેવતી પ્રવેશ કરે છે.]

ચંદ્રસેન : રાક્ષસી! ડાકણી! દૂર થા, દૂર! પાપણી! મોં ન બતાવીશ.
રેવતી : એ રીસ કાંઈ કાયમ નથી રહેવાની!

[જાય છે.]

વિક્રમદેવ : [ઘૂંટણ પર પડી] દેવી! તારા પ્રેમનો હું અધિકારી નહોતો, પણ તેટલા ખાતર શું તેં મને ક્ષમાયે ન આપી? સદાનો અપરાધી રાખીને ચાલી ગઈ? આખો જન્મારો નિરંતર આંસુ સારી સારીને તારી ક્ષમા યાચત; એનો અવસર પણ ન આપ્યો? તુંયે વિધાતા જેવી જ નિશ્ચલ ને નિષ્ઠુર નીકળી! તારી પણ અટલ સજા! તારો પણ કઠોર કાયદો!