રાણો પ્રતાપ/પહેલો પ્રવેશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પહેલો પ્રવેશ

અંક પહેલો


         સ્થાન : કોમલમીરની ઝાડીમાં, ભવાનીનું મંદિર. સમય : વહેલા પ્રભાતે.

                           [રાણો પ્રતાપ પોતાના સરદારો પાસે શપથ લેવડાવે છે. ભવાનીની મૂર્તિ પાસે કુલપુરોહિત ઊભો છે. ભવાનીના સમક્ષ રાણો પ્રતાપ અને રજપૂત                            સરદારો ઘૂંટણ પર બેસી, ભોંય પડેલી તરવારોને સ્પર્શ કરતા ઝૂકેલા છે.]

પ્રતાપ : ત્યારે હવે ભવાનીની સાક્ષીએ શપથ લ્યો.
બધા : લેવડાવો શપથ.
પ્રતાપ : બોલો, કે અમે ચિતોડને ખાતર જરૂર પડશે તો જીવ કાઢી દેશું.
બધા : અમે ચિતોડને ખાતર જરૂર પડશે તો જીવ કાઢી દેશું.
પ્રતાપ : બોલો, જ્યાં સુધી ચિતોડ ન જિતાય —
બધા : જ્યાં સુધી ચિતોડ ન જિતાય —
પ્રતાપ : ત્યાં સુધી ખાખરાના પાનમાં અનાજ ખાશું.
બધા : ત્યાં સુધી ખાખરાના પાનમાં અનાજ ખાશું.
પ્રતાપ : ત્યાં સુધી દર્ભની પથારી કરશું.
બધા : દર્ભની પથારી કરશું.
પ્રતાપ : ત્યાં સુધી વસ્ત્રાભૂષણો અળગાં રાખશું, વિલાસના કોઈ સાધન તરફ નજર ન કરશું.
બધા : વસ્ત્રાભૂષણો અળગાં રાખશું; વિલાસના કોઈ સાધન તરફ નજર ન કરશું.
પ્રતાપ : અને શપથ લ્યો, કે જીવશું ત્યાં સુધી તો શું પણ વંશપરંપરા સુધી, જીવ જાય તોયે ગુલામી નહિ કરીએ.
બધા : નહિ કરીએ.

[પુરોહિત ‘સ્વસ્તિ સ્વસ્તિ’ કહીને પુણ્ય-જળની અંજલિ છાંટી. પ્રતાપ ઊઠીને ઊભો થયો. સરદારો પણ ઊઠ્યા. સરદારોને સંબોધીને પ્રતાપ બોલે છે.]

પ્રતાપ : ભૂલશો મા, રજપૂત સરદારો! કે આજ માડીની સાક્ષીએ, પોતપોતાની સમશેરની સ્પર્શ કરીને તમે આ શપથ લીધા છે, સાવધાન! એ શપથ કદી ન તૂટે.
બધા : ધડથી માથું નોખું થાય તોપણ નહિ, રાણા!

[સરદારો ચાલ્યા ગયા. ઉશ્કેરાયેલો પ્રતાપ મંદિરની સન્મુખ ટહેલવા લાગ્યો. કુલપુરોહિત પ્રથમની માફક ચૂપચાપ ઊભો હતો. પળવાર પછી પુરોહિત બૂમ પાડે છે.]

પુરોહિત : રાણા, લીધેલું વ્રત પળાશે કે?
પ્રતાપ : ન પળાય તો લઉં શા માટે, ગુરુ!
પુરોહિત : આશીર્વાદ છે મારા, કે એ શપથ પાર ઊતરો!

[પુરોહિત જાય છે, પ્રતાપ ટહેલતો ટહેલતો સ્વગત બોલે છે.]

પ્રતાપ : અકબર! અધર્મ યુદ્ધ કરીને, છૂપી રીતે જયમલનો વધ કરીને તેં ચિતોડનો કબજો લીધો છે. પરંતુ અમે તો ક્ષત્રિયનાં બાળક. બાવડાંમાં બળ હશે તો ધર્મયુદ્ધ ખેડીને ચિતોડ ઘેર કરશું; પણ અધર્મ યુદ્ધ નહિ કરીએ. તું મોગલ : બહુ દૂર દેશથી ચાલ્યો આવે છે. આંહીં આવીને કંઈક શીખી જા; શીખી જા કે એકાગ્રતા, સહિષ્ણુતા અને સાચાં શૌર્ય કોને કહેવાય; શીખી જા, ઓ વિદેશી! કે સ્વદેશને ખાતર પ્રાણ શી રીતે કાઢી દેવાય.

[પછી પ્રતાપ દેવીની સામે હાથ જોડી ઘૂંટણીએ પડે છે.]

પ્રતાપ : ઓ માડી! એવું કરજે કે આ શપથ પાર ઊતરે, ધર્મનો જય થાય અને મહત્તા સદા મહાન જ રહે.

[ઊઠીને પાછળ જુએ તો નાનો ભાઈ શક્તસિંહ ઊભેલો.]

પ્રતાપ : કોણ, શક્તસિંહ?
શક્ત : હા, મોટાભાઈ, એ તો હું છું.
પ્રતાપ : આટલો વખત તું ક્યાં હતો?
શક્ત : કેટલો વખત?
પ્રતાપ : આ અમે પૂજા કરતા હતા એટલો વખત.
શક્ત : આ હમણાં?
પ્રતાપ : હા!
શક્ત : પ્રશ્ન બાંધતો હતો.
પ્રતાપ : પ્રશ્ન બાંધતો હતો? પ્રશ્ન શાના?
શક્ત : હા ભાઈ! પ્રશ્ન બાંધી ગણતરી કરતો હતો. ભવિષ્યના અંધકારમાં ડોકિયું કરતો હતો. જીવનના આ ભેદપ્રશ્નોને ઉકેલતો હતો.
પ્રતાપ : દેવીની પૂજા ન કરી?
શક્ત : પૂજા? ના, ભાઈ! પૂજામાં મને શ્રદ્ધા નથી. હવે પૂજા કર્યે કાંઈ નહિ વળે, ભાઈ! જુઓને આ જોગમાયા! લાંબી જીભ કાઢીને બસ બેઠી જ રહી છે. મૂંગી, અચળ, માટીની રંગેલી આ મૂર્તિ! કશી તાકાત નહિ, લગારે જીવ નહિ. દેવીની પૂજા કર્યે કાંઈ નહિ વળે, મોટાભાઈ! એ કરતાં તો પ્રશ્ન ગણવામાં જ સાર છે. હું તો પ્રશ્ન ઉકેલતો હતો, જીવતરની સમસ્યાઓ ભેદતો હતો.
પ્રતાપ : સમસ્યા વળી શાની?
શક્ત : સમસ્યા તો એ, કે પુનર્જન્મની વાત સાચી કે ખોટી! હું તો નથી માનતો. કદાચ સાચી હોયે ખરી. સંસારમાં આવીને માનવી પાછો ચાલ્યો જાય — જેવી રીતે આકાશમાં ધૂમકેતુ આવીને અદૃશ્ય થાય; પછી એ આકાશમાં તો ન દેખાય, પણ કદાચ કોઈ બીજા આસમાનમાં ઊગતો હશે. અથવા કદાચ એમ પણ માની શકાય કે બે-ચાર શક્તિઓ ભેળી થાય એટલે માનવી બની જાય; વળી એ શક્તિઓ વિખૂટી પડે ત્યારે માનવી મરી જાય — એ ‘હું’ છિન્નભિન્ન બની જાય અને દસ- -વીસ પામર ‘હું’ પલટીને એકાદ કોઈ જબરદસ્ત ‘હું’ બની જાય!
પ્રતાપ : [હસીને] શક્તા! જિંદગીભર શું મનમાં ને મનમાં આવી સમસ્યાઓ જ ખડી કર્યા કરીશ, ને એનાં જ ચૂંથણાં ચૂંથીશ? સમસ્યાઓનો તો સુમાર ન આવે, નિર્ણયોનો છેડો ન આવે. નકામા વિચારો છોડીને ચાલ, ભાઈ! કામે વળગીએ. આપણી સાદી અક્કલમાં જે કાંઈ ઊતરે, જે કાંઈ સહેજે સરલપણે બની શકે, તેવું તેવું કર્યા કરીએ.

[એ વખતે પ્રધાન ભામાશા દાખલ થાય છે.]

ભામાશા : રાણાજી!
પ્રતાપ : કેમ, મંત્રીજી! શા ખબર?
ભામાશા : ઘોડો તૈયાર છે, બાપુ!
પ્રતાપ : ચાલો, શક્તા! રાજધાનીમાં ચાલો, ઘણાં કામ કરવાનાં છે. ચાલો, ચાલો કોમલમીરમાં.
શક્ત : આવું છું.

[પ્રતાપ ને ભામાશા જાય છે. શક્તસિંહ એકલો ટેલે છે.]

શક્તસિંહ : જન્મભૂમિ! મારે ને એને શો સંબંધ! એને વળી મારી સાથે શાનું સગપણ! આંહીં હું જન્મ્યો એટલા કારણે કાંઈ હું એના બંધનમાં નથી આવી જતો. અહીં ન જન્મ્યો હોત તો શું હું કાંઈ જન્મ્યા વિના રહેત? બીજે ગમે ત્યાં જન્મ્યો હોત — દરિયાની છાતી પર, ગગનમંડળમાં, અરે, ગમે ત્યાં! જન્મભૂમિ! જન્મભૂમિએ તો આજ સુધી મને દેશવટો દીધેલો હતો; મને મૂઠી અનાજ ખાવા દેતી નહોતી. એવી જન્મભૂમિને ખાતર જીવતરનો ભોગ દેવા હું શા માટે જાઉં? પ્રતાપ! તું મેવાડનો રાણો : મેવાડને ખાતર તું આહુતિ આપ તે ભલે, પણ હું શા માટે આપું? મેવાડ મારી શી સગી થાય છે? કશીયે નહિ.

[શક્તસિંહ ધીરે ધીરે જંગલમાંથી ચાલ્યો જાય છે.]