રાણો પ્રતાપ/પાંચમો પ્રવેશ1

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પાંચમો પ્રવેશ

અંક બીજો


         સ્થળ : હલદીઘાટ; પ્રતાપનો તંબૂ. સમય : મધરાત.

                  [શિબિરની બહાર પ્રતાપસિંહ એકલો અદબ ભીડીને ઊભો ઊભો નજર કરે છે.]

પ્રતાપ : [શુષ્ક અવાજે] માનસિંહ અમારા હુમલાની વાટ જોઈ રહ્યા છે. હું પણ હલ્લાની વાટ જોઈ રહ્યો છું. હું હલ્લો નથી કરવાનો. હું તો આ કોમલમીરના માર્ગનું — આ ખીણનું — રક્ષણ કર્યા કરીશ. હું હલ્લો કરત, પણ શું કરું? સામી બાજુએ એંસી હજાર કવાયતબાજ મોગલો છે, અને મારી પાસે માત્ર બાવીસ હજાર બિનકવાયતી રજપૂતો છે. ઉપરાંત મોગલ-સેનાની પાસે તોપો છે, મારી પાસે એકેય તોપ ન મળે. હાય રે! આ વખતે બસ ફક્ત પચાસ જ તોપો મળી જાત, તો એ દેનારને મારો ડાબો હાથ કાપી દેવા પણ હું તૈયાર હતો — વધુ નહિ, બસ, પચાસ જ તોપો!

[એટલું બોલીને તીરવેગે ટહેલતો લાગે છે, ગોવિંદસિંહ આવે છે.]

ગોવિંદસિંહ : રાણાજીનો જય હો!
પ્રતાપ : કોણ? ગોવિંદસિંહ?
ગોવિંદ : હા.
પ્રતાપ : આ વખતે કેમ?
ગોવિંદ : જરૂરી ખબર દેવા માટે.
પ્રતાપ : શા ખબર?
ગોવિંદ : મોગલ સેનાધિપતિ માનસિંહ પોતાનો ઇરાદો બદલાવ્યો છે.
પ્રતાપ : એટલે?
ગોવિંદ : શક્તસિંહે કોમલમીરનો સહેલો રસ્તો માનસિંહને બતાવી દીધો છે. એટલે માનસિંહે પોતાની સેનાના એક ભાગને કોમલમીર તરફ કૂચ કરવા હુકમ કર્યો છે.
પ્રતાપ : શક્તસિંહે બતાવ્યો?
ગોવિંદ : હા, રાણા. લશ્કરની કૂચ બાબતમાં માનસિંહને અને સલીમને બોલાચાલી થયેલ. સલીમે રજપૂતસૈન્ય ઉપર હલ્લો કરવાનો હુકમ દીધો. માનસિંહ એ હુકમની સામે થયા. પછી શક્તસિંહે આવીને કોમલમીરનો સુગમ રસ્તો બતાવી આપ્યો. માનસિંહે આવતી કાલે એ જ માર્ગે પોતાના સૈન્યને કોમલમીર તરફ કૂચ કરાવવા નક્કી કર્યું છે.

[પ્રતાપ ઊંડો નિઃશ્વાસ નાખે છે.]

પ્રતાપ : ગોવિંદસિંહ! હવે વિલંબ ન કરાય. સામંતોને હુકમ કરો કે કાલે શત્રુઓની છાવણી ઉપર છાપો મારે. હવે આપણાથી હુમલાની રાહ ન જોવાય. આપણે જ હુમલો કરશું. જાઓ.

[ગોવિંદસિંહ જાય છે.]

પ્રતાપ : [ટહેલતો ટહેલતો] શક્તસિંહ! શક્તસિંહ! હા! ખરે એ શક્તસિંહનાં જ કામ! જોશીની વાણી બરાબર યાદ છે, તે શક્તસિંહ જ મેવાડના સત્યાનાશનું મૂળ બનશે! હવે તો લાગે છે કે આશા નથી. એ જોશીની વાણી જ સાચી પડવાની. ભલે, ભલે, ચિતોડનો ઉદ્ધાર નહિ કરી શકું, પણ એને માટે મરી તો શકીશ ને?

[પાછળથી લક્ષ્મી આવે છે.]

લક્ષ્મી : પ્રાણેશ્વર, હજુયે જાગો છો?
પ્રતાપ : કેટલી રાત થઈ છે, લક્ષ્મી?
લક્ષ્મી : બીજો પહોર વીતી ગયો છે. હજુયે તમે સૂતા નથી?
પ્રતાપ : આંખોમાં ઊંઘ આવતી નથી, લક્ષ્મી!
લક્ષ્મી : ચિંતાને લીધે જ ઊંઘ નથી આવતી. મનમાંથી ચિંતા અળગી કરી નાખો જોઉં! અને યુદ્ધની ચિંતા? યુદ્ધ તો ક્ષત્રિયોનો ધંધો કહેવાય! અને હારજીત? એ તો લલાટના લેખ! જેમ માંડ્યું હશે તેમ થશે. બાકી જીવનમરણ? એ પણ ક્ષત્રિયોને માટે તો બચ્ચાંની રમત જેવાં! તો પછી ઉચાટ શાના વળી?
પ્રતાપ : લક્ષ્મી! કાલે સવારે મોગલોની છાવણી ઉપર છાપો મારવાનો મેં હુકમ કર્યો છે. એ ચિંતાને લીધે જ માથું તપી આવ્યું છે. આખા શરીરનું લોહી માથામાં ચડ્યું છે. ઊંઘી શકાતું નથી.
લક્ષ્મી : ન ઊંઘાય કેમ? મહેનત કરો, ઇચ્છાશક્તિને અજમાવી ચિંતાને દાબી દો. વળી કાલે તો યુદ્ધ થવાનું! એમાં તમારે કેટલી બધી ચિંતા કરવી પડશે! કેટલો પરિશ્રમ પડશે! ને કેટલી બધી ધીરજ ધરવી પડશે! આજ રાત્રિભર ઊંઘ લો તો! જોજો પછી, પ્રભાતે નવું જીવન, નવું તેજ અને નવો જ ઉત્સાહ મળશે.
પ્રતાપ : ઊંઘવાનું મન છે; પણ ઊંઘાતું નથી. હું જાણું છું, લક્ષ્મી, કે ગાઢ નિદ્રામાંથી નવું જીવન મળે, નવું તેજ મળે, નવો ઉત્સાહ મળે; પરંતુ હાય! મને કોણ સુવાડી આપે?
લક્ષ્મી : હું સુવાડી આપીશ! ચાલો અંદર.

[બન્ને તંબૂની અંદર જાય છે.]