રાણો પ્રતાપ/સાતમો પ્રવેશ3

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સાતમો પ્રવેશ

અંક ચોથો


સ્થળ : ગિરિ-ગુફા. સમય : રાત્રિ.

[પ્રતાપ અને લક્ષ્મી]

પ્રતાપ : મહેરઉન્નિસા ક્યાં?
લક્ષ્મી : રાંધે છે.
પ્રતાપ : મહેર ઉપર તો મને દીકરી જેવું હેત આવે છે. હે પ્રભુ! એના જેવી જ ગુણિયલ પુત્રવધૂ દેજે.

[લક્ષ્મી ચૂપ રહે છે.]

પ્રતાપ : જો લક્ષ્મી, વળી આંસુ? ઇરા દીકરી તો અમરધામમાં ગઈ છે. એનાં કલ્પાંત હવે હોય?
લક્ષ્મી : નાથ!

[એટલું બોલીને રડી પડે છે.]

પ્રતાપ : અને આપણે પણ હવે કેટલા દિવસના મહેમાન, મારી વહાલી? આવતી કાલે જ ઈરાની પાસે જઈ પહોંચશું. રો ના, લક્ષ્મી!
લક્ષ્મી : મને માફ કરો, નાથ! હવે હું નહિ રડું. તમે મારા ગુરુ છો, ને હું તમારી શિષ્યા છું — એટલું જ માગું છું કે હું તમારા લાયક શિષ્યા બની શકું.

[લક્ષ્મી જાય છે. ગોવિંદસિંહ આવે છે.]

ગોવિંદસિંહ : રાણા, આપ શરણે થયા એથી તો આગ્રાનગરીમાં ઉત્સવ થઈ ગયો, ઘેરઘેર નોબતો ગડગડી, જલસા થયા, મહેલેમહેલ ઉપર રંગીન વાવટા ફરક્યા; અને રાજમાર્ગ પર રોશની પ્રગટી. રાણાજીને ભારી માન મળ્યાં કહેવાય!
પ્રતાપ : [ફિક્કું હાસ્ય કરીને] હા, બાપ! ખરેખરાં માન મળ્યાં!
ગોવિંદસિંહ : અને પાદશાહે રાજકચેરીમાં પોતાને જમણે પડખે રાણાનું આસન મંડાવ્યું છે!
પ્રતાપ : વાહ! પાદશાહની બેહદ કૃપા.

[શક્તસિંહ આવે છે.]

શક્ત : ક્યાં? મોટાભાઈ ક્યાં?
પ્રતાપ : કોણ, શક્તો?
શક્ત : હા. મોટાભાઈ! મોગલોની સામે યુદ્ધમાં ઊતરી વહાર કરવા આવ્યો છું.
પ્રતાપ : હવે જરૂર નથી, શક્તા! મેં મોગલોની મહેરબાની માગી લીધી છે.
શકત : તમે? અકબરની મહેરબાની માગી, ભાઈ!
પ્રતાપ : શક્તા, હવે અકબર સાથે મારે કજિયો નથી રહ્યો. જાવા દે મેવાડને, જાવા દે ચિતોડને, જાવા દે કોમલમીરને!
શક્ત : પણ પૃથ્વીરાજ હસશે.
પ્રતાપ : હસવા દે.
શક્ત : મારવાડ અને ચંદેરીના ધણી હસશે.
પ્રતાપ : હસવા દે.
શક્ત : મારવાડ અને ચંદેરીના ધણી હસશે.
પ્રતાપ : હસવા દે.
શક્ત : માનસિંહ હસશે.
પ્રતાપ : હસવા દે. બીજું શું થાય?
શક્ત : ભાઈ, તમારે મુખે આ વાત સાંભળવી પડશે, એ તો સ્વપ્નેયે નહોતું ધાર્યું.
પ્રતાપ : શું કરું, ભાઈ! બધા દિવસ કાંઈ સરખા જાય છે?
શક્ત : હુંયે એ જ કહું છું કે બધા દિવસ કાંઈ સરખા જાય છે! અત્યાર સુધી મેવાડના દુઃખના દિવસો ગયા. હવે સુખના આવશે. હું એ નિશાન કરીને આવ્યો છું.

[પ્રતાપ ચૂપ રહે છે.]

શક્ત : તમને ખબર છે, ભાઈ! આંહીં આવતાં પહેલાં મેં ફિનશરાનો કિલ્લો હાથ કર્યો છે.
પ્રતાપ : તેં? લશ્કર ક્યાંથી કાઢ્યું?
શક્ત : લશ્કર? રસ્તામાંથી ભેળું કર્યું. જ્યાં જ્યાં ગયો, ત્યાં ત્યાં હાક દેતો ચાલ્યો કે, ‘હું પ્રતાપનો ભાઈ શક્તસિંહ પ્રતાપની વહારે ચડ્યો છું. ચાલો જેને આવવું હોય તે!’ એ સાંભળીને ધણી પોતાની બાયડીને છોડી બહાર આવ્યો; બાપ બેટાને મેલી ચાલી નીકળ્યો; કંજૂસ પૈસાને ફેંકી આવી પહોંચ્યો; માર્ગ પરના મજૂરે માથેથી બોજો ફગાવીને હથિયાર સજ્યાં; અરે લંગડાં હતાં તે ટટ્ટાર બની છાતી કાઢીને ઊભાં રહી ગયાં! મોટાભાઈ! તમારા નામમાં શું જાદું ભર્યું છે તે તમે નથી જાણતા; હું જાણું છું.

[ભામાશા પૃથ્વીરાજને લઈને અંદર આવે છે.]

પૃથ્વીરાજ : રાણો ક્યાં?
પ્રતાપ : કોણ? પૃથ્વી? તું આંહીં ક્યાંથી?
પૃથ્વીરાજ : પ્રતાપસિંહ! તમે શું અકબરનું શરણ સ્વીકાર્યું?
પ્રતાપ : હા, પૃથ્વીરાજ!
પૃથ્વીરાજ : હાય હતભાગી હિંદ! આખરે પ્રતાપે પણ તને રઝળતું મેલ્યું. પ્રતાપ! અમે તો ઊખડી ગયા, ગુલામ બન્યા, છતાં એક તો સાંત્વન હતું કે પ્રતાપના ગૌરવ ગાઈ શકત, બોલી શકત, કે આ ચોપાસની પાયમાલીની અંદર એક પ્રતાપનું માથું પાદશાહની આગળ નથી નમ્યું. આજ તો હિન્દુનો એ આદર્શ પણ ગયો?
પ્રતાપ : શરમ નથી આવતી, પૃથ્વી! કે તું, તારો ભાઈ બિકાનેરપતિ અને ગ્વાલિયર મારવાડના ધણી નીચ વિલાસમાં પડી ત્યાં બેઠા બેઠા પાદશાહની ભાટાઈ કરો, અને આશા રાખો કે આખા રજપૂતાનામાં એકલો હું જ મૂઠી અનાજ ફાકતો ફાકતો — રે એટલું પણ સુખ પામ્યા વિનાનો, તમારા માટે ગૌરવ ગાવાનો આદર્શ ખડો કર્યા કરું?
પૃથ્વીરાજ : સાચી વાત, પ્રતાપ! પામર રીંછડાને તો મદારી રમાડી શકે; પણ કેસરી તો એકલો જ બેઠો બેઠો કોઈ ઉજ્જડ ગુફામાં ગૌરવથી ગરજ્યા કરે! દીવા તો ઘણા હોય, પણ સૂર્ય બે નથી હોતા. હરિયાળી ધરતીને માનવી હળથી વીંધે, પગ નીચે કચરે, પણ ઊંચો પહાડ તો ગરીબીમાં પણ ગર્વભર્યો માથું ઊંચું રાખીને બેસે. પ્રતાપ! સંસારી તો પોતાનાં ક્ષુદ્ર સુખદુઃખ, ક્ષુદ્ર ભોગવિલાસ કે ક્ષુદ્ર ગરીબીમાં ડૂબેલ પડ્યો જ હોય! પરંતુ વચ્ચે વચ્ચે કોઈ ભસ્મધારી, જટાધારી, ઉપવાસી, સિદ્ધ સંન્યાસી આવીને એ સંસારીને નવાં તત્ત્વો, નવી નીતિ ને નવો ધર્મ શીખવી જાય. અત્યાચારીનાં ખુલ્લાં ખડગ તો એવા સંન્યાસીની સત્ય-જયોતને ઊલટી વધુ વિસ્તારે; કારાગારના અંધકાર તો એના મહિમાને ઔર ઉજ્જ્વલ બનાવે; અગ્નિની ભડભડતી જ્વાલાઓ તો એની કીર્તિને વધુ પ્રસારે! રાણા! તું એવો સંન્યાસી છે. તું ઊઠીને આજ મસ્તક નમાવીશ?
પ્રતાપ : રજપૂતો એક થાય તો પરદેશીઓનાં સિંહાસન કેટલા દિવસ ટકે? પરંતુ વીસ વીસ વરસ સુધી મેં એકલે હાથે જુદ્ધ ખેડ્યાં; એક પણ રજપૂત રાજાએ મારે ખાતર કે દેશને ખાતર આંગળી પણ ઊંચી ન કરી! ધૂળ પડી! પૃથ્વી! આજ હું ખળભળી ગયો, મારું સર્વસ્વ હરાયું, મારા પરિવારનો શોક મારા પર છવાઈ ગયો! મારી દીકરી ઇરા મરી ગઈ — લાંઘણોથી ને જંગલની શરદીથી એનો જીવ ગયો. હવે હું એ-નો એ પ્રતાપ નથી. હવે તો રહ્યું છે માત્ર મારું હાડપિંજર.
પૃથ્વી અને શક્ત : [એક સાથે] હેં! ઇરા ગઈ!
પ્રતાપ : ઇરા ગઈ! ગરીબનો હિમ પડ્યો, એ વનવેલી બળી ગઈ.
પૃથ્વીરાજ : અરે પ્રભુ! મહત્તાની આ દશા! પ્રતાપ! હું પણ તમારા જેવો જ દુઃખિયો થઈ પડ્યો. તમે મહાન અને હું નીચ, છતાં આપણાં દુઃખ તો સમાન છે! મારી જોશી હવે આ દુનિયામાં નથી.
પ્રતાપ : શું જોશી નથી?
પૃથ્વીરાજ : ના, નથી. આ નરાધમને છોડીને એ ચાલી નીકળી.
પ્રતાપ : શી રીતે એનું મૉત થયું?
પૃથ્વીરાજ : પ્રતાપ, મારી એ કલંકકથા સાંભળવી છે? સાંભળો : ખુશરોજના મેળામાં મારી એ નવોઢા પત્નીને નોતરું આવ્યું; એની મરજી વિરુદ્ધ મેં એને ત્યાં મોકલી. છેવટે ઘેર પાછા આવીને આખા ક્ષત્રિય દાયરાની સમક્ષ, પોતાની છાતીમાં કટાર ભોંકીને એણે પ્રાણ કાઢી નાખ્યા.
ગોવિંદસિંહ : આ વાત સાંભળ્યા પછી પણ રાણો માથું ઢાળી રાખશે કે?
પ્રતાપ : શું કરું! મારી પાસે કાંઈ ન રહ્યું! હું એકલો શું કરું? મારી પાસે સૈન્ય નથી. પૂરા પાંચ યોદ્ધા પણ ન મળે.
શક્ત : હું નવું સૈન્ય જમાવીશ.
પ્રતાપ : દ્રવ્ય હોત તો વળી નવું સૈન્ય ખડું કરત. પણ ખજાનો ખાલી પડ્યો છે.
ભામાશા : ખાલી નથી. દ્રવ્ય છે, રાણા!
પ્રતાપ : શું બકો છો, કામદાર? દ્રવ્ય છે? ક્યાં છે? કામદાર! તમે રાજનો હિસાબ-બિસાબ રાખો છો કે નહિ? ખજાનામાં એક દુકાની પણ નથી!
ભામાશા : વાત સાચી, પણ દ્રવ્ય છે, રાણા!
પ્રતાપ : અરે ભામા! તમે આટલા બધા બોલકા કાં થઈ ગયા? કે શું ડાગળી ખસી ગઈ છે? ક્યાં છે પૈસા?
ભામાશા : રાણા, ચિતોડના સારા દિવસો હતા ત્યારે મારા વડવાઓએ રાણાનું કારભારું કરી કરીને અઢળક ધન જમાવેલું. એ ધન અત્યારે આ સેવકના હાથમાં છે. આજ્ઞા આપો તો એ તમામ ધન આપને ચરણે મેલી દઉં.
પ્રતાપ : અઢળક ધન એટલે કેટલું?
ભામાશા : ચમકી જશો મા, રાણા! વીસ હજાર લડવૈયાને ચૌદ વરસ નભાવી શકાય તેટલું.

[બધા વિસ્મય પામી એકબીજા સામે જુએ છે.]

પ્રતાપ : કામદાર, તમારી રાજભક્તિને ધન્યવાદ દઉં છું! પરંતુ સેવકને અર્પેલું ધન ફરી પાછું લેવું, એ મેવાડના રાણાની રીત નથી. એ દ્રવ્ય તો તમને તમારા પૂર્વજોએ ભોગવવા દીધું છે, માટે ભોગવો!
ભામાશા : મારા ધણી! એવા દિવસોયે આવે કે જ્યારે ચાકરની પાસેથી લેવું એમાં એબ ન ગણાય. આજ મેવાડને આંગણે એવા દિવસ આવી ઊભા છે. એક વાર સંભારો, પ્રતાપ! લાંછિત હિન્દી નારીઓને. વિચારી જુઓ કે હવે આપણે હાથ શું રહ્યું છે? દેશ ગયો, ધર્મ ગયો, બાકી રહ્યું એ સ્ત્રીઓનું સતીત્વ! આ પણ જાય છે! રાણાજી! રક્ષા કરો! આ દ્રવ્ય હું તમને નથી દેતો, પણ ફક્ત તમારા હાથમાં સોંપું છું.
શક્ત : દેશને ખાતર [પગમાં પડે છે]. આ દાન સ્વીકારો, મોટાભાઈ!
પ્રતાપ : તો ભલે!
પૃથ્વીરાજ : બસ, બીક નથી. સૂતેલો શાર્દૂલ જાગ્યો છે! ભામાશા, પુરાણમાં વાંચ્યું છે કે દૈત્યો સામે લડવા માટે ઇંદ્રનું વજ્ર બનાવવા દધિચીએ પોતાનાં હાડકાં દીધેલાં. પણ તે તો સતજુગની વાત. આ કળિકાળમાંયે એવું બને એ તો હું અત્યાર સુધી નહોતો જાણતો.
શક્ત : મોટાભાઈ! હું જાઉં છું સૈન્ય ભેળું કરવા. આજથી એક મહિનાની મુદતમાં વીસ હજાર યોદ્ધાઓની બંદૂકોના ભડાકાથી રાજસ્થાન ગાજી ઊઠશે.
પૃથ્વીરાજ : ઊભો રહે. હું પણ આવું છું. જય મા ભવાની!
બધા : જય મા ભવાની!

[જવનિકા પતન]