રા’ ગંગાજળિયો/૧૪. નાગાજણ ગઢવી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૪. નાગાજણ ગઢવી

“નાગાજણ! ભલે નાગાજણ!” એવી વાહ વાહ આખી નવ સોરઠમાં બોલાતી હતી. મોણિયા ગામના પાંચસો ચારણોમાંથી નસીબનો બળિયો એક નાગાજણ નીકળી પડ્યો હતો. નાગાજણના તકદીરની ડગળી ફાટી પડી હતી. અહોહો! નાગાજણના હાથનો કસુંબો રા’ પીએ, ત્યારે તો રા’નું સાચું સવાર પડે. રોજ પ્રભાતે ઊઠીને ઘોડે ચડી નાગાજણ જૂનાગઢ જાય તે છેક રાતે પાછો વળે છે. સૌને ગમતી એ વાત એક જ જણને અણગમતી થઈ હતી. સૌના મોંમાં વાહ વાહ, ત્યારે એક જ માનવીના મોંમાં નિસાસો. સૌ નાગાજણને ખમા ખમા કરે, ત્યારે એક જ જીવને ખોળિયે નાગાજણ જૂનાગઢ જતાં શ્વાસ નથી રહેતો. એ માનવી પણ પાછું કોઈ ત્રાહિત, ઈર્ષાળુ હરીફ નહીં, નાગાજણની જ ઉછેરનાર ને પાલનહાર, નાગાજણનાં બાળોતિયાંથી જેણે હાથ બગાડેલ ને નાગાજણનાં જેણે મળમૂતર ઉપાડેલાં તે દાદીમા નાગબાઈ પોતે જ. પહેલી જ વાર જ્યારે નાગાજણે વધાઈ ખાધેલી કે, “આઈ, સોરઠનો રા’ મારા પર સ્નેહ દાખવે છે” ત્યારે જ આઈ નાગબાઈનું મોં પડી ગયું હતું. ને એ ખૂબ મુસીબતે એટલું જ બોલ્યાં હતાં કે “હોય ભા! રાજા છે ને! ત્રૂઠે ને રૂઠે! ” તે પછી ચાર-છ મહિને રા’નું તેડું આવેલ ત્યારે પણ આઈ નાગબાઈની જમણી આંખ ફરકી હતી, નાગબાઈના જમણે અંગે ધ્રુજારી ઊઠી હતી. ને નાગાજણ ઘોડો સાબદો કરી ‘આઈ, આશિષ દ્યો’ એમ કહેતો ઊભો રહેલ, ત્યારે દાદીમાએ સામું જોઈને ફક્ત એટલું જ કહેલું કે, “હા બાપ! જોગમાયા તમને હીમખીમ પાછા પોગાડે.”—એથી વધુ કશું જ નહીં, સિંદૂરનો એક ચાંદલો પણ આઈએ બેટાને કપાળે ચોડ્યો નહોતો. ત્યાર પછી તો નાગાજણે આવી આવીને રા’નાં જ્ઞાનની, ડહાપણની, વિદ્યાની, સન્મતિની કંઈ કંઈ વાતો કરી. આઈ ફક્ત મૂંગે મોંએ એ વાતો સાંભળી જ રહ્યાં હતાં, ને એટલું જ કહી દેતાં કે, “સારું બાપ! જોગમાયા સૌની સન્મતિ સાબૂત રાખે. એ સન્મતિનો દીવો બળતો જ રહે એવી શીખસલાહનું દિવેલ રા’ના અંતરમાં પૂર્યા કરવાનો ચારણનો ધર્મ છે.” “આપણે તો, આઈ! સ્વારથ થોડો છે? આપણે કાંઈ એનાં શીખ-સરપાવ જોતાં નથી. આપણું તો અજાચી વ્રત છે.” “સાચું બાપ!” નાગબાઈ ધરતી તરફ જોઈને જવાબ દેતાં, “બાપ, ફકત નાણાં ને સોનાંરૂપાંનું અજાચીપણું જ બસ નથી. રાજવળામાં આપણી બેઠ-ઊઠ પણ આપણને બગાડનારી બને છે. રાજનો પ્રેમ છે એ પણ એક જાતનું સોનું જ છે. ને એ સોનું સાચા સોના કરતાં વધુ ચળાવે છે, એ પ્રેમ જ સાચી વાત કહેવાની વેળાએ આપણા હૈયા ઉપર ચડી બેસી આપણને શરમમાં નાખે છે. માટે બાપ! સાચવીને ચાલવું. વા’લા વચ્ચે જ્યારે વેર થાય છે ત્યારે એ વેર તો વેરી વચ્ચેનાં વેરનેય ટપી જાય તેવું બને છે.” નાગાજણને નવાઈ થતી હતી, દુ:ખ પણ ઘણું લાગતું હતું : આવા દેવરાજાની મહોબ્બત પણ મા કેમ સહી નથી શકતાં? ગઢપણ છે ખરુંને! એમ કરતે કરતે તો નાગાજણને જૂનાગઢનાં તેડાં મહિને મહિને, પંદર પંદર દિવસે, અઠવાડિયે અઠવાડિયે ને પછી એકાંતરે આવતાં થયાં. પછી તો આઈ પાસે જઈને વાતો કરવાનું નાગાજણે છોડી દીધું. આઈને ફક્ત ‘જાઉં છું’ એટલું કહીને પોતે ઘોડો પલાણતો થયો. ને આઈ નાગબાઈ, પોતાનાથી કદાચ કાંઈક હીણું વેણ બોલી જવાય તે બીકે નાગાજણની જવાની વેળાએ એવાં કામે ચડી જતાં કે મળવું જ ન પડે—બને ત્યાં સુધી માળા ફેરવવા જ બેસી જતાં. ઢોરઢાંખરની સંભાળ નાગાજણના હાથમાંથી છૂટી ગઈ. ખેતરડાં-પાદરડાં પણ નાગાજણના હાથની વ્યવસ્થામાંથી નીકળી ગયાં. આઈ નાગબાઈએ નાગાજણભાને કંઈ કહેવું-કારવવું જ છોડી દીધું. એક પોતે હતી. બીજી નાગાજણની વહુ હતી. બેઉ મળીને વહેવાર સંભાળવા લાગ્યાં. નાગાજણ ઘેર પાછો આવે ત્યારે ઘરનાં ઢોરને ધણીની ઘ્રાણ આવતી. અગાઉ તો નાગાજણ એ બધાંને જાતે સીમમાં લઈ જઈ ચારતો ને પહર છોડતો; તે દિવસનાં હળી ગયેલાં પશુ એના હાથ ચાટવાની હોંશે કોઢ્યમાં પગ પછાડતાં ને ભાં ભાં કરતાં. પણ નાગાજણની એ ટેવ છૂટી ગઈ. જે મૂંગું દુ:ખ આઈ નાગબાઈને હૈયે હતું તે જ દુ:ખ હતું આ પશુઓને હૈયે. નાગાજણ રા’ની વતી દેશાટણે પણ ઊપડવા લાગ્યો. નાનાંમોટાં રાજરજવાડાંમાં પણ એ જાણીતો ને માનીતો થઈ પડ્યો. એની સલાહો પુછાવા લાગી. “આઈ!” ગામ ગામના લોકો નાગબાઈ પાસે આવીને વધાઈ દેવા લાગ્યા, “આ તો ભારી મેળ મળ્યો : ગંગાજળિયો રાજા ને દેવી-ઘરનો ચારણ. આમાં તો દેશનું કલ્યાણ છે.” “તો સારું, બાપ!” એટલું બોલીને આઈ ચૂપ રહેતાં. એને કદી આ સંબંધનો ઉમંગ આવ્યો નહીં. એના ઉમળકા બહાર દેખાયા નહીં. એની આપદા પણ બહાર નીકળી નહીં. એણે અસલની રીતભાત પણ છોડી નહીં. ઢોર-માલ ઘોળીને એ પોતે જ પાણી પાઈ આવતાં. છાણવાસીદું પણ એ જાતે જ કરી લેતાં. નાગાજણે ઘણી ઘણી માથાકૂટ કરી કે હવે આ અવસ્થાએ શા સારુ વળગણ રાખો છો? કાં માલ ઓછો કરી નાખો, ને કાં હું માણસો રાખી દઉં. “ના, બાપ! એમાં ક્યાં ઘસાઈ જાયેં છયેં? ને ઢોર કાંઈ પારકાં માણસ હથુ મુકાય? એ તો જીવતાં જીવ છે; કુટુંબીઓ છે; છોરુડાં છે ઘરનાં.” “આઈ! એક ખાનગી વાત પૂછવાનું મને રા’એ કહ્યું છે.” નાગાજણે એક રાતે નાગબાઈને એકાંતે જણાવ્યું. “પૂછોને, બાપ!” “હાથીલાના હમીરજી ગોહિલની તો તમને સાંભરણ ને?” “તલે તલ યાદ. એને સોમનાથ જઈ મરશિયા સંભળાવનારી જ મારી બેન.” “એનો વિવા થયેલ ખરો?” “હા, બાપ. ઈ વાત તો સૌએ ભેળા મળીને દાટી દીધા જેવી કરી છે. પણ વિવા નક્કી થયેલો.” “વેગડા ભીલની દીકરી સાથે?” “હા.” “કાંઈ મેલું તો નહીં ને?” નાગાજણના પ્રશ્નનો મર્મ એ હતો કે રખે હમીરજીએ ફક્ત રસ્તામાં જુવાનીને સહજ એવી થોડી નબળાઈ આચરી હોય. “ના બાપ, જરીકે મેલું કે હીણું નહીં. સોમૈયાની સખાતે જાતાં ગોહિલજી વેગડા ભીલના મહેમાન બન્યા. વાળુ કરવા બેઠા. ઝાંખે દીવે, પીરસવા આવેલી ભીલકન્યાને જોઈ. ને પછી એણે જ વેગડાજી પાસે વાત મૂકી કે મરવા જાઉં છું, પણ પાછળ વંશ નહીં રહે. વેગડાએ પોતાની દીકરીને પણ એ રાતે એકલી એકલી આંસુડાં પાડતી દીઠી. દીકરીએ તો હમીરજીને જ પોતાનો ધણી ધારી લીધેલ છે એવી એને જાણ પડી. પછી બીજે જ દી ત્યાં રીતસર વિવા થયો ને હમીરજીએ એક રાતનો સંસાર ભોગવ્યો.” “આઈ, એ બાઈ હાથ આવેલ છે. બાઈને જુવાન બેટો છે. એ, કહે છે કે, હમીરજીનું બાળ છે.” આઈ થોડી ઘડી આંખો મીંચી ગયાં. પછી એણે જવાબ દીધો : “જોગમાયા કહે છે કે બેય સાચાં.” “પરગટ કરાય?” “શું કરવા?” “સોમનાથના રક્ષણહારનું બાળ સૌ રાજકુળો કબૂલે. કોઈક ઊંચું કુળ એને કન્યા આપે. ને એ રીતે રાજકુળો એક થાય.” “આશા નથી, બાપ! કરી જુઓ. પણ અમદાવાદમાં કો’ક ચાડી ખાશે તો?” “હા, એ વિચારવા જેવું.” થોડી વાર રહીને નાગાજણે બીજી વાત પૂછી : “આઈ, રા’ને વરસ ઊતરતાં જાય છે.” “હા બાપ, આયખું તો કોનું બેઠું રહે છે?” “વાંસે પિંડ દેતલ કે વંશ રાખતલ કોઈ નથી.” “બાપ,” આઈ હસ્યાં, “એ વાતનો ઇશારોય આપણાથી ન કરાય. રાજાને ઓસાણ દેવું ઠીક નહીં.” “પણ કુંતાદે પોતે જ કાકલૂદી કરી રહ્યાં છે કે રા’ ફરી પરણે.” “એવી સુજાણ થઈને?” “સ્ત્રીનું ખોળિયું છે ના!” “એને આ મમત મૂકી દેવાનું મૂં વતી ભણજે, ભા!” “પોતે તો મમતે ચડ્યાં છે કે પોતાના પ્રારબ્ધમાં છોરું ન હોય તો રા’ને બીજું ઘર કરાવવું.” “અરે અસ્ત્રી! અરે અભાગી જાત અસ્ત્રીની!” નાગબાઈની નજરમાં ચાળીશ વર્ષનો ભૂતકાળ તરવરી ઊઠ્યો. એ ગંભીર સાદે બોલ્યાં, “તું કહેછ ને બાપ, કે રા’ તો જ્ઞાની છે!” “હમીરજીનો દીકરો દીઠા પછી એના અંતરમાં શેર માટીની ઝંખના ઊપડી છે.” “કોના સારુ? કયા ભવ સારુ? કયો વારસો સોંપી જવા સારુ?” નાગબાઈ વેદનાસ્વરે જાણે કોઈ ભવિષ્યવાણી બોલતાં હતાં. “રાજા-રાણી વચ્ચે મેં તો ભારી મનમેળ સાંભળ્યા’તા ને.” ભેળિયા(ઓઢણા)ની મથરાવટી કપાળ ઉપર વધુ નીચી ખેંચીને નાગબાઈએ કહ્યું : “નાગાજણ, છોરુની ઝંખના ઘરધણીના મનનું અમૃત છે, પણ રાજધણીના જીવતરનું હળાહળ ઝેર છે. કુંતાદે રા’નો ફરી વિવા કરાવવા માગે છે એવી વાતનો વશવાસ કોઈ ન કરજો. અસ્ત્રીની ઇચ્છા છે એવું બા’નું બહુ જૂનું છે, હંમેશાં અપાતું આવ્યું છે, પણ નરાતાર ખોટું છે.” નાગાજણ જવાબ ન દઈ શક્યો. “ને ભા! તું આમાં જાળવીને રે’જે. વધુ શું ભણું?”