રા’ ગંગાજળિયો/૫. જુદા કેડા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૫. જુદા કેડા

એ જ દિવસે સવારે, ગીરની ઘટાટોપ ગીચ ઝાડી વચ્ચે થઈને પાંચ જીવનો એક પરિવાર પ્રભાતના પહેલા પહોરે ઉતાવળે પગલે ચાલ્યો જતો હતો. એક પોઠિયો, એક ભેંસ, ભેંસ હેઠ એક પિંગલા રંગની નાનકડી પાડી, એક આદમી ને એક ઓરત. પોઠિયાની પીઠ ઉપર થોડી ઘરવખરી લાદી હતી. એક ત્રાંબાની મોટી ગોળી પોતાનું ચળકતું મોં કાઢતી હતી, તેની આસપાસ કાળા રંગનાં ઝગારા કરતાં માટીનાં નાનાંમોટાં ઠામડાં હતાં. એક લૂગડાંની બચકી, ચાર નવીજૂની ધડકી અને એક ઘંટી હતી. આ બધાં પણ કુટુંબી કબીલાને શોભે તે રીતે સામટાં ખડકાઈને વહાયે જતાં હતાં. ભીડાભીડ સામે કોઈ ફરિયાદ કે બૂમબરાડા કરતાં નહોતાં. સૌને માથે એક કાથીના વાણે ભરેલો ખાટલો હતો. ભેંસને નાની પાડી રસ્તે ધાવતી આવતી હતી. નાની શિંગડીવાળો પોઠિયો ખાલી પીઠવાળી ભારવિહોણી ભેંસ સામે કોઈ કોઈ વાર કતરાતો હતો. પણ ભેંસની આંખો જાણે એને જવાબ વાળતી હતી કે, ‘જોતો નથી? મારો ભાર મારાં અધમણિયાં આઉમાં છે. પીઠ માથે ઉપાડવું સહેલ છે. પેટે તોળીને બોજ ખેંચવો બહુ વસમો છે. અમારો તો જનેતાનો અવતાર. વેઠીએ છીએ, ભાઈ મારા! તારી પીઠ તો હમણાં જ ઘેર પહોંચતાં હળવીફૂલ થશે. પણ હું જનેતા! આઉના ભારને એક ઘડીયે ઉતારી આઘો મૂકી શકીશ, ભાઈ?’ સમજુ પોઠિયો કતરાવું છોડીને વાગોળવા લાગતો. અવાચક આ પ્રાણીઓ જ્યારે મૂગાં મૂગાં પણ વાણીવ્યવહાર કર્યે જતાં હતાં, ત્યારે જીભ અને હૈયાં જેને ભગવાને બોલવા કાજે જ દીધાં છે તે આ બે માનવીઓની જ મુસાફરી કાં બેતાલ ચાલી રહી હતી? માવતરનો સાથ સંસારમાં પહેલી જ વાર છોડાવીને જેને પુરુષ પોતાના અજાણ્યા સંસારમાં લઈ જતો હોય છે, તે સ્ત્રીને પંથમાં જ પોતાની સાથે હેળવી લેવાની વણશીખવી આવડત એ પ્રભુનું મહાન દાન છે. પણ આ જુવાનને એ આવડત વાપરવાની જાણે વેળા જ નહોતી. એ તો પોતાની ફરસીથી રસ્તાનાં ઝાડ કાપ્યે જતો હતો. કેડી સાંકડી હતી તેને પોતે પહોળી કરતો કરતો ધસ્યે જતો હતો. બેશક ઝાડીની કાંટાળી લાંબી ડાળીઓ ઓરતના ઓઢણાને—ને લાગ જડી જાય તો ગાલને પણ—જ્યારે ઉઝરડા કરતી હતી ત્યારે ત્યારે એ પાછો ફરીને મીઠાશથી ડાળખી કાઢી દેતો હતો. પણ બહુ બોલ્યા વગર, કોઈ ગજબ ઉતાવળ હોય તેમ. એ આગળ આગળ ચાલતો આદમી એની ડાંગથી કાંટાળી ડાળીઓને એક કોર દબાવી દબાવી ઓરતનાં લૂગડાંને ને અંગને મારગ કરી આપતો. “હળવો, હળવો, જરા સથરો હાલને, ચારણ!” બાઈએ હસીને કહ્યું, “આમ રઘવાયો થેને કીં હાલતો હઈશ?” આ બોલ બતાવે છે કે પાંચ જણાંના કબીલામાં જે બે માનવી હતાં તે ચારણ અને ચારણી હતાં. તેમનો પોશાક-લેબાસ જોઈને પણ આપણે વરતી શકત કે બેઉ જણાં દેવીનાં બાળ હતાં. નજરે નિહાળીએ તો ઓળખી કાઢીએ કે બેય મનુષ્યો દૂધનાં ઝાડવાં હતાં, કેમ કે રંગો બેઉના રતાશ પડતા ઘઉંવરણા હતા. પોતાના પગમાં આટલી ઉતાવળ હોવાનું કારણ તો ચારણે કબૂલ કર્યું નહીં, પણ એ ઝડપ પ્રેમીજનોમાં હોય છે તે કરતાં જુદી જ જાતની હતી. જવાબ દેવાનોય જાણે એને સમય નહોતો. પોતાને ખભેથી ફરસી લઈને ચારણ એ ઘાટી વનરાઈનાં ઝરડાં પર ઘા પછી ઘા કરતો જતો હતો. “પણ આ વસમાણ શીદ વેઠવી, ચારણ?” બાઈએ ફરી વાર કહ્યું, “આપણે ગાડા-મારગે કાં હાલ્યાં નૈં? આ પોઠિયો ને ભેંસ પણ ઉઝરડાતાં આવે છે. આ પાડીનુંય મોં લોહીલુહાણ થતું આવે છે.” “હમણાં પાધરે મારગે ચડી જાશું, ચારણ્ય! હમણાં—હવે લાંબું છેટું નથી.” એટલો જ જવાબ દેતો દેતો ચારણ ફરસીને ઘાએ ઘાએ વનરાઈના આડા ફરતા હાથને છેદતો ગયો. ઝાડી પાંખી થઈ. કાંઈક ઉઘાડી જમીન આવી. એક ધોરી મારગ દરિયાઈ દિશાએ ચાલ્યો જતો હતો. તોપણ એ કેડાને વટાવીને ચારણ વનરાઈના ગૂંચવાયેલા મારગ તરફ આગળ વધ્યો. ફરી વાર જુવાન ચારણી એને ઠપકો દેવા લાગી : “ભણું ચારણ, આપણા નેસ તો દરિયાદી દશ્યે છે. મું હજુ હમણાં જ આપણો ગળ ખવાણો તે પછેં આવી’તી. મુંને બરોબર ઇયાદ છે. ચારણ, તું ભાનભૂલો કાં થે ગિયો? અટાણના પો’રમાં લીલાં ઝાડવાંનો ઠાલો સોથ કાં વાળવા માંડ્યો? વનરાને વિના કારણ વાઢીએ નહીં.” “ઢૂકડું છે ઢૂકડું ચારણ્ય, હાલે આવ તું તારે.” એવા તૂટક બોલ બોલતો ચારણ આગળ ને આગળ વધતો હતો. ચારણી ધોરી મારગને ઓળંગી સામે ભેડે ચડી તે વખતે જ દરિયાદી દિશામાંથી બે ગાડાંનો ખખડાટ થયો. ચારણી ઊભી રહી. આદમી બૂમો પાડતો રહ્યો : “હાલો હાલો, હવે ઝટ આમ હાલો,” પણ ચારણી ખસી નહીં. ગાડાં નીકળ્યાં. ચારણી ગાડાખેડુને પૂછે તે પહેલાં તો ગાડાખેડુની વાતો એને કાને પડી. “અભાગ્ય લાગી તે ઊના-દેલવાડાંને પાદરથી નીકળ્યાં આપણે, કોણ જાણે કેટલી રાત્યું લગણ નજર સામે ને સામે તર્યા કરશે!” “શેની વાત કરો છો, ભાઈ?” ચારણ્યે પૂછ્યું. “ત્રાગાની.” “કોનું ત્રાગું? કેવાનું ત્રાગું? કિસેં?” “ઊના-દેલવાડાને પાદર, સેંકડું મોઢે ભાટ ભેગા થયા છે, રાજાની સામાં ત્રાગાં માંડ્યાં છે. પણ ઈ તો અકેકારનાં ત્રાગાં, મારી માવડી! કૂંણાં કૂણાં છોકરાનાં ત્રાગાં.” “ઊભા રો’, ઊભા રો’.” ચારણીએ રસ્તા આડી ઊભીને ગાડાંને રોક્યાં. “હવે આમ હાલ્ય, હાલ્ય, વેળા થે ગઈ, હાલ્ય ચારણ્ય!” આઘે ઊભેલો ચારણ હાકલા કરતો હતો. સામે જ ઊભેલી ઝાડીમાં બે પાંચ લક્કડખોદ પંખી ઠબ, ઠબ, ઠબ, લાકડાં પર ચાંચો ટોચે છે, અને લેલાં પક્ષીઓ ઘેરેઘેરા વળીને એકબીજાને સામસામાં કોણ જાણે કયા અપરાધનો ઠપકો આપી રહ્યાં છે કે તેં-તેં-તેં-તેં-તેં! ચારણના સાદને અવણગતી સ્ત્રી એ ગાડાખેડુઓ પાસેથી વાત કઢાવે છે. ઊના-દેલવાડાનો રાજા વીંજલ વાજો એક ભાટની બાયડીને રંગમો’લમાં ઉપાડી ગયો છે, તેની સામું તમામ ભાટોએ ત્રાગું માંડ્યું છે, આજ બે દી થઈ ગયા. “ને છોકરાં ચડાવે છે?” “હા આઈ, ભલકાં ખોડ્યાં છે, માથે છોકરાં હિલોળીને ચડાવે છે. એનાં લોહી ગામના બીડેલા દરવાજા માથે છાંટે છે. ભલાં થઈને મારગ છાંડો માતાજી, અમારાથી એ વાત વર્ણવાતી નથી.” “જાવ, વીર.” ગાડાં રસ્તે પડ્યાં. ચારણીએ ધણીને પાછો બોલાવ્યો. પોઠિયો ને ભેંસ એટલી વાર જમીનમાં મોં નાખીને સૂકા ઘાસની સળીઓ ચાટતાં રહ્યાં. પાડી ભેંસના આંચળમાં માથાં મારતી કૂદતી હતી. “ચારણ!” ઓરતનો ચહેરો બદલી ગયો હતો. “આપણો નેસ તો ઊના-દેલવાડે ના?” “હા.” “ઊના-દેલવાડા તો આ દરિયાદી દશ્યે રિયાં, ને તું આટલા ફેરમાં કેમ અમુને લઈ જાછ?” ચારણ ચૂપ રહ્યો. “ઊના-દેલવાડાને દરવાજે ત્રાંગું મંડાણું છે એની ચોરીએ કે?” ચારણ ન બોલ્યો. “આપણથી આમ તરીને નો જવાય, ચારણ!” ચારણનું મોં વીલું પડ્યું. “આપણે ચોર ઠરીએં. જોગમાયાનાં ચોર : નવ લાખ લોબડિયાળિયુંના ચોર.” ઠ…ક! ઠ…ક! ઠ…ક!—લક્કડખોદના ચાંચ-ટોચા સંભળાયા. “આપણેય ત્રાગાળું વરણ. ત્રાગું થાતું સાંભળીને પછેં ન તરાય. હા, ઈ દશ્ય આપણો મારગ જ ન હત તો તો ઠીક હતું.” “મુંને ખબર પડી ગઈ’તી, ચારણ્ય! માટે જ હું ફેરમાં હાલતો હતો.” “ને એટલા માટે જ તું ઉતાવળો થાતો’તો, ખરું ચારણ?” “થાવાનું હતું તે થે ગૂં. હવે હાલો.” “હાલો, આમ ઊનાને કેડે.” “જાણીબૂઝીને?” “અજાણ્યાં હોત તો અફસોસ નો’તો. જાણ્યા પછેં કાંઈ આપણાથી મારગ છંડાય? આપણે ચારણ. ત્રાગાળું વરણ.” “ચારણ્ય, આવી હાંસી?” “હસતી નથી. હૈયાની વાત ભણું છું.” “આંહીં જો,” ચારણે બે હાથ જોડ્યા, “મારો અપરાધ થયો. પણ હવે હાલ આમની. હું પગે પડું છું.” “કાલો થા મા, ને આમનો હાલ્ય.” મોં હસતું રાખવા મથતા ચારણે ઓરતની પાસે જઈને હાથ ઝાલવા પોતાનો રૂપાના વેઢવાળો પંજો લંબાવ્યો. “અડાય નૈ, ચારણ, હવે અડાય નૈ. છેટું પડે છે.” ચારણ ખસિયાણે મોંએ પોઠિયાની ને ભેંસની સામે જુએ છે. જાણે કહે છે કે તમે તો કોઈ મનાવો. “હિંમત નથી હાલતીને, માટી!” ચારણીનું મોં સહેજ મલક્યું. “સાચું ભણ્યું—જોગમાયા સાક્ષી—મારું દલ ડરે ગૂં છે, ચારણ્ય!” “પે’લવે’લુકી મને ઘરે તેડી જાછ એથી જ ને?” “એથી જ. હજી હસીને બે વાતુંય નથી કરી,” ચારણનું મોં રાંકડું બનતું હતું. “તારી અણપૂરલ આશા જોગમાયા હજાર હાથે પૂરે, મારી આશિષું છે ચારણ! જા, પોઠિયો, ભેંસ ને પાડી લેને તારે નેસે પોગી જા. જીવ્યામૂવાના ઝાઝા જુવાર તુંને. ખમા તુંને!” એમ બોલીને ચારણી ઊના-દેલવાડાને ઊભે કેડે ચડી. “ચા…ર…ણ્ય…!” મરદે પોકાર કીધા. લેલાંએ તેં-તેં-તેં કરી વન ગજાવ્યું. લક્કડખોદ ઠ…ક! ઠ…ક! ઠ…ક! જાણે કોઈની ચિતાનાં કાષ્ઠ કાપતો રહ્યો. “ઘેરે જા, નેસડે પોગી જા.” એમ બોલતી ઓરત ઊપડતે પગલે ગઈ. થોડી ઘડી દેખાઈ, પછી ડુંગરો આડો આવી ગયો. ચારણે થોડી ઘડી ઊભા થઈ રહી પછી ભેંસ, પાડી ને પોઠિયો વનરાઈમાં હાંકી મૂક્યાં. ઝડપથી ચાલ્યો. વનરાઈનાં આછાંપાંખાં ઝાડવાંમાંથી ઘડીક ઘડીક એની મધરાસી પાઘડીનું છોગું લાલ લાલ જીભના લબકારા કરતું હતું.