રિલ્કે/20

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


રિલ્કે વિશે

રિલ્કે પોતાના મિત્રોને વંચાવીને, થોડુંક છપાવીને, સંતોષ માનતા. બધું દુનિયાને બતાવવાની એમની પહેલેથી જ વૃત્તિ નહોતી. એટલે લખવામાં જ એમનો જીવ પરોવાતો ગયો અને એણે એ રીતે કવિતા લખવા માંડી. પિતાને આ ન ગમે. જુઓ, કાફકાનો પણ આખો સંઘર્ષ છે તે પિતા સાથેનો છે. એના પિતા, લેડીઝ ગારમેન્ટના મોટા વેપારી અને એમનો આ દીકરો કાફકા – કાયદામાં એમણે ડોક્ટરેટ મેળવેલી અને ઇન્સ્યોરન્સમાં એ કામ કરે – વર્કર્સ ઇન્સ્યોરન્સમાં – અને બાપને આ જરાય ન ગમે. અરે, થઈ થઈને તું કારકુન થયો? આમ એમણે લગભગ સાઠ-પાંસઠ પાનાંનો કાગળ લખ્યો જે આખા જગતના પત્રસાહિત્યમાં પ્રખ્યાત છે – લેટર ટુ માય ફાધર. પણ એ કાગળ પોતાના પિતાને આપવાની હિંમત ન ચાલી. એટલે એણે એની માને આપી રાખ્યો. પણ એના મરણ પછી માએ બાપને આપ્યો. ત્યારે, Father figure is the terrible fiigure અને એને કારણે કેટલાક સંઘર્ષો ઊભા થાય છે. તો રિલ્કે એમ પણ કહે છે કે કેટલોક ફાયદો પણ થાય છે. એટલે, ધીમે ધીમે વિદ્રોહને રૂપે પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ ઘડવાને માટે પ્રયત્નશીલ બને છે. એના માટે એક અનિવાર્યતા ઊભી થાય છે. That is how the poet in Rilke was formed and came into existence અને પછીથી રોદાં નામના શિલ્પીને ત્યાં જઈને રહે છે અને ત્યાં રોદાં જે રીતે કામ કરે છે એ બધું જુએ છે. કાફકાએ કહ્યું : The first sign of understanding is the wish to die, અને બીજી વાત એ કહી કે u perhaps no one has understood better the fall of man than myself,, તો આ એક ગંભીર સમજમાંથી આવે છે. આ છળી મરવાની વાત નથી કે ખોટો વૈરાગ્ય કેળવવાની વાત નથી પણ જેણે મરણના પરિપ્રેક્ષ્યમાં જીવનને જોયું છે, બન્ને એક જ ગીતના લય છે, બન્નેને સમજ્યા વગર તમે કોઈ અખિલાઈને સમજી નહીં શકો, અને છતાં આપણે વિશ્વમાનવની અને અખિલાઈની વાતો કરીએ છીએ, તો એ ન ચાલે. એટલે એની તો એવી એક ઇચ્છા હતી અને દમને કારણે – અને હું પોતે એ દમનો રોગી છું માટે જાણું છું કે જ્યારે શ્વાસ રૂંધાતો હોય ત્યારે તમે આંગળી સ્હેજ પણ ઊંચી ન કરી શકો, જીવ જતો રહે એવું લાગે – અને એ સ્થિતિમાં ખાટલા પર જ રહેવું પડતું હતું. એણે કહ્યું કે મારું મરણ આવશે ત્યારે હું બહુ સાવધ રહીને જોઈશ કે મરવું એટલે શું? અને આ અનુભવ જો હું લખી જાઉં તો ઘણા બધાંને માટે મરણ શું છે એ જોવાની બારી ખૂલી જાય. જુઓ, કેટલી બધી કરુણા હોય છે, કેટલી બધી અનુકંપા હોય છે આ લોકોમાં! અને એટલા માટે એણે શું કરેલું કે જ્યારે લાગે કે હવે આ શ્વાસ રોકાઈ જવાનો છે અને એ વખતે શું થતું હોય છે એ લખી જવા માટે એણે પોતાના ખાટલાની આજુબાજુ બારતેર ફાઉન્ટનપેન બાંધી રાખેલી કે કોઈને બોલાવવા ન પડે ને હાથ ઝાઝો લંબાવવો ન પડે, જેથી કરીને મરણની વાત લખી જવાય. આ લાગણી માનવજાતિ માટેની છે અને કૅમ્યૂએ નોબેલ પ્રાઇઝ સ્વીકારતાં આ જ કહેલું કે નમ્રતા ખાતર નથી કહેતો પણ આ લોકોએ પોતાની વેદનાનું મોઢું જોયું નથી, એવા મૂક, બધિર અને અંધ લોકોની વાણી જ્યાં સુધી હું બોલી નથી શક્યો ત્યાં સુધી આ બધાં માનને શું કરું? મને અત્યારે અભિમાન નથી થતું પણ I feel guilty કે આ સમાજ તો કેટલો ઉદાર છે, તમે થોડું કર્યું હોય છે તો આટલું બધું આપવા તૈયાર થાય છે. એટલે આ એક લાગણી હંમેશાં રહે છે. ત્યારે રોદાંએ રિલ્કેને શીખવ્યું કે તું જોતાં શીખ : look at the world અને પછી કેટલાક લોકો એવા છે કે જોયું ન જોયું અને જોયાનો નશો થયો હોય એમ ચરસ લઈને, ગાંજો લઈને, L.S.D. લઈને કૃત્રિમ રીતે એવી સ્થિતિમાં મનને મૂકી દે કે જે બધું દેખાયું તે તરત ચીતરી નાખવું. They are impatient. They fling at once whatever they see in life to art એટલી ઉતાવળમાં હોય છે, દેખાયું ન દેખાયું ત્યાં એને ફંગોળે છે અને જાણે ફંગોળવાથી જ કળા થઈ જતી હોય એમ પોતાના ફંગોળવાના કાર્ય પર વારી જાય છે, તે impatience ન ચાલે. તો રોદાં પાસેથી આ શીખવાનું મળ્યું અને ત્યાં એણે જે કવિતા લખી : પેરિસનું લક્સમબોર્ગનું ગાર્ડન, એના પ્રાણીસંગ્રહાલયમાંનો પેલો ચિત્તો Panther પાંજરામાં પૂરેલો અને સળિયાની અંદર પુરાઈને આંટા મારે. જે છલાંગ મારતો ચિત્તો, એની બધી ગતિ, જાણે કે ગતિને ગૂંછળું વાળીને મૂકી દીધી હોય અને પેલો અંદર હોય, એની આંખો, અને આ જે પિંજરાના સળિયા; એની આંખોમાં દેખાતી છબિ. આ બધી વિગતો એણે જોઈ. ફલેમિંગો જોયા, ફૂલ જોયાં, ભિખારી જોયો, આંધળો જોયો. તો આંધળાને વિશે એણે કહ્યું કે પોતાના જ જીવનના માઇલસ્ટોનના જેવો બેઠેલો આ આંધળો. આ બધી કવિતા એણે ત્યારે લખી અને તેથી gazing. પણ પછી શું કે, કવિ એકની એક સ્થિતિમાં રહેતા નથી. આપણે ત્યાં જે બને છે કે અમુક રીતે આપણા ઘણા બધા કવિઓ, એ ધાટી બેસી ગઈ and that is the most dangerous thing. This felicity of expression is the greatest enemy of poetry. હાથ બેસી જવો, ધાટી બેસી જવી એના જેવું ભયંકર કવિને માટે ખતરનાક બીજું કશું નથી. અને તરત જ એણે શૈલી બદલી નાખી અને બીજી જે કવિતા શરૂ થઈ એનું નામ Turning. હવે બીજો વળાંક લીધો અને એ વળાંકમાં એણે કહ્યું કે The task of gazing is over. Now some hard work to be done. એણે બે શબ્દો આપ્યા છે – inscape and heartscape, the outscape and the heartscape. The outscape જેને આપણે landscape કહીએ છીએ તે પૂરુું થયું અને હવે Heartscape, હૃદયમાં જે સૃષ્ટિ રચાઈ. તો આ એક બહુ પાયાનો ખ્યાલ કવિતામાં કેટલાક પ્રથમ કક્ષાના કવિઓએ આપ્યો છે જેને ટી.એસ.એલિયટ કહે છે objective correlative વસ્તુલક્ષી પ્રતિરૂપ; તો બોદલેર જેને correspondence કહે છે અને જેરાલ્ડ મેન્લી હોપકિન્સ જેને inscape outscape કહે છે અને એને જ રિલ્કે કહે છે outscape અને heartscape તો, આ શું છે કે બે અડધિયાં છે અને સિમ્બોલ એટલે શું? મૂળ શબ્દ છે સિમ્બોલા, એક સિક્કો. આગળના જમાનામાં રોમમાં જે વેપારીઓ હતા તે જ્યારે કોન્ટ્રેક્ટ કરે, સોદો કરે ત્યારે સિક્કો તોડીને એક અડધિયું સામાવાળો રાખે અને બીજું અડધિયું પેલો રાખે. તેમ જગતનું છે. એક અડધિયું ભગવાન પાસે છે અને એક અડધિયું આપણી પાસે. એક જગતમાં છે અને એક આપણા હૃદયમાં છે અને કવિ એ બેને ભેગા લાવે છે – કોરસ્પોન્ડન્સ અથવા ઓબ્જેક્ટિવ કોર્-રિલેટિવ. તો કવિએ આ કરવાનું છે. એટલા માટે રિલ્કેએ કહ્યું there is nothing in my heart of which the counterpart is not in the world. મારા હૃદયમાં એવું કશું નથી જેની પ્રતિચ્છવિ આ જગતમાં નથી, અને એટલા માટે કવિનું સુપ્રીમ ટાસ્ક, કવિનું જે સૌથી મહદૃવનું કાર્ય તે આ છે કે ધીમે ધીમે બહારની વાસ્તવિકતાને કાવ્યની યથાર્થતામાં બદલતાં જવું – O earth! is it not your demand? એટલા માટે તે કહે છે કે આટલી બધી વસંત શા માટે વેડફે છે? One spring is enough, more than enough. આ પ્રાચુર્યથી કવિ અકળાઈ જાય છે. હું જાણું છું કે આ બધું જગત છે, આ આખી પૃથ્વી, એને હૃદયની સંપત્તિમાં ફેરવી નાખવી, સૂક્ષ્મ બનાવી દેવી અને એ રીતે અનુભવવી એ કવિનું કામ છે. એને કવિએ રચેલાં પ્રતીકોમાં સદાને માટે પ્રગટ કરી દેવી. ત્યારે આ સમજથી કવિ શરૂ કરે છે – અને આ જે તબક્કો છે તેમાં ઉત્તમ પ્રકારની કવિતા તેણે આપી છે અને હું ચર્ચા કરતાં કરતાં થોડીક કવિતાનો આધાર લઈને હું વાત કરતો જઈશ જેથી તમને ભવિષ્યમાં એની કવિતા વાંચવાનું મન થાય. ત્યારે એ કહે છે કે આ આપણે બધાં અહીં છૂટા છૂટા બેઠા છીએ. આજે મળ્યા, કાલે આપણે અહીં ન સાથે હોઈએ પણ એ દરમિયાન ઘડી બેઘડી માટે, એકાદ ક્ષણ માટે આપણો જ્યારે હૃદયનો તંતુ ગુંથાયો અને આપણે ન જોયો, આપણા નેપથ્યમાં જે ઘટના બની તે કંઈ ખોટી છે, તે કોણે જોઈ કે કોણે સાચવી, તો આપણા બધાના વતી આ કામ કવિ કરે છે અને એ પ્રતીતિમાંથી રિલ્કે કહે છે કે look at the things. બને કે પદાર્થને તમે જોયો હોય, કેવો છે એ? એની આજુબાજુ આખું જગત વીંટળાઈ વળેલું છે. એક નાનો સરખો મંકોડો ચાલતો હતો, એ તો નક્ષત્રો, ગ્રહો એની પ્રદક્ષિણા કરે છે. હવા એની આજુબાજુમાં થઈને જાય છે, સૂર્યનું તેજ એના પર પડે છે, everything is so entwined,, બધી વસ્તુ ઓતપ્રોત થઈને ગુંથાઈ ગયેલી છે. અને આ દુનિયામાં કોઈ એકલુંઅટૂલું ચાલતું નથી. અને આ કેટલી મોટી ધરપત છે No one walks alone through this combined world. આ દુનિયા કેવી છે? સંલગ્ન છે. Through this combined world his heart is a glorious distant flash. જાણે કોઈનો હાથ લંબાયો છે ને હાથમાં હાથ મળી જશે ને આંગળીઓ ગુંથાઈ જશે. એ કેવું છે? હાથમાં હાથ મેળવવો – કેવું છે? glorious. પણ દૂરથી હાથ લંબાયેલો છે, આપણા સુધી હજી આવ્યો નથી,this heart, perpetually stands, એની પ્રતીક્ષામાં હૃદય હંમેશાં ઊભું હોય છે. This for ever in hands that know how to grasp. ઘણા હાથ બિચારા આ ઝાલવું કેવી રીતે, પકડવું કેવી રીતે, ધારણ કેવી રીતે કરવું એ જાણતા જ નથી. પણ છતાં એક હાથ એવો છે, જેને તમે ભગવાનનો હાથ કહો કે જેનો કહો તે. પણ એ જાણે છે કે તમે જ્યારે આધાર માટે હાથ લંબાવશો ત્યારે એને પકડવો કેવી રીતે તેની એને ખબર છે – ravishing hands. આ બધું આનંદમય છે. એક હાથમાં હાથ મુકાય એટલી જ વાર છે or else a rester – કાંઈ નહીં, જો હાથ આપ્યો જ હોય તો તે બીજો હાથ હથેળીમાં આરામ લે છે – rester, unless you should fall from hands into hands અને હાથમાંથી તમે છટકીને, પકડીને ક્યાં જવાના હતા? બીજા હાથમાં ઝિલાવાના હતા. તો આ એક આશા છે, આ એક શ્રદ્ધા છે. For, the gains of the all are infinite અને આ જે એક પીડા છે તે કેવી છે? એ ચાલ્યા જ કરે છે. પણ એ વાત પણ સાચી છતાં એનો અર્થ એમ નથી કે આ હંમેશાં આવું જ બની શકે છે. આપણામાંના ઘણા સમ્બન્ધના આ તંતુને જોઈ શકતા નથી. અધીરા બની જઈએ છીએ, આકળા બની જઈએ છીએ. આપણા ક્રોધની આંચથી જ આ સમ્બન્ધો બળી જાય છે, કજળી જાય છે. તો એનો પણ એક વિષાદ હોય છે અને કવિ કહે છે કે આ જે વિષાદ છે તે કયા પ્રકારનો છે? તો હૃદયને ઉદ્દેશીને કવિ કહે છે – અરે, હે હૃદય, who will hear your lamentations? આ એકાન્તમાં બેસીને તું વિલાપ કરે છે, કોણ સાંભળશે? તો ઘણાખરા દુ:ખમાં, ઘણાની ઇચ્છા એવી હોય છે કે મારું દુ:ખ બધા જાણે. સુખ પ્રચારક નથી પણ દુ:ખ પ્રચારક છે. દુ:ખી માણસો જાણે એક જ સરખો યુનિફોર્મ પહેરીને ફરતા હોય છે. તમે જુઓ તો બધાંના ચહેરા સરખા – દુ:ખીના નિ:શ્વાસ સરખા. તો આ જગત અને એમાં રહેલા માનવીઓ – એ કેવા છે? તમે એને એકદમ પામી શકતા નથી, તાગી શકતા નથી. એમાંથી સંઘર્ષ કરતાં કરતાં આપણે આગળ વધવાનું છે અને કદાચ કેટલીક વાર એમ પણ લાગે કે આ પ્રયત્ન મિથ્યા છે કારણ કે એ જે દિશામાં આપણને લઈ જાય છે તે ભવિષ્ય છે અને ભવિષ્યમાં જતાં જતાં બધું ધૂંધળું બને છે અને પછી આપણે પાછા દિશા ખોઈ બેસીએ છીએ. તો તારો આ વિલાપ શાને માટેનો છે once you lamented, what was it? તારી જે વેદના છે એ વેદના પણ એક કાચા ફળ જેવી છે. એમાં હજુ મીઠાશ નથી આવી. વેદનાના ફળને પણ પાકવા દેવું જોઈએ. અકાળે ખરી જાય તો એ હાથમાં ન આવે. પણ હવે? તો હૃદયને સમજાવે છે કે હવે શા માટે વિષાદ કરે છે? કારણ કે – હવે – my triumph tree is breaking. મારા વિજયનું જે વૃક્ષ છે તે ફૂલ્યુંફાલ્યું છે. અલબત્ત એનો વિકાસ થતાં બહુ વાર લાગી છે. એના વિકાસની ગતિ બહુ ધીમી છે અને હવે ચારે બાજુથી ઝંઝાવાત ફુંકાઈ રહ્યો છે. Now he has been my invisible landscape making it better known to invisible angels. તો એ મૂળમાં, મૂળના બંધનમાં હું જકડાઈ રહેલો છું. ચારે બાજુના પવનો આવ્યા છે અને એમ કહ્યું કે શા માટે અહીં રૂંધાઈ રહ્યો છે? અને હવે જુઓ રિલ્કેનો આ એક બહુ માનીતો ખ્યાલ છે, એની ફેવરિટ બિલીફ છે. તે એ છે કે માણસ ચેતનાને અવરુદ્ધ કરી રાખે છે ભયનો માર્યો, પણ એ ચેતનાને પ્રસરી જવા દો. મરણની પણ સીમા ન નડે એ રીતે પ્રસરી જવા દો તો એ ચેતના જીવન અને મરણને આવરી લેનારી એક વ્યાપક ભૂમિકા તમારી આગળ પ્રસ્તુત કરે છે. ત્યારે કહે છે કે આ ઝંઝાવાત આવ્યો, મૂળમાંથી મારા આ વિજયવૃક્ષને ઉખેડી નાખ્યું. એક પાંદડું આમ ઊડી ગયું. એક શાખા આમ જતી રહી. ફૂલોની પાંખડી ખરીને વેરાઈ ગઈ. તો હવે મારી ચેતના એટલી વ્યાપ્ત થઈ ગઈ કે the angels will accept it or welcome it. તો આ વિનાશ એ વિનાશ નથી. આ ફેલાઈ જવું, આ વ્યાપી જવું. ભલે એમાં એક વ્યક્તિત્વના ખંૂટે બંધાઈને આપણે રહેતા નથી પણ છતાં આ વિષાદને આપણે આ રીતે જોવાનો છે. રિલ્કેની કવિતામાં કેટલાંક પ્રતીકો અથવા કેટલીક recurring images આવે છે. એમાં તારો, વાદળ, નાસિર્સસ, ફુવારો, મિરર – આ બધી એ જાતની ઇમેજીઝ છે, દાખલા તરીકે ફુવારો. જે ફુવારો છે તે જળની સ્વાભાવિક ગતિ નથી. આપણે કહીએ છીએ water seeks its own level, પાણી ઢાળ શોધે છે. પણ એ ઢાળ શોધનારા પાણીને માણસે ઊંચે ચઢાવ્યું છે અને સેન્ટ જ્હોન પેર્સની એક કવિતામાં આવે છે કે પોલિસચોકી આગળ, પોલિસચોકીના કમ્પાઉન્ડમાં એક ફુવારો હતો અને ફુવારાનો જે અવાજ આવતો હતો the fountain was sobbing, ફુવારો ડૂસકાં ભરતો હતો. કારણ કે તે પોલિસચોકીનો ફુવારો હતો. એટલે એનું પાણી ડૂસકાં ભરતું હતું. તો આ ફુવારાને ઊંચે ચઢાવે છે અને ઊંચે ચઢાવ્યા પછીથી બહુ જ કમનીય એવા વળાંક લઈને પાણી પાછું નીચે જાય છે. માણસના ધક્કાથી એ ઉપર તો ગયું પણ એની ઇચ્છા સીધા આકાશમાં વાદળ બનીને ચાલ્યા જવાની નથી. એ કહે છે કે હું મારી રીતે કોઈ નદીના જળમાં ભળી જઈશ અથવા બીજે. પણ તરત જ પછી જે નમ્રતાથી વળાંક લે છે તે બહુ સુન્દર લાગે છે અને પછીથી એ નીચેના પાત્રમાં પડે છે, તો નીચે જે થાળું છે એનો આરસપહાણ કાળો પડી ગયો છે, લીલ જામી ગઈ છે. પાણી ઉપર ચઢે છે ત્યારે એની નીચેના પાત્રમાં જાણે કે ઉપર ગયેલી ધારા ક્યારે આવશે એની પ્રતીક્ષા છે. એ ઝિલાશે. એણે એની હથેળી પ્રસારીને રાખી છે. એને તો અપેક્ષા છે કે જળ તો અહીં જ આવશે. તે નીચેનું પાત્ર પ્રતીક્ષા કરે છે અને ઉપર ગયેલું પાણી વળાંક લઈને નીચેના પાત્રમાં પડે છે ત્યારે એના પડવાથી એમાં તરંગો થાય છે અને એ તરંગોમાં સૂર્ય જાણે નાચતો હોય એમ એનું પ્રતિબિંબ નાચે છે, અને ત્યાં તો ઉલ્લાસ વ્યાપી જાય છે, એમાં આકાશ પણ ઝળહળે છે અને પછી એમાંથી ઓવરફલો થઈને પાછું પાણી નીચેના પાત્રમાં પડે છે અને નીચેના પાત્રમાં પડ્યા પછી ત્યાંની જામેલી લીલ અને થાળું; એમાં એ ઠરી જાય છે અને ઠરી જઈને પાછું ઊંચે ચડે છે. Nothing is broken, everything is continuous, it goes on like that. એટલે પોતે પોતાનામાં સમાહિત થઈને રહેવું અને આ રીતે આખી આ પ્રક્રિયાને તૂટવા ન દેવી, અખંડ રાખવી, જીવનમાં જ્યાં જ્યાં તૂટે છે ત્યાં કવિ જઈને ઊભો રહી જાય છે અને કવિ ઊભો રહીને બતાવે છે. ત્યારે આ ફુવારો છે, જળની આ ગતિ, તે કશું બહારથી માગતું નથી – આપૂર્યમાણ અચલ પ્રતિષ્ઠ – ગીતામાં કહ્યું છે તેવું જ. એવી જ રીતે the mirror – the mirror has no content, ઇમેજ આવે છે અને જાય છે પણ mirror retains nothing except a transparency અને ટ્રાન્સપેરેન્સી કોને પરવડે? જે બિલકુલ શૂન્યવત્ છે તેને. ત્યારે આ જાતની ચેતના હોવી જોઈએ એમ એ કહે છે અને, એની એક સરસ કવિતા છે કે એને યાદ આવે છે કે ઘણાં વર્ષ પહેલાં – ત્યારે જુઓ કે કવિની સ્મૃતિનું જે પાત્ર હોય છે તે બહુ મોટું હોય છે. આપણે તો ઘણાબધા પ્રસંગો – બધા બોલીએ, જાણીએ, વાતો કરીએ અને એક ઠેકાણે, પ્રુસ્તે કહ્યું છે તેમ દુ:ખો આપણે ભૂલવા મથીએ તેમ વધારે ચીકણા બનીને આપણને ચોંટતા જાય છે. દુ:ખોને સાચવી રાખવા મથીએ તો પારાની જેમ સરી જાય પણ પછી પ્રુસ્ત એક સરસ વાક્યમાં કહે છે કે તમને જે લોકોએ દુ:ખી કર્યા, એ દુ:ખ કરવાનો એમનો આવેગ એની જ તમે સીડી – સોપાનશ્રેણી – બનાવી દો અને એના પર થઈને ઉપર ચાલ્યા જાવ. તો આ બધાનો ઉદ્વેગ કરવાની જરૂર નથી અને તેથી જ કહે છે – why do I suddenly see the antiquated park fountain – બાગમાંનો જૂનો થઈ ગયેલો એ ફુવારો – framed in elm tree shade – અને એની ચારે બાજુ એલ્મ વૃક્ષ, એટલે ઘટાવાળું ઝાડ છે એમાં – framed થયેલો ફુવારો. એ અત્યારે મને એકદમ કેમ યાદ આવે છે? અને એનું થાળું; કેવું? તો કે – ધ્રૂજતું, તરંગિત થયેલું. તે શું કરે છે કે આજુબાજુમાં બેકગ્રાઉન્ડમાં જે કંઈ નાનામાં નાની ગતિ થાય છે એ ઝીલી લે છે, એનું પ્રતિબિંબ પાડે છે. તો આ – this is the poet's heart. આ ફુવારાની વાત કરી પણ ખરેખર વાત કોની કરી – કવિના હૃદયની. આજુબાજુનો પરિવેશ છે, જગત છે, સંસાર છે, સુખી લોકો છે, દુ:ખી લોકો છે, ત્યાં નાનામાં નાનું કંપન જે સંસારમાં ચાલે છે તરત આ ઝીલે છે. આખા આકાશને ઝીલે છે તેમ જગતને પણ ઝીલે છે. તો એ મને કેમ યાદ આવ્યું? તેનું કારણ આ કે મને હંંમેશાં તરત તે તરફ કોઈ ખેંચી લઈ જાય છે અને આ સ્વપ્નો જે મારા ચિત્તની આ તરંગની અવસ્થાને ગોપે છે અને એમાં જે દૂરથી ચાલ્યા આવતા આછા પદધ્વનિને સંભળાવે છે, કદાચ કોઈ પાસેથી ચાલ્યું ગયું હોય અને એની કાશ્મીરી શાલનો છેડો પવનમાં સહેજ ઝૂલતો દેખાયો એની છબિ એકદમ મારી આગળ ઉપસ્થિત થાય છે અને તરત જ એ પેલા ફુવારાના થાળામાં પ્રતિબિંબિત વૃક્ષનાં પર્ણોની વચ્ચે ખોવાઈ જાય છે. See, how the world comes together – આ બધું – એ વ્યક્તિ કોણ, એ શું, એ બધાની નહીં વાત. પણ એની બધી રેખાઓ મળીને એક બીજુંં જ ચિત્ર થાય છે. ત્યારે આપણી ભૂલ ક્યાં થાય છે કે ભૂતકાળમાં જે બનેલું એને એ જ રૂપે પાછું લાવવા માગીએ છીએ – nothing comes back like that in this world – જે બની ચૂક્યું છે એ એને એ રૂપે નથી આવતું પણ માણસ જો એવી અનાસક્તિ કેળવે કે બની ગયું એ તો સામગ્રી છે, એમાંથી તમે કંઈ નવું નિર્માણ કરો એને માટે તમને આપવામાં આવી છે અને તમે જો એનું રૂપાંતર સિદ્ધ ન કરો તો આ દુનિયામાં કશાનું પુનરાવર્તન શક્ય નથી. અને એટલે જ જાણીતા રશિયન કવિએ કહ્યું છે કે one should not visit the place again where one spent his childhood – જ્યાં તમે તમારું શૈશવ ગાળ્યું તે સ્થળે તમારે ફરી કદી ન જવું જોઈએ. કારણ કે તમે લોભી થઈને જશો. ત્યાં જઈને તમે બધાંને પૂછશો કે ભાઈ, અહીં બોરડીનું ઝાડ હતું તે ક્યાં ગયું? પછી, અહીંયાં જે હીંચકો હતો તે ક્યાં ગયો? મોગરાની વેલ હતી તે ક્યાં ગઈ? અહીં કૂવો હતો તે કૂવો પૂરી દીધો? ત્યાં પાછું બધું ઉઘરાવવા જશો કે આ લાવો, આ લાવો, આ લાવો. જગત તો ત્યાર પછી બધું બહુ આગળ ચાલ્યું ગયું છે, – and then you will feel suddenly that you are an outsider. In a world where you lived, where you were born, you are an outsider માટે ત્યાં જવું જ નહીં, ગજું હોય તો જ જવું, નહીં તો જવું નહીં. એ વાત સાચી કે જ્યારે who knows કોને ખબર છે? Now that deceiving youth has hastened away – આ છેતરામણું મારું યૌવન ચાલી ગયું છે અને રિલ્કેની એક પંક્તિમાં ઘણા બધા કાકુઓ આવે છે – પ્રશ્નના, ઉદ્ગારના અને એ રીતે એ આખી લાગણીને u dramatise કરે છે – કહે છે – receding youth has hastened – પણ પાછો પ્રશ્ન કરે છે – હવે? ખરેખર એ મારાથી દૂર ચાલ્યું છે, યૌવન મારું? – what castles in the pure waters wonderfully chasened – હવામાં આ ફુવારાની નીચે સિકરો ઊડે છે, એમાં જે સૂર્ય પ્રતિબિંબિત થાય છે, જાણે કોઈ અદ્ભુત પ્રાસાદો અદૃશ્ય રીતે રચાતા આવે છે – What castles in the air – અને એ રીતે water that sparkles foam – અને આ પાણી ચળક્યા કરે છે અને મારાં સ્વપ્નને વધારે સોહામણાં બનાવે છે. ત્યારે નસીબ એવું બધું હતું કે જ્યારે જુવાનીમાં જે ફુવારો જોયેલો અને પાસેથી કોઈ કાશ્મીરી શાલ ઓઢીને ચાલ્યું ગયેલું, એનો છેડો સ્હેજ સ્પર્શી ગયેલો અને સ્પર્શી જવાને કારણે હૃદયે જે ચંચળતા અનુભવેલી, એમાંનું આજે કશું નથી. એ બધું તો વીતી ગયું – nothing has remained like that, then I was too small – પછી એક સરસ ચિત્ર આવે છે બાળપણનું. ત્યારે તો હું બહુ નાનો હતો – they suddenly thought of dancing – છોકરા-છોકરી બધાં હતાં. બધાં ભેગાં થયાં કે ચાલો આપણે નૃત્ય કરીએ અને બધાં ભેગાં થયાં. અને પાથરેલી હતી તે જાજમ વીંટાળીને બાજુએ મૂકી દીધી અને કવિ કહે છે કે આ બધું કેવું તાદૃશ બનીને મારા મનમાં આવે છે. એ બધાં નૃત્ય કરતાં રહ્યાં. અને એમાં પછી પોતે ‘I' નથી વાપરતા. જુઓ, ભૂતકાળનું જે જીવન છે એની સાથે પોતાને identify નથી કરતા પણ કહે છે – they danced – એટલે કે the poet did not participate. Poet is an onlooker, he is not with them અને બીજી એક સરસ કવિતામાં એણે કહ્યું છે કે આપણે બધાં તો નદીને કાંઠે, સમુદ્રને કાંઠે સંસ્કૃતિ વસાવીને, ઘરબાર લઈને, આપણા વેપલા લઈને બેસીએ છીએ. પણ એ દરમિયાન કવિ તો હજુ અક્ષુણ્ણ જેવો જ સાગર છે, જે કોઈએ ખેડ્યો નથી એમાં કેવળ પોતાના ગીતને સાથે લઈને નીકળી પડે છે અને આપણા વતી એક નવી ભૂમિ, નવું કંઈક સ્થાપે છે અને પછી મમતા વગર પાછો આગળ ચાલ્યો જાય છે. ત્યારે આપણે એની પાછળ પાછળ જઈએ છીએ. કવિનું આ કામ છે, એ આપણી વચ્ચે રહી ન શકે. આપણી માયા એને રોકી ન શકે અને જો એ રોકાઈ જાય તો આપણને નવી ભૂમિ ન મળે. ત્યારે એ કહે છે કવિ દૂર રહે છે – they danced – એણે જોયાં એની ઉંમરનાં જ છોકરાછોકરીઓ હતાં. એ લોકો નૃત્ય કરતાં હતાં અને એમાં અલપઝલપ પેલી કન્યા દેખાઈ ગઈ – one saw her – જો, I saw એમ નહીં, one saw her, others not at all – અને પછીથી એ જ દેખાઈ. બીજા ઘણા હતા પણ તે દેખાયા નહીં – I and sometime one would even loose her too, ઘરમાં ગાતી હોય છોકરીઓ કે નૃત્ય કરતી હોય. દૃષ્ટિ કન્યા પર સ્થિર થાય. આપણા મનમાં એની છબિ સંઘરવા માંડીએ. થોડી મમતા જાગવા માંડે અને ત્યાં એકાએક સફાળી આંખ આપણને ફરિયાદ કરે કે હવે પેલી તો દેખાતી નથી, ક્યાં ગઈ? સંતાઈ ગઈ. એટલે માત્ર જોઈ એટલું જ નહીં one would even loose her because the fragrance of her grew and grew – શાને કારણે? કે આંખના કરતાં એની જે સુવાસ આવતી હતી તે સુવાસ એટલી તીવ્ર બની ગઈ કે દૃષ્ટિ પાછળ રહી ગઈ અને સુવાસ અગ્રસર બની ગઈ. માટે આપણી ઇન્દ્રિયો વચ્ચે પણ સ્પર્ધા ચાલે છે અને એ સ્પર્ધાને કારણે આપણે ઘણું ખોવું પડે છે – the world one perished in અને સુવાસ પણ એવી છે કે સુવાસના જેવા આપણને સૂક્ષ્મ બનાવી દે. પછી બધાના આકારો ઓળખવા ન બેસીએ, પછી આપણને ગમે માત્ર વ્યાપી જવાનું અને એટલા માટે, અને આ બધું મારું ગજું નહીં કારણ કે I was too small – પછી કહે છે, but I could. Could I ever? – આ હું કહું છું પણ ધારો કે આજે હું છું અને આજે આવો અનુભવ થાય તો આજે મારું ગજું છે ખરું? Muster the fragrance of her dress so as to fall out like a falling stone from the intense relatedness. આ પથ્થર છે એ કશા જોડે સંકળાયેલો નથી અને પડે છે તો પડ્યા જ કરે છે, સિવાય કે એને આધાર મળે ને અટકે તો. એટલે આપણે તો આ relatedness છે સંસારની એમાંથી આપણે પડી જઈશું? તો કહે છે પડી જઈશું તોય હથેળીમાં ઝીલાઇશું. એ હથેળી મરણની હોય કે હથેળી ઈશ્વરની હોય. તો આપણે માટે પડવાનું ક્યાં છે? We can never go out of this relatedness. એની બહાર આપણે જઈ શકીએ નહીં. તો આ એક વાત છે અને પછીથી કહે છે કે મેં તો આ ઘણાંબધાં તોફાનો જોયાં છે. એટલે – Now that I have encountered storms, I can celebrate calm – તો શાંતિ ઊજવવાને માટે તો અધિકારી કોણ છે? તો કે જેણે ઝંઝાવાતના સામના કરી લીધા છે તે. એ પહેલાંની શાન્તિ શોધનારા, એ લોકોનો કશો અર્થ નથી. અને એટલે ઘણી બધી જિંદગીની વસંતો આવે છે અને એની વાત દૃશ્યની રીતે, દૃશ્યની પરિભાષામાં વાત કરતાં કહે છે કે આ જાણે વસંત ઋતુ જોઉં છું ત્યારે તામ્રવર્ણાં કે કૂણાં હરિતવર્ણાં જે પર્ણો છે – તો રવીન્દ્રનાથનાં પણ સરસ ગીતો છે, આ – તોમાર બિરહ બાજે આજે પર્ણે પર્ણે – જ્યારે પાંદડાંઓનો વસંત ઋતુમાં – એનો અવાજ થાય છે – પર્ણમર્મર ત્યારે જાણે કે વિરહનો સૂર બજે છે એ રીતે વર્ણવ્યો છે. તો કહે છે કે આ જે વસંત હું જોઉં છું ત્યારે આ પાંદડાં, કૂણાં પાંદડાંનો ચળકાટ – એ મને વસંતની ખાતરી કરાવે છે એથી વિશેષ તો તડકાની જે ભાત વૃક્ષની શાખા વચ્ચે થઈને જમીન પર પથરાય છે એથી મને વધારે વસંત જેવું લાગે છે, અને એથી ઉદ્યાનનો કોઈ નાનો સરખો માર્ગ એ ભાતથી છવાયલો સુંદર બની જાય છે. અને આ જે પડછાયાઓ એ ઉદ્યાન અને ભૂમિ બન્નેને એકાકાર કરી દે છે અને આ જાતનું જે ટ્રાન્સફોર્મેશન, જે રૂપાંતર શરૂ થાય છે તે રૂપાંતર, એ મને ચકિત કરી દે છે અને હું કવિ છું માટે રૂપાંતરની પ્રક્રિયાને માટે મને ઉત્તેજિત કરે છે. તેવી જ રીતે ગ્રીષ્મની પણ વાત છે કે ગ્રીષ્મમાં શું ગમે છે? ગ્રીષ્મ તો, આ ગ્રીષ્મ! એમાં આપણે ત્યાં રવીન્દ્રનાથે પણ સરસ નિબંધમાં કહ્યું છે કે વસંતમાં ગંધગ્રહણ અને ગ્રીષ્મમાં સ્વાદ. તો ત્યાં એક જાતની પરિણતિ છે. અને પરિણતિ છે તો ગીચારમાં પણ એક પરિણતિ છે. તો ગ્રીષ્મમાં પણ મૃત્યુની એક છબિ સૂસવાતા પવન સાથે ચાલી જાય છે. અને આ બધી મનની સ્થિતિમાં જ્યારે કવિને એમ લાગે છે કે આ આખું જગત, આમાં જે કંઈ બને છે તે, જે અનુભવો થાય છે તે, જાણે મને કોઈ ઊંચી કક્ષાએ લઈ જાય છે. ત્યારે કવિને એમ થાય છે કે આ બધા માનવીથી હું છૂટો પડું છું? એવી કોઈ ઉન્નતિ એને ખપતી નથી જે એને માનવીથી છૂટો પાડે, માટે એ તો પ્રાર્થના રૂપે એમ જ કહે છે કે – oh, do not elevate me – મને આવી રીતે ઊંચે ચઢાવીશ નહીં – who knows if I would rise? શા પરથી જાણ્યું કે મને આવું ઊંચે ચડવાનું પ્રલોભન છે – leave but your countenance silently – એને બદલે તારું જે મુખ છે એ મને એનાથી સભાન કર્યા વિના જરાક ઊંચું કર. મારે જોઈએ છે તે શું? કે સામે ઊભેલા માણસનું મુખ ઊંચું થાય. મારે ઉન્નતિ જોઈએ છે તો સામે ઊભેલા ને આ મુખની ઉન્નતિ જોઈએ છે. જેથી દૃષ્ટોદૃષ્ટ મળે અને આંખ દ્વારા બે હૃદય મળે – leave but your countenance silently – અને કશો વિક્ષોભ મચાવ્યા વગર એ કરવાનું છે – silently, જેથી કરીને મારી નીચી ઢળેલી દૃષ્ટિને ઊંચી કરીને એ મુખને હું જોઈ શકું અને એ મારી દૃષ્ટિ ઊંચી કરેલી દૃષ્ટિ, અને આપણી નજરોનું એ રીતે મળવું તે એટલું નિકટનું બની શકે કે તારી આંખનું આંસુ મારી આંખમાં આવી શકે. એમાં ફેર ન રહે. આંસુ ભૂલું ન પડે. તો એ બનવું જોઈએ. ત્યારે આ એક જાતની અભિન્નતાની જે વાત છે એનો અર્થ એ નથી કે કવિએ વેદના અનુભવી નથી અને વેદનાની વાત પણ કવિએ ઘણી કરી છે ને તે છતાં કેટલાંક મનોરમ ચિત્રો પણ આપ્યાં છે. દાખલા તરીકે આપણે, અત્યારે ખૂબ પવન વાતો હોય અને ઝાડની શાખા ડોલતી હોય અને આપણે જોઈએ – land now you see a waving branch – હવે, તમે જ્યારે પવનમાં ડોલતી શાખાને જુઓ ત્યારે આ વિચાર કરજો કે it is greeting you – તમારું એ અભિવાદન કરે છે અને – or meeting you again – તમે ચાલ્યા જાઓ છો અને કોઈ પરિચિત માણસ સામેથી આવે છે. તમારી એના પર નજર પડી નથી અને પેલો આમ આમ કરીને તમને બોલાવે છે, તો એ તમને પહેલાં મળી ચૂકેલા છે. એ યાદ કરજો – or meeting you again and like the dishes from which the birds are drinking – ઉનાળામાં આપણે પાણી મૂકીએ પશુપંખીને માટે, જ્યારે એને તરસ લાગે ત્યારે આવીને પી જાય. એમાંથી પંખીઓ પાણી પીએ – receive within you the reflecting rain – એવી રીતે, આ વરસાદ જે પડે છે એને તમારા પાત્રમાં ઝીલી લો. જો તમે ઝીલ્યું હશે તો કોઈ વાર કોઈના ચિત્તની તૃષા એનાથી છીપાશે. – Nothing gets lost – કશું જ લય પામતું નથી, ખોવાઈ જતું નથી – all is kept in circulation – પેલા ફુવારાની જેમ – all is kept in circulation, who knows this in its deepest consciousness will climb and find its latest culmination firmly propped against likemindedness. તો આ પણ કદાચ ઊંચે ચડશે અને ચડ્યા પછી કોઈ એના સમાન હૃદયને પામશે અને ત્યાંથી પાછું, બીજા હૃદયમાં જવાની એની ગતિ શરૂ થશે. કોને ખબર છે? એવું પણ બને – and we look at the nodding branch – હવે તમારું અભિવાદન કરે છે એમ માનજો. પણ તેમ છતાં સંસારમાં વેદના ભરી છે. કવિએ પણ અનુભવી છે. દાખલા તરીકે એમને વિશે જે કહેવાયું છે તે કે કોઈ પણ જાતની આસક્તિ, આશંકા પણ ઊભી થાય તો તેમાંથી એ નીકળી જાય. કવિને એ ન પરવડે. એટલે એણે લગ્ન કર્યાં અને એમનાં જે પત્ની હતાં એ ચિત્રકાર હતાં, શિલ્પી હતાં અને પરણ્યા પછીના બીજે જ વર્ષે ભારે ગરીબાઈ વચ્ચે બન્ને જીવ્યાં અને સંસારનું સુખ જેને કહે છે, ખાસ કરીને પરિણીત જીવનનાં પ્રથમ વર્ષોનો જે આવેગ, એ આવેગમાં પણ કવિ સ્થિર રહીને નક્કી કરે છે કે તારી પાસે તારી કળા છે, મારી પાસે મારી કળા છે અને – we must guard each other's solitude – આપણે દરેકે એકબીજાના એકાંતનું રક્ષણ કરવાનું છે. તારા એકાંતનું રક્ષણ હું કરીશ અને મારા એકાંતનું રક્ષણ તું કરજે. અને એમ કરીને કેવળ કળાને માટે બન્ને જણ છૂટાં પડ્યાં. પત્રોનો સમ્બન્ધ ખરો, કદીક મળે ખરાં, અને આ માણસનું આખી જિંદગીમાં ઘર નહોતું, કોઈ એનું પોતાનું કહેવાય એવું ઘર નહોતું. કોઈ સભાસમિતિમાં એ કદી ગયા નથી. કોઈ ઇનામ લીધું નથી અને એનો એવો કોઈ અહંકાર નહીં. વાલેરીની કવિતાનો અનુવાદ એણે પોતે કર્યો. ફ્રેન્ચ ભાષામાં એણે પોતે કવિતા લખી. વાલેરીએ એવા કોઈ ઉમળકાથી એમને આવકાર્યા નહીં. તો કશું નહીં. અને એમ કરતાં છેવટે આ ઉપેક્ષાઓ, આ જગતની કેટલીક નિર્ઘૃણ એવી ઉદાસીનતા, એ બધાનો પણ એ ભોગ બન્યા, પણ એની કોઈ દિવસ ફરિયાદ કરી નથી. અને ઘણા પ્રસંગો એવા પણ બન્યા કે જ્યારે એને લાગ્યું કે મારી જિંદગીનો નવો વળાંક આવ્યો છે, ત્યારે માગ્દા હેટનબર્ગ નામની એક સ્ત્રી, એ બહુ જાણીતી પિયાનીસ્ટ હતી, તે પિયાનો સરસ વગાડતી. કવિની સાથે એનું મળવાનું થયું. એને એમ કહ્યું કે તારું સંગીત અને મારી કવિતા – આપણે બેઉ કળાકાર છીએ તો આપણે સાથે જીવીએ અને કવિની તરત પ્રસિદ્ધ થયેલી કવિતાઓ એણે વાંચેલી. તો, પેલીએ કહ્યું હા, હું આવું છું અને હું તમને સરસ સંગીત સંભળાવીશ અને તમે કવિતા સંભળાવજો. તો આ કળાકારોનું સહજીવન. આ સિવાયનું બીજું હોય નહીં અને એને એમ થયું કે હું નવું જીવન શરૂ કરું અને આ એક સારો યોગ છે અને એ માગ્દાના આવ્યા પછીથી તરત જે લાગણી થઈ આવી પ્રેમની, તેનો જે અભિનિવેશ હતો એની એણે કવિતાઓ લખી. ખૂબ બધી કવિતાઓ લખી અને એ દરમિયાન એમને જે બીજું ઓબ્સેશન હતું તે શાનું હતું? પપેટ્સ એટલે કે કઠપૂતળીઓ, એના જે સિમ્બોલ્સ છે તેમાં; એન્જલ્સ, પપેટ્સ આ બે. ડોલ્સ અથવા પપેટ્સ. ત્યારે એ (પપેટ્સ) મંગાવે. ત્યારે રિલ્કેએ પોતે પપેટ્સ બનાવડાવેલી. એનાં રેખાચિત્રો દોરી આપેલાં અને પપેટ્સના મોઢા પરના જે ભાવ હતા, એના પર ભયંકર વેદના હતી તેને જોઈને માગ્દાએ કહ્યું, what are you doing? આ કોને માટે છે, આ તો બાળકો જોશે અને તમારા સંસારનો બધો ક્લેશ, બધો વ્યામોહ, બધી વેદના – તે પપેટ્સના પર એનું આરોપણ!... એ બધું વાંચી સંભળાવ્યું ત્યારે લાગ્યું કે કવિતા તો બહુ નબળી હતી, પ્રેમના રાગડા હતા, એટલે પેલીએ કહી દીધું કે No No No, I want your poetry to sigh. you are becoming a bad poet, I must leave you, અને એ જતી રહી. તો આ કવિતાને માટે ગમેતેવા મોટા સમ્બન્ધનો ભોગ આપવાની વૃત્તિ, એ હોવી જોઈએ. કવિતા માટે જીવતા હો તો. અને કવિતા માટે જ આજે આપણે એની કવિતા વાંચીએ છીએ. તો, આ જે વેદના છે એનો ઝૂલો કવિને પણ બીજે છેડે લઈ ગયો, અને નથી લઈ ગયો એમ નહીં. તે છતાં એમણે જે કવિતાઓ લખી છે તેમાં ગ્રીષ્મ પણ છે, સાથે પાનખર પણ છે. અને એમની જે છેલ્લી કવિતાઓ છે જેમાં આખરે ડૂઇનો એલિજીસ, તે વિશ્વયુદ્ધ પછીના ગાળામાં લખાઈ. ૧૯૧૨માં એની પ્રથમ પંક્તિઓ લખાઈ અને એક કવિની વિલક્ષણ એવી જીવનની જે દૃષ્ટિ છે તે અહીં આપણને, આપણા મન પર અસર કરી જાય છે. આપણે તો કોઈનો હાથ હાથમાં ઝાલીએ છીએ પછી કશું જાણે બન્યું ન હોય એમ છૂટા પડીએ છીએ પણ કવિ, જે આપણને દેખાતું નથી તે જોવાનો પ્રયત્ન કરીને કહે છે કે જો ભાઈ, કોઈનો હાથ હાથમાં મેળવો તો એ જ હાથ ઊંચો કરીને ‘આવજો’ એમ કહેવાનો છે તે યાદ રાખજો. એ બેને ભેગા કરીને હાથ મેળવજો. એટલે –anticipate all farewells – અને એ જો તમે પહેલેથી કલ્પી લેશો – just shaking hands – આ એવું છે માત્ર કે બીજાનો હાથ હાથમાં લઈને ઝૂલાવવો, એટલું જ ને? – how much encounter is there? અને એ તમારો હાથ બીજાના હાથમાં મળે છે ત્યાંથી તમે કેટલા બધા મોટા ભવિષ્યનો સંચય કરવો શરૂ કરો છો અને ત્યાંથી દરેકના એ મળેલા હાથમાંથી જે આનંદનો નવો સ્રોત શરૂ થયોે એ કેટલો પ્રખર વહેતો જશે એ તમને ખબર છે ખરી? આ કહ્યા પછીથી એ ડુઇનો એલિજીસ લખવાને માટે મ્યુઝોટના કિલ્લામાં ગયા. ત્યાં જર્મનીમાં આવા ઊંચા ટેકરા ઉપર મહેલો બાંધીને રહેવાની લોકોને ટેવ – પૈસાદાર લોકોને. અને આવા એક કિલ્લાના એકાંતમાં એમને જવાનું મન થયું અને ત્યાં જઈને રહ્યા. એ જાય ત્યારેે ઘરના બધા લોકોને વિદાય કરી દે કે હું અહીં એકલો રહીશ. એકાદ નોકર હોય તો હોય નહિતર ન હોય અને પછી ત્યાં એક દિવસ સામાન્ય રીતે આંટા મારતા હતા. એક વૃક્ષને અઢેલીને ઊભા હતા. કોઈને કાગળ લખવાનો વિચાર કરતા હતા. ત્યાં ઝાડની ડાળી પરથી એકાએક કોઈ પંખી ઊડીને ગયું. અને ત્યારે એમને એક વિલક્ષણ અનુભવ થયો કે આ પંખી ઊડીને ગયું એ, વૃક્ષની શાખા પણ હું. અને પંખી ઊડીને ગયું ત્યારે એ પંખીનો જે ભાર હતો ડાળી પર, એ જવાથી ડાળી ઊંચે ઊછળી તો એ પણ – એનો કંપ એ પણ મારા હૃદયનો કંપ, જે આકાશમાં ઊડીને ગયું એ પંખી પણ હું, અને ઊડવાનું આકાશ પણ હું – આવી કોઈ અખિલાઈનો અસહ્ય એવો અનુભવ એમને થયો અને એમાંથી એમણે આ એલિજીસ લખવાની શરૂઆત કરી, ત્યારે એણે કહ્યું – nothing happens outside you, if your heart can bear it, the whole world you can entertain – આખી સૃષ્ટિને તમે ધારણ કરી શકો અને એમાંથી આ એલિજીસ જન્મી. પણ એલિજીસમાં એમણે, જેમને આપણે કહીએ છીએ સાચા અર્થમાં – lament and praise – એટલે વિલાપ પણ છે આખી માનવજાતિ વતી કારણ કે એમણે કહ્યું કે – a man has lost the image of his own action. Action and image are divorced – અને આપણી જે sensibility છે તે u dissociated sensibility છે – આપણાથી વેગળી થઈ ગયેલી, પૃથક્ થઈ ગયેલી, એવી છે. આ જગતમાં કશું જોડાતું નથી. એટલે એક કવિતામાં કહે છે કે કોઈએ ઘર બાંધવું હોય તો બાંધી લો. હવે પછી ઘર બાંધવાની ક્ષણ રહેવાની નથી. જો કોઈએ એક શબ્દ બોલવો હોય તો બોલી લો, આ યુદ્ધના ભંગારમાં તમારા શબ્દો પણ ધુમાડા સાથે ઊડી જવાના છે – એવી એક કવિતામાં એમણે ચેતવણી પણ આપી છે. આવા કવિ જગતમાં રહેતા હતા ત્યારે એમની ગુલાબ કવિતામાં સરસ પ્રતીક છે અને ગુલાબ છે તો એની પાંખડી – એ કોઈની આંખના ઢાળેલા પોપચા જેવી લાગે છે અને ઢાળેલું પોપચું છે છતાં પણ એમાં નિદ્રા નથી. તો, – so much sleeplessness in so many leaves – એટલે આટલાં બધાં આંખનાં પોપચાં નીચે આટલી બધી અનિદ્રા! એવી રીતે એ ગુલાબનું વર્ણન કરે છે અને ગુલાબની પાંખડી વચ્ચે જે આકાશ ઝિલાયું છે એ આકાશની જગતને ભેટ આપવાની વાત કરે છે. ગુલાબ સાથેનો ઘણોબધો સમ્બન્ધ એની ઘણી બધી કવિતામાં છે, પણ પછી એ ગુલાબ શોધવા જતાં કાંટો વાગ્યો અને કાંટો તો વાગે, ખાસ કોઈ પરવા કરતું નથી પણ એમાંથી પછી એને લ્યુકેમિયા થયો–બ્લડકેન્સર – અને એના કારણે બે કે અઢી વરસ પછી એમનું મરણ થયું. અને મરણ થયું ત્યારે આ વેદનાથી શરીર આખું સૂજી ગયું. એમની માતા જોડે એમને બનતું નહીં અને પછી તો એમણે બધાંને કહી દીધું કે તમે જેને જોતા હતા તે હવે હું નથી. વ્યાધિએ મારો કબજો લીધો છે. હું મને ઓળખી શકતો નથી અને મારી વેદનાએ રચેલા નવા જગતમાં, વિશાળ અવકાશમાં હું પોતે ભૂલા પડેલા અજાણ્યા જેવો ભમ્યા કરું છું. તમે આવીને કોને મળશો? એની મા ત્રીસેક માઇલ જ દૂર હતી. કહ્યું કે હું તને મળવા આવું છું. તો એને ના પાડી દીધી. કોઈને પણ મળવા ન દીધા. ડોક્ટરને પણ કહ્યું કે તમે મને હવે શાંતિથી (મરવા દો). મારું (એકાંત) કોના જેવું છે? જ્યારે કોઈ પ્રાણી ઘવાય છે અને ઘવાઈને મરણતોલ બની જાય છે ત્યારે ગુફામાં જઈને એકલું બેસીને એકાંતમાં મરી જાય છે તેમ હવે હું આ એકાંતમાં બેઠો છું. એવું કહેવાય છે કે એની જિંદગીની છેલ્લી કવિતામાં વેદનાને આવકારે છે અને કહે છે કે – come then, my last and latest acceptation – મારત્ન સૌથી છેલ્લત્ન અને હું જેનું સ્વાગત કરું છું તે વ્યાધિ ભલે ચાલી આવ – pain in this flashy web beyond all cure – એનો કોઈ ઇલાજ નથી. એણે આ મારી કાયામાં સર્વત્ર વ્યાપી ગયેલું – એક વાર બીજું ‘પેઇન’ હતું જે મારા આખા મનમાં વ્યાપી ગયેલું જેણે મારી પાસે કવિતા લખાવી – see now my conflagration in you – conflagration વનમાં દવ લાગે એના જેવું મારું આખું શરીર, મારી આ આખી કાયા આ વેદનાથી ઝળહળી ઊઠી છે, જાણે વેદનાની દીપમાળ પ્રગટી છે – the wood no longer can abjure agreement with the flame – અગ્નિનો કાષ્ઠ જોડેનો એક કરાર છે. એ કદી તોડી ન શકાય. હવે ભેગાં થયાં છે તો એ કરાર ચાલુ જ રહેશે – which you are outthrowing, I feed you now – દર્દને કહે છે કે હવે હું તારું પોષણ કરું છું – and burn in you – એટલે તારામાં હું બળું છું. જ્યારે – my earth bone mindless in your fury – રોગનો પ્રચંડ આવેગ અને હું પૃથ્વીનો જીવ એટલે મારામાં રહેલી નમ્રતા અને તારી જે fury છે એ શાની છે? તો કે નરકના અગ્નિની છે – so pure, so painless, free from all to come. I climb this busy faggot pile of pain આ પેઇન શું છે? તો ચિતા faggot pile – ચિતાના ખડકેલાં લાકડાં, એમાં હું જાતે ચઢું છું – So pure, I had no way to sacrifice, to gain a future – હવે મારે કોઈ ભવિષ્ય મેળવવાનું નથી – all this heart's uncounted sum – અને હૃદયે જે મેળવ્યું, એ ગણવાનો અને સરવાળો કરવાનો મને સમય નથી – Am I still that unrecognizably consumed – આનાથી ખવાઈ ગયેલો એવો હું હજી તેનો તે જ છું, ઓળખાઈ શકું એમ છું? I snatch no memories inside – પહેલાં એ બધાં સ્મરણોને મારા હૃદયમાં લઈ જતો હતો, હવે હું કશું લેતો નથી All living, living being outside and in flame – આખું જગત, આખું જગત બહાર રહી ગયું અને હું અગ્નિના નેપથ્યમાં ચાલ્યો ગયો – and no one knowing me – હવે મને કોઈ ઓળખતું નથી. ત્યારે આ રીતે કવિનું જ્યારે મરણ થાય છે – ૨૯મી ડિસેમ્બર, ૧૯૨૬ – ત્યારે એમણે છેલ્લી પોતાની કબર પર લખવાની કવિતા, તેમાં પોતા વિશે કહ્યું તે પણ આ જ છે – Rose, oh ! the pure contradiction – આના જેવો કો પ્રબળ વિરોધ, શુદ્ધ વિરોધ બીજો કોઈ છે નહીં. કયો વિરોધ છે? તો કે – the delight of being no one's sleep under so many leaves being no one's sleep, તો કવિ કેવો છે? સદા જાગૃત છે અને એ દૃષ્ટિ ખુલ્લી રાખીને જુએ છે. કવિને માટે નિદ્રા નથી, તો ગુલાબનું આ પ્રતીક, એની દ્વારા એણે કહ્યું કે આ જે જગત છે એ – તમે બધા તો આંખ બંધ કરી શકશો, આરામ લઈ શકશો, જોવાનું ટાળી શકશો, નહીં ગમતું નહીં જોશો પણ કવિની આંંખ તો સદા ખુલ્લી રહેશે. અને એમ ન માનશો કે મરણમાં એ બિડાઈ ગઈ છે. એ આપણા બધાંમાં ઊઘડી છે. રિલ્કેની કવિતાનો તો એક આખો વિશાળ સાગર છે અને થોડી એની જ પંક્તિઓ દ્વારા મેં આ કહેવાનો પ્રયત્ન કર્યો. અને બીજું બધું તો એને વિશે ઘણું છે અને લખાયા કરે છે. પણ આ તો એટલા માટે કે તમને કોઈ વાર આ થોડીક પંક્તિઓ સાંભળ્યા પછીથી આ કવિના જગતમાં પ્રવેશવાનું મન થાય તો – રાજકોટમાં આપેલા પ્રવચનનું આ લિખિત સ્વરૂપ કરમશી પીરે તૈયાર કર્યું હતું. (સોનગઢનો કળાધર સુરેશ જોષી સં. ગીતા નાયક)