લીલુડી ધરતી - ૧/છત્તર ઝૂલ્યાં
‘હમણાં સોનાં−રૂપાનો શું ભાવ બોલાય છે, મહાજન !’ રઘાએ નથુ સોનીની હાટડીને ઉંબરે બેસતાં પૂછ્યું.
‘સોનારૂપાં તો સાવ સસ્તાં છે. ઘડાવનારાં મોંઘાં છે.’
‘તમે સોની મહાજન ઘરાકને જ ઢાળિયો કરી નાખો, એમાં તમારે ઉંબરે ચડે કોણ ?’
આવો પ્રાસ્તાવિક સંવાદ કરીને રઘો નથુ સોનીની હાટમાં પલાંઠી વાળીને ગોઠવાયો અને પછી વાતાવરણમાં હળવેક રહીને પોતાનું સૂચન સરકાવી દીધું :
‘ચાંદીનું છત્તર ઘડાવીએ તો શું બેસે ?’
‘ઈ તો જેવું છત્તર... નાનું, મોટું, વચલી રાશનું...’
‘તો ય પણ એનો કાંઈ આશરો ?’
‘ઈ તો જેવી એની કારીગરી... ગોળ નાખીએ એવું ગળ્યું થાય.’ કહીને નથુએ આરિયો ઉઘાડીને એમાંથી એક નાજુક છત્તર બહાર કાઢ્યું.
‘જોઉં !’ જોઉં !’ કરતાં રઘાએ એ છત્તર જોવા હાથ લંબાવ્યો, પણ નથુએ ‘ઊભા રિયો’ કહીને એને રોક્યો અને પોતાના મેલાઘાણ પંચિયા વડે એ છત્તરને ‘પાલિશ’ કર્યા પછી જ એ રઘાના હાથમાં મૂક્યું.
રઘાએ આ રૂપાનું છત્તર આમતેમ ફેરવી જોયું, હાથમાં રમાડી જોયું, કોઈ દેવદેવીને શિરે એ ટિંગાડ્યું હોય તો કેવુંક શોભે એની કલ્પના પણ કરી જોઈ અને પછી કહ્યું :
‘આ તો તૈયાર જ છે ને શું ! બોલો, શું ભાવ ?’
‘આ વેચવાનું નથી.’
‘વેચવાનું નથી તો શું સંઘરી રાખવાનું છે ? આથો કરવા સારુ રાખી મુક્યું છે ?’
‘આ તો ઘરાકનું છે. વરધી હતી એટલે ઘડવું પડ્યું.’
નથુને મોઢેથી સરી ગયેલા આ સમાચાર રઘા માટે બહુ રસપ્રદ હતા. ગુંદાસરમાં મારા ઉપરાંત પણ કોઈક વ્યક્તિ ચાંદીનું છત્તર ઘડાવી રહી છે ખરી, એ જાણીને રઘાને કુતૂહલ પણ થયું.
‘આ કોણે ઘડાવ્યું છે ?’
'હોઈ કોઈ શરધાળુ માણસ. કોઈને કાંઈ માનતા હોય, કાંઈ બાધાઆખડી હોય...’
છત્તરના કદ તથા કારીગીરી પરથી રઘો કલ્પી રહ્યો કે આનો ઘડાવનાર કોઈ ખમતીધર આસામી જ હોવો જોઈએ. આવી મોંઘવારીમાં દેવદેવલાંને ચડાવવા સારુ આવું મોંઘું છત્તર ઘડાવવાનું કોઈ મામૂલી માણસનું તો ગજું જ નહિ.
અને પછી તો ઉસ્તાદ રઘાએ નથુને આડીઅવળી વાતોએ ચડાવીને આખરે જાણી જ લીધું કે ઠકરાણાં સમજુબાએ આ છત્તર ખાસ વરધી આપીને ઘડાવ્યું છે, ને આજે સાંજે જ પંચાણ ભાભો એ લેવા આવવાનો છે.
રણવાસની રજેરજ બાતમીથી વાકેફ રહેનાર રઘા માટે આ સમાચાર જેટલા નવીન હતા એટલા જ સૂચક પણ હતા.
બિચારો રઘો ! એને શાની ખબર હોય કે જે રીતે પોતે હાદા પટેલ સમક્ષ જઈને પોતાના સંભવિત પુત્રસુખ વિશે પૃચ્છા કરી આવેલો, એ જ રીતે ઠકરાણાંએ પણ ગુપ્ત રીતે હાદા પટેલ સમક્ષ એ જ પ્રકારની પૃચ્છા કરી હતી ?
અને રઘાને પણ ક્યાંથી ખબર હોય કે હાદા પટેલે સતીમાને થાનક જઈને આ બન્ને પૃચ્છકો માટે જ્યારે દાણા જોયેલા ત્યારે આ એકાકી બ્રાહ્મણને પુત્રસુખ સારું છે, એવું સૂચવતા ચોખ્ખાફૂલ દાણા આવેલા, ત્યારે ઠકરાણાને કલૈયાકુંવર જેવો કંધોતર હયાત હોવા છતાં કોઈક પ્રકારનો વિયોગ સૂચવતા દાણા આવ્યા હતા.
હાદા પટેલ તરફથી પોતાને હકારસૂચક જવાબ મળ્યો કે તુરત રઘાએ શાપરની એક ગુપ્ત સફર કરેલી અને કામેસર મહારાજને મળીને, ‘મારે દીકરો ખોળે બેસાડવો છે’ એમ કહીને સારી તિથિ જોઈ આપવાનું કહી આવેલો. ત્યારે બીજી બાજુ ઠકરાણાને ‘દાણાં ચોખા નથી આવતા’ એવો ઉત્તર મળ્યા પછી એમણે સતીમાને પ્રસન્ન કરવા આ ચોખ્ખી ચાંદીનું છત્તર ઘડવા નાખેલું. વળી શાદૂળભાને કશી રજાકજા ન થાય અને કોરટનો મામલો હેમખેમ પતી જાય તો ભૂતેશ્વરમાં રુદ્રી કરાવવાની તથા બ્રાહ્મણો જમાડવાની માનતા પણ સમજુબાએ માની રાખેલી.
નથુની હાટડીએ એક છત્તર ઘડાયું હતું, ભાવિની કશીક અણજાણી આપત્તિના નિવારણર્થે. આજે બીજું એવું જ છત્તર યોજાઈ રહ્યું હતું, એક સુખપ્રાપ્તિની ખુશાલી અર્થે, એક દૈવી કૃપા બદલ કૃતજ્ઞતાની અભિવ્યક્તિ અર્થે.
રઘએ સારી વાર સુધી આ તૈયાર છત્તરને ફરીફરીને અવલોકી જોયું. અને આખરે કહ્યું :
‘આપણું ય આવા જ ઘાટનું ઘડી દિયો, નથુભાઈ !’
‘આ તો ઘાટમાં જ મોટું લાગે છે, બાકી માલીપાથી સાવ હળવું−ફૂલ છે’
‘તો આપણે જરાક ભારે ઘડજો.’ રઘાએ ઉમંગભેર કહ્યું, ‘ભલે પાંચ ભાર રૂપું વધારે વપરાય. ને ઘાટ પણ જરાક સારો જોઈને કરજો—’
રઘાની આ અણધારી ઉદારતા નથુ સોનીને આઘાતજનક લાગી. ‘પણ આપણે જોઈએ તરતાતરત હો !’ રઘાએ ઉમેર્યું.
‘બવ ઉતાવળ છે ?’
‘ઉતાવળ વિના અમથો તમારે ઉંબરે ચડ્યો હોઈશ ? શાપ૨માં ઘણા ય સોની ફુંકણી ફૂંકે છે. પણ મારે તો નજર સામે ઝટ ઝટ ઘડાવવું છે—’
‘ભલે, તમારું કામ પહેલું પતાવીશ.’
‘પહેલું પતાવીશ, એમ કહીને પછી દબવી રાખશો ઈ નહિ હાલે. સોનીની સવાર ને મોચીની સાંજ જેવા વાયદા કર્યા કરશો ઈ મને નહિ પોસાય !’
‘પણ કોઈ માતાને છત્તર ચડાવવામાં ક્યાં મૂરત સાચવવાનાં હોય ?’
‘મારે મૂરત સાચવવાનું છે, મૂરત !’ રઘાએ કહ્યું,
‘શું કાંઈ શુભ અવસર !’
‘હા—’
‘શેનો ?’
‘ઈ હંધીય અવસર આવ્યે ખબર પડશે તમને,’ કહીને રઘાએ ઉત્સાહભેર ઈજન પણ આપી દીધું : ‘તમારે ઘર આખાએ સાગમટે જમવા આવવાનું છે. નોતરું અટાણથી આપતો જાઉ છું.’
આશ્રમવાળાં બાળકોને વળાવીને આવ્યા પછી રઘાના વ્યવહારમાં, વાણીમાં, વર્તનમાં જે અણધાર્યો પલટો આવ્યો હતો એ ગામ આખાની આંખે ચડી ચૂક્યો હતો. બહારગામથી આવીને એણે ગલામાંનો વકરો ગણ્યો નહિ. વધેલાં ચા−દૂધનો હિસાબ માગ્યો નહિ કે છનિયાએ કેટલાં કાવડિયાં નેફે ચડાવ્યાં છે એની તપાસ પણ કરી નહિ. એ તો ઠીક, પણ પછી તો એણે થડા ઉપર બેસવાનું પણ ઓછું કરી નાખ્યું તેથી તો લોકોને બમણું આશ્ચર્ય થયું.
આડે દિવસે તો સવારથી સાંજ સુધી થડાના તખ્ત ઉપર બિરાજમાન રહેનારી રઘાની અતિ પરિચિત કાયાનાં દર્શન ન થતાં કોઈ ઘરાક કુતૂહલથી પૃચ્છા કરતાં ત્યારે છનિયો જવાબ આપતો : ‘શાપર ગયા છે,’ ‘ભૂતેશ્વરમાં પૂજા કરતા હશે,’ ‘નથુ સોનીની હાટ બેઠા હશે...’ આવા ઉત્તરો સાંભળીને લોકો વિચારમાં પડી જતા. શી છે આ બધી દોડધામ ? ભૂદેવ શાની વેતરણમાં પડી ગયા છે ? હૉટેલનો ઉંબરો છોડીને કદીય આઘા ને ખસનાર માણસનો પગ હવે હૉટેલમાં ટકતો જ કેમ નથી ?
જેરામ મિસ્ત્રી જેવા જાણકાર માણસની પણ મતિ મૂંઝાઈ ગઈ. ૨ઘો શી વ્યૂહરચના કરી રહ્યો છે ?
અને એમાં ય હમણાહમણાં નથુ સોનીને ઉબરે રઘાની બેઠકઊઠક વધવા માંડી એ જોઈને તો જાણકારોએ કલ્પનાના ઘોડા છૂટા મૂકવા માંડ્યા.
‘સુખમાં સાંભરે સોની ને દુઃખમાં સાંભરે રામ ! નક્કી ૨ઘો કોઈક શુભ અવસરની તૈયારીમાં પડી ગયો છે.’
‘શુભ અવસર તો બીજું શું હોય ? આ ઘરડે ઘડપણ હવે ઘરઘરણું કરે તો છે !’
‘કોઈ અમથી સુતારણ આવીને એના રોટલા ઘડે શુભ અવસર થાય; બીજું તો શું ?’
રઘાની પીઠ પાછળ લોકો આવા તર્ક કરે છે, ને એની હાજરીમાં પણ કોઈ કોઈ ઘરાકો એને સીધા પ્રશ્નો પૂછે છે, પણ રઘો કોઈને પોતાનું પેટ આપતો નથી. બહુ બહુ તો એ એટલું આશ્વાસન આપે છે :
‘ધીરા ખમો, ધીરા. જે હશે એ વાજતું ગાજતું માંડવે આવશે—’
‘પણ માંડવે આવે તંયે અમને ગળ્યું મોઢું કરાવશો કે નહિ ?’
‘બાપના બોલથી !’ રઘો ગર્વભેર કોલ આપતો. ‘ગામ આખાને જમાડીશ !’ અને એ તો સાચે જ જાણે કે ઘર આંગણે કોઈ જબરો જગન માંડવાનો હોય એટલી દોડધામ કરતો હતો. એક બપોરે ઓચિંતો એ ગિધાની હાટે જઈ ચડ્યો અને હુકમ કર્યો :
‘દસ મણ ઘી ને વીસ માટલાં ગોળ તૈયાર રાખજે !’
આવી મોટી અણધારી વરદીથી ખુદ ગિધો હેબતાઈ ગયેલો : ‘ચોરાસીબોરાસી જમાડવી છે કે શું ?’
‘એની તારે શી પંચાત ? તું માલ તૈયાર રાખજે ને !’ કહીને રઘો સીધો કુંભારવાડે જઈ ઊભેલો.
છનિયાના બાપ શવા કુંભારને એણે હુકમ કર્યો :
‘નવો નિંભાડો પકવો. જાથુકનાં ઠામડાંની જરૂર પડી છે—’
આવી બધી તૈયારીઓ શા માટે થાય છે, એવું પૂછવાનો કોઈને અધિકાર નહોતો.
છત્તર ઘડાયા પહેલાં એક સાંજકના ૨ઘો થાનકવાળે ખેતરે જઈ ચડ્યો. જોયું તો સતીમાના ફળ ઉપર પેલું રૂપકડું છત્તર ઝૂલે છે !
રઘાને સમજાતાં વાર ન લાગી. આ તો સમજુબાએ નથુ સોની પાસે ઘડાવેલું એ જ છત્તર ! ઠકરાણાં પણ મારી જેમ જ કાંઈક સુખદુઃખની ચિંતામાં પડ્યાં લાગે છે ! ક્યારે તેઓ છાનાંછપનાં અહીં આવીને માતાને છત્તર ઓઢાડી ગયાં હશે એની કલ્પનાઓ કરવા લાગ્યો.
નથુ સોનીની હાટે રઘાની વધતી જતી ઊઠબેસ જોઈને પારકી ચિંતાએ દુબળા બનનારા કાજીઓ સમાં પડોશીએાએ તો કેટલીક શંકાઓ પણ સેવવા માંડી. નથુનું ઘર અને દુકાન બન્ને એક જ ઓસરીએ હતાં. આજુબાજુના ગામડાં ગોઠડાંમાંથી સોનું ઘડાવવા આવનાર ઘરાકો નથુના અતિથિઓ જ ગણાતા; તેઓ બપોરે રોટલો પણ નથુને ઘેરે જ ખાતા. કેટલાક જાણભેદુઓ પાસે અત્યંત ગુપ્ત બાતમી હતી કે નથુની જુવાન દીકરી જડાવને મહિના રહ્યા છે. અને એ માટે બીજું કોઈ નહિ પણ પડખેના જ ટીંબાવાળો સામત આયર જવાબદાર છે. હમણાં હમણાં સામત આયરની આવજા ઓછી થઈ ગઈ હતી એ ઘટનાને પણ લોકો પોતાની શંકાના સમર્થનરૂપે જ ટાંકતાં હતાં. આવા સંજોગોમાં છત્તર ઘડાવવાના મસે નથુની હાટે ઊઠબેસ કરતા રઘાની વર્તણૂક પણ લોકોને વિચિત્ર લાગે એમાં શી નવાઈ ? એ તો સારું થયું કે નથુએ રાતે પણ દીવીઓ બાળીબાળીને રઘા માટેનું છત્તર વાયદા કરતાં ય વહેલેરું ઘડી નાખ્યું અને પરિણામે રઘાની આવજા બંધ થઈ ગઈ. નહિતર એમાંથી વળી કોઈક નવો ફણગો ફૂટ્યો હોત !
સતીમાના થાનકમાં એક નવું નકોર છત્તર ઝૂલે છે એ વાતની તો જોતજોતામાં અરધા ગામને જાણ થઈ ગઈ. ખુદ સંતુએ પહેલવહેલું એ છત્તર જોયું ત્યારે એને આનંદ સાથે આશ્ચર્ય થયેલું. કોણ ચડાવી ગયું હશે ? કોણે માનતા માની હશે ? કોની માનતા ફળી હશે ? શાની એ માનતા હશે ?... સંતુના મનમાં એકસામટા પ્રશ્નો ઊઠેલા. એ પ્રશ્નોના ઉત્તર મેળવવા એણે ઊજમને પૂછી જોયું, ગોબરને પૂછી જોયું, પણ કોઈને કશી માહિતી નહોતી. સમજુબાએ દાણા ગણાવેલા એ વાત હાદા પટેલે પોતે જ આપેલા કોલ અનુસાર અત્યંત ગુપ્ત રાખેલી અને ઠકરાંણાએ છત્તર ચડાવ્યું એ ઘટના તો નથુ સોની અને પંચાણભાભા સિવાય બીજુ કોઈ જાણતું જ નહોતું. તેથી સંતુનું કુતૂહલ કેમેય કર્યું સંતોષાય એમ નહોતું.
સતીમાના થાનકની માનતા મુખ્યત્વે તો સંતાનપ્રાપ્તિ અર્થે થતી. માત્ર ગુંદાસરમાં જ નહિ પણ આખાય પંથકમાં આ દેવસ્થાનની ખ્યાતિ હતી, અને દૂરદૂરથી લોકો માનતા છોડવા આવતાં. માતા સમક્ષ અનેક પ્રકારનાં નૈવેદ્યો ધરાતાં અને છત્તર તો આજ સુધીમાં એટલાં બધાં ચડી ચૂક્યાં હતાં કે મૂર્તિનું ફળ નાનું ને છત્તર ઝાઝાં થઈ પડતાં. હવે એ સાંકડી દહેરીમાં સમાતાં પણ નહોતાં.
સતીમાના થાનકની બીજી એક માનતા બાળકોની મોટી ઉધરસ માટે થતી–ઉધરસ મટાડવા માટે બાળકને ગોળ ભારોભાર જોખીને અહીં પગે લગાડવા લાવતાં. પણ હમણાં તો મોટી ઉધરસના વાયરા હતા જ નહિ, તો આ છત્તર કોણ ચડાવી ગયું ? સંતુ વિચારી રહી : કોને ઘેર દીકરાદીકરી આવ્યાં હશે ? અને એ વિચાર કરતાં જ એના હૃદયમાં એક મીઠી રોમાંચક ધ્રુજારી પસાર થઈ ગઈ. દહેરીમાં એકઠાં થયેલાં ઢગલાબંધ છત્તરો ભણી સૂચક નજરે તાકી રહેતાં એણે મનોમન જ માનતા કરી નાખી : મને પહેલું જણ્યું અવતરશે એટલે માને મોટુંબધું છત્તર ચડાવીશ... અને વળી પાછી એ આ છેલ્લા ને નવાનકોર છત્તર તરફ પૃચ્છક નજરે તાકી રહી. આ કોણ ચડાવી ગયું ? કોની માનતા ફળી ? કોણ સુખી થઈ ગયું !
અને સંતુંનું આ કુતૂહલ એક દિવસ અનાયાસે જ સંતોષાઈ ગયું.
ઊજમે ઘરમાં ઓળિપો કરવા માંડ્યો હતો, સંતુ એમાં મદદ કરતી હતી. ઊજમ ઘરની દીવાલો ઉજાળે ને સંતુ એને સામગ્રીઓ પૂરી પાડે એવી કામવહેંચણી યોજાઈ હતી.
એવામાં ધોળી માટી જોડે મેળવવા માટે ઘોડાની લાદનો ખપ પડ્યો. ઘોડાની લાદ તો દરબારની ડેલીએ જ મળી શકે. પણ શાદૂળભાની સાખ જોતાં, તથા સંતુ જોડે એને ઝરી ગયેલી ચકમક જોતાં એ ડેલીએ જવાનું ઊજમને ઊચિત નહોતું લાગતું. પણ સંતુએ હિંમતભેર કહ્યું : ‘એમ શાદૂળિયો મને ક્યાં ખાઈ જાવાનો છે ? એને ખબરે ય નહિ પડે એમ હું ઘોડારમાંથી સૂંડલો ભરીને આવતી રહીશ !’
સંતુએ હઠ પકડી અને આખરે ઊજમે અનિચ્છાએ પણ એને જવાની રજા આપી.
સંતુ હરખાતી હરખાતી ગઢની ડેલીએ પહોંચી, પંચાણભાભાની રજા લઈને ઘોડારમાંથી સૂંડલો ભર્યો અને એ ડોસાની જ મદદથી સૂંડલો માથે ચડાવતી હતી, ત્યાં સામેના રણવાસના ગોખજાળિયામાં બેઠાં બેઠાં દાંતે બજર ઘસી રહેલાં સમજુબાનો અવાજ સંભળાયો :
‘પંચાણભાઈ, ઈ કોના ઘરનાં ?’
‘ઠુમરનાં—’ પંચાણ ભાભાએ જવાબ આપ્યો.
‘ઘરમાં ઓળિપો કરીએ છ તી લાદનો સૂંડલો ભરવા આવી’તી–’ સંતુએ કહ્યું.
‘ભલે આવી, ભલે.’ ઠકરાણાંએ મીઠામધ જેવા અવાજે કહ્યું. ‘આણી કોર્ય આવ્ય ! મારી પાસે બે ઘડી બેસીને જાજે–’
અને સમજુબાનું એ ઈજન સંતુ ઈનકારી ન શકી.
હાદા ઠુમરની પુત્રવધૂ આજે મારે આંગણે આવી છે, એવી જાણ થતાં ઠકરાણાંએ એને પ્રેમપૂર્વક પોતાની પડખે બેસાડીને સુખદુઃખના સમાચાર પૂછ્યા. અને જોતજોતામાં તો બંને સ્ત્રીહૃદયો વચ્ચેનો આછેરો અંતરપટ દૂર હટી ગયો અને સમજુબાએ સાવ સરળ હૃદયે વાત કરી દીધી કે તારે ખેતરે સતીમાને થાનકે હમણાં મેં રૂપાનું છત્તર ચડાવ્યું છે, અલબત્ત શા માટે, શા કારણે, આ છત્તર ચઢાવ્યું છે, એટલી બધી પૂછગાછ કરવાની સંતુની હિંમત નહોતી. પણ એ નિમિત્તમાંથી તો બંને સ્ત્રીહૃદયો અલકમલકની વાતોએ ચડી ગયાં. સમજુબા પોતાનું ઠકરાંણાં પદ ભૂલી ગયાં અને સંતુ પોતાનો સામાન્ય સામાજિક દરજ્જો વીસરી ગઈ. કેટલો સમય વ્યતીત થઈ ગયો છે એનું કોઈને ભાન ન રહ્યું.
***
માથે સૂંડલો મૂકીને સંતુ ઘેરે આવી તે વખતે આંગણામાં આતુરતાથી પ્રતીક્ષા કરી રહેલી ઊજમે એને અનેક પ્રશ્નો ઉલટાવી સુલટાવી પૂછ્યા : ‘ક્યાં રોકાઈ ગઈ ? કેમ અસૂરું થઈ ગ્યું ? કોની હાર્યે વાતું કરતી’તી ? શેની વાતું કરી...’
સંતુએ આ બધા જ પ્રશ્નોના ઉત્તરો સરળતાથી નિખાલસતાથી આપ્યા. પણ એમાંનો એકેય ઉત્તર ઊજમને પ્રતીતિકર ન લાગ્યો એની ચિત્તસૃષ્ટિ પર શાદુળનો ઓછાયો પથરાયો હતો, તેથી એને તો એક જ શંકા આવ્યા કરતી હતી. શાદૂળિયે સંતુને આંતરી હશે ને રોકી હશે... સંતુ એને શી રીતે સમજાવે કે ગઢની ડેલીએ શાદૂળનાં તો મને દર્શન પણ નથી થયાં, અને સમજુબા જોડે જ હું વાત કરવા રોકાઈ હતી. સતીમાના થાનક ઉપર ચડેલું નવું છત્તર સમજુબાનું છે અને એ મસે જ અમે વાતો કરતાં હતાં, એવો સંતુએ કરેલો સ્ફોટ ઊજમને કોઈ રીતે ગળે ઊતરે એમ નહોતો. ઊલટાનો એના મનમાં સંશય વધારે ઘેરો બની રહ્યો : સમજુબા શા માટે છત્તર ચડાવે ? અને એની વાત વળી સંતુને મોઢે શા માટે કરે ?
આવા સંશયઘેર્યા વાતાવરણમાં જ થાનક ઉપર એક વધારે છત્તર ચડ્યું. અલબત્ત, આ નવા છત્તર અંગે કશી ગુપ્તતા જાળવવામાં આવી નહોતી. રઘાએ સરેધાર ભૂતેશ્વરની જગ્યામાં રુદ્રી ભણાવીને અને બ્રાહ્મણો જમાડીને આ છત્તર ચડાવ્યું હતું.
બીજે જ દિવસે રઘાએ જાહેર કરી દીધું કે, મારા દૂરના એક નાતીલા સગાના દીકરાને ખોળે બેસાડું છું.
ગામ આખાએ જે પ્રસંગ અંગે કલ્પનાના ઘોડાઓને બેલગામ દોડાવ્યા હતા, એ પ્રસંગ આખરે આવી ઊભો.
દત્તકવિધિનો દિવસ નક્કી થઈ ગયો. હજી થોડા સમય પહેલાં જ હાદા ઠુમરના દેવશીનું શ્રાદ્ધ સરાવવા અને અડદના પૂતળાંને અંત્યેષ્ટિ સંસ્કાર કરવા આવેલા કામેસર મહારાજ ખભે ખડિયો નાખીને ૨ઘાને દત્તકવિધિ આટોપવા આવી પહોંચ્યા.
અને હોંશીલા રઘાએ એની આદત મુજબ બીજો એક ધડાકો કર્યો. દત્તકવિધિને દિવસે ગામ આખાને એણે સાગમટે સર્વેજણ ભોજનનું નોતરું આપી દીધું.
‘આજે ગામ આખાના ધુમાડા બંધ કરવા છે !’ એવી એની મનીષા હતી. પારકા જણ્યાને ખોળે બેસાડીને પોતાને બનાવવાના આ પગલાંને વાજબી ઠરાવવા માટે રઘાએ ઢગલાબંધ દલીલો વહેતી મૂકી દીધી :
‘હું ગમે તેવો તો ય હવે પાકું પાન. કઈ ઘડીએ ખરી જાઉં. કોને ખબર ? મારી વાંહે મને પિંડ કોણ આપે ? શ્રાદ્ધ સરાવનાર વિના મારી સદ્ગતિ કેમ કરીને થાય ? ને હવે મારું ઘડપણ આવ્યું. પેટના જણ્યા વિના મારી ચાકરી કોણ કરે ? નિર્વંશ મરું તો અવગતે જાઉં. વાંહે મારું નામલેણું તો રાખવું જોઈએ ને ?’
આવી આવી દલીલ વડે રઘો ગામલોકોને મનાવતો હતો. ખોળે લેવા માટે પોતે ગોત્રબીજ શોધી કાઢ્યું છે એ હકીકતના સમર્થનમાં પણ એ પુષ્કળ માહિતીઓ અને વિગતો ટાંકતો હતો. દત્તક બનનાર છોકરો પોતાની કેટલી પેઢીએ સગોત્ર સંબધી થાય, બંને વચ્ચે કેટલું નજીકનું સગપણ થાય, એની રસિક અને પ્રતીતિકર વિગતો એ કહી સંભળાવતો.
‘છોકરાનાં માબાપને મારાં ધોળાં પળિયાંની દયા આવી ને પોતાનો પેટનો જણ્યો મને સોંપી દીધો.’
ભૂધર મેરાઈની હાટડીએ બેસીને રઘાએ રાતોરાત પુત્રને માટે નવાં કોરાં કડકડતાં કપડાં સિવડાવ્યાં, અને એક વહેલી સવારે એક લબરમૂછિયા જુવાનને શણગારી–સજાવીને ગામમાં ફરવા લઈ ગયો.
‘આ મારો ગિરજાપરસાદ !’
ઘેરેઘેરે ને દુકાને દુકાને રઘો પોતાના દત્તક પુત્રની ઓળખ આપી રહ્યો.
‘ભલેની માગ્યોતાગ્યો પણ દીકરો તો જડ્યો ! મારું નામલેણું રહેશે ને મને પુ નામના નરકમાંથી ઉગારશે.’
‘બેટા ! કાકાને પગે લાગો. દીકરા ! દાદાજીને નમસ્કાર કરો. ગિરજાપરસાદ ! આ આપણા વડીલ કહેવાય, એને નમન કરો. એકેએક ઓળખીતા સમક્ષ જઈ રઘો પોતાના દત્તકપુત્રનો આ રીતે પરિચય આપી આવ્યો.
ઉત્સવપ્રિય લોકોએ પણ રઘાના આ પગલાને પૂરેપૂરું અનુમોદન આપ્યું.
‘બહુ રાજી થાવા જેવું કામ કર્યું, રઘાભાઈ ! દીકરાએ દીવો રહેશે. તમારુ ઘરઆંગણું ઉઘાડું રાખશે, એકમાંથી એકવીસ થાશે.’
હરખઘેલો રઘો સામેથી ઉત્તર આપતો :
‘આવતી સાલ જ ગિરજાપરસાદને પરણાવી દેવો છે. કન્યાની શોધમાં જ છું. છોકરો ઘર માંડીને બેસે પછી મને નિરાંત. હૉટલનો વહીવટ હંધો ય ગિરજાને સોંપી દઈને હું તો મારે હાથમાં માળા લઈને ભૂતેશ્વર ભગવાન પાસે બેસી જઈશ.’
દત્તકવિધિને દિવસે તો આખા ગુંદાસરમાં ઉત્સાહનું વાતાવરણ ફેલાઈ રહ્યું. કામેસર મહારાજે ગિરજાપ૨સાદને વિધિપુરઃસર રઘાના દત્તકપુત્ર તરીકે જાહેર કર્યો અને રઘાએ ઘેરઘેર ફરીને સહુને જમણવા૨નાં નોતરાં આપી દીધાં.
આજે રઘાએ રૂપિયાની કોથળીઓનાં મોઢાં ખૂલ્લાં મૂકી દીધાં. લોકોને ચ નવાઈ લાગી. હૉટલ ચલાવનાર ગોરબાપાએ આટલું નાણું કાઢ્યું ક્યાંથી ? રાતોરાત કોઈનો હડફો ફાડ્યો કે શું ? કે પછી આપણે સહુ ખેડૂતે સરઅવસરે કરીએ છીએ એમ, ગિધાની હાટેથી કઢારે કઢાવી આવ્યો છે ? કે પછી હૉટલના ભેદી મેડા ઉપર કાગળનાણાંની નોટું છાપવાનું મશીન ચાલે છે ?’
‘ના રે ના, રઘાને તમે હજી ઓળખતા નથી. ઈ તો ચીંથરે વીંટ્યું રતન છે. બહારથી લઘરવરિયો લાગે, પણ માલીપાથી કસવાળો આસામી છે. આખું આફ્રિકા લૂંટીને આવ્યો છે. ને હંધું યે નાણું સંઘરીને બેઠો છે. ઈ દલ્લો સોંપી જાવા સારુ તે આ પારકા છોકરાને ખોળે બેસાડે છે. !’
સવારમાં ધામધૂમથી દત્તકવિધિ આટાપાયો અને સાંજે ભૂતેશ્વરની વિશાળ વાડીમાં જમણવાર યોજાયો. ગામમાં કોઈ પણ માણસ ભોજન વિના રહી ન જાય એની રઘાએ તકેદારી રાખી હતી. ગિધાની હાટથી ઘી-ગોળ વાપરવામાં રઘાએ કશી કમીના રાખી નહોતી. એના વિરોધીઓ પણ આ ઉત્સવનો રંગ જોઈને આંગળાં કરડી ૨હ્યા.
સાંજે જમણવાર પતી ગયા પછી લોકો ઉત્સવનો રંગ માણી રહ્યાં હતાં, ત્યાં એક અણધાર્યો બનાવ બની ગયો. થોડા મહિના પહેલાં ગામમાં આવેલી એવી જ એજન્સી પોલીસની મોટરગાડીઓ આવી પહોંચી અને સીધી તખુભાની ડેલીએ જઈને ઊભી રહી.
આ વખતે તો એ અમલદારો ગામમાં ઝાઝું રોકાયા પણ નહિ; શાદૂળભાને પરહેજ કરીને તુરત તેઓ પાછા ફર્યા.
આંખના પલકારામાં જ બની ગયેલા આ બનાવે ગામમાં સન્નાટો ફેલાવી દીધો. જેરામ મિસ્ત્રીએ પોતાની જાણકારીનો લાભ આપીને લોકોને કહ્યું કે રાજકોટની અદાલતમાં જીવલો ખવાસ હવે તાજનો સાક્ષી બની ગયો છે. એટલે રૂપા રબારણના ખૂન−કેસનો બધો આરોપ શાદુળ ઉપર ઊતર્યો છે.
દત્તકવિધિના મંગળ વાતાવરણમાં છેક છેલ્લે બની ગયેલ આ અણધારી ઘટનાએ રઘાને ખિન્ન બનાવી દીધો. ઉત્સવનો અરધો રંગ ઓસરી ગયો.
વળતે દિવસે એ ગિરજાપરસાદને લઈને સતીમાતાને થાનકે પગે લગાડવા ગયો ત્યારે મૂર્તિના ફળા ઉપર પોતે ઝુલાવેલું મોટું છત્તર બતાવીને એણે કહ્યું : ‘આ આપણું છત્તર !’
અને એ છત્તરની બાજુમાં જ, શાદુળના ક્ષેમકુશળ અર્થે સમજુબાએ ઝુલાવેલા છત્તર ભણી રઘાનું ધ્યાન જતાં એ વ્યગ્ર બની ગયો. એક છત્તર ભણી અખૂટ આશાભરી નજરે અને બીજા છત્તર તરફ કરુણ વિષાદપૂર્ણ નજરે એ ક્યાંય સુધી તાકી રહ્યો.