લીલુડી ધરતી - ૨/સતનાં પારખાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સતનાં પારખાં

મોડી રાતે શેરીમાં સોપો પડી ગયો, અને સંતુએ જાણ્યું કે ક્યાંય કશો સંચાર નથી થતો, ત્યારે એ હળવે પગલે ઓરડામાંથી ઓસરીમાં આવી.

ફળિયામાં હાદા પટેલ પહેલા પહોરની નીંદરમાં ઘસઘસાટ ઊંઘતા હતા, એ જોઈને સંતુને વધારે હિંમત આવી. પોતાનો પગરવ પોતાને ન સંભળાય એવા ધીમા બિલ્લીપગલે એ આગળ વધી. હળવે હાથે ડેલીનાં તોતિંગ કમાડનો આગળિયો સેરવી દીધો. બારસાખના લુવામાં ચણિયારાનો જરા સરખો યે અવાજ ન થાય એની સંભાળ રાખીને બારણું અધખુલ્લું ઉઘાડ્યું અને ધીમેથી એક પગ ઊંબરા બહાર મૂક્યો.

નિરધાર તો એવો હતો કે સીધાં બહાર જ નીકળી જવું, છતાં એક પ્રલોભન એ ટાળી ન શકી. બીજો પગ ઊંબર બહાર મૂકતાં પહેલાં એણે પાછું જોયું અને જે સ્થળે ગોબર જોડેની મિલનરાત્રી વીતેલી એ ઓરડા ભણી એક છેલ્લી નજર નાખી લીધી. બીજી નજર, ગમાણમાં ઊંઘતી કાબરી તરફ નાખી અને સંતુ ઝડપભેર ચાલી નીકળી.

પાણીશેરડે પહોંચતાં પહેલાં હવે એને એક એક જ ભય હતો : શ્વાનનિદ્રા લઈ રહેલ શ્વસુર તો મારે સદ્‌ભાગ્યે જાગી ન ગયા, પણ શેરીને નાકે સાચી શ્વાનનિદ્રા લઈ રહેલો ડાઘિયો મારો પદસંચાર સાંભળીને ભસી ઉઠશે તો ?... નથુ સોનીની ડેલી પાસેથી પસાર થતાં ​ સંતુના પગ ધ્રૂજી ઊઠ્યા. હમણાં આ ખડકીના ઊંબરામાં સૂતેલો ડાઘિયો જાગી જશે અને મારી આખી યોજના ઊંધી વાળશે ?

થડકતે હૃદયે એ આગળ વધી અને એના સદ્‌ભાગ્યે, જાણે કે એના આખરી પ્રયાણને રક્ષણ આપવા જ, ડાઘિયો આંખ મીંચીને પડ્યો રહ્યો.

બીજું સદ્‌ભાગ્ય એ સાંપડ્યું કે ઊભી બજારે કોઈ સામું ન મળ્યું. ઝાંપા વાટે બહાર નીકળવાને બદલે એણે ત્રાંસો મારગ લીધો. રખે ને કાસમ પસાયતો ચૂંગી ફૂંકતો બેઠો હોય અને પોતાને પકડી પાડે તો ? એથી ઝાંપામાંથી પસાર થવાને બદલે એ પસાયતાની કોટડીની નવેળીમાંથી નીકળી ગઈ અને હડમાનની દેરીની બાજુમાં ઊભેલા મેલડીમાના નીચા ખામણાના થાનક ઉપર ઠેક લઈને બહાર નીકળી ગઈ.

કૂવાને, કાંઠે હેમખેમ પહોંચી ગઈ. સરસ મજાનું એકાંત હતું. પોતાની જીવાદોરી પોતાને જ હાથે ટુંકાવવાનો આવો મનગમતો મોકો મળી ગયા બદલ હજી તો એ મનમાં ને મનમાં હરખાતી હતી ત્યાં તો ભૂતેસરના ઓવારાની દિશામાંથી જુસ્બાના એકાનો ખખડાટ સંભળાયો... હવે ? કૂવામાં ઝંપલાવવું કે ન ઝંપલાવવું ? ઝાઝો વિચાર કરવાનો અવકાશ નહોતો. રખે ને પોતે વાવમાં પડે, ને આ જુસ્બો એના ધુબાકાનો અવાજ સાંભળી જાય, ગોકીરો થાય, અને લોકો એને જીવતી બહાર કાઢે તો ? તો તો કશો અર્થ સરે નહીં એટલું જ નહિ, ગામમાં નાહકનો ફજેતો થાય.

એમણાને મળવાને ઉત્સુક જુસ્બાએ એના ગળિયલ બળદને આર ઘોંચી અને એકાએક વેગ પકડ્યો. હાય રે હાય ! આ તો આંખના પલકારામાં જ પાણીશેરડે આંબી લેશે. હવે તો ધુબાકો ય કેમ કરીને મરાય ? જુસ્બો તો મને ભાળી જ ગયો હશે. વાંસોવાંસ જ એ બાજોઠિયો મારીને કૂવામાં જ ખાબકે કે બીજું કાંઈ ? ના, ના, આજે લાગ નહિ ફાવે, ફરી દાણ આવીશ, એમ વિચારીને એ ​ તો ચોંપભેર પાછી ફરી અને જે કેડીએ આવેલી એ જ કેડીએથી પાછી ફરવા એણે ઝડપભેર મેલડીના થાનક ઉપર ઠેક લીધી અને નવેળામાં થઈને ગામમાં દાખલ થઈ ગઈ.

ઘરમાંથી નીકળીને પાણીશેરડે આવતી વેળા જે ડાઘિયાએ સંતુને અભય આપ્યું હતું એ જ ડાઘિયો, એના પુનરાગમન વેળા જાગી ગયો અને મોટેથી ડાંઉ ડાંઉ કરીને ભસવા લાગ્યો.

ડાઘિયાના અવાજ સાથે નથુ સોનીની મેડીનું જાળિયું ઊઘડ્યું અને અજવાળીકાકીએ શેરીમાં નજર નાખી.

સંતુ ગભરાતી ગભરાતી ચોંપભેર ચાલી ગઈ.

ખડકીના અધખુલ્લા બારણાંમાં પેસતાં જ એને કાને હાદા પટેલનો અવાજ અથડાયો : ‘કોણ ?’

જવાબમાં કશું બોલવાના તો સંતુને હોશ રહ્યા જ નહોતા, તેથી એ ક્યારનું દબાવી રાખેલું રુદન ડૂસકે ડૂસકે વહાવી રહી.


***


લાંબા રુદનને આખરે જ્યારે બધો ઘટસ્ફોટ થયો ત્યારે શ્વશુરે કશો ઠપકો આપવાને બદલે સાંત્વન જ આપ્યું :

‘ગાંડી રે ગાંડી ! આવા ગામગપાટાથી ગભરાઈ જઈને કાંઈ જીવ કાઢી નંખાતો હશે ? સારું થયું, તને જુસ્બાનો એકો સામો જડ્યો, ને તને નવી જિંદગી દીધી ! ખબરદાર, હવે કોઈ દી કૂવો પૂરવાનો વિચારે ય કર્યો છે તો !’

પણ શ્વશુરના આવા સાંત્વનથી સંતુને થોડી શાતા મળે એમ હતી ? એની સામે તો ખુદ વિધાતા જ કોઈક ક્રૂર વેર વાળવા કૃતનિશ્ચય હોય એમ લાગતું હતું.

સવારના પહોરમાં જ અજવાળીકાકી જુસ્બાની ઘાણીએ તલ પિલાવવા જઈ પહોંચ્યાં ત્યારે જુસ્બાએ રાતની વાત કહેવા માંડી. ‘કો’ક દખિયારી બાઈ કૂવે પડવા આવી’તી, પણ મારા એકાનો સંચાર સાંભળીને પાછી વળી ગઈ ને મેલડીમાના થાનક ઉપર ઠેક ​ લેતીકને ગામમાં ગરી ગઈ—’

‘મેલડીના થાનક ઉપર ઠેક લીધી ! મરે રે નભાઈ !’

અજવાળીકાકી આનંદી ઉઠ્યાં. પોતે રાતે જોયેલા દૃશ્યમાં ખૂટતી કડી આમ અનાયાસે જ મળી રહેતાં એમનો આનંદ હવે દ્વિગુણિત થઈ ગયો.

‘કોણ હશે ઈ માથાની ફરેલી જેણે મેલડીમાના થાનક ઉપર ઠેક લીધી ?’ અજવાળીકાકીએ પૂછવા ખાતર જ જુસબને પૂછ્યું.

‘ઠુમરની સંતુ જેવી લાગી. એનું મોઢું તો કળાણું નહિ, પણ કૂવો પૂરવો પડે એવી દખિયારી બાઈ ગામમાં બીજી કોણ છે ?’

‘સંતડી જ. બીજી કોણ વળી ! મધરાત્યે ડાઘિયો ભસ્યો તંયે મેં જાળિયામાંથી નજર કરી તો સંતડી વાજોવાજ ધોડતી જાતી’તી.’ હવે અજવાળીકાકીએ સમર્થન કર્યું.

કિસ્સાની કડીઓ સરસ રીતે મળી રહી. નથુ સોનીએ તુરત જીવા ખવાસને આ બાતમી આપી દીધી અને જીવાએ ઘૂઘરિયાળા બાવાને સાધ્યો.

સાંજ પડતાં જ ઘૂઘરિયાળો ધૂણ્યો અને દુષ્કાળ તથા મેલડીના કોપનો બધો જ ઓળિયો-ઘોળિયો માતાના થાનક ઉપર ઠેક લેનારીને માથે ઓઢાડી દીધો !

મેલડીના કોપનું વધારે સમર્થન કરવા પાદરના પિયાવામાં અડદનાં પૂતળાં ૫ણ પ્રગટાવી દેવાયાં અને ગામ આખામાં હાહાકાર મચાવી દેવાયો.

‘મેલડીને અભડાવનારીને ગામમાંથી આઘી કરો !’

અને આ કામમાં અળખામણા થવાનો બધો ભાર ઓલિયાદોલિયા જેવા મુખી પર જ નાખી દેવાયો.

રખે ને ગામની નિર્દોષ વહુવારુને અન્યાય થઈ જાય એવા ભયથી ભવાનદા નિષ્ક્રિય બની રહ્યા હતા ત્યાં તો એમને સમજુબાએ ​તેડું મોકલ્યું.


***


ઠકરાણાંએ અજબ કુનેહથી મુખીને ગામમાંથી ‘પાપ હાંકી કાઢવા’નો પાનો ચડાવ્યો.

હવે ભવાનદા ભારે દ્વિધા અનુભવી રહ્યા. ઠકરાણાંએ નમ્ર સૂચન કર્યા પછી એમને માટે બીજો કોઈ માર્ગ ન રહ્યો.

અને એ દરમિયાન, ગામનો પાણીશેરડો અપવિત્ર થવાથી ઓઝતના પટમાં વીરડા ખોદી ખોદીને પાણી ભરનાર ગૃહિણીઓનો પોકાર પણ ઉત્તરોત્તર વધારે ઉગ્ર બનતો રહ્યો.

‘હવે તો ગામમાંથી પાપ આઘું કરો તો છૂટીએ. વીરડેથી છાલિયે છાલિયે પાણી ભરીને તો હવે હાથ દુઃખવા આવ્યા—’

અજવાળીકાકીએ આ ગૃહિણીઓનું નેતૃત્વ લઈ લીધું અને કાગારોળ કરીને મુખીને મૂંઝવી માર્યા.

આખરે નાછૂકે મુખીએ હાદા પટેલને કહેણ મોકલ્યું :

‘મેલડીના કોપનો નિવાર કરવો છે... હરુભરુ વાત કરીએ તે સારું.’

હાદા પટેલે સામેથી કહેવડાવ્યું :

‘હું મેલડીમાં માનતો નથી; હું સતીમાનો ગોઠિયો છું. એક માણસ બે માને ન પૂજે—’

બેત્રણ દિવસ સુધી તો આમ સામસામા સંદેશાઓ ચાલ્યા.

છેલ્લે છેલ્લે મુખીએ કહ્યું :

‘સંતુને પાપે ગામ આખું હેરાન થાય છે. કાંઈક રસ્તો કાઢો—’

સામેથી જવાબ મળ્યો :

‘સંતુએ કાંઈ પાપ નથી કર્યું.’

મુખીએ કહ્યું : ‘તો એનું પારખું કરવા દિયો.’

‘સતીમાએ એનું પારખું કરી લીધું છે.' હાદા પટેલે ઉત્તર ​ આપ્યો. ‘માણસના પાપનું પારખું કરવાનું કાળા માથાના માણસનું ગજુ નથી.’

મુખી જેમ જેમ વધારે દબાણ કરતા ગયા તેમ તેમ હાદા પટેલ વધારે મક્કમતાથી એમની દરખાસ્તને નકારતા ગયા. બંને વચ્ચે સારી ચડસાચડસી જામી ગઈ, ઘડીભર તો એમ લાગ્યું કે આ કટોકટીમાંથી કોઈ ઉકેલ જ નહિ નીકળે. પણ ત્યાં તો, પારકે મોડે પાણી પીનાર ભવાનદાએ એક ભયંકર ઉકેલ સૂચવ્યો.

હાદા પટેલ પોતાના નિત્યક્રમ મુજબ વહેલી સવારમાં પારેવાંને જાર નાખવા ગયા ત્યારે મુખીએ એમને આખરી મહેતલની ભાષામાં કહી દીધું :

‘એમ કરીએ : ધગધગતા તેલની કડામાં સંતુના હાથ બોળાવીએ. એણે કાંઈ પાપ નહિં કર્યું હોય તો હાથ ઉપર ઊની ફોડલી ય નહિ ઊઠે, ને સાચે જ પાપ કર્યું હશે તો હાથ સસડી જાશે ને પાપ પરખાઈ જાશે—’

આરંભમાં તો હાદા પટેલે આ સૂચન જ ધુત્કારી કાઢ્યું. પણ મુખીએ આખી ય વાતને એવો તો વળ આપ્યો કે આ યોજનાનો અસ્વીકાર થાય તો સંતુનો અપરાધ આપમેળે જ સાબિત થઈ જાય.

હાદા પટેલે ઘણી દલીલ કરી જોઈ : ‘મેં પંડ્યે જ સતીમાની સાખે સાચી વાતનું પારખું જોયું છે. સંતુ તો સતીમા જેટલી જ ચોખી છે. એણે કોઈ કરતાં કોઈ પાપ નથી કર્યું—’

‘તો પછી તેલની કડામાં હાથ બોળાવવામાં તમને વાંધો શું છે ? વધારે પાકું પારખું થઈ જાશે—’

મુખીની આ દલીલ સામે હાદા પટેલ પાસે કશો અસરકારક ઉત્તર નહોતો. આટલા દિવસથી પોતાને મૂંઝવી રહેલી દ્વિધા કરતાં ય અદકેરી દ્વિધા લઈને તેઓ ગમગીન ચહેરે ઘેર આવ્યા.

મેલડીના નામનો હોબાળો ઊઠ્યા પછી હાદા પટેલના ચહેરા ​પર ચિંતાની જે ઘેરી છાયા પથરાઈ ગઈ હતી એમાં આજ એકાએક થઈ ગયેલો ઉમેરો ઊજમની કે સંતુની જાણ બહાર ન રહી શક્યો. એ જાણ્યા પછી આ નવી ચિંતાનું કારણ શોધવા સંતુ ઉત્સુક બની રહી.

પાણીશેરડેથી આપઘાત કર્યા વિના પાછી ફરેલી સંતુને એ મધરાતે શ્વશુર તરફથી જે સાંત્વન અને હૈયાધારણ સાંપડેલાં એની સંજીવની વડે આ સંતપ્ત યુવતીમાં એક નવી જ પ્રાણશક્તિનો સંચાર થયો હતો. હવે એ હતપ્રભ બનીને કોઈ પણ આપત્તિથી નાસીપાસ થવા નહોતી માગતી. શ્વશુરને મારા સતમાં શ્રદ્ધા છે, સતીમાએ મારા સતીત્વની સાખ પૂરી છે, એ જાણ્યા પછી સંતુમાં અસાધારણ આત્મશ્રદ્ધા આવી હતી.

આ અત્મશ્રદ્ધાથી પ્રેરાઈને જ એણે લાજના ઘૂમટાની આડશમાંથી આજે શ્વશુરને ચિંતાનું કારણ પૂછ્યું.

અત્યંત અનિચ્છા છતાં, અત્યંત ક્ષોભ સાથે હાદા પટેલને આજ સવારની મુખી જોડેની વાતચીતનો અહેવાલ આપવો પડ્યો.

‘ઓયવોય ! એમાં આટલા મુંઝાવ છો શું કામે ?’ સંતુએ સાવ સહજિકતાથી કહી દીધું : ‘તેલની કડામાં શું કામે, ધગધગતા સીસાની કડામાં જઈને હું હાથ બોળી આવું !’

‘વહુ દીકરા ! ગામના માણહ તો મૂરખ છે. તારાથી આવી છોકરમત ન કરાય.’

‘એમાં છોકરમત શેની ? મેં ક્યાં કાંઈ છાનું પાપ કર્યું છે, તી મને હાથ દાઝવાનો ભો છે ?’ સંતુએ કહ્યું. ‘કહેવરાવી દિયો મુખીને, કે તેલની કડા ઉકાળવા માંડો. હું હાથ બોળવા તૈયાર છું’

પણ હાદા પટેલને પુત્રવધૂનું આવું હિંમતભર્યું સૂચન સહેલાઈથી ગળે ઊતરે એમ નહોતું.

‘ના ના ગામના ચૌદશિયાએ ચડામણી કરી છે એટલે મુખી ​ભરમાઈ ગયા છે. પણ તારે આવી નાનમ શું કામેની વહોરાવી છે ?’

‘એમાં નાનમ શેની ?’ સંતુએ વધારે ઉત્સાહથી કહ્યું, ‘હવે તો હું જ સામે હાલીને તેલની કડા ઉકળાવવાનું મુખીને કહું છું. હવે આ આળ મારે જ હાથે મારે માથેથી ઉતારવું પડશે, હું જ સામી હાલીને કડામાં બોળવા જાઈશ... મારે જ મારા સતનાં પારખાં કરી દેખાડવાં છે... મુખીને કહેવરાવો ઝટ, હવે ઝાઝું મોડું ન કરે—’

*