વસુંધરાનાં વહાલાં-દવલાં/નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નિવેદન
[બીજી આવૃત્તિ]

મારી ઉપન્યાસરચનાઓના ક્રમમાં ‘વસુંધરાનાં વહાલાં-દવલાં’ ચોથી આવે છે. પહેલી ‘સત્યની શોધમાં’, બીજી ‘નિરંજન’, ત્રીજી ‘સોરઠ, તારાં વહેતાં પાણી’, ને ચોથી આ. ૧૯૩૭માં ‘ફૂલછાબ’ સાપ્તાહિકનું સંચાલન કરતે કરતે, એની વાર્ષિક ભેટ માટે, આ વાર્તા લખી હતી. વીસથી પચીસ દિવસોના ગાળામાં એ પૂરી કરી હતી. એનો રચનાકાળ, આ રીતે, મારી કૃતિઓમાં ટૂંકામાં ટૂંકો કહેવાય. આની પહેલી આવૃત્તિમાં નીચે મુજબ નાનકડું નિવેદન જોડેલું: “આ વાર્તાનો રસ સૌરાષ્ટ્રના મધ્યમ તેમ જ નીચલા થરો વચ્ચેના પડમાંથી ખેંચવાનો એક સ્વતંત્ર પ્રયત્ન છે. એના આલેખનમાં એક જ વિચાર વિકટર હ્યુગોના ‘ધ લાફિંગ મૅન’માંથી પ્રયોજેલ છે: મદારી, હોઠકટો બાળક, અને અંધી છોકરી—એ ત્રિપુટી સર્જવાનો. ત્રણેય પાત્રોનું ખેડાણ તો મેં મારી રીતે જ કર્યું છે. વાર્તાકાળ પચીસ-ત્રીસ વર્ષો પરના સૌરાષ્ટ્રનો લેશો તો ચાલશે.” ઉપલા નિવેદને કેટલાક સમીક્ષકોમાં એવી ગેરસમજ પેદા કરાવી જણાય છે કે, આ કૃતિ હ્યુગોની વાર્તા પરથી પ્રયોજિત અગર અનુવાદિત છે. આ ગેરસમજને ટાળવા માટે ફરી વાર સ્પષ્ટ કરવું પડે છે કે, આ કૃતિને પેલાં ત્રણ પાત્રોના સૂચન કરતાં વિશેષ કશી જ નિસ્બત હ્યુગોના પુસ્તક સાથે નથી. આ તો છે તેજબાઈ, લખડી, પ્રતાપ શેઠ, અમરચંદ શેઠ, કામેશ્વર ગોર ઇત્યાદિ પાત્રોની પ્રધાનપણે બનેલી વાર્તા-સૃષ્ટિ. અને વાર્તાલેખનનું ધ્યેય પણ, ઝંડૂર—બદલીની લગરીક જેટલી ‘રોમાન્સ’ વડે રસ પૂરીને, મુખ્ય કથા તો પેલાં પાત્રોની જ રહેવાનું રહ્યું છે. તેમ છતાં કોઈ શંકાશીલ વિવેચક જો ‘ધ લાફિંગ મૅન’ને તપાસી જશે, તો એ હ્યુગો-કૃતિનો અનેરો આસ્વાદ એને સાંપડશે—અને આ બાબતનો વિભ્રમ ભાંગશે. બાકી તો, ઋણસ્વીકારની પ્રમાણિક રસમ કંઈક જોખમી છે તેવો અનુભવ મને એક કરતાં વધુ વાર રહ્યો છે. મારી આ વાર્તા પર કેટલાય વાચકોને વિશેષ પક્ષપાત છે તે જાણ્યું છે અને તેમને હું કહી શકું છું કે, એ વિશિષ્ટ પક્ષપાતમાં હું પણ સહભાગી છું. એટલે જ, આ કૃતિના કરુણ અંત પ્રત્યેનો અન્ય વાચકોનો અણગમો પાછળથી મારા અંતરમાંયે ઊગ્યો હતો. આ આવૃત્તિમાં બીજું-ત્રીજું ટોચણટીપણ કરવા ઉપરાંત સમાપ્તિને પણ કરુણ છતાં મંગળ બનાવી છે. બોટાદ: ૧૯૪૬
ઝવેરચંદ મેઘાણી