વસુંધરાનાં વહાલાં-દવલાં/૧૩. તીર્થક્ષેત્રે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૩. તીર્થક્ષેત્રે

આટલી જ પ્રાર્થના કરીને સૂતેલું મન નીંદરના ખોળામાં હળવું ફૂલ બની ઢળ્યું હતું. ઘરની બાઈ એ સૂતેલા ફૂલ-દેહ ઉપર રમતાં દીવાનાં કિરણો જાણે કે ગણતી હતી. એની આંખો એક કાંટાનાં બે ત્રાજવાં જેવી બની હતી—એક છાબડામાં આ સૂતેલું શરીર હતું ને બીજા પલ્લામાં જાણે કે રૂપિયાની થેલી ઠલવાતી હતી. સૂતેલું શરીર બહુ બહુ તો એક સો રતલ હશે, ને સામા પલ્લાની અંદર ચાર હજાર રૂપિયાનું વજન થઈ ચૂક્યું હતું, છતાં હજુ આ શરીરવાળું પલ્લું ધરતીથી ઊચું આવતું નહોતું. બાઈ જાણે કે એ દેહને ખરીદવા આવનાર ઘરાકને કહેતી હતી: ‘નાખો હજુ નાખો, હજુ તો ઘણી વાર છે.’ તિલકધારી પુરુષે બિલ્લી-પગે આવીને આ સૂતેલા શરીરને નીરખતી ઊભેલી બાઈ નિહાળી. બંનેએ એકબીજાની નજરનું ત્રાટક બાંધ્યું. બંને બીજા ઓરડામાં જઈને બેઠાં. ભીંતો પણ ન સાંભળી જાય એવી ધીરી વાત ચલાવી: “પાછળથી કજિયો-ટંટો નહિ, અત્યારથી જ નક્કી કરો.” “તને જેમ ગમે તેમ કરી આપવા તૈયાર છું.” “ના, ગયે વખતે રૂડકીના કામમાં તેં મને મોટો રેસ આપેલ છે.” “તો આ વખતે તારો રેસ ખમવા હું તૈયાર છું.” “અરધોઅરધ.” “બહુ વધુ પડતી વાત કરો છો.” “ચાલાકી કર મા.” “તારી જીભે કબૂલ, બસ?” “ઉતાવળ કરવી નથી. જોઈ તો છે ને બરાબર? સસ્તી નથી કાઢી નાખવી.” “ના, તેમ ઝાઝો વખત પણ નથી જાવા દેવો. ક્યાંક મરી રે’શું.” “હા, ને આને કાંઈ રૂડકી-કંકુડીની જેમ કેસરિયા દૂધના કઢા પાવામાં પંદર દી-મહિનો વિતાવવાનીય જરૂર નથી. વાન જ ઊજળો છે.” “આ મકાનવાળા વકીલનું કેટલું ઠરાવ્યું છે?” “જે આપશું તે લઈ લેશે. બોલે એવો નથી. ધંધાપાણી વગરનો બેઠો છે.” “ઠીક ત્યારે, આ છબિયું તો ઉતારી લે.” “હા, ઠીક યાદ કર્યું. હું તો ભૂલી જ જાત ને પુરાવો કોઈકના હાથમાં પડત.” તિલકધારી પુરુષે એ મેડીની દીવાલો પરથી દેવમૂર્તિઓનો ને છબીઓનો બધો સરંજામ સમેટી લીધો, અને એની જગ્યાએ એક સનદી વકીલની સનદ જ ફ્રેમમાં મઢેલી લટકતી રહી. વાઘરીઓએ નહોતો જોયો, ને જોયાં તોપણ ન ઓળખી શકત, એવો એક કબાટ ત્યાં પડ્યો હતો. ને એમાં કાયદાની પચીસેક ચોપડીઓ સોનેરી પીઠની પાછળ કાળા અક્ષરોને સંતાડતી વેશ્યાઓ સમી બેઠી હતી. છબીઓ સમેટતે સમેટતે પુરુષ સ્ત્રીને કહેતો હતો: “નંદુડી, તારા જૂના ને જૂના ધંધામાં પડી રહી હોત તો કદીયે ઊંચે આવી શકત આટલી?” “પણ એ કસબમાં તાલીમ લીધી એટલે તો આ નવા પાઠ કરવામાં ક્યાંય ચૂક પડતી નથી ને, શિવલા! ખાનદાન કુળની શેઠાણીનો, ને તેમાંય પાછો ભગતાણીનો વેશ કાઢવો તો કાઢવો, પણ દિવસના દિવસ ટકાવી રાખવો સહેલ નથી—શિવલા, સહેલ નથી! પરખાઈ જતાં વાર ન લાગે!” “તારે ક્યાં વેશ કરવાપણું છે? તું તો ખાનદાનનું છોરું હતી ને?” “હતી. વરસો વહ્યાં ગયાં. ભૂલી પણ ગઈ. કાકાએ બટકું રોટલોય બાંધી દીધો હોત તો રંડાપો પાળતી શા માટે ન બેઠી રે’ત?” “એવો અફસોસ હવે આટલાં વર્ષે?” “કોઈ કોઈ વાર યાદ આવી જાય છે, શિવા! કાકાને યાદ આવી હોત છો અત્યારે નરસ બનીને ને કાં મે’તીજીનું ભણીને પારકી બેન-દીકરીઓની આશિષો લેતી હોત—આજ નિસાસા લેવા પડે છે.” “સૌનું એમ જ છે, નંદુ! મનેય આ ધંધે ચડાવનાર મારા ન્યાતીલા જ છે ને? માબાપનાં કારજ કરવા બેનને વેચવી પડી અને પાંચ કોથળી છોડ્યા વગર જન્મારો આખો કુંવારો રહેવાની અવદશા દેખી એટલે જ ઊંડી દાઝનો માર્યો આ માર્ગે વળ્યો છું ને?” “ઠીક છે, મારા ભાઈ, આ જ ઠીક છે. આપણા બેના કસબમાંથી બીજાં પાંચ-સાતનો પેટગુજારો તો થાય છે ને? વાઘરીથી લઈ વકીલ સુધી સૌને ધંધો તો પકડાવ્યો ને આપણે!” “બસ, બસ! ઉદ્યમ કરીને ખાવું છે ને? મારેય જૂનાં કરજ ભરપાઈ કરતાં આરોવારો નથી આવતો. દીનદયાળ શેઠનું લેણું એ તો પઠાણનું લેણું છે, બાઈ! પૂરું કર્યે જ ઉગાર છે.” “ને વળી આપણે તો એક અચૂક નીતિ રાખી છે ને, કે વેશ્યાને હાથે આ બચાડી વાઘરણોને ન વેચવી. આપણે પણ ઈશ્વરને માથે જ રાખ્યો છે, ભાઈ!” એવી વાતોએ આ નંદુ અને શિવલાની જીવન-કથા તાજી કરાવી. બંનેનાં અંતરમાં જલતાં જૂનાં સામાજિક વૈર યાદ કરાવ્યાં. ત્રણ વાગ્યાની ટ્રેનમાં સોનાની પૂતળી તેજુને ડાકોરની યાત્રા કરાવવા બંને ભાગીદારોએ રણછોડરાયના ઈશ્વરી ધામનો રસ્તો લીધો. ‘રણછોડ....રાયકી.....જે!’ એવા લહેકાદાર જયકારોએ ડાકોરની ગાડીનો ડબેડબો ગુંજાવી મૂક્યો હતો. યાત્રાળુઓનાં ટોળાં ઊછળી ઊછળી ગાતાં હતાં— રણછોડરાય, રણછોડરાય, બીજું નૈ નૈ નૈ નૈ! કાગડા ઢેઢગરોળીઓને ચાંચમાં પકડે એવા પ્રકારે તીર્થગોરો યજમાનોનાં કાંડાં ઝાલી રહ્યા હતા. ગોમતીનાં પાણી પર માનવ-શરીરોના મેલ તરતા હતા. ગોમતીના ઘાટ ઉપર વૃદ્ધાઓ અને યુવતીઓનાં માથાંમાંથી હજામના પુનિત અસ્તરાઓ લાંબા વાળનું છેલ્લું સૌંદર્ય પણ ઉતારી લઈને પરલોકગામી પતિઓને જંપવા ન દેતી ઈર્ષ્યા-ઝાળોનું શમન કરતા હતા. તેમની વચ્ચે વિચરનારી આ ત્રિપુટી સર્વની નજરબંધી સાધી રહી. તેજબાના રૂપ-ઢગલા પર રાંકાઓના ટોળા જેવી યાત્રાળુ-આંખો રમખાણ મચાવી રહી. તારના સંદેશાથી હાજર રહેલો એક ઝાઝાંમાં ઝાઝાં ટીલાંટપકાંવાળો તીર્થગોર આ ત્રણેયને પોતાના મુકામ પર લઈ ચાલ્યો ત્યારે બેકાર રઝળતા કેટલાય ગોરો પર એના પ્રતાપની શેહ પથરાતી ગઈ. ગોરને ઘેર એક બીજા પણ યાત્રાળુનો ઉતારો પડ્યો હતો. પેટીઓ, ટ્રંકો અને બેગોના એ અસબાબ ઉપર અંગ્રેજી અક્ષરે સફેદ નામ લખાયાં હતાં. તેની વચ્ચે એક ધર્મશ્રદ્ધાળુ સજ્જનતાની સદેહ ભાવના સમો પચાસેક વર્ષનો પુરુષ લલાટે તિલકોની છાપો ચોડતો હતો. વણિકપુત્રીના સ્વાંગમાં શોભતી તેજુને તીરછી નજરે નખશિખ નિહાળી લીધી. એના મોં પર તેજુનું રૂપ ગલીપચીનો મીઠો સિતમ ગુજારવા લાગ્યું. તેજુને તો આ સર્વ સૃષ્ટિનો એ પણ એક જોવા જેવો અંશ હતો. એથી વધુ એ પુરુષની મીઠી આંખો ને પોતાની જગ-નીરખતી નજર વચ્ચેના તાર કોઈ ભાવિ કસબનો વણાટ કરનાર હતા તેવું જરીકે ભાન એને નહોતું. પછી તીર્થગોર જ્યારે તેજુના બનાવટી માત-પિતાને આ યાત્રાળુ પાસે મિલાપ માટે લઈ આવ્યા ત્યારે યાત્રાળુ સજ્જનની સમક્ષ એક ઉઘાડી નાની પેટી પડી હતી. પેટીમાં નાની-મોટી દાબડીઓ ખોલી ખોલીને એ યાત્રાળુ સજ્જન સોના-રૂપા તેમ જ હીરા-મોતીના સુંદર દાગીનાઓનો પોતાની નોંધ-પોથીની ટીપ જોડે નંગમેળ મેળવતા હતા. “આવો, પધારો, શેઠિયા!” એવો એણે તેજુના ‘પિતા’ને આદર આપ્યો. ‘જે રણછોડ!’ ઉચ્ચારી એણે તેજુનાં ‘માતા’ પ્રત્યે હાથજોડ કરી. તીર્થગોરનું કામ ભક્ત ને સંત વચ્ચે, પતિત અને પ્રભુ વચ્ચે, તેમ ભાવિકો ભાવિકો વચ્ચે માત્ર મેળાપની કડી મેળવી દેવાનું છે. એટલું કરીને ગોર વિનયભાવે ઊઠી ગયા. તે પછી બંને પક્ષો વચ્ચે લાંબો વાર્તાલાપ થયો. વાર્તલાપને અંતે પ્રસન્નવદને તેજુના પિતા બોલ્યા: “બીજું તો બધું ઠીક છે, શેઠિયા! અમારે તો અમારી ચંપા સુખમાં પડે છે એ જ મોટો સંતોષ છે!” “મારી પણ એ જ અભિલાષા છે, ભાઈ!” યાત્રાળુ સજ્જને મુખ-રેખાઓમાં કોઈ અદ્ભુત માર્દવ મૂકીને કહ્યું: “કે ત્રણ-ત્રણ પત્નીઓના પ્રારબ્ધમાંથી ખડી પડેલી મારી સંપત્તિ સુપાત્રના હાથમાં સોંપાય, ને તમને વાંધો ન હોય તો આજે જ ઉકેલી લઈએ.” “અમારી પણ એ જ મનકામના છે. ફક્ત જરા કુનેહથી કામ લેવું પડશે આપને.” “કહો.” “અમારો જુવાનજોધ દીકરો એક વર્ષ પર અમને રડતાં મૂકીને વૈકુંઠે વળ્યો છે. અમે તો દીકરીની સામે દેખીને આંખોનાં પાણી સમાવી લીધાં છે, પણ ચંપાને એનો ભાઈ અતિશય વહાલો હતો. વળી એ એક જુવાન વિધવાને મૂકીને ગયો છે એટલે ચંપા દીકરીના વલોપાતનો કોઈ પાર નથી રહ્યો. એણે તો વિધવા ભાભીના જોડે કુંવારું વૈધવ્ય ખેંચવાનો નિશ્ચય કરી લીધો હતો. એણે બાપડીએ દુનિયાની મીઠાશ ચાખી નથી ને ત્યાં સુધી જ આ હઠાગ્રહ પકડીને બેઠી છે. માંડમાંડ મનાવી છે. એટલે એને આઘાત ન લાગી જાય એવી સરળતાથી લગ્ન ઉકેલવાં પડશે.” “કહો, કેવી રીતે?” “અમે એને જાત્રાને બહાને જ ખેંચી લાવેલ છીએ, એટલે લગ્ન-વિધિ પણ યાત્રાક્રિયાની સાથે જ સમેટી લઈએ.” “સુખેથી!” “ને પછી અમે છાનાંમાનાં વિખૂટાં પડી જઈએ તો આપ એને સાચવી લેજો. અમારે ઘેર જુવાન વિધવા છે, શેઠ! સાપનો ભારો સાચવવાનો છે.” “કઈ મોટી વાત છે?” “કશો જ આડંબર કરવો નથી.” “મને પણ હવે ચોથી વારનાં લગ્નનો ઢોલ પિટાવવો ગમે તેમ નથી.” “ત્યારે તો આપણે સમાન વિચારોવાળાં સંબંધી બનીએ છીએ! ભગવતી!” તેજુના ‘પિતા’ નંદુડી પ્રત્યે વળ્યા: “પાડ માનીએ રણછોડરાય દેવનો!” “મારે તો એ જ એક વિસામો છે!” નંદુએ ગળામાં ડૂમો આણ્યો. “એટલું જ વીનવું છું જમાઈને કે, બેટા મારી ચંપાના ખુશીખબરનો કાગળ હમણાં તો રોજ ને રોજ નાખતા રે’જો.” “આ અમારું સરનામું.” ‘પિતા’એ કાગળમાં નામઠામ ટપકાવી આપ્યાં. પછી ગોમતીના તટની હેઠવાશને એક એકાંત ખૂણે તેજુની જોડમાં એ યાત્રાળુને તેમ જ ચંપાનાં ‘માતાપિતા’ ને બેસાડી તીર્થગોરે જે ક્રિયાઓ કરાવી તેને તેજુએ માની પ્રાયશ્ચિતની ધર્મક્રિયા, યાત્રિકે ગણી લગ્નની ક્રિયા, અને શિવલા-નંદુની જોડલીની તેમ જ તીર્થગોરે ત્રણેયએ સાચી પિછાની પારકી છોકરીની વિક્રય-ક્રિયા. જંગલની જાઈ તેજુને લગ્ન અને સરવણાનાં લેબાસો તેમ જ વિધિ વચ્ચેનો તફાવત અજાણ્યો હતો. રાતે ફરીવાર રેલગાડીની સવારી થઈ ત્યારે સેકન્ડ ક્લાસના ડબામાં યાત્રાળુ પોતાની કાયદેસર પત્નીની સાથે ચડી બેઠો. તેજુને એના માવતરે કહી રાખ્યું હતું કે આંહીંથી આ યાત્રિકની સંગાથે આપણે નાશકના તીર્થમાં જઈ રહ્યાં છીએ. “બધો સામાન આવી ગયો, ભગવતી? તમે નંગમેળ ગણી લીધાં?” “હા જી.” “દીકરીનો સામાન, ઓલ્યો દાબડો વગેરે બધું ગોઠવાઈ ગયું?” “હા જી, આ રહ્યું બધું જ.” “આપણો સામાન?” “એ પડ્યો રહ્યો છે, ચાલો, લઈ આવીએ.” “પણ ગાડી ઊપડશે તો?” “તો પાછલે ડબે ચડી બેસશું, ચિંતા કરશો નહિ” વગેરે વાતો કરીને બેઉ ઊતરી ગયાં ને ગાડી ઊપડી ત્યારે આભી બનેલી તેજુએ સ્ટેશનના દીવાને એક પછી એક કોઈ કાવતરાખોરની માફક મૂંગે મોંએ ને કુટિલ નેત્રે સરી જતા જોયા. બીજી ક્ષણે એ ચકચકિત ગાદલિયાળા અરીસાભર્યા ખાનામાં યાત્રિકની સંગાથે પોતે એકલી જ હતી તેનું ભાન આવ્યું. બીજું સ્ટેશન એક કલાકે આવ્યું. પુરુષ તપાસ કરીને પાછો આવ્યો. “ક્યાં ગયાં?” તેજુએ પૂછ્યું. “ગાડી ચૂક્યા જણાય છે. આપણે બીજા જ સ્ટેશનેથી તાર દેશું.” “આવી પહોંચશે?” “ચોક્કસ. તને આપેલા દાગીનાની પેટી લાવ, આપણે મૂકી દઈએ.” “દાગીના? દાગીના શેના?” “તારા લગનનાં.” “મારું લગન? શું બોલો છો?” “લગન નહિ ત્યારે આ ગોરે શું કરાવ્યું, ગાંડી! ભાઈ મૂઓ છે એમાં ભરથારને પણ ભૂલી જઈશ? એ વલોપાત હવે તો છોડ. તને લગનની મીઠાશ સમજાઈ નથી ત્યાં સુધી જ ગભરાય છે તું!” “તમે કોને કહો છો, શેઠ? મારે ભાઈ કેવો? કોનો ભાઈ મરી ગયો? એ બે જણાં ક્યાં ગયાં?” “દાગીના ક્યાં ગયા? તારાં માબાપને શા માટે આપતી આવી?” “મારાં માબાપ કોણ?” “તું ભાન ભૂલી ગઈ છે, કે મને લગનની પ્રથમ રાત્રિએ ટળવળાવે છે? ગામડાંનાં બૈરાંની ગુહ્ય રજની-વિદ્યા મને નથી આવડતી, હો બાપુ!” “તમે શેઠ... કેફ કર્યો છે કે શું?” “કેફ તો કર્યો જ કહેવાય ને? ચાર હજારની રોકડી નોટો ગણી આપીને તારા સમી વિજયા-કટોરી હાથ કરી, કે જેનું પાન તો દૂર રહ્યું—નર્યું દર્શન જ કેફમાં ડોલાવનારું છે!” “શેઠ, એ મારાં માવતર નહોતાં, હું એની દીકરી નથી.” “જ્ઞાનદૃષ્ટિ તો યાત્રાધામમાં હોઈએ ત્યાં સુધી જ શોભે. પાછાં આપણે સંસારમાં આવ્યાં, હવે પ્રેમદૃષ્ટિની વાતો કરીએ.” “ભાઈ...” “હા, એક દૃષ્ટિએ તો પ્રત્યેક પતિ-પત્ની ભાઈ-બહેન જ છે.” “તમને એ છેતરી ગયાં. એ મારાં માબાપ નથી. હું તો, શેઠ, હલકા કુળની અસ્ત્રી છું. મને તો એ જાત્રા કરવા લાવેલાં. હું તો હજી પરમ દિવસે ઇંદ્રનગરની જેલમાંથી છૂટી.” આગગાડીનાં પૈડાં યાત્રાળુના કલેજા પરથી પસાર થતાં હોય તેવી અસર તેજુના આ સમાચારે તેના અંતર પર પાડી. એનું ચાલત તો એ ટ્રેન ઊભી રખાવત. “તું જેલમાંથી છૂટી?” “હા હા, હું તેજુડી, અસલ તો આડોડિયાના દંગામાં ભમનારી, પછી વાઘરીઓના વાસમાં રહેનારી. મારે એક છોકરો હતો. મારાં પાતક ધોવા આ બે જણાં મને ઈંદ્રનગરથી આંહીં લાવેલાં.” “ઈંદ્રનગર?” યાત્રાળુએ પોતાની પાસેનું શિવલા ગોરે આપેલું સરનામું કાઢીને વાંચ્યું. નામ લખ્યું હતું: શેઠ ચતુર્ભુજદાસ દ્વારકાદાસ, નવાનગર. “એનું નામ શું છે?” વરરાજાએ આભા બની જઈને પૂછ્યું. “મને ખબર નથી. મેં નામ પૂછ્યું નથી.” “તું વાણિયાની દીકરી નથી?” “ના શેઠ, મારાં પ્રારબ્ધ એવાં નથી!” “બધી જ વાત બનાવટ છે?” “મને કાંઈ ખબર નથી. મને પ્રાછત કરાવવા આણી’તી. મને હવે છોડો.” “તું ક્યાં રહે છે? ક્યાં જઈશ?” “મારે ઘર નથી, સગુંવહાલું કોઈ નથી.” સંસાર-જીવનનાં ભીંતડાંને પહેલી-છેલ્લી વાર ઊભાં કરવાનો અભિલાષુ આ વરલાડો આગગાડી વધતા જતા વેગે વેગે વિચાર-વંટોળે ચડ્યો. એ ધનવાન નહોતો. એણે આજ પચાસ વર્ષની ઉંમર સુધી પરણવાની—ફક્ત એક વાર લગ્ન કરવાની—શક્તિનો ટીપે ટીપે સંચય કર્યો હતો. એણે અરધો રોટલો ખાઈને આનો—બે આના બચાવ્યા હતા. કૂડ, દગો, છેતરપિંડી અને પ્રપંચ કરવાની જ્યાં પાઈ પાઈની કમાણી માટે પણ જરૂર પડી રહી છે તેવા સમાજનો એ માનવી હતો. ગુજરાતનો એ ગ્રામ-વેપારી હતો. એને એક વાર લગ્ન-સુખ લેવું હતું. એના બે મોટા ભાઈઓ પરણ્યા વિના અરધા અરધા સૈકાનાં જીવન-જોતરાં ખેંચીને ખતમ થઈ ગયા હતા. પણ એનો ગુનો ઊજળા વર્ણમાં અવતાર લીધાનો હતો. ત્રણ-ત્રણ અપરિણીત ભાઈઓના ઘરમાં દામ ચૂકવવા છતાં પણ કોઈ જ્ઞાતિજન પોતાની કન્યાને મોકલવા હામ ભીડતો નહોતો. એ ભાઈઓનાં નામ ચેરાઈ ગયાં હતાં. નામનું ચેરાવું એ એક ભયંકર વસ્તુ હતી. સમાજ વાંદરાના કટક જેવો હતો: એક વાંદરાને શરીરે એક જ નાનો ઉઝરડો પડે છે, ને એક પછી એક વાંદરું બાંધવતાની લાગણી લઈને એને મળવા આવે છે. એક પછી એક એ પ્રાણીઓના નહોર મૂળ નાનકડા ઉઝરડાને સહાનુભૂતિના ભાવે વધુ ને વધુ પહોળો કરતા પાછા વળે છે. માનવ-સમાજે આ ત્રણ ભાઈઓનાં નામ પરના કોઈ નાનકડા ચેરા પર પણ એવી જ સહાનુભૂતિના નહોર-પ્રયોગ કર્યા હતા. એ નામોમાંથી આબરૂના ત્રાગડાને એક પછી એક ગણી ગણી દુનિયાએ ખેંચી કાઢ્યા હતા. મરનારા બે ભાઈઓની છેલ્લી પળનો એક જ પુકાર હતો: નાનેરા ભાઈનું કોઈ પણ વાતે ઘર બંધાય! તે પછી દસ વર્ષે નાનેરો ત્રણેયની કમાણીના સમસ્ત સરવાળાની એકસામટી બાદબાકી રમીને આજે ગોમતીજીના તટેથી પાછો વળતો હતો. રૂપિયાનું મૂલ્ય માગનારી એ ગુસ્સાની ઘડીએ આ માણસને ઉકાળી નાખ્યો. એણે તેજુને ધમકાવી: “હું તને પોલીસમાં સોંપીશ. તું પણ આ કાવતરામાં સામેલ છો.” “સુખેથી સોંપો, ભાઈ!” તેજુને એ વાતની નવાઈ નહોતી. “મારે જાવા ઠેકાણું તો હવે એક જેલ જ રહી છે—ચાય તોય એ ધરતી તો મને સંઘરશે!” વરરાજાને બીજો વિચાર આવ્યો: હવે આને જેલમાં મોકલ્યે પણ શો સાર કાઢવાનો છું? આને રવાના જ ન કરી દઉં? ના, ના, એ સિવાય પણ બીજો માર્ગ છે એ કાં ન લઉં? એણે તેજુને પૂછ્યું: “તું વાણિયાણી બની શકીશ? મારું ઘર ચલાવીશ? મારે પણ ધરતીમાં કોઈ નથી.” “કાકા, તમે પૈસાદાર ને આબરૂદાર છો. તમારા કુળનું કલંક બનવા મારે નથી આવવું. તમે મારા બાપ જેવા લાગો છો.” “તું સમજી લે—મારે આબરૂ નથી. પૈસા હતા તે તમામથી નાહી પરવાર્યો છું. દુનિયામાં હું એકલો છું. હું તને ને તું મને—એમ બેઉ એકબીજાને ઢાંકીને રહેશું. તું વાઘરણ હો, હલકી હો, જે હો તે હો, પણ તારા બોલ પર મને ભરોસો બેસે છે. તું એકલી છો. એકવાર મારે સંસાર ચલાવવાની અબળખા હતી. અમે ત્રણ ભાઈઓ હતા—બે તો ઘર ઝંખતા મૂઆ, હું ત્રીજો.... મારી દયા નથી આવતી?” તેજુના કાને આખા જીવનની અંદર આજ પહેલી જ વાર ‘દયાની યાચના’ પડી. સેકન્ડ ક્લાસની રોશનીમાં મુસાફરી કરતો એક માણસ તેજુ જેવી દીન-ઉતાર અનાથિની પાસે દયા માગીને નેત્રોમાં જળજળિયાં ઉભરાવતો હતો. પારકા પર અહેસાન કરવાની હજારો હૃદયોમાં પડેલી, વાંઝણી ને વાંઝણી અવસાન પામી જતી વૃત્તિ પોતાની સાર્થકતાની એકાદ ગર્વ-ઘડીને માટે તલસાટ કરતી હોય છે. ભરદુનિયામાં આવી દયામણી રીતે લૂંટાયેલો ઉજળિયાત આદમી તેજુ જેવી નપાવટ ઠરેલી છોકરીની દિલસોજી માગતો હતો એ એક મોટો બનાવ બની ગયો. નાના માનવીના જીવનમાં બનતો એ મહાન અવસર: સમાજ જેને લલચાવવા, ફસાવવા, બગાડવા, ગાળો ને મારપીટ કરવા અને સોદાસાટાં કરવાનો સહજ જ હક્ક સમજે છે, ને બહુ બહુ તો જેની પામરતા પર દયા ખાય છે ને સુંદરતા પર ગુપ્ત હિંસાવૃતિ મોકળી મૂકે છે, ‘રાંડ’ કહીને જ જેના જોબનની મીઠાશ મેળવવા માગે છે, તે જ સમાજનો એક માનવી તેજુની દયા માગતો પોતાનું ઘર ચલાવવા વીનવતો હતો. “કાકા!” તેજુએ એની સામે ટીકી ટીકીને ઘણી વારે એની ઉત્સુકતા પર પ્રહાર કર્યો: “હું તમારી દીકરી થઈને રહેવા જોગ છું. તમને દેખીને મને મારો બાપ સાંભરે છે, કાકા!” ‘કાકા’ના મોં પરથી છેલ્લી અભિલાષા રજા લઈ ગઈ. એ અભિલાષા તો દુનિયાની એકાદ કોઈ સ્ત્રીના દાંપત્ય-ભાવની રાહ જોતી જલતી હતી. વિધિસર લગ્ન કરીને આણેલી એક રઝળુ ઓરત, જગતની ફેંકી દીધેલી એઠ આ ઓરત, તે પણ એને સ્વામી તરીકેના હક્ક આપવા તૈયાર નહોતી. વેદનાની જીવાત એના કલેજાને ખૂણેખૂણેથી સળવળી ઊઠી. પણ હવે બીજો માર્ગ નહોતો. હવે તો મૃત્યુનું તેડું આવતાં સુધીની એકલતાને જ ખેંચી કાઢવાની વાત હતી. તાવ આવે ત્યારે કોઈ પથારી કરી પાણીનો પ્યાલો મોંએ ધરનાર, દુખતા માથા પર લવિંગ વાટીને ચોપડનાર, પગના કળતરને કોઈક ચાંપી દેનાર, અને બીજું તો કાંઈ નહિ પણ સૂનકાર ઘરમાં સાંજનો એક દીવો પેટાવીને પાટલા ઢાળી વાટ જોનાર પુત્રીનાં જ ફાંફાં મારવા રહ્યાં હતાં. “તારો બાપ મારા જેવો જે દખિયારો અને એકલવાયો હતો?” તેજુએ ડોકું હલાવ્યું: “એનેય સંસારમાં કોઈ નહોતું.” “તારી મા?” “મારી માની વાત એણે મને કહી જ નથી. તાવમાં પડ્યો પડ્યો બાપ એક વાર લવતો હતો: મારી માના ને એના મેળા તો માના મોતટાણે જ થયા’તા.” પુરુષને કંઈ સમજ ન પડી. “એ મારો બાપ નહિ હોય એમ મને લાગે છે. એણે મને ઉઝેરી મોટી કરી’તી.” “તારો બાપ કોણ?” “હું જાણતી નથી. મેં તો એને જ બાપ કરી માન્યો, ને એ મારો દીકરો હોય તેવી રીતે મારા ખોળાને ઓશીકે જ મૂઓ.” “તો હુંય તારા ખોળાનું મરણ-ઓશીકું માગું છું. બીજું કશુંય તારી કને નહિ માગું. મારું ઘર સાચવીને રે’જે, ને જગતની નજરે જ ફક્ત મારી આ નાટક-લીલા ચાલુ રે’વા દેજે, બાઈ, કે તું મારી પરણેતર વાણિયણ છો.” “મને દગો તો નહિ દ્યો ને, કાકા?” “દગો શીદ દેત? આગલે જ સ્ટેશને પોલીસમાં ન સોંપી દેત?” તેજુને ગળે ઘૂંટડો ઊતર્યો. “સવાલ તો મારો છે, બાઈ, કે તું મને દગો દઈને ચાલી નહિ જા ને કોઈ દા’ડો?” “હું ચાલી જઈ શકી હોત તો મારી આ દશા ન થાત, કાકા! મારું અંતર જૂની ગાંઠ ન છેદી શક્યું તેનાં જ આ ફળ ભોગવું છું.” બોલતાં બોલતાં તેજુની આંખો ચકળવકળ થઈ રહી. બાકીનો રસ્તો તેજુની જીવનકથાના અથ-ઇતિ વૃત્તાંતે જ્યારે પૂરો કર્યો ત્યારે બુઢાપાના ‘વન’માં પ્રવેશ કરનાર પચાસ વર્ષના પુરુષને વિશ્વાસ બેસી ગયો કે તેજુ એને દગો નથી દેવાની. આગગાડી છોડીને લાડા-લાડીનો ઢોંગ કરતાં એ કાકો-ભત્રીજી ઘરની ધરતીની કોર નિહાળતાં હતાં ને સૂર્ય એ ધરતીની કોર પરથી સિંદૂરવરણું ડોકું કાઢતો હતો. તીર્થ-વિધિનું બહાનું આપીને તેજુને જે લગ્ન-શણગાર પહેરાવેલા હતા તેની ઝલક સૂર્યે નિર્દયપણે ઉઘાડી પાડી દીધી. તેજુના કપાળમાં કંકુની જે પીળ કાઢેલી હતી તે આખી રાતના જાગરણને પ્રતાપે અખંડિત હતી. તેજુ નહોતી જાણતી કે પોતાનું રૂપ એ પ્રાત:કાળની એક સૂરજ-પાંદડી સમું પ્રકૃતિના અરુણ-ઉઘાડમાં કેટલું એકરસ બની રહ્યું હતું. પોતાનો તો પ્રાયશ્ચિત્તનો પહેરવેશ છે એવી મીઠી ભ્રાંતિ એને આટલા બધા રૂપના મદમાંથી બચાવી રહી હતી. પુરુષે પોતાને ગામ તાર તો આગલા દિવસે જ દઈ રાખ્યો હતો. સ્ટેશન પર એના બે-ત્રણ સગા હાજર હતા. એમણે ‘લાલકાકા’ને કોણ જાણે કેવીય વાંદરી જોડે ઊતરતા જોવાની ઉમેદ સેવી હતી. તેજુનું રૂપ અને તેની મુખમુદ્રાએ ભત્રીજાઓને ચકરી ખવરાવી: કુળવાનનું ફરજંદ જણાય છે: મોં પર સંસ્કારની વેલ્યો ચડી છે: આવું બૈરું લાલકાકાના ઘરમાં? મારો બેટો, ચ્યોંથી ઉઠાઈ લાયો? ભત્રીજાઓને ઇશારે એક મોટર આગળ ગાજતી ગઈ ને આખી બજારને એણે ખુશખબર આપ્યા: લાલકાકો પરણીને આયો! મારો બેટો, બૈરું લાયો તો લાયો, પણ ગામ આખા પર આટલા વરસનું વેર વાળે તેવું લાયો! લાલકાકાએ પણ તે દિવસ ગામના ઉપર પૂરી દાઝ કાઢી. એણે બજાર સોંસરી જ મોટરગાડીની સવારી કાઢી. દુકાને દુકાને ને હાટડે હાટડે વકરી-ખરીદી થંભી રહ્યાં. લાલકાકાના તો લગભગ બધા જ વેપારીઓ ભત્રીજાઓ જ હતા, એટલે તેજુને લાજ કાઢવાની જરૂર નહોતી. પ્રત્યેક દુકાનેથી વ્યાપારીઓએ લાલકાકાને પૂછ્યું: “આવી ગયા? વારુ! વારુ! શુભસ્ય શીઘ્રમ્ ભલું!” સૌની સામે લાલકાકાએ હાથ જોડ્યા: “ભાઈઓના આશીર્વાદે! તમારા સૌના રૂડા પ્રતાપે!” એ શબ્દો હાથીદાંત-શા હતા. પ્રત્યેક ભત્રીજાને નજરના સોયામાં પરોવતા લાલકાકા યાદ કરતા હતા કે— ‘હા, બચ્ચાઓ! તમને એકેએકને હું ઓળખું છું! તમે મારી ઉંમર ચાળીસ હતી તે દિવસથી છાપામાં મારી ઉંમર પચાસની ઠેરાવીને મારાં થઉં થઉં થઈ રહેલા વેવિશાળને તોડાવ્યા છે! આજ તમારા ઘરેઘરને અભડાવી મારીશ—સગવડ કરીને આયો છું!’