વિદ્યાવિનાશને માર્ગે/૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સુરેશ જોષી

આપણી વિદ્યાપીઠો અંગેના કેટલાક પ્રશ્નો આપણા ચિન્તકો અને સારસ્વતોએ તાત્કાલિક વિચારી લેવા જોઈએ. વિદ્યાપીઠો કેવળ ઉપલબ્ધ જ્ઞાનનું વિતરણ કરનારી અને પરીક્ષા લેનારી સંસ્થા નથી. જે અદ્યાવત ઉપલબ્ધ જ્ઞાન છે તેની બદલાતા માનવસન્દર્ભ પ્રમાણે હંમેશાં ચકાસણી થતી રહેવી જોઈએ. એ ચકાસણીને પરિણામે જે ટકી રહી નહીં શકે એવું હોય તેનો પરિહાર, જે અંગે નવી વિચારણા કરવાની આવશ્યકતા ઊભી થઈ હોય તે અંગે પુનવિર્ચારણાનો સાત્ત્વિક ઉદ્યમ, નવા સન્દર્ભાનુસાર ઊભી થતી સમસ્યાઓની પદ્ધતિસરની માંડણી. આ પ્રવૃત્તિઓ વિદ્યાપીઠોમાં સતત ચાલતી રહેવી જોઈએ. સ્થિતસ્ય સમર્થનમ્ માટે વિદ્યાપીઠો નથી. વિદ્યાપીઠો પરમ્પરાની જાળવણીને નામે નવા સન્દર્ભમાં ઊભા થતા વૈચારિક સંઘર્ષોને ટાળે નહીં, ઊલટાનું એ સંઘર્ષોનું સાચું સ્વરૂપ, અનુચિત અભિનિવેશથી મુક્ત રહીને, ઉપસાવી આપે.

પોળે પોળે જેમ દૂધની કેબિનો હોય છે તેમ શહેરે શહેરે વિદ્યાપીઠો ખૂલતી જાય તો તેથી આપણો શૈક્ષણિક કે સાંસ્કૃતિક વિકાસ થઈ રહ્યો છે એવી ભ્રાન્તિને વશ થનારા બાલિશ જ લેખાય. હવે એ તપાસવું જરૂરી છે કે અનેક પ્રકારના બોજાથી કચડાતો આપણો સમાજ અને આપણો આ દરિદ્ર દેશ કેટલી નકામી અકાર્યકર સંસ્થાઓ નાહક નભાવી રહ્યો છે. દરેક વિદ્યાપીઠનો કશોક આગવો વિશેષ હોવો જોઈએ; એની કશીક આગવી મુદ્રા હોવી જોઈએ. જો એવું નહીં બને તો એક સરખા માલનું ઉત્પાદન કરનારાં કારખાનાં જેવી વિદ્યાપીઠો બની રહે. આજે લગભગ આપણે એ સ્થિતિમાં આવી પડ્યા છીએ. સમાજનો ધુરીણ વર્ગ એમ માનતો થઈ ગયો છે કે વિદ્યાપીઠોએ આપણા ઉત્પાદકોને ખપમાં આવે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવા જોઈએ. જે સાંસ્કૃતિક મૂલ્યોની નિર્માણની પ્રક્રિયા વિદ્યાપીઠોમાં ચાલવી જોઈએ તે ચાલતી નથી. આનું કારણ એ છે કે વિદ્યાપીઠો પણ સમાજના વગ ધરાવનારાં જૂથોના નિયન્ત્રણ હેઠળ આવી ગઈ છે. વિદ્વાન દેશને ગમે તે ખૂણે પડ્યો હોય તોય તેને શોધીને વિદ્યાપીઠોએ તેના જ્ઞાનનો લાભ લેવો જોઈએ. તેની જ્ઞાનની સાધના નિરન્તરાય અવિરત ચાલુ રહે એ માટે એના યોગક્ષેમનો ભાર ઉપાડવો જોઈએ.

સમાજે અને રાજ્યે પણ પ્રજાના વિકાસની દૃષ્ટિએ વિદ્યાપીઠના મહત્ત્વને સ્વીકારીને એની ઉન્નતિ માટેનાં બધાં જ સાધનો ઉપલબ્ધ કરી આપવાં જોઈએ. હવે આથિર્ક કટોકટીને નામે શિક્ષણસંસ્થાઓ માટેના અનુદાન પર કાપ મૂકવામાં આવે છે. ચૂંટણીને નામે આ ગરીબ દેશ કરોડોનો અપવ્યય કરે છે, પણ વિદ્યાપીઠોમાં ચાલતી સંશોધનની પ્રવૃત્તિ અને એને અંગે જરૂરી એવાં અદ્યતન પુસ્તકાલયો માટેના જરૂરી ખરચ પર સૌ પ્રથમ કાપ મૂકવામાં આવે છે. વિદ્યાપીઠોને મહેલ જેવાં મકાનો વગર ચાલે, પણ સારાં પુસ્તકાલય વગર કેમ ચાલે?

શહેરમાં ચાલતા ‘કોચિંગ ક્લાસ’માં વિદ્યાર્થીઓનો ધસારો થાય છે, ત્યાં વિદ્યાર્થીઓ શાન્તિથી ભણે છે, તોફાન કરતા નથી. આ કોચિંગ ક્લાસ વિદ્યાપીઠોનાં પૂરક અંગ છે એમ માનવાની કોઈ રખે ભૂલ કરે. એ ક્લાસ નભે છે વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળ બનાવવાની એની વહેવારુ ઉપયોગિતાના પર. જ્ઞાનના વિકાસ કે સંવર્ધન સાથે એને કશી નિસબત નથી. વિદ્યાપીઠના વર્ગોમાં આથી જ વિદ્યાર્થીઓને તોફાન કરવાનું પરવડે છે. આવા કોચિંગ ક્લાસ સાથે વિદ્યાપીઠના અધ્યાપકો પણ છૂપો કે પ્રગટ સમ્બન્ધ ધરાવતા હોય છે. પરીક્ષામાં ઉપયોગી થઈ પડે એવાં સાહિત્યનો ઢગલો વળે છે. આ સાહિત્ય વિદ્યાર્થીઓને જ્ઞાનના મૂળ સ્રોત સુધી જવા દેતું નથી.

વિદ્યાપીઠના રોજ બ રોજના સંચાલનમાં ઊભા થતા પ્રશ્નોનો તત્પૂરતો ઉકેલ લાવવામાં આવે છે. પણ જે પ્રશ્નો વધારે ગમ્ભીર સ્વરૂપના અનિષ્ટના સંકેતરૂપ છે તેનો વિચાર કરવામાં આવતો નથી. આ કારણે મૂળ વ્યાધિ અસાધ્ય બનતો જાય છે. હવે એવી સ્થિતિ આવી છે કે વિદ્યાપીઠો નિરર્થક જ નહીં પણ સમાજની શાન્તિ અને વ્યવસ્થામાં ખતરનાક અન્તરાયરૂપ ગણાવા લાગી છે. જે નગરમાં વિદ્યાપીઠ હોય તે નગરમાં જાહેર મિલકતનું ભારે નુકસાન થાય છે. શાન્તિ અને વ્યવસ્થા નજીવા કારણસર વારેવારે જોખમાય છે, રાજકારણના અખાડાબાજોનો એ અડ્ડો બની જાય છે, મોટે ભાગે મધ્યમ વર્ગમાંથી આવનારા વિદ્યાર્થીઓને આથિર્ક રીતે નહીં પરવડે એવી કેફી દ્રવ્યો, ખાણીપીણી, મનોરંજન વગેરેની ખરચાળ જીવનરીતિને કારણે પૈસા મેળવવા માટે વિદ્યાર્થીઓ રાજકારણનાં અને સમાજનાં અનિષ્ટ તત્ત્વોના હાથા બને છે ત્યાંથી જ એનો શતમુખ વિનિપાત શરૂ થાય છે. એ ઉદ્ધતાઈને યુવાનીનો વિશિષ્ટ અધિકાર માને છે, એને પોતાની કોઈ ભાષા હોતી નથી, એ એને ખરીદનારની ભાષા વાપરે છે. મૌલિક પ્રમાણભૂત વિચારણા સાથે એને કશી લેવાદેવા નથી. એવી પ્રવૃત્તિની એ ઠેકડી ઉડાવે છે. અમૂલ્ય ગ્રન્થસંગ્રહો કે સાધનસામગ્રીનો નાશ કરતાં એ ખચકાતા નથી. એની આ ખતરનાક પ્રવૃત્તિ સામે જો પોલિસનું રક્ષણ માગવામાં આવે તો ‘દમનનો દોર છૂટો મૂક્યા’નું કહીને એ ગોકીરો મચાવી મૂકે છે.

પશ્ચિમમાં પણ આવી પરિસ્થિતિની મીમાંસા કરનારા કેટલાક ચિન્તકોએ અન્તિમે જઈને સ્પષ્ટ કહી દીધું છે કે હવે વિદ્યાપીઠનું કાર્ય રહ્યું નથી. આજની પરિસ્થિતિમાં એ કાર્ય કરી શકે તેમ પણ નથી. માટે વિદ્યાપીઠોને તાળાં મારી દો. ફ્રાન્સના પ્રખ્યાત નવલકથાકાર અને ચિંતક આન્દ્રે ગોર્ઝ આવો મત ધરાવે છે. વિદ્યાપીઠોની અકાર્યકરતા ખુલ્લી પડી ગઈ છે. કોઈ પણ પ્રકારના કહેવાતા સુધારાઓનાં થીંગડાં મારવાથી હવે કશું વળવાનું નથી. વિદ્યાપીઠો કેવા તન્ત્રવાહકોને એમની પ્રત્યે આકર્ષે છે તે જોવાથી પણ ઘણું સમજાઈ જશે. આથી આપણે આ કહેવાતા સુધારાઓેનો સામનો કરવો જોઈએ. એ સુધારાથી આવતાં વહેવારુ પરિણામો અને એને વાજબી ઠરાવવાને માટે રજૂ કરવામાં આવતી સૈદ્ધાન્તિક ભૂમિકાનો વિરોધ કરવો જોઈએ. ખતરનાક છે એટલા માટે નહીં પણ એ ભ્રામક છે એટલા માટે. વિદ્યાપીઠમાં આવેલી કટોકટી વિદ્યાપીઠ પૂરતી જ મર્યાદિત રહી નથી, એ શ્રમકાર્યના સામાજિક તથા ટેકનિકલ વિભાજનને પણ આવરી લે છે. આથી સ્ફોટ થતો અટકાવવો એ હિતાવહ નથી. સ્ફોટ કાલે થતો હોય તો આજે ભલે થાય.

આ શી રીતે કરવું એ ચર્ચાનો વિષય છે. પણ આ આલોચના અને ચર્ચા કાર્યકર નીવડે તે માટે સૌ પ્રથમ એ ભૂમિકા સ્વીકારવી જરૂરી છે કે સર્વ ક્ષેત્રોમાં સુધારાની સુષ્ઠુ સુષ્ઠુ વાતો હવે છોડી દેવી જોઈએ.

અમુક વયે પહોંચેલા પૈકીના મોટા ભાગના વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ લે અને એમાં સફળ નીવડેલા પૈકીના મોટા ભાગના વિદ્યાપીઠોમાં પ્રવેશ મેળવવા ધસારો કરે ત્યારે બુર્ઝવા વર્ગે ઊભું કરેલું સામાજિક પસંદગીનું તન્ત્ર આ આક્રમણનો ભોગ બને. એની પાછળ રહેલી વૈચારિક પીઠિકા અને એને આધારે ઊભી કરેલી સંસ્થા – બંનેમાં કટોકટી સરજાય. આ પાછળ રહેલી વૈચારિક ભૂમિકા તે ‘સામાજિક પ્રગતિ માટે સૌ કોઈને એક સરખી તક મળે’ એ સિદ્ધાન્ત પર રચાયેલી છે. આ એક સરખી તક અને સમાનતાની વાત જ ભ્રામક છે. આમ છતાં બે દાયકા પહેલાં આને માટેના તન્ત્રમાં તથા વિદ્યાર્થીઓની પસંદગીમાં વસ્તુલક્ષી(ઓબ્જેક્ટિવ) ધોરણો જળવાતાં હતાં. આથી એની પાછળ રહેલી વર્ગભેદની ભૂમિકા તથા યદૃચ્છાવૃત્તિ ઢંકાયેલાં રહેતાં હતાં. બધાને માટે ‘અનુકૂળ માનસિક વલણ’ અને ‘દક્ષતા’ની અમુક એકસરખી વ્યાખ્યા બાંધવામાં આવતી હતી. ડાબેરીઓ લડ્યા તે પસંદગીની પાછળ રહેલા આ વર્ગભેદની સામે નહીં. જો એમ કર્યું હોત તો પસંદગી જ માત્ર નહીં સમગ્ર શિક્ષણવ્યવસ્થાની સામે જ એમને ઝૂઝવું પડ્યું હોત. આ પસંદગી માટે સૌ કોઈ એકસરખો હક્કદાર છે એટલી એક જ વાત કદાચ એમને સ્વીકાર્ય બની હોત.

આ હક્ક સૈદ્ધાન્તિક દૃષ્ટિએ બધાંને આપવામાં આવ્યો હતો ત્યાં સુધી આ માગણી પાછળ રહેલા વિરોધાભાસ પ્રગટ થઈ આવ્યા નહોતા. પણ આ હક્ક ભોગવવાની વહેવારુ શક્યતા ઘણા મોટા ભાગને નિષિદ્ધ હતી. પણ જ્ઞાનના વિસ્તાર સાથે જ એ અધિકાર વિશેની સભાનતા વધી અને વિરોધો છતા થયા. જો ઉચ્ચ કેળવણી પામવાનો બહુસંખ્ય લોકોનો અધિકાર હોય તો પછી એ શિક્ષણમાં પસંદગીનાં ધોરણનો કશો અર્થ રહેતો નથી. હવે સામાજિક પ્રગતિ સાધવાનો અધિકાર અને શિક્ષણ પામવાનો અધિકાર એક સાથે જઈ શકે નહીં, સૈદ્ધાન્તિક દૃષ્ટિએ એક શક્યતા લેખે જો આપણે એ મંજૂર રાખીએ કે દરેક વ્યક્તિને એ શિક્ષણ આપી શકાય તો પછી દરેક વ્યક્તિને વિશિષ્ટ સ્થાને પ્રતિષ્ઠિત ન કરી શકાય. એક વાર તમે વિદ્યાર્થીઓની પસંદગીનાં ધોરણો પર પ્રહાર કરો, તો પછી સમાજ એને પૂરક નીવડે એવું કશું તન્ત્ર ઊભું કરશે અથવા તો શિક્ષણના અધિકારને વહીવટી પગલાંઓથી નિયન્ત્રિત કરશે.

આ વહીવટી મર્યાદાઓ, વિદ્યાપીઠની પ્રવેશપરીક્ષા એ પણ એવો તો નાજુક રાજકીય મુદ્દો બની રહે છે કે એમાં પ્રચ્છન્ન રીતે શાસક વર્ગ અથવા શાસકો પર વગ ધરાવનારો વર્ગ હસ્તક્ષેપ કરતો થઈ જાય છે. આમાં એક વિરોધાભાસ રહેલો છે : વિદ્યાર્થીઓની સંખ્યાને મર્યાદિત કરવી એ ન્યાયના સિદ્ધાન્તનો છડેચોક ભંગ છે અને એક સામાજિક ભ્રાંતિ છે, કારણ કે શિક્ષણ દ્વારા સામાજિક ઉન્નતિ સાધવાની તક સૌને માટે સરખી હોવી જોઈએ એમ કહીએ અને પછી એમ કહીએ કે શિક્ષણ પામવાની સમ્ભવિતતા કેવળ અભ્યાસ માટેના અનુકૂળ વલણથી જ મર્યાદિત બનેલ છે તો એનો અર્થ શો થાય?

આ સ્વતન્ત્રતાના આભાસને દૂર કરવાની જરૂર છે. આ બધું ‘ડેમોક્રેટિક રેશનાલિટી’ને નામે થઈ રહ્યું છે. શિક્ષણ ખરચાળ છે અને સ્નાતકોને ‘ઊંચે સ્થાને’ બેસાડી ન શકો તો એથી લાભ શો? કહેવાતા મધ્યમ વર્ગને ‘સામાજિક ઉન્નતિ’નાં વચનોથી ફોસલાવીને જ મૂડીવાદીઓે પોતાના તરફ ખેંચી શકે. આ ઉન્નતિ કેવળ એને મેળવનારની શક્તિઅશક્તિથી જ બાધિત થાય છે એવું કહેવાનું એઓ ચૂકતા નથી. ગુણવત્તાને આધારે પસંદગીની ભ્રાંતિને જો દૂર કરવામાં આવે તો મધ્યમ વર્ગ મૂડીવાદીઓેનો વિરોધી થઈ જાય ને સામી છાવણીમાં જઈને બેસી જાય. મધ્યમ વર્ગમાં રહેવું તે દુર્ભાગ્યને કારણે સરજાયેલી પરિસ્થિતિ નથી, મધ્યમ વર્ગમાં જ જન્મ્યા હોવાને કારણે અનિવાર્યતયા વેઠવી પડે એવી અવદશા નથી. પણ કઠોર શ્રમને સહેનાર ખમતીધર અને છતાં ગૌણ સ્થાન સ્વીકારીને મધ્યમ વર્ગને ટકાવી રાખનાર, છતાં એની બરોબરીના હોવાનો કદી દાવો ન કરનાર વર્ગની પણ જરૂર તો ખરી જ ને!

આથી મધ્યમ વર્ગે ‘સામાજિક ઉન્નતિ માટેની સરખી તક’ એ વાક્યનો શુકપાઠ કર્યે રાખવો રહ્યો! પણ વાસ્તવિકતા આ ભ્રમને છેદે છે. શિક્ષણ પામવાનો અબાધિત અધિકાર છે તે કબૂલ, પણ શિક્ષણ આપણને ક્યાંય લઈ જતું નથી. શિક્ષિતોની વધતી સંખ્યાને કારણે શિક્ષણનું અવમૂલ્યન થયું છે. તેડું તો ઘણાંને થાય પણ પસંદ થાય થોડા બડભાગી, એવાં ઉચ્ચ સ્થાનો જ આ લોકશાહીમાં વિરલ છે. શેઠિયાના જમાઈ કે સાળાબનેવી થઈને અથવા તો ‘પ્રધાનના માણસ’ થઈને આ વિરલ સ્થાને શૈક્ષણિક ગુણવત્તા વિના જઈ શકો. વિદ્યાપીઠમાં પસંદગીમાં ‘વિકાસની સરખી તક’ને નામે મોટી સંખ્યાને આવકારો, પછી વ્યવસાયના ક્ષેત્રમાં થતી પસંદગીમાં મોટી સંખ્યાને નકારીને એનું સાટું વાળી દો. હિસાબ ચૂકતે થઈ ગયો!

આ ઉપરાંત બીજું એક તત્ત્વ ગણાવાય છે તે ‘સંજોગોનું પરિબળ!’ માતાપિતા એમનાં બાળકોને ઉત્તમ પબ્લિક સ્કૂલમાં મૂકે, ત્યાંથી ઉચ્ચ શિક્ષણની ‘ઉત્તમ’ સંસ્થાઓેમાં એઓ જાય અને ત્યાંથી સીધાં ‘ઉત્તમ’ સ્થાનો પર ગોઠવાઈ જાય. ત્યાં ભાગ્યચક્ર પૂરું થાય. ઉચ્ચ શિક્ષણ આપનારી વિદ્યાપીઠો દર વર્ષે બેકારોનો ઢગલો કરતી જાય, શિક્ષણને કારણે પણ જેમને કશી વિશિષ્ટતા કે અસાધારણતા પ્રાપ્ત નથી થઈ એવા ચહેરા વગરના આદમીઓનો ગંજ ખડકતી જાય તેને ‘જ્ઞાનનો પ્રસાર’ કહીને બિરદાવીને રાજી થવા જેટલા હજી બુદ્ધુ રહીશું? રાજ્ય વિદ્યાપીઠો ખોલ્યે જાય છે, પણ એ વિદ્યાપીઠો જે ડીગ્રી આપે છે તેનું ક્રમશ: અવમૂલ્યન કરતું જાય છે. સરકાર વિદ્યાપીઠોને ફાંસો ખાવા માટે પૂરતું દોરડું પૂરું પાડી રહી છે. કોણ કહેશે કે સરકાર ઉદાર નથી? આ દરમિયાન આ કે તે રાજકીય પક્ષના તકવાદીઓ દ્વારા યેનકેન પ્રકારેણ વિદ્યાપીઠોમાં પહેલાં નાનાં છમકલાં, પછી ધાંધલ, પછી હુલ્લડ મચાવીને વિદ્યાપીઠોમાં એસ.આર.પી. અને બી.એસ.એફ.ને ઘુસાડી દઈને બહુ સિફતથી એમ સાબિત કરી આપવામાં આવે કે આ શિક્ષણ જ નકામું થઈ ગયું છે, સંસ્કારવિહોણું છે, શિક્ષકો વૈતરું ઢસરડે છે વગેરે વગેરે.

એક વાર આપણે કશાની શેહમાં દબાયા વિના આજની પરિસ્થિતિનું નિદાન તો કરી લઈએ.

વિદ્યાપીઠોમાં દેખાતા આવા વિરોધાભાસો આપણને કેટલાક પાયાના વિરોધો તરફ દોરી જાય છે. અત્યાર સુધી આપવામાં આવતી ડીગ્રીઓેનું આથિર્ક મૂલ્ય એવા ડીગ્રીધારીઓની અલ્પ સંખ્યા અને ઉચ્ચ શિક્ષણ માટેનું અનુકૂળ વલણ ધરાવનારાઓની અલ્પસંખ્યા પર આધાર રાખતું હતું. પણ હવે જો ઉચ્ચ અભ્યાસ માટેનું અનુકૂળ વલણ ધરાવનારાઓની સંખ્યા વધી ગઈ હોય તો આપોઆપ એનું મૂલ્ય પણ અદૃશ્ય થઈ જાય છે અને એની સાથે જ અનિવાર્યતયા શ્રમવિભાજનની ચઢતીઊતરતી ભાંજણી પણ ભાંગી પડે છે. ઉચ્ચ શિક્ષણ માટેનું અનુકૂળ વલણ (એપ્ટિટ્યૂડ) પછી એને કશીક ડીગ્રીથી પ્રમાણિત કર્યું હોય કે ન કર્યું હોય, જો વધુ વ્યાપક બનતું દેખાતું હોય તો આ ડીગ્રી પસંદગીના એક નિર્ણાયક ધોરણ તરીકે કામ આપી શકે નહીં : સામાજિક દૃષ્ટિએ જે સન્તોષ પ્રાપ્ત થવો જોઈએ તે પણ દક્ષતા અને ગુણવત્તાના પર જ આધાર રાખે છે એમ કહી શકાય નહીં. ઉચ્ચ શિક્ષણ માટેનો અધિકાર અને વિકાસ માટેના અધિકાર સાથે સાથે જઈ શકે નહીં. આમ શિક્ષણથી ઉન્નતિની ખાતરી મળતી ન હોય તો બેમાંથી એક વસ્તુ સાચી છે. ક્યાં તો એ કેવળ સમયનો અપવ્યય છે, સમાજના પર લાદેલો વૃથા ભાર છે (કારણ કે એથી નથી લાભ થતો વિદ્યાર્થીને કે નથી લાભ થતો મૂડીવાદી સમાજને) ક્યાં તો એ સામાન્ય સ્વરૂપની ઉપયોગિતાનિરપેક્ષ એવી કેળવણી છે અને એવો વૈભવ સમાજને પરવડે છે. પણ એમ હોય તો શિક્ષણ માટેના અબાધિત અધિકારની એક અનિવાર્ય ઉપપત્તિ પણ આપણે સ્વીકારી લેવી પડે; જે શિક્ષણ કોઈ વ્યવસાય કે કારકિર્દી તરફ લઈ જતું નથી તેને વિદ્યાર્થીઓ સ્વીકારે છે તે કેવળ ‘જ્ઞાનના ખાતર જ્ઞાન માટે,’ વ્યવસાયલક્ષી શિક્ષણ તરીકે નહીં.

આ તબક્કે જ વિદ્યાપીઠની સંસ્થામાં રહેલા વિરોધો છતા થવા માંડે છે. વિદ્યાર્થીઓને અમુક ધોરણે જ પ્રવેશ માટે પસંદગી આપવાની પદ્ધતિનો વિદ્યાર્થીઓએ શિક્ષણ માટેના લોકશાહીમાંના અબાધિત અધિકારને નામે વિરોધ કર્યો. ‘સૌને સરખી તક’ એ સૂત્રને અનુસરીને કરેલી માંગણી અનિવાર્યતયા આપણને શ્રમવિભાજનના ચઢતાઊતરતા ક્રમની વ્યવસ્થાનો છેદ ઉરાડીને સમાનતા માટેના આગ્રહ તરફ લઈ જાય. શિક્ષણ માટેનો અધિકાર જો સૌ કોઈનો હોય, શિક્ષણ એ અમુક લોકોનો વિશિષ્ટાધિકાર ન હોય તો પછી એ શિક્ષણ પામનારને પણ કશો વિશિષ્ટાધિકાર પ્રાપ્ત ન થાય તે સ્પષ્ટ છે. ઉચ્ચ ઉપાધિ ધારણ કરનારાઓએ પણ શરીરશ્રમ કરવાનો રહે, આને પરિણામે સમાજની શ્રમવ્યવસ્થાને, ટેકનિકલ શ્રમવ્યવસ્થાને પણ ફગાવી દેવાની રહે.

પણ આટલેથી જ અટકવું શક્ય નથી, કારણ કે શિક્ષણથી કારકિર્દી કે વ્યવસાય આપોઆપ પ્રાપ્ત થઈ જતા નથી. એવી જો પરિસ્થિતિ હોય તો શિક્ષણના સ્વરૂપ વિશે ફરીથી વિચાર કરવાનો રહે. એ શેનું બનેલું હોય? એનું પ્રયોજન શું? આ પ્રશ્નો વિચારવાના રહે. જો એ ‘ઉપયોગી નીવડે એવી સંસ્કૃતિ’નું નિર્માણ કરતું હોય તો પછી એ ‘વિદ્રોહાત્મક સભ્યતા’ ઊભી કરે, ‘રિબેલ કલ્ચર’ ઊભું કરે. સમાજની અપેક્ષાને જો એ લક્ષમાં ન લેતું હોય તો એ સમાજનો નાશ કરવા ઇચ્છનારા અને એણે યોજેલી શ્રમવ્યવસ્થાનો પણ સાથે નાશ કરવા ઇચ્છનારા વિદ્યાર્થીઓની માંગણી એણે સંતોષવાની રહે.

પણ વિદ્યાપીઠોનું બંધારણ જ એવું છે કે એ આવી માંગણીને સન્તોષી ન શકે : મૂડીવાદી અર્થતન્ત્રની માગણીઓેને સંતોષવામાં પણ એ કાર્યક્ષમ નથી અને મૂડીવાદને ઉથલાવી પાડવા ઇચ્છનારાઓની અપેક્ષાઓને પણ એ સન્તોષી શકે તેમ નથી. એ જે શિક્ષણ આપે છે તેનો સમ્બન્ધ ઉત્પાદનની પ્રવૃત્તિઓ સાથે નથી કે વિદ્રોહાત્મક પ્રવૃત્તિઓ સાથે પણ નથી. ટૂંકમાં કહીએ તો એ એક એવું સ્થાન છે જ્યાં જીવનનાં થોડાં વર્ષો કશું કર્યા વિના, કશું પામ્યા વિના કે કશામાં ગમ્ભીરતાથી રસ લીધા વિના ગાળી શકાય. આથી જ તો વિદ્યાપીઠના વર્ગો ખાલી હોય છે, પણ એના કંપાઉન્ડમાં વિદ્યાર્થીઓનાં ટોળેટોળાં કશું કર્યા વિના સદા ઘૂમ્યાં કરતાં હોય છે. સામેનાં થિયેટરોમાં, રેસ્ટોરાં કે કોલેજ કેન્ટિનોમાં એવા વિદ્યાર્થીઓ વધારે સંખ્યામાં હોય છે. તમે ગમે તેવા સુધારા કરો તોય હવે આ પરિસ્થિતિમાં સુધારો થવો શક્ય નથી. આથી વિદ્યાપીઠોમાં સુધારણા કરવાનો પ્રશ્ન જ નથી, એનો નાશ કર્યે જ છૂટકો છે. કારણ કે તો જ લોકોથી વેગળી પડી જતી સંસ્કૃતિનો(મેન્ડેરિન કલ્ચર) નાશ થઈ શકે, તો જ એથી ઊભી થતી સામાજિક ભ્રાન્તિનો નાશ થઈ શકે. આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ પણ એ એક હકીકત છે કે આપણી વિદ્યાપીઠો આ ભ્રાન્તિ ઊભી કરવામાં સાધનરૂપ બની રહી છે.

આથી વિદ્યાપીઠોમાં વિદ્યાર્થીઓને ભણવા કરતાં ‘ગેરિલા વોરફેર’(છાપામાર પ્રવૃત્તિ) ચલાવવામાં વધારે રસ પડે છે. એથી જડ બની ગયેલી સંસ્થાઓમાં થતી રૂંધામણમાંથી જલદી જલદી છુટકારો મળે છે, એથી આવી સંસ્થાઓેમાં પ્રવર્તતી દામ્ભિકતાને અને એનો ધૂર્તતાથી બચાવ કરનારાઓને ખુલ્લા પાડ્યાનો સન્તોષ પણ મળી રહે છે. ડાબેરી વલણ ધરાવનારા વિદ્યાર્થીઓ આની અવેજીમાં બીજું કશું સ્થાપવામાં કે સમાજને બદલીને એને સ્થાને તરત જન્મીને મરી ન જાય એવું કશુંક સંગીન સ્થાપી આપવામાં નિષ્ફળ નીવડ્યા છે એ પણ સ્વીકારવું જ રહ્યું. વિદ્યાર્થીઓ આપમેળે તો બીજી સંસ્કૃતિનું નિર્માણ કરી શકવાના નથી કે વિદ્રોહ પણ કરી શકવાના નથી. એ લોકો આવી પડેલી કટોકટી તરફ આંગળી ચીંધી શકે, ભ્રાન્તિને ઢાંકનારા પડદાને ચીરી શકે, શ્રમવિભાજનની ગેરવ્યવસ્થા અને કહેવાતી ‘શ્રેષ્ઠની પસંદગી’ પાછળના દમ્ભને ખુલ્લો પાડી શકે. આ જ વસ્તુ એ લોકો કંઈક અણઘડપણે અને અણઆવડતથી કરી રહ્યા છે, અને એ તરફ આંગળી ચીંધીને સત્તાવાળાઓ એમની ટીકા કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ એકલા ઝાઝું આગળ વધી શકે તેમ નથી. થોડી ભાંગફોડ કરી શકે, શ્રમવિભાજનની વ્યવસ્થાને પડકારવા જેટલી સભાનતા કે સૂઝ પણ એમનામાં નથી. આ પદ્ધતિ, કારખાનાંઓમાં કે વેપારી સંસ્થાઓેમાં કાર્યકર નીવડી શકે નહીં. આવી પ્રવૃત્તિમાં પડતાં પહેલાં ઉત્પાદક સંસ્થાઓેની કાર્યપદ્ધતિનું બુદ્ધિપૂર્વક વિશ્લેષણ કરવું પડે, એમાં દેખાતી ‘ટેકનિકલ રેશનાલિટી’ અને બતાવવા પૂરતી વસ્તુલક્ષિતા તે અધિકાર જમાવવાનો જ એક તરીકો છે. જો આ બધાંને પડકારવાં હોય તો એની કાર્યપ્રક્રિયાનું ઝીણવટભર્યું જ્ઞાન હોવું જોઈએ, તો જ એમાં ફેરફાર લાવી શકાય. યાન્ત્રિક શ્રમવિભાજનને સ્થાને ઐચ્છિક શ્રમવિભાજન સ્થાપી શકાય.

આ પ્રકારના કાર્યકારી પૃથક્કરણ દ્વારા જ શિક્ષણસંસ્થાઓ(જે સીધી કે આડકતરી રીતે મૂડીવાદી સમાજરચનામાં મેનેજરોને અને અધિકારીઓને તૈયાર કરે છે)ની પણ અસરકારક આલોચના થઈ શકે. આથી વિદ્યાપીઠોની નાબૂદી અને વર્ગભેદના પર આધાર રાખતી શિક્ષણવ્યવસ્થામાં ફેરફાર કરવો એ કેવળ વિદ્યાર્થીઓની જ જવાબદારી નથી. મૂડીવાદી સમાજરચનામાં જે શ્રમવ્યવસ્થા છે તેને તોડવી હોય અને એને ટકાવી રાખનાર શિક્ષણસંસ્થાઓને નાબૂદ કરવી હોય તો શ્રમિકોએ પણ વિદ્યાર્થીઓ જોડે હાથ મિલાવવા જોઈએ.

આ પ્રશ્નનું મહત્ત્વ હજી બરાબર સમજાયું નથી. આથી કોઈ પણ પ્રકારની વૈચારિક પૂર્વભૂમિકા વિનાની વિદ્રોહની પ્રવૃત્તિ માત્ર કોઈક વાર થતાં છમકલાંરૂપે મરી પરવારે છે. એની એ જ દશા થાય એમાં તન્ત્રવાહકોને રસ છે. આથી સમ્પત્તિનો નાશ એમને ચિન્તાતુર બનાવતો નથી, છમકલું છમકલાની અવસ્થાએ જ રહે અને એમાંથી સંગીન વિદ્રોહનું કોઈ પણ રીતે નિર્માણ ન થાય એની જ એ લોકો તકેદારી રાખતા હોય છે. આને માટે રાજકીય પક્ષો વિદ્યાર્થીઓને ખરીદી લે છે, ભ્રષ્ટાચારનો ચેપી રોગ વિદ્યાર્થીઓમાં ફેલાવે છે. ગઈ કાલનો વિદ્રોહી આવતી કાલનો રીઢો ભ્રષ્ટાચારી બનતો દેખાય છે. માનવશક્તિનો આવો અપવ્યય સરકારને પણ એટલો કઠતો નથી. આ દોષ વિદ્યાર્થી-આન્દોલનનો જ માત્ર નથી. એમને આવી વિક્ષુબ્ધતાની દશામાં રાખીને વધુ સંગીન સ્વરૂપમાં થતા વિદ્રોહની દિશામાં જતા રોકી રાખવાનો આશય આની પાછળ કામ કરી રહ્યો હોય છે. વિદ્યાપીઠનાં વર્ષો પૂરાં થયાં પછી વિદ્યાર્થી સમાજના વિશાળ સમૂહમાં ફેંકાઈને નગણ્ય બની જાય એટલે બસ. પછી એ નિરુપદ્રવી બની રહે. આમ સમાજ પણ ક્રાન્તિથી ડરીને વિદ્યાર્થીઓને વિદ્યાપીઠોના મર્યાદિત ક્ષેત્રમાં જ બધાં છમકલાં કરવા દે છે, પછી બધો દોષ વિદ્યાર્થીઓ પર અને વિદ્યાપીઠો પર ઢોળી દેવાનું સગવડભર્યું બની રહે છે. આથી જ ભાંગફોડ અને મર્યાદિત સ્વરૂપની હિંસાને એ ઉદારભાવે સાંખી લીધાનો ઢોંગ કરે છે. સમાજ સમસ્યાઓને સ્પષ્ટ રૂપ આપવાનું ઇચ્છતો નથી. રાજકારણમાં પડેલાઓ આ પ્રશ્નો અને સમસ્યાઓનો અભ્યાસ કરીને એનો ઉકેલ લાવવાની નિષ્ઠાવાળા નથી. આ બધાં માટે એમની પાસે સમય નથી. સમાજના આવા વર્ગને બચાવી લેવાને માટેના ‘બફર’ જેવી સ્થિતિમાં વિદ્યાપીઠોને રાખી મૂકવી, એમાં અમુક વગ ધરાવનારા વર્ગનું હિત જળવાતું હશે ખરું, પણ એમાં વિદ્યાપીઠની શોભા નથી, માટે બહેતર છે કે વિદ્યાપીઠો નાબૂદ થાય.