વિદ્યાવિનાશને માર્ગે/૬
સુરેશ જોષી
વિદ્યાપીઠને શસ્ત્ર તરીકે વાપરવી એમ કહેવાનો અર્થ શો? પહેલી વાત તો એ કે એના વડે બીજું કશુંક સિદ્ધ કરવાનો ઇરાદો હોય છે. શસ્ત્ર આત્મસંરક્ષણ માટે વપરાય, અથવા શત્રુના વિનાશ માટે વપરાય. આમ શસ્ત્ર ક્યાંક સંઘર્ષમાં વપરાતું હોય છે. વળી બીજી વાત એ છે કે ગમે તે વસ્તુને શસ્ત્ર તરીકે વાપરી શકાય. શાક સમારવાને માટે વપરાતા ચપ્પુછરીથી કોઈનું ખૂન કરી શકાય. ખુરશી બેસવાના ઉપયોગમાં આવે છે, પણ એને શસ્ત્ર તરીકે બીજા સામે ઉગામી શકાય. બીજા માણસોનો પણ શસ્ત્ર તરીકે ક્યાં ઉપયોગ થતો નથી? પોતાના હેતુ માટે બીજા માણસોને વાપરનારાનો વર્ગ રાજકારણમાં મોટો છે. વિચારોને પણ માણસે સબળ શસ્ત્ર તરીકે વાપર્યા છે. વોલ્તેર અને રૂસોની વિચારણા જ ફ્રેન્ચ ક્રાન્તિનો દારૂગોળો નહોતી? પણ વિચારોનો સારો અને ખરાબ બન્ને રીતે ઉપયોગ થઈ શકે. એથી લોકોને સારી માહિતી આપીને યોગ્ય માર્ગે દોરી શકાય. તો વિચારોથી જ લોકોની ખોટી ઉશ્કેરણી કરીને એમને ખોટે માર્ગે પણ દોરી શકાય. આમ ગમે તેને ગમે તે અર્થે શસ્ત્ર તરીકે વાપરી શકાય.
યુનિવર્સિટી વર્ગવિગ્રહમાં શસ્ત્ર તરીકે આજે વપરાય છે એમ કહેવાતું સાંભળીએ છીએ. આથી એમ સૂચવાય છે કે સમાજમાં વર્ગવિગ્રહ ચાલી જ રહ્યો છે અને એમાં બધા જ સ્તરના લોકો સંડોવાયેલા છે. બીજો સૂચિતાર્થ એ છે કે શસ્ત્રની ઉત્તમતા એ વિજય સંપડાવે તેમાં રહેલી છે. જેમ મજૂર મહાજન કે ટ્રેડ યુનિયન વર્ગવિગ્રહથી પર રહી શકતાં નથી, તેમ યુનિવર્સિટી પણ વર્ગવિગ્રહથી અલિપ્ત રહી શકતી નથી. યુનિવર્સિટી પણ ખૂબ અટપટી રીતે તેમાં સંડોવાયેલી હોય છે. યુનિવર્સિટીમાંના વિદ્યાર્થીઓ અધ્યાપક સંઘો અને વહીવટી તન્ત્રના વાહકો વર્ગવિગ્રહમાં સંડોવાયેલા જ હોય છે. એ લોકોનાં વર્તન અને આચારસંહિતા આ વર્ગવિગ્રહને લક્ષમાં રાખીને જ રચાતાં હોય છે. એ પણ એટલું જ સાચું છે કે કોઈ પણ સમાજને જો સ્થગિત ન થઈ જવું હોય તો વિદ્યાપીઠની કે એવી કશીક સંસ્થાની જરૂર રહેશે જ. જો એવી સંસ્થા નહિ હોય તો સમાજ ધીમે ધીમે ક્ષીણ થતો જાય.
હવે આ સમસ્યાનું બીજું પાસું તપાસીએ. જો યુનિવર્સિટીનો એક શસ્ત્ર તરીકે ઉપયોગ થવાનો હોય તો બે જ વિકલ્પો ખુલ્લા રહે છે. જો યુનિવર્સિટી શત્રુઓના હાથમાં જતી રહી હોય તો ક્યાં તો આપણે એની પાસેથી એને પાછી આંચકી લેવી જોઈએ અથવા તો એનો નાશ કરવો જોઈએ. ઘણા ક્રાન્તિકારીઓએ તો કહ્યું છે કે યુનિવર્સિટી એક અત્યન્ત સબળ શસ્ત્ર છે. એને ક્રાન્તિનાં વિરોધી બળોના હાથમાં રહેવા દઈ શકાય નહિ. આવું બને ત્યારે દરેક યુનિવર્સિટીનું કાર્ય ખોટકાઈ જાય એવી હિલચાલ કરવી જોઈએ, અને સૌથી સારું એ કે યુનિવર્સિટીનો કબજો મેળવી લેવો જોઈએ. આજે આપણે જોઈએ છીએ કે પરસ્પરવિરોધી એવાં અનેક બળો આ કે તે નામે યુનિવર્સિટી પર પોતાનું વર્ચસ્ સ્થાપવા મથી રહ્યાં છે. જ્યાં એ બની નથી શકતું ત્યાં યુનિવર્સિટીને કામ કરતી અટકાવી દેવાના પ્રયત્નો થતા રહે છે. આજે ભાગ્યે જ કોઈ યુનિવર્સિટી પૂરો અભ્યાસક્રમ શીખવતી હોય છે. શૈક્ષણિક વર્ષ અનેક ઉત્પાત, ઉપદ્રવોથી ભરેલું હોય છે. પરીક્ષાપદ્ધતિમાં હવે એવાં તો દૂષણો પેઠાં છે કે ડિગ્રીનું કશું મૂલ્ય જ એણે રહેવા દીધું નથી. આમ છતાં ‘બધું સલામત છે’ એમ માનીને ચાલતી સરકાર અને યુનિવર્સિટીના તન્ત્રવાહકો યુનિવર્સિટીની કાર્યક્ષમતાને ઉત્તરોત્તર નિકૃષ્ટ કોટિની બનાવવામાં જાણ્યે અજાણ્યે ફાળો આપી રહ્યા છે. સેનેટ સિન્ડીકેટની સભામાં દાવપેચ, સામસામા આક્ષેપો, લગભગ અસભ્યતાની હદે પહોંચી જતો વર્તાવ આ બધું કોઠે પડતું જાય છે. આથી આપણે હતાશ થઈને એમ માનવા પ્રેરાઈએ છીએ કે સર્વત્ર માનવદ્રવ્યની નિ:સત્વતા અને હીનતા જ દેખાઈ રહી છે.
સમાજનો દરેક વર્ગ પોતાના હિતનું ઉગ્ર ભાન ધરાવતો થઈ ગયો છે. આથી જુદાં જુદાં અનેક સ્તરે આવા પરસ્પરવિરોધી હિતો વચ્ચેનો સંઘર્ષ ચાલ્યા જ કરતો હોય છે. આ વાતાવરણમાં આપણે જીવી રહ્યા છીએ એ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો રહ્યો. કેટલાંક જૂનાં અનિષ્ટોએ એટલાં ઊંડાં મૂળ નાખ્યાં હોય છે કે કાયદાની એકાદ બે પેટાકલમમાં સુધારો કરવાથી એ મૂળને ઊખેડી નાખ્યાનો બાલિશ સન્તોષ લેવો એ ભવિષ્યમાં ભારે ખતરનાક પુરવાર થશે. આજેય સમાજમાં વગ ધરાવનારું અમુક જૂથ, સાધનશુદ્ધિનો આગ્રહ નેવે મૂકીને, મહત્ત્વની સંસ્થાઓ પર પોતાનું વર્ચસ્ જમાવવાનો ઝનૂની પ્રયત્ન કરે છે. સાહિત્ય અને શિક્ષણનાં ક્ષેત્રોમાં પણ આ કારણે સંસ્થાકીય અભિગમ પરત્વે શંકા ઉત્પન્ન થવા લાગી છે. સંસ્થા સ્થપાતાંની સાથે જ એના પર વર્ચસ્ જમાવીને એનો કબજો લઈ લેનારું જૂથ ટાંપીને જ બેઠું હોય તો હજી આપણે વ્યક્તિપૂજામાંથી પૂરેપૂરા મુક્ત થયા નથી. આવી પૂજા વિવેકબુદ્ધિને જાગૃત રહેવા દેતી નથી. આથી એવું જોવામાં આવે છે કે મોટા ભાગની સંસ્થાના કેન્દ્રમાં એક વ્યક્તિ અથવા અમુક ‘કોકસ’ કામ કરતું હોય છે. એ ભાષા પરમાર્થની વાપરે છે, પણ તાકે છે પોતાના સંકુચિત સ્વાર્થને. પહેલાંના વખતમાં એવાં મૂલ્યો પ્રવર્તતાં હતાં કે તપસ્વી ઋષિ રાજસભામાં જાય તો રાજા ઊભો થઈને આદર કરતો. રૈકવ તો ગાડાવાળો હતો. એણે તો ગામના પાદરે જ ગાડું છોડ્યું હતું. રાજા સામે ચાલીને એને મળવા ગયો. આજે અકિંચન વિદ્વાન કે મનીષીનું સમાજમાં ગૌરવ નથી. યુનિવર્સિટીના વહીવટી અધિકારીઓ વિદ્યાપીઠમાંના ગણમાન્ય મનીષીઓને, સર્જકોને, પોતાના હાથ નીચેના નોકર ગણીને વર્તતા હોય છે.
આ બધાંને પરિણામે ક્ષુદ્ર ખટપટો અને ચડસાચડસીમાં સમય અને શક્તિનો દુર્વ્યય થાય છે. વિદ્યાર્થીઓ પણ તુચ્છ વસ્તુને ‘પ્રેસ્ટિજ ઇસ્યુ’ બનાવીને આક્રમક વલણ ધરાવતા હોય છે. વિદ્યાપીઠનાં જે અંગો એકબીજાના પૂરક બનીને વિદ્યાપીઠનું જ્ઞાનપ્રાપ્તિનું લક્ષ્ય સિદ્ધ કરવામાં ઉપકારક બનવાં જોઈએ, તેઓ વાસ્તવિક રીતે જોતાં, એ લક્ષ્યને નેવે મૂકીને એનાથી વિરોધી પ્રવૃત્તિ જ આચરતાં દેખાય છે. આમ છતાં બૌદ્ધિક ધૂર્તતાથી એઓ આવી હીણી પ્રવૃત્તિને પણ મોટા આદર્શની પરિભાષામાં વર્ણવતા હોય છે. દરેક યુનિવર્સિટી વાષિર્ક અહેવાલ તૈયાર કરતી હોય છે. એમાં નરી પ્રગતિ અને પ્રવૃત્તિની વાતો જ કહેવાઈ હોય છે. જ્યારે વાસ્વવિક ચિત્ર જુદું જ હોય છે. શિક્ષકોને અમલદારશાહીના ખુશામતિયા બનાવીને જ આ તન્ત્ર જપે છે.
યુવાનોને ઘડવા, એમની શક્તિઓને ખિલવવી, જાગૃતિક પરિસ્થિતિનો એમને ખ્યાલ આપવો, બૌદ્ધિક સજ્જતાથી એ પરિસ્થિતિને પહોંચી વળવાને એમને યોગ્ય બનાવવા. વ્યાપક અર્થમાં વિદ્યાપીઠનું લક્ષ્ય આ છે. હું ગમે તે દેશકાળનો હોઉં તે છતાં વિદ્યાપીઠ મને માનવીના સર્વ બૌદ્ધિક પુરુષાર્થથી પરિચિત કરાવે, અત્યાર સુધી મેળવેલી જ્ઞાનના ક્ષેત્રની સિદ્ધિઓનો મહિમા સમજવા જેટલી સૂઝ કેળવી આપે અને વિશાળ પરિપ્રેક્ષ્યમાં આજના માનવસન્દર્ભને અને એમાં રહેલી સમસ્યાઓને સમજીને એનું નિદાન કરવાની ક્ષમતા આપે. માનવ નિયતિને એ ઓળખાવે અને માનવ્યના ગૌરવને અક્ષુણ્ણ રાખવા પ્રેરે પણ આજે આ બધું ઠાલી વાતો જેવું નથી લાગતું?