વિનેશ અંતાણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

અંતાણી વીનેશ દિનકરરાય (૨૭-૬-૧૯૪૬): નવલકથાકાર, વાર્તાલેખક. જન્મ દુર્ગાપુર (તાલુકો માંડવી–કચ્છ)માં. માધ્યમિક શિક્ષણ નખત્રાણામાં લઈ ૧૯૬રમાં એસ.એસ.સી; ભુજમાંથી ૧૯૬૭માં ગુજરાતી–હિન્દી વિષયો સાથે બી.એ. અને ૧૯૬૯માં ગુજરાતી–સંસ્કૃત વિષયો સાથે એમ.એ. ભુજની કૉમર્સ કૉલેજમાં પાંચ વર્ષ ગુજરાતીના અધ્યાપક તરીકે કામ કર્યા બાદ ૧૯૭૫થી આકાશવાણીમાં કાર્યક્રમ નિયોજક. એમણે ‘નગરવાસી' (૧૯૭૪), ‘એકાંતદ્વીપ' (૧૯૭૫), ‘પલાશવન' (૧૯૭૯), ‘પ્રિયજન’ (૧૯૮૦), ‘આસોપાલવ' અને ‘ચોથા માળે પીપળો' (એક પુસ્તક રૂપે, ૧૯૮૦), ‘અનુરવ’ (૧૯૮૩), ‘બીજું કોઈ નથી' (૧૯૮૩), ‘સૂરજની પાર દરિયો’ (૧૯૮૪), ‘જીવણલાલ કથામાળા' (૧૯૮૬), ‘કાફલો’ (૧૯૮૬) જેવી નવલકથાઓથી આઠમા દાયકાના નવલકથાસાહિત્યમાં નોંધપાત્ર સ્થાન મેળવી લીધું છે. પહેલી બે કૃતિઓમાં આસપાસના જગત સાથે જાતને સાંકળી ન શકતા અને બનતી ઘટનાઓમાં અર્થશૂન્યતાનો અનુભવ કરતા, વૈયક્તિક મુદ્રા ભૂંસી નાખવા મથના એક સંવેદનશીલ બૌદ્ધિકની આંતરકથા છે. અન્યમાં સ્ત્રીપુરુષસંબંધને જુદા જુદા દૃષ્ટિકોણથી જોવા-સમજવાનો ઉપક્રમ છે. એને માટે લેખક કોઈ આકસ્મિક પરિસ્થિતિનું નિમિત્ત લઈ, પછી સંતુલન જળવાય એ રીતે સંવેદનનું સમજમાં રૂપાંતર કરે છે. આ બધી કૃતિઓમાં પાત્રો એક જ સ્તરનાં છે અને દૃષ્ટિક્ષેપ પણ એમના સંવેદનવિશ્વ પર જ છે; ઘટનાનું એ સંવેદનનો સંકેત બનવાથી વિશેષ મહત્ત્વ નથી. ‘બીજું કોઈ નથી’માં ભદ્રસમાજની બહારનાં પાત્રો હોવા છતાં કૃતિની ઈબારત આ જ પ્રકારની રહી છે. આ કૃતિઓમાં ભાષા લગભગ એક જ સ્તરની છે; અને એમાં પ્રતીકો તથા કલ્પનોનો ઉપયોગ વિશેષરૂપે થયેલો છે. એમણે લેખનની શરૂઆત ટૂંકી વાર્તાથી કરેલી. ‘હોલારવ’ (૧૯૮૩) સંગ્રહની ઓગણીસ વાર્તાઓમાં પ્રયોગશીલતા ધ્યાન ખેંચે છે. કેન્દ્રસ્થ સંવેદનનો તાગ લેવાનું અને પ્રતીક કે કલ્પનની મદદથી તેને ઉપસાવવાનું વલણ, જગતની અર્થશૂન્યતાનું ભાષાકીય હળવાશથી નિરૂપણ અને માનવવ્યવહારની ક્ષુદ્રતાની અભિવ્યક્તિ એ આ વાર્તાઓની વિશેષતાઓ છે. ‘તરસના કૂવાનું પ્રતિબિંબ’, ‘સાંઢણી’, ‘કોરો સારંગ’ કચ્છના રણપ્રદેશની વિશિષ્ટ વાર્તાઓ છે.