વેળા વેળાની છાંયડી/૩૩. સ્વાર્થનાં સગાંઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩૩. સ્વાર્થનાં સગાંઓ

‘આઈ કીલાએ તો દીકરાએ કમાલ કરી નાખી!’

⁠શારદાની વિદાય પછી બહારથી આવીને બંગલામાં પ્રવેશતાં જ મંચેરશાએ કહ્યું.

⁠‘શું કર્યું? શું કમાલ કરી?’ નરોત્તમ પૂછતો રહ્યો.

⁠મંચેરશા હજી એમના તોરમાં જ બોલતા હતા: ‘આઈ ગામનાં મનીસ બી કમાલ છે!’

⁠‘શું થયું? કીલાભાઈની વિરુદ્ધમાં કાંઈ—’

⁠‘અરે વિરુદ્ધ શું, ને બિરુદ્ધ શું? આ તો કીલાને અદરાવવાની વાત કરે છે!’

⁠‘હેં? કીલાભાઈને અદરાવવાની વાત?’ નરોત્તમે અધ્ધર શ્વાસે પૂછ્યું: ‘કોણ વાત કરે છે?’

⁠‘સવારથી બપોર સુધીમાં ત્રણ જણા તો આવીને મને કહી ગયા.’ મંચેરશા બોલ્યા: ‘કે કીલાને સમજાવો કે અમારી દીકરી સાથે લગ્ન કરે!’

⁠‘ખરેખર?’

⁠‘હા, બધા જાણે છે આય મંચેરશા બાવા કીલાના ભાઈબંધ છે. એટલે સહુ મને જ કહેવા આવે છે કે શિરસ્તેદાર સાહેબને સમજાવો.’

⁠નરોત્તમને માટે આ સમાચાર અણધાર્યા હતા. આરંભમાં એને જરા આશ્ચર્ય થયું, પણ પછી આનંદ અનુભવ્યો. ઉત્સાહભેર એણે મંચેરશાને પૂછ્યું: ‘તે હવે કીલાભાઈ પરણશે?’

⁠‘ક્રૉનિક બેચલર તે કોઈ દહાડો પરનતા હશે કે?’ મંચેરશાએ મજાક કરી. ‘કીલાને મેં કેટલોય સમજાવિયો, પણ સમજે ત્યારે ને?’

⁠‘તે તમને જે લોકો કહેવા આવ્યા અને તમે શું જવાબ દીધો?’

⁠‘મેં તો એવનને કહી દીધું કે બાવા તમે પોતે જ જઈને કીલાને વાત કરો…’ તો બોલ્યા, કે ‘કીલાને તો અમે કહી જોયું, પણ માનતો નથી, માટે હવે તમે એના ભાઈબંધ હોવ, તે સમજાવોની.’

⁠‘સાચી વાત છે, નરોત્તમે કહ્યું, ‘તમારે જ કીલાભાઈને સમજાવવા જોઈએ.’

⁠‘બાવા, મેં તો એને ઘન્નો સમજાવિયો, પણ એ તો એક જ વાત કીધા કરે છે.’

⁠‘શું?’

⁠‘કહે છે, કે આ લોકો કીલાને નહીં, પણ ગોરા સાહેબના શિરસ્તેદારને પન્નાવવા આવ્યા છે…’

⁠‘બરોબર છે,’ નરોત્તમે કહ્યું, ‘એમાં ખોટું પણ શું છે?’

⁠‘પન કીલાને એ પસંદ નથી. એ તો કહે છે કે હું જેવો છઉં એવો જ છઉં. આ તો મને નહીં પણ મારા હોદ્દાને છોકરી પન્નાવવા આવે છે.’

⁠‘એ વાત પણ ખોટી નથી!’

⁠‘તો પછી, કીલો તો કહે છે કે મારી બદલીમાં મારી ખુરસીને જ પન્નાવોની!’ કહીને મંચેરશા અટ્ટહાસ્ય કરી ઊઠ્યા.

⁠નરોત્તમ પણ કીલાની આવી આખાબોલી વાણી સાંભળીને હસ્યો.

⁠પણ પોતાના તારણહાર સમા મુરબ્બીના જીવનસાયુજ્યનો પ્રશ્ન આમ મજાકમાં હસી કાઢવામાં આવે એ એને રૂચ્યું નહીં.

⁠‘કીલો તો કહે છે કે મારી ખુરસી સાથે તમારી છોકરીને ચાર ફેરા ફેરવો!’ મંચેરશા હજી પોતાના ભાઈબંધની ઉક્તિઓ ટાંકીને ટાંકીને હસતા હતા, ને નરોત્તમને હસાવતા હતા.

⁠પણ હવે નરોત્તમને આ પ્રશ્નની ગંભીરતા સમજાતાં હસવાનું સૂઝતું નહોતું. જેમ જેમ મંચે૨શા મજાક કરતા જતા તેમ તેમ નરોત્તમ વ્યગ્ર થતો જતો હતો. એવામાં જ, મંચેરશાની નજ૨ ખાલી ટિપૉય ઉપર પડી, અને ત્યાં સારસ-બેલડી ન દેખાતાં પૂછ્યું:

⁠‘અરે! અહીં પેલું સ્ટૉર્ક પડેલું હતું તે ક્યાં ખસેડિયું?’

⁠‘ખસેડ્યું નથી, એ તો ગયું, ઊડી ગયું,’ નરોત્તમે કહ્યું, ‘સારસ પંખીને પાંખ આવી—’

⁠મંચેરશાને આમાં કશું સમજાયું નહીં અને મૂંઝવણમાં માથું ખંજવાળતા રહ્યા એટલે નરોત્તમે વધારે મૂંઝવણપ્રેરક ઉક્તિ ઉચ્ચારી:

⁠‘પંખી ઊડી ગયાં, ને એને બદલે આ માણસ આવી ગયાં.’

⁠અને શા૨દાએ આપેલું પેલું રમકડું ટિપૉય પર ગોઠવતાં કહ્યું: ‘પંખીને બદલે હવે આ બે માણસ અહીં શોભશે–ગોરા સાહેબ ને એની મઢમ—’

⁠ભલાભોળા મંચેરશા ગજબની ગૂંચવણમાં પડી ગયા.

⁠‘મૂંગા પંખી કરતાં બોલતાંચાલતાં માણસ વધારે સારાં.’

⁠નરોત્તમ એકેક અર્થસૂચક વાક્ય બોલતો જતો હતો અને મંચેરશાના મનમાં જામેલી ગૂંચવણ ઉકેલવાને બદલે વધારે ગૂંચવાતી હતી.

⁠‘આઈ તારા નાતકમાં મુને તો કાંઈ સમજ પડતી નથી!’ આખરે મંચેરશાએ કહ્યું,

⁠નરોત્તમને આશ્ચર્ય થયું. થોડી વાર પહેલાં શારદા આવેલી ત્યારે એણે પણ ‘નાટક’નો શબ્દપ્રયોગ કરેલો. સંભવ છે કે, કદાચ ચંપાએ પોતે જ એ શબ્દ શારદાને કહ્યો હોય. અને એમાં ખોટું પણ શું હતું? રેલવે સ્ટેશન ઉપર મજૂરનું પાત્ર ભજવનાર ‘પરભુલાલ’ના નામાભિધાન વડે મોટો વેપાર ખેડનાર અને એ રીતે પોતાની વાગ્દત્તાને પણ વિમાસણમાં નાખી દેના૨ માણસની પ્રવૃત્તિને ‘નાટક’ ન કહેવાય તો બીજું કહેવાય પણ શું?… અત્યારે મંચેરશાએ સાહજિક રીતે જ શબ્દપ્રયોગ કર્યો એ નરોત્તમને બહુ સૂચક લાગ્યો અને તેથી જ એને સમજાયું કે પોતાના નિકટ સાથી સમક્ષ હવે આ નાટક ભજવવું યોગ્ય ન ગણાય. મંચેરાશા જેવા દિલસોજ માણસને વિશ્વાસમાં લેવાનું મુનાસિબ લાગતાં એણે નિખાલસપણે બધો ઘટસ્ફોટ કરી નાખ્યો.

⁠બે સરલહૃદય યુવકયુવતી વચ્ચે… બે મુગ્ધ વિરહાત્માઓ વચ્ચે આવી સંજ્ઞાત્મક વસ્તુઓ વડે થયેલ આ સંદેશ-વિનિયમની વાત સાંભળી મંચેરશાનો હમદર્દ આત્મા હલમલી ઊઠ્યો:

⁠‘શાબાશ, ડીકરા, શાબાશ!’ કહીને એ જરથોસ્તી જીવ પોકારી ઊઠ્યા: ‘તું બી ખરો છૂપો રૂસ્તમ નીકલિયો, હોં! તેં બી કમાલ નાતક ભજવી નાખિયા! પેલો બિચારી મનસુખલાલ તો તને હજી પરભુલાલ સમજીને એ જ તારી જૂની ફિયાન્સી જોડે અદરાવવા માગે છે! બિચારાની રેવડી દાણાદાણ કરી નાખવાનો તું—’

⁠‘જોઈએ હવે, આમાં કોની રેવડી દાણાદાર થાય છે, એ.’ નરોત્તમે કહ્યું, ‘કદાચ મારી જ રેવડી થઈ જાય એવું જોખમ છે—’

⁠‘હવે તો તું ને કીલો બેઉ જણા અદરાવાના થિયા. જોઈએ, હવે બેમાંથી કોન પહેલો પન્ની જાય છે—’

⁠‘કીલાભાઈએ જ પહેલાં પરણવું જોઈએ—’

⁠'કીલો તો હવે પન્ની રિયો—’

⁠‘શા માટે? તમારે એમને સમજાવવા જોઈએ—’

⁠‘એ હવે સમજે એમ લાગતું નથી,’ મંચે૨શાએ જરા વિચાર કરીને કહ્યું, ‘એણે તો સાધુબાવા પાસે બ્રહ્મચર્યની દીક્ષા લીધી છે ને!’

⁠નરોત્તમ માટે આ સમાચાર સાવ નવા હતા. મંચેરશાને મોઢેથી કીલા વિશેની આ નવી વિગત સાંભળીને એ ચોંકી ઊઠ્યો. એ પૂછવા લાગ્યો: ‘ક્યારે? ક્યારે દીક્ષા લીધી છે? કોની પાસે દીક્ષા લીધી છે.’

⁠‘એ તો ઘરબાર છોડીને પાંચ વરસ સુધી બહાર ચાલ્યો ગયો હતો ને? ત્યારે બડરી-કેડા૨માં કોઈ બાવાજી ભેટી ગયેલા ને એની જોડે ભભૂત ચોળીને બેસી ગયેલો—’

⁠‘સાચું કહો છો? મને તો આજ સુધી આ વાતની ખબર પણ નહોતી—’

⁠‘કોઈને ખબર નથી,’ મંચેરશાએ કહ્યું, ‘ફક્ત હું, કીલો ને એનો ગુરુ ત્રણ માણસ સિવાય બીજા કોઈને આ વાતની ખબર નથી.’

⁠‘પણ હવે તો—’

⁠‘હવે તો એ ગુરુને છોડી નાસી આવ્યો છે.’

⁠‘નાસી આવ્યા છે? ગુરુને છોડીને?’ નરોત્તમે વધારે આઘાત અનુભવ્યો. પૂછ્યું: ‘શા માટે?’

⁠‘સાધુજીવનમાં એને કાંઈ સાર દેખાયો નહીં એટલે પાછો સંસારમાં આવી પડ્યો.’

⁠‘સંસા૨માં પાછા આવ્યા જ છે, તો હવે ૨ીતસ૨નો ઘરસંસાર માંડવામાં એને શું વાંધો છે?’

⁠‘મેં પણ એને એ જ કહ્યું, પણ માનતો નથી,’ કહીને મંચે૨શાએ ગંભી૨૫ણે સૂચવ્યું: ‘હવે તો તું એને સમજાવી જો! કદાચ તારી વાત માની જાય તો—’

⁠‘ભલે, હું સમજાવીશ.’ નરોત્તમે કહ્યું, ‘ને મનાવીશ પણ ખરો—’

બીજે દિવસે નરોત્તમ કોઠીમાં કીલાને મળવા ગયો ત્યારે એને ઉંબરામાં પેસતાં જ કીલાએ પોતાની લાક્ષણિક ઢબે પોંખવા માંડ્યો: ‘કેમ અલ્યા મોટા, હમણાં કાંઈ બહુ મોંઘો થઈ ગયો છે?’

⁠‘હું તો સાવ સોંઘો છું… તાંબિયાના તેર કરતાંય સોંઘો. નરોત્તમે નમ્રતાથી કહ્યું. અને પછી આટલા દિવસમાં આ મોટેરા વડીલ સાથે કેળવાયેલી નિકટતાની રૂએ એણે ઉમેર્યું: ‘મોંઘા તો તમે થઈ ગયા છો!’

⁠‘અલ્યા, આ કીલાને મોંઘો કહેનારો તો આ ગામ આખામાં તું જ એક નીકળ્યો!’

⁠‘હું એકલો નહીં, ગામ આખું કહે છે કે કીલાભાઈ ખુરસી ઉપર બેઠા, પછી બહુ મોંઘા થઈ ગયા—’

⁠‘કોણ એમ કહે છે?’

⁠‘નામ જાણીને શું એમને સહુને ફાંસીએ ચડાવશો? હાથમાં અમલ આવ્યો છે, એટલે એનો આવો ઉપયોગ કરશો?’ નરોત્તમે કહ્યું, ‘નામ ગણાવીશ તો તમને માઠું લાગી જશે.’

⁠‘કીલાને તે વળી માઠું લાગતું હશે? આ દુનિયાએ આજ સુધીમાં મને માઠું લગાડવામાં કાંઈ કમી રાખી છે?’ કીલાએ કહ્યું. ‘મને માઠું લગાડવું હોય એટલું લગાડ તું તારે—’

⁠‘તો સાંભળો, નરોત્તમે શરૂ કર્યું. ‘એક તો, મુનસફ સાહેબ કહે છે, કે તમે મોંઘા થયા છો—’

⁠‘હા, સાચું, પછી?’

⁠નરોત્તમે આંગળીના વેઢા ઉપર અંગૂઠો મૂકતાં મૂકતાં ગણતરી આગળ વધારી, ‘બીજા, મહાલકારીની કચેરીના અવલ કારકુન કહે છે કે—’

⁠‘બસ, બસ, બસ બહુ થઈ ગયું! કીલાએ હસી પડતાં કહ્યું: ‘સમજી ગયો, સંધુંય સમજી ગયો!’

⁠‘ત્રીજા, નગરશેઠ પોતે કહે છે, કે—’

⁠‘પણ કહું છું કે સમજી ગયો! હવે આ વસ્તીગણતરી બંધ કરીશ?’

⁠‘શું સમજી ગયા?’ નરોત્તમે પૂછ્યું: ‘કહો જોઈએ’

⁠‘તને મંચે૨શાએ પઢાવીને અહીં મોકલ્યો છે!’ કહીને કીલાએ સ્વગતોક્તિ ઉમેરી: ‘પારસી પણ ભારે પાકા નીકળ્યા! પોતે ન ફાવ્યા એટલે આ લવરમૂછિયા છોકરાને મારી પાસે મોકલ્યો!’

⁠‘પણ શું કામ મોકલ્યો છે, એ તમે જાણો છો?’

⁠‘આ કીલાને કંકુઆળો કરવા. બીજું વળી શું કામ હોય?’

⁠‘હા બસ એ જ કામ છે. તમને કંકુઆળા કરવા છે… તમે ના પાડશો તોપણ—’

⁠‘પણ આમાં તો કીલો કંકુઆળો નથી થાતો, કીલાની ખુરસી કંકુઆળી થાય છે—’

⁠‘તમે તો આવા ને આવા જ આખાબોલા રહ્યા–શિરસ્તેદાર થયા, તોપણ’—

⁠‘હું આખાબોલો નથી, સાચાબોલો છું,’ કીલાએ સમજાવ્યું: ‘ને સાચું બોલી નાખું છું, એટલે જ સહુને કડવો ઝેર જેવો લાગું છું, સમજ્યો ને મોટા?’

⁠‘પણ જિંદગી આખી આવા કડવા ને કડવા રહેશો? જરાક તો મીઠાશ રાખો જીભમાં!’

⁠‘મીઠાશ રાખવાની તો બહુ મહેનત કરું છું પણ કોણ જાણે કેમ, દુનિયા જ એવી કપટી છે, કે જીભમાં કડવાશ ન આવતી હોય તોય આવી જાય—’ કહીને કીલાએ સમજાવ્યું: ‘જો ને આ ત્રણ નામ તેં ગણાવ્યાં, એ ત્રણેય જણાને કીલા સાથે સગપણ સાધીને પોતપોતાનો સ્વાર્થ સાધવો છે.

⁠‘એમાંય તમને સ્વાર્થ દેખાય છે? તમને કોઈ કન્યા આપવા આવ્યા, એમાંય સ્વાર્થની ગંધ આવે છે?’

⁠‘ગંધ નથી આવતી, આ તો નજરે જોઉં છું. આ નગ૨શેઠને એ. જી. જી. સાહેબની મહેરબાની મેળવવી છે એટલે મને લાગમાં લેવા માગે છે. મુનસફ સાહેબને મુનસફના હોદ્દાથી સંતોષ નથી. એને વળી ઉપલી કોરટમાં સરન્યાયાધીશ થવાના ધખારા છે. ત્રણ-ત્રણ વરસથી એ ખુશામત ને ખટપટ કરી રહ્યો છે, પણ ફાવતા નથી એટલે હવે મને રાજી કરવા નીકળ્યા છે. ને મહાલકારીની કચેરીના અવલ કારકુન એક ફંદામાં ફસાઈ ગયા છે, એણે ખાયકી બહુ ખાધી છે, એટલે ઉપરી ખાતામાં તેની નનામી ફરિયાદ થઈ છે. એને હવે નોકરી જાવાની બીક છે, એટલે મને લાગમાં લેવા નીકળ્યા છે—’

⁠આવી આખાબોલી વાણી સાંભળીને નરોત્તમ અવાક થઈ ગયો એટલે કીલાએ ઉમેર્યું: ‘આ સહુનાં સ્વાર્થ સધાવવા સારુ આ કીલાએ ઘરસંસાર માંડવો?

⁠‘મને તો આ તમારી વાત ગળે ઊતરતી નથી,’ નરોત્તમે કહ્યું : ‘એ લોકો બિચારા લાગણીથી તમને પરણાવવાની વાત લઈને આવ્યા એમાં અત્યારથી જ તમે કેમ માની બેઠા કે તમારી પાસે પોતાના સ્વાર્થ સધાવવા માગે છે?’

⁠‘મોટા, તેં હજી મારા જેટલી દુનિયા જોઈ નથી. એટલે આવી વાત ઘડીકમાં નહીં સમજાય. આ શિરસ્તેદારની ખુરસી ઉપર બેસનારાએ આજ સુધીમાં કેવા ધંધા કર્યા છે, એની તને ક્યાંથી ખબર હોય? કીલાએ સ્ફોટ કર્યો: ‘આજ સુધી સંધાય શિરસ્તેદારો લાંચિયા ને ખાઉધરા જ આવ્યા છે. એટલે તો એ. જી. જી. સાહેબે મને રઝળતા માણસને હાથ ઝાલીને આ હોદ્દા ઉપર બેસાડ્યો છે. ને હવે હું પોતે જ એવા ધંધા કરું તો, મારું તો નહીં પણ મારા બારિસ્ટર બાપનું નામ લાજે ને?’

⁠‘એવું કામ કરવાનું કોઈ કહેવા આવે ત્યારે ના કહી દેજો.’

⁠‘પણ એના કરતાં આવી પળોજણમાં પડવાને બદલે હું રેંકડી હાંકવા જ ન હાલ્યો જાઉં? ભલાં મારાં રમકડાં ને ભલો હું—’

⁠કીલાનું દૃઢ વલણ જોઈને, અને પોતાની પાસે દલીલો ખૂટવાથી નરોત્તમ મૂંગો થઈ ગયો એટલે કીલાએ પોતાનું મંતવ્ય ભારપૂર્વક ઠસાવવા ઉમેર્યું: ‘મોટા, તેં હજી દુનિયાના મામલા ઝાઝા જોયા નથી એટલે આવી વાત નહીં સમજાય. મારા વાલેશરી ને હિતેશરી થઈ ફૂટી નીકળેલા આ સહુ તો લાભેલોભે લોટે છે. બાકી આ કીલો તો ગામ આખાની નજર સામે સ્ટેશન ઉપર આટલાં વરસથી પડ્યો હતો. પણ ત્યારે કેમ કોઈ મારો ભાવ પણ નહોતા પૂછતા? આ તો મીઠીબાઈસ્વામી વખાણમાં કહે છે એમ, સમા સમાને માન છે. માણસ પોતે તો એના એ જ હોય છે. પણ સમો બળવાન છે. બાણાવળી અર્જુન તો હતો એ જ હતો, ને એનાં ધનુષબાણ પણ એ જ હતાં. પણ એક સમે એને કાબા લૂંટી ગયા ને બીજે સમે એણે એ જ ધનુષબાણથી મચ્છવેધ કરી નાખ્યો, ને દ્રૌપદીને પરણી આવ્યા—’

⁠‘તમારો સમો પણ અત્યારે બળવાન છે, તો અર્જુનની જેમ મચ્છવેધ કરી નાખો,’ નરોત્તમે કહ્યું, ને પછી, બીતાં બીતાં મજાકમાં ઉમેર્યું: ને ઘરમાં દ્રૌપદીની પધરામણી થવા દો—’

⁠‘પધારો! પધારો!’ બારણા ત૨ફ જોઈને કીલો ઉમંગભેર બોલી ઊઠ્યો.

⁠નરોત્તમે જોયું તો બારણામાં એક કંગાલ ડોસો ઊભો હતો. એના કરચલીઆળા ચહેરા ૫૨ મૂર્તિમંત દૈન્ય દેખાતું હતું. થાગડથીગડ સાંધેલાં કપડાં એની દરિદ્રતા સૂચવતાં હતાં. નિસ્તેજ આંખોની પાંપણ ઉપ૨ કોઈ અકથ્ય મૂંગી અંતરવેદનાનો ભાર તોળાતો હતો.

⁠‘પધારો, જૂઠાકાકા, પધારો!’ કીલો ઊભો થઈને કોઈ ઉપરી અધિકારીનું સ્વાગત કરતો હોય એ ઢબે આદરપૂર્વક ઉંબરા સુધી પહોંચ્યો.

⁠આવાં આદરમાન જાણે કે વધારે પડતાં લાગ્યાં હોય એવા સંકોચ સાથે ડોસો એક પગલું પાછો હટી ગયો.

⁠‘અંદર આવો, અંદર આવો! બેસો!’ કરીને કીલો આ આગંતુકને પ્રેમપૂર્વક ઓરડામાં દોરી લાવ્યો, ને સરકારી ખુરસી પર બેસવાનું કહ્યું.

⁠જાણે કે ખુરસી જેવું અમીરી બેસણું જોઈને જ પોતે ભડકી ગયો હોય એમ ડોસો ગભરાતો ગભરાતો ભોંય ઉપર બેસી ગયો.

⁠‘નીચે બેસાય, કાકા?’ કીલાએ ફરી એને ખુરસી પર બેસવા આગ્રહ કર્યો.

⁠‘મને કાકા કાકા કહીને શરમાવો મા, કામદાર!’ ડોસાએ પહેલી જ વાર ધ્રૂજતાં ધ્રૂજતાં આટલા શબ્દો ઉચ્ચાર્યા. ‘હું તો તમારા બાપુનો વાણોતર—’

⁠પણ હું તમારી કાખમાં રમીને મોટો થયો છું ને?’ કીલાએ મીઠા મધ જેવા પણ આર્દ્ર સ્વરે કહ્યું. ‘બાપુનું ગામતરું થયા પછી તો તમે જ બાપુને ઠેકાણે—’

⁠‘એ તો બારિસ્ટર સાહેબની મન-મોટપ તમારામાં ઊતરી છે એટલે,’ ડોસાએ કહ્યું, ‘બાકી બીજા કોઈ તો આંખની ઓળખાણેય શેની રાખે?’

⁠નરોત્તમ ક્યારનો આ વૃદ્ધને ઓળખવા મથી રહ્યો હતો. આ માણસને અગાઉ ક્યાંક જોયા હોય એમ લાગ્યું. પણ ક્યાં જોયેલા એ યાદ આવતું નહોતું. અણસાર પરિચિત લાગ્યો પણ ઓળખ મુશ્કેલ લાગી.

⁠એવામાં જ કીલાએ વાત વાતમાં આગંતુકને પૂછ્યું: ‘શું કરે છે મીઠીબાઈસ્વામી?’

⁠‘ધરમધ્યાન ધરે છે, ને કરમ ખપાવે છે.’ જૂઠાકાકાએ ઔપચારિક ઉત્તર આપ્યો.

⁠અને તુરત નરોત્તમનો સ્મૃતિદોર સંધાઈ ગયો અને યાદ આવ્યું કે આ તો, તે દિવસે પોતે કીલાભાઈ જોડે ઉપાશ્રયમાં ગયેલો ત્યાં જોયેલા એ જ ડોસા… જેણે કીલાને ‘કેમ છો કામદાર?’ કહી બોલાવેલા, અને કીલાએ એ સાચા નામોચ્ચાર બદલ ડોસાને મીઠો ઠપકો આપેલો…

⁠‘ઘણાય દિવસથી તમારી પાસે આવું આવું કરતો’તો. પણ અવાતું નહોતું,’ જૂઠાકાકા બોલતા હતા.

⁠‘કોઈ હારે કહેવરાવ્યું હોત, તો હું પોતે આવી જાત—’ કીલાએ વિનય દાખવ્યો.

⁠‘આમાં તો મારે જ આવવું પડે એમ હતું.’

⁠‘તમારું જ ઘર છે, કાકા—’

⁠‘કામદારના કુળની આ મોટાઈ હું ક્યાં નથી જાણતો?’ ડોસાએ વ્યથિત હૃદયે બોલતા હતા. ‘પણ મૂંઝવણ એવી ભારે આવી પડી છે, કે અહીં આવતાં પગ નહોતો ઊપડતો—’

⁠વ્યવહારદક્ષ કીલાને સમજતાં વાર ન લાગી કે ડોસા કોઈક નાજુક પ્રકારની મૂંઝવણ લઈને આવ્યા છે.

⁠‘તમે જરાય મૂંઝાશો નહીં, કાકા,’ કીલાએ હિંમત આપી, ‘મારા જેવું જે કાંઈ પણ હોય એ કહી દિયો—’

⁠ડોસાની નિસ્તેજ આંખોના ડોળા કીલાને બદલે નરોત્તમ ઉપર નોંધાયા એ ઉપરથી કીલો સમજી ગયો કે તેઓ આ અજાણ્યા માણસની હાજ૨ીનો ક્ષોભ અનુભવે છે. તુરત એણે કહ્યું: ‘આને તમે ન ઓળખ્યો, કાકા? તે દિવસે હું અપાસરે આવ્યો ત્યારે મારી ભેગો હતો એ…’

⁠‘હા, હા, હવે અણસાર ઓળખ્યો.’

⁠‘એનું નામ નરોત્તમ. મારો નવો ભાઈબંધ છે ને મંચેરશાની પેઢીમાં ભાગીદાર છે—’

⁠‘બરોબર ઓળખ્યા!’ જૂઠાકાકા બોલ્યા, ‘તમે મીઠીબાઈસ્વામીને વંદવા આવ્યા’તા ત્યારે તમારી ભેગા હતા… ઓળખ્યા! ઓળખ્યા!’

⁠કીલાએ ડોસાના હાવભાવ ઉપરથી પારખી લીધું કે, ‘ઓળખ્યા, ઓળખ્યા…’ એમ કરવા છતાં ડોસાને અત્યારે નરોત્તમની હાજરી અકળાવી રહી છે. કોઈક અત્યંત ગુહ્ય સત્યની અભિવ્યક્તિમાં આ ત્રાહિત વ્યક્તિ આડે આવી રહી છે. તુરત એણે નરોત્તમને સૂચન કર્યું: ‘મોટા, ઘડીક બહાર ઓશરીમાં બેસ ને!’

⁠નરોત્તમ ઊઠીને ઓસરીમાં ગયો, એટલે કીલાએ કહ્યું: ‘બોલો કાકા, શી વાત છે?’