વેવિશાળ/આ સવારી ક્યાંથી?
પણ સુશીલાને યાદ નહોતું રહ્યું કે `ઠેરો' શબ્દ લિફ્ટને ઊભી રાખી શકતો નથી. એક વાર તો લિફ્ટને છેક નીચે સુધી ઊતરી જવું પડ્યું. બેઉને એકલાં ઊભાં થઈ રહેવું પડ્યું. સુશીલા ભયની ફાળ ખાતી ખાતી પોતાના ઘરનાં બારણાં તરફ જોતી જોતી એટલું જ પૂછી શકી : `શા માટે આવવું પડ્યું?' `તમે બધેય ફરિયાદ કરતાં ફરો છો એટલે,' સુખલાલે નીચું જોઈ જવાબ દીધો. `મારો ગુનો કહેવો હોય તો કહીને પછી ચાલ્યા જાવ. જલદી કહો, જુઓ લિફ્ટ આવે છે.' એણે ઉપર-નીચે થતાં લિફ્ટનાં કાળા વાસુકિ સમાં દોરડાં જોયાં ને ઊંડે લિફ્ટનો કૂવો જોયો. `મારા બાપુની પાસે લખાવી તો તમે લીધું, ને હવે મને ગરીબને ટોણો મારો છો?' `પોતાને ગરીબ ગરીબ કરી ગુમાન શું કરો છો? સ્ત્રીને આગમાંથી બચાવવાની શક્તિ તો નથી. બાપુની પાસે જેણે લખાવ્યું હોય તેને તો જઈને પૂછતા નથી.' `પૂછવા જ આવ્યો છું.' `અત્યારે તો ધૂંઆપૂંઆ છે. મારાં ભાભુ પર રામકા'ણી રાખી છે. તમે ચાલ્યા જ જાવ. તમારા પર કાળ ભમે છે. જુઓ, લિફ્ટ આવી ગઈ.' લિફ્ટ આવીને આ માળે થંભી. લિફ્ટ-મૅને પોતાના તે દિવસના રગડપાટનો બધો જ કંટાળો સુશીલાને ઉંબરે ઠાલવતાં બારણાંને દાઝભેર ખોલ્યાં. `સબૂર સબૂર!' એવા શબ્દો સુશીલા અને સુખલાલની પછવાડે સીડીનાં પગથિયાં પરથી આવ્યા. બેમાં ત્રીજું માનવી ઉમેરાયું. ધોતિયાનો એક છેડો હાથમાં, લાંબી લાંબી ડાંફો, અડીખમ પગલાં, ગઠ્ઠાદાર કાઠી, અને સહેજ ફાંગી આંખ! હાથમાં એક લાકડી સહિત ખુશાલ સીડીનાં પગથિયાં છલાંગતો આવી પહોંચ્યો ને લિફ્ટવાળા પ્રત્યે બોલ્યો : `લે જાવ, ભૈયા!' `ક્યા યે તમાશા કર રહે હો, જી!' બોલતો એ ભૈયો ભડોભડ બારણાં બીડતો, આ પ્રેમ-તમાશાથી ત્રાસીને કેમ જાણે ધરતીના પેટાળમાં ઊતરી જતો હોય તેવી ઝડપે, લિફ્ટને નીચે સરકાવી ગયો. `ગભરાશો નહીં,' ચમકેલી સુશીલાને ખુશાલે ધીરજ દીધી : `હું તમારો જેઠ ગણો તો જેઠ થાઉં છું.' એમ એણે કહેતાંની વાર સુશીલા એ અજાણ્યા આક્રમણકાર પ્રત્યેનો ખિજવાટ શમાવી લઈને લજ્જાભરી અદબથી બાજુએ ફરી ગઈ. તરત ખુશાલે બીજું વાક્ય સંધાડ્યું : `ને જૂના નાતાને હિસાબે હું તારો મામો પણ થાઉં, બે'ન સંતોક!' કાઠિયાવાડના વણિકોમાં અવળસવળ સગપણોના વિચિત્ર વેલાઓ જુક્તિભેર અટવાયેલા હોય છે. અટવાતાં અટવાતાં એમાં એક જાતનું સોહામણું ગૂંથણ થઈ ગયું હોય છે. ગૂંથાતાં ગૂંથાતાં એના રજકણો નવીન જાતની મેળવણી મચાવી બેસે છે. એવી મેળવણીમાંથી ઉદ્ભવ પામતી લાગણીઓ ઘણી વાર એકબીજી વચ્ચેનું અક્કડ છેટાપણું નાબૂદ કરી નાખે છે. સસરો ને વહુ ઘણી વાર મામા-ભાણેજનો સંબંધદાવો દિલમાં સજીવન રાખે છે. દેરાણી-જેઠાણી અનેક વાર ફુઈ-ભત્રીજી કે માસી-ભાણેજ હોય છે. આજે મોટે ભાગે બંધાઈ ગયેલાં એ સંબંધ-ખાબોચિયાં કોઈ કોઈ ઠેકાણે સજીવન ઝરણાંરૂપે પણ વહેતાં હોય છે. `બે'ન સંતોક' એટલા જ શબ્દોએ સુશીલાના અંતરમાં કોઈક નિકટતાનો ભાવ મૂકી દીધો; ખુશાલની જડતાનું કૂણું કલેજું બતાવ્યું. ખુશાલભાઈ આંહીં ક્યાંથી ફૂટી નીકળ્યા, એ વિસ્મયમાંથી સુખલાલ છૂટે તે પહેલાં તો સુશીલાએ ઘરનાં બારણાં તરફ હાથ લંબાવ્યો. ભૂલી ગઈ હતી કે પોતે કમાડ અધબીડ્યાં રાખવાને બદલે પૂરાં બંધ કરી દીધાં હતાં. એ તો હવે અંદરથી જ કોઈક ખોલે ત્યારે ખૂલી શકે. એનો હાથ ટકોરીની વીજળી-ચાંપ પર ગયો. ખુશાલે ને સુખલાલે બેઉએ એ જમણા હાથની કોણી સુધીની કળાઈને ખુલ્લા સ્વરૂપે દીઠી; બેઉએ પોતપોતાની દૃષ્ટિએ દીઠી. સુખલાલની નજર ત્યાં નખલી બની જઈ એ ભીનલા વરણા હાથ પર દેખાતી લીલુડી નસોના વીણા-તારો બજાવવા લાગી. ખુશાલ મનમાં ને મનમાં બબડ્યો : `છે તો હાડેતી, હાથે કામ કરતી લાગે છે. મુંબઈનું પીળું પચકેલ કે નાજુક કે તકલાદી રાચ નથી લાગતું.' ખુશાલભાઈ બેશક હજુ સ્ત્રીની તુલના કે પરીક્ષા ઘરસંસારના `રાચ' લેખે જ કરતો અને સ્ત્રીને `દેવી' તેમ જ `જીવન-સખી' કહેનારા કેટલાક ભણેલા-ગણેલા કાઠિયાવાડી જુવાનોને પૂછતો કે `કાં, આ દેવી તો ત્રીજી વારનાં છે ને? તમારે બબે ને ત્રણ-ત્રણ વરસે ક્ષયથી મરી જાય એવી દેવીઓ જોઈએ છે; ને મારે તો ભાઈ, પંદર વરસનું જૂનું — એયને મજાનું રીઢું થઈ ગયેલ `રાચ' જોવે છે. જુવો — આ મારા દાદાના વખતની ``રોસ્કોપ ઘડિયાળ : હજી એકે દી ખોટકી નથી; તેમ નથી આ મારું ``રાજેશ ચપ્પુ વીસ વરસથી ખોવાણું. બાયડી પણ અમારે તો સંભાળીને સાચવવા જેવું ટકાઉ રાચ છે, ભાઈ! સંભાળીને રાખીએ, રેઢું ન મૂકીએ, કાટ ન ચડવા દઈએ, દેખાડો કર્યા વગર ખપજોગું જ વાપરીએ, તો ``રાચ કહ્યે કાંઈ અપકીર્તિ નથી, ને ``દેવી કહ્યે કાંઈ વિશેષતા નથી.' આવી ટકાઉપણાની દૃષ્ટિએ ખુશાલે સુશીલાને જોયા કરી. હવે એ માથું જોતો હતો. માથું જરાય ચપટું નથી; આ ઉપસેલ માથા પર ઈંઢોણી ને હેલ્ય સરખી રે'શે નહીં. પણ ફિકર નહીં, ટેવ પડશે એટલે ચપટું થઈ જશે. ટિપાય એટલે તો લોઢુંય બાપડું ચપટું થાય, તો જીવતા માણસનું માથું શા સારુ ન થાય? વધુ વિચારનો વખત નહોતો. બારણાં ઊઘડ્યાં. ઉઘાડવા આવનાર ભાભુ જ હતાં. એણે કૌતુક દીઠું : આ સવારી … આ સુશીલા, બહારથી ક્યાંથી આવી? આ કોણ? ઉજાણીને દિને ફિક્કો, સુક્કો ને માંદલો, હડધૂત થતો હોવાથી તેજહીન દીઠેલો સુખલાલ આંહીં સ્વાધીન, આત્મશ્રદ્ધાભર્યો, ઉલ્લસિત અને લગ્ન-પ્રણયની ઝાલક છાંટતા દીદારે એકાએક તો ઓળખાયો પણ નહીં. પહેલી વાર તો સામાન્ય વિવેક કરી કહ્યું : `આવો ભાઈ.' ને પછી અણસાર પરખાઈ આવી તેમ જ સુશીલાએ ધારણ કરેલી અદબ પરથી પણ અનુમાન થયું ત્યારે, ભાભુ ઉમળકાભર્યો બોલ બોલી ઊઠ્યાં : `અહો! તમે ક્યાંથી? આવો, આવો નરવા છો ને?' તેની પછી ત્રીજો દીઠો ખુશાલભાઈને, ત્યારે વળી ગૂંચવાડો વધ્યો. રખે પોતાને જુદો ગણી ક્યાંઈક `કોણ છો ભાઈ? શું કામ છે?' એવો તોછડો પ્રશ્ન પૂછી બેસશે એમ વિચારીને ખુશાલે જ વેળાસર અંદર પેસતે સંબોધન કર્યું : `કેમ છો ઘેલીબે'ન? ઓળખતાં તો ક્યાંથી હો? તમારુંય મોસાળ ઉપલેટે ને મારુંય મોસાળ ઉપલેટે. મારી બેન હેમીની દીક્ષામાં તમે આવેલાં…' એ ઓળખાણની યાદદાસ્ત ભાભુના અંતરમાં સહેલાઈથી સળવળી ઊઠી : `હેમીબાઈ સ્વામીના ભાઈ તમે ઘોઘાભાઈ ને?' `હા, ઘેલીબે'ન! નામ તો બરાબર યાદ રહ્યું છે ને શું?' એમ બેઉનાં પરસ્પર હુલામણાં નામો જ એ જૂની, લગભગ નષ્ટ થયેલી પિછાનને નવપલ્લવિત કરનારા સજળ ક્યારા બની ગયા. `બેસો બેસો, ભાઈ!' પતિના ચંપલનો સરપાવ અને સંતાપ કશી જ ચાલાકી વગર સાવ સાદી રીતે અંતરની આગોણમાં ભારી દઈને આ ગૃહિણીએ આવેતુઓને આસન આપ્યું. પછી એ પાણી લેવા ચાલી. જતાં જતાં એણે પતિના શયનખંડ તરફનું બારણું, મહેમાનોનું ધ્યાન ન ખેંચાય તેવી સ્વાભાવિકતાથી બંધ કરી દીધું. પાણી લઈને ભાભુ પાછાં આવતાં હતાં ત્યારે ખુશાલ એનું સાધ્વીમુખ જોતો હતો. એ વધુ માર્દવભેર બોલી ઊઠ્યો : `હેમીબે'નની સાથે તમારાય, જુવોને, દીક્ષા લેવાના ભાવ હતા. એવા તો બેયનાં બે'નપણાં હતાં! પણ તમે હતાં નાનાં, એટલે વળી મનવી લીધાં. મારી હેમીબે'ને જેવો સંયમ ઉજાળ્યો તેવો તમેય, ઘેલીબે'ન, સંસાર ઉજાળ્યો. હું તો ઘણા વખતથી સાંભળતો હતો, પણ આવતાં પગ ઊપડતા નો'તા : આજ ઓચિંતો ભટકાઈ ગયો. જોઈને આંખ્યું ઠરે છે : જાણે મારી હેમીબે'નને મળતો હોઉં… હા-હા-હા-હા એવું…' ખુશાલ એ વાક્ય પૂરું ન કરી શક્યો. મોં પરનો પરસેવો લૂછવાને બહાને એણે આંખોના ખૂણા લૂછી લીધા, ને પોતે આંસુ નથી લૂછ્યાં એવું બેવડે દોરે નક્કી કરવા માટે વીજળી-બત્તી તરફ જોઈને કહ્યું : `વીજળી-દીવાના હેવા મને માઠા!' ખુશાલભાઈ ઊંચેથી પાણી પીતો હતો ત્યારે એના ગળામાં મોટો ખળખળિયો ઠલવાતો ચોખ્ખો દેખાતો હતો. એટલે કે સાદો ખુશાલ નિ:સંકોચપણે ઘટક ઘટક પાણી પીતો હતો. ભાભુ સુખલાલની સામે પ્યાલો ધરીને ઊભાં રહ્યાં ત્યારે એટલું જ બોલ્યાં : `તમે તો ઓળખાવ એવા જ રહ્યા નથી. સારું થયું, બચાડા જીવને મુંબઈનું પાણી માફક આવી ગયું.' `સુખો સવતંતર બન્યો ને, ઘેલીબે'ન, એટલે શરીર વળ્યું.' `ધંધો કરે છે, એમ ને?' `ત્યારે? રસ્તાસર થઈ ગ્યો. પાંચ પૈસા એના બાપને મોકલતો થઈ ગયો. પાંચ-પચીસ નોખા પણ મૂકી શકે તેવો થઈ ગ્યો. હવે વાંધો નથી. તમારા પુન્યપ્રતાપે સુખનો રોટલો રળી લ્યે છે.' આ બધું કહેવામાં ખુશાલનો હેતુ સુખલાલના લગ્નનો `કેસ' મજબૂત કરવાનો હતો. પાણી પાઈ રહ્યાં તોપણ સુશીલાનાં ભાભુ નીચે બેઠાં નહીં. ઊભાં ને ઊભાં રહેવામાં એનો હેતુ અતિથિઓને જલદી ઉઠાડી વિદાય દેવાનો હતો. એનું કાળજું ફડક ફડક થતું હતું. પોતાનો પતિ સૂઈ નથી ગયો; ચંપલ ફગાવ્યું તે પછી પણ એણે એની સ્ત્રીને એ જ સ્થિતિમાં ઊભેલ નિહાળ્યા કરી હતી. પછી પત્ની બહાર ચાલી તે પણ લાલઘૂમ આંખે જોઈ રહ્યો હતો. પણ પછી જ્યારે એણે સ્ત્રીને શાંતિથી પરસાળમાં જઈ ચંપલ પાછો લઈ આવી બીજા ચંપલ પાસે મૂકતી દીઠી ત્યારે આત્મતિરસ્કાર અને તેજોવધથી ટુકડેટુકડા થઈ ગયેલો એ પતિ બીજું કોઈ શરણ ન સૂઝવાથી પડખું ફેરવી સૂઈ ગયો હતો. લડીને લોહીલોહાણ થયેલો સાપ કરંડિયામાં ગૂંચળું વળી જાણે પડ્યો છે. જેનું નામસ્મરણ પણ એના ઝનૂનમાં ભડકા પ્રજ્વલાવનારું બનેલું તે પોતે જ — તે સુખલાલ જ — આંહીં હાજર છે. નજરે જોશે તો કાળો ગજબ ગુજારશે. મહેમાનો રજા માગશે ને કદાચ પોતાના સ્વભાવ મુજબ `બેસો ને બાપુ!' એમ કહેવાઈ જશે તો શું થશે, એવી બીકે પોતે ઊભી ઊભી અંતરમાં ગોખતી હતી કે `આવજો ત્યારે!' `આવજો ત્યારે!' `આવજો ત્યારે!' અતિથિઓને જલદી વિદાય કરવાની એ આતુરતા અફળ બની. ભગવાન પ્રત્યેની ભાભુની ગુપ્ત પ્રાર્થના ભગવાને સાંભળી નહીં. સમયની પલેપલ જાણે પગમાં સીસું પૂરીને ચાલતી હતી. સુખલાલની સામે નજર મેળવવા ખુશાલભાઈ પ્રયત્ન કરતો હતો, પણ સુખલાલનું ધ્યાન બીજે હતું. એ તાકી રહ્યો હતો એક ત્રીજા માનવીની ક્રિયા તરફ. આ ત્રીજું માનવી તે સુશીલાની બા હતી. પરસાળમાં બેત્રણ વાર આવીને `આવો' એટલું પણ બોલ્યા વગર એ અંદર ચાલી ગઈ. અંદરના ખંડમાં એની ને સુશીલાની વચ્ચે કશીક ગરમાગરમી ચાલતી લાગી. માતાના પુત્રી પ્રત્યેના એ બોલ સંભળાતા હતા : `ત્યાં શીદ તરડમાંથી જોયા કરછ? જાને જઈને સામી બેસ ને? તારો કોણ થાય છે? તારા એવા કયા ઉમળકા ઢોળાઈ જાય છે! તારો ડોસો જાગતો હશે ને જાણશે તો ચિરાડિયાં કરી નાખશે, ખબર છે? તારી ડોશીની દશા હજી તો ઘડી પે'લાં કેવી કરી તે ભૂલી ગઈ? જાગશે તો સૌને ખબર પાડી દેશે. પોલીસને જ ભળાવી દેવો જોવે — પોલીસને! તે વગર કેડો નહીં છોડે.' સ્ત્રીઓમાં કુદરતે જ મૂકેલી એ કળા — કહેવું એકને ને સંભળાવવું કોઈક બીજાને એ કળા — સુખલાલના કાનમાં રામઢોલ બજાવી રહી હતી. એનું અંતર, યુદ્ધના તરઘાયા ઢોલ જેવું વધુ ને વધુ તપતું હતું. એની આંતરડી શેકાતી હતી. એની ચામડી જીવતે ઉતરડાતી હતી. આંહીંથી આ શબ્દો સંઘરીને પાછા ચાલ્યા જવાની સબૂરી એના અંતરમાં ટીપે ટીપે નિચોવાતી હતી. દેરાણીના આ શબ્દોને ડુબાવી રાખવા માટે મથતી જેઠાણી તે ક્ષણે ઓછાબોલી મટી જઈને ઉપરાઉપરી પ્રશ્નો પૂછવા લાગી હતી કે, `તમારા બાપાનો કાગળ છે કે? તમારાં બાને કેમ છે? આંહીં ખાવા-કરવાની શી ગોઠવણ રાખી છે? આંહીં તો બાપુ, પાણી લાગતાં વાર નથી લાગતી.' એ પ્રશ્નોના જવાબ આપવાનું ખુશાલને એકલાને જ ભાગે રહ્યું. સુખલાલની તમામ ચેતના એના કાનમાં જ કેન્દ્રિત થઈ ગઈ. એણે સુશીલાની માનો અકેક ઉચ્ચાર અગ્નિના તિખારાની પેઠે વીણી કાઢ્યો, ને એણે પુત્રીનો શેષ પ્રત્યુત્તર એક જ બોલમાં સાંભળ્યો : `મને કહેવું હોય તે કહી લે, બા; બીજા કોઈને માટે કાંઈ જ બોલ કાઢવાનો નથી. છેલ્લી વારનું કહી દઉં છું.' ખુશાલ આ દરમિયાન એક કામ કરી રહ્યો હતો. એણે પૂછી જોયેલું : `કેમ, શેઠિયા હજુ નથી આવ્યા?' જવાબ મળેલો : `મોટા શેઠ આવ્યા છે, પણ સૂઈ ગયા છે.' એ સૂઈ ગયેલાના કાનમાં તમરાં બોલે તેવી રીતે ખુશાલનો બોલાસ વધુ ને વધુ જોરદાર બનતો ગયો. અભરાઈ પરથી કોઈ બિલાડી એકસામટાં ભાણાં પછાડતી હોય એટલા જોશીલા ખડખડાટ સાથે એ દાંત કાઢવા લાગ્યો. આવી હિંમત આ ઘરની અંદર દાખવનાર માણસો ભાગ્યે જ કદી આવ્યા હશે. પલંગમાં પડેલો શેઠિયો, પેટમાં ઊપડેલી બરલને દબાવતા કોઈ દરદીની વેદના અનુભવી રહ્યો હતો. એનાથી વધુમાં વધુ તો સહેવાતું નહોતું આ કોઈ કંગાલ આગંતુકની સાથે પત્નીનું મુક્ત કંઠે બોલવું. ચંપલે ચંપલે સોરી નાખવાનું શૌર્ય જાણે એનાં આંગળાંને ટેરવેથી વિફળ વહી જતું હતું. `હવે તો સુખલાલને પૂરેપૂરો તમારો પુત્ર બનાવી લ્યો, ઘેલીબે'ન! એટલે અમારી સૌની જવાબદારી હેઠે ઊતરે.' એ ખુશાલના બોલનો જવાબ ભાભુ તો ન દઈ શક્યાં, પણ કાન પર બોલોશિયાં દબાવીને પલંગમાં પડેલા મોટા શેઠની ખોપરીમાં ઊઠેલા ચસકાઓએ દીધો. વધુ વાર એ આ અગ્નિશય્યામાં સૂઈ ન શક્યો. એ ઊઠ્યો, પગ નીચે મૂક્યા, બેઉ ચંપલો જાણે કે પગને ઝીલતાં હોય તેટલાં અચૂક ગોઠવાઈને પડ્યાં હતાં એટલે આપોઆપ પગ ઉપર આવી ગયાં. ચંપલના સ્પર્શે પત્નીની ધીરતાનું શરમિંદું સ્મરણ કરાવ્યું. એક ક્ષણ જાણે કે એ સ્પર્શમાંથી શબ્દ ઊઠ્યો કે `આકળા શીદને થાવ છો? અરે, બચાડા જીવ! તમે ઉતાવળા શીદને થાવ છો?' એ સ્પર્શરૂપી શબ્દોને જાણે કે શેઠિયો બીજી વાર પગ હેઠળ ચગદીને ચાલ્યો, ને પત્નીએ મૃદુ હાથે બીડી રાખેલું બારણું એણે ભડોભડ ઉઘાડી નાખ્યું. એના ડોળા રવેશમાં જામેલા દાયરાને તોપે ઉડાડવા જેવી ઉગ્ર દૃષ્ટિથી તાકી રહ્યા. એણે સુખલાલને પિછાન્યો, ખુશાલની ઓળખાણ બરાબર ન પડી. `જે જે! જે જે, ચંપકભાઈ! ઓહો, તમને પણ અમારા ગોકીરાએ સૂતા ઉઠાડ્યા! ચાલો, સારું થયું.' કોઈ પણ પ્રસંગે ખસિયાણા તો કદાપિ ન પડી જવું, એવી વિદ્યા ખુશાલે પોતાની ગામડાની નિશાળેથી નાનપણમાં જ મેળવેલી. માસ્તરે જ એને શીખવેલું કે પલાખાં પુછાય ત્યારે જે છોકરો સાચો કે ખોટો જવાબ તડાકાબંધ પરીક્ષકને આપે તે પાસ થવાનો; જરાક અચકાણા તો મૂઆ પડ્યા; વહેવારમાંય જીતશે એ કે જે સાચાખોટાની પરવા કર્યા વગર તડાકાબંધ પહેલો જવાબ આપશે. એ સિદ્ધાંતના પાલક ખુશાલે આ ગર્વિષ્ઠ શેઠિયો કાંઈ ન કહેવાનું કહી નાખવાનો સમય મેળવે તે પહેલાં જ વિરોધી મોરચો અરધોપરધો તો ભેદી નાખ્યો. `આવો.' એટલું તો નિચોવાઈ જઈને પણ શેઠથી બોલી જવાયું. `શું કરીએ, ભાઈસા'બ?' ખુશાલે શરૂ જ રાખ્યું : `તમારા પૂર્વજોનાં પુણ્ય બળવાન, તમારી પોતાની આવડત બળવાન, તે તમને ઈશ્વરે લાયકી મુજબ આપ્યું. અમારાં કરમ મોળાં, એટલે આખો દી ઢરડા કર્યા કરવાના રહ્યા. ઘણુંય વખત પુછાવીને આવવા મન થાય, પણ તાકડો જ બાઝે નહીં. પછી આજ તો મન કર્યું કે થાવી હોય તે થાવ, ચંપકભાઈને મુંબઈમાં આવીને કોઈ દી મળ્યો નથી — એક વાર નાતના જમણમાં આપણે બેય પડખોપડખ બેઠેલા, ને અમારું વાંસનું અથાણું તમને તે દી બહુ ભાવેલું, તે સિવાય મળવાનો જ મોકો ન રહ્યો. આજ તો હિંમત કરીને આ ભાઈ સુખલાલને ભેળા લીધા…' `કહો, ફરમાવો; મારું માથું દુખે છે.' મોટા શેઠ, કે જેમનું નામ મૂળ ચાંપશીમાંથી ચંપકલાલ બની ગયેલું, તેમનાથી આટલા કરતાં વધુ સભ્ય ન બની શકાયું. `કામ તો બીજું શું? હું હમણાં જ આ મારી ઘેલીબે'નને કહેતો'તો કે હવે તો સુખલાલ લાઇનસર થઈ ગયો. હવે તો તમારું ઘર પુત્રવંતું બનાવો એટલે સૌનો ભાર હળવો થાય. હજાર માણસું હજાર જાતની વાતું બોલ્યા કરે. તમને કોઈ કહેવા ન આવે, પણ અમારે તો જખ મારીને બજારમાં સાંભળવું પડે જ ને, ચંપકભાઈ!' `એ વાત મારે સાંભળવી નથી, એ વાત તો પતી ગઈ છે.' `પતી ગઈ છે?' ખુશાલે ચમક બતાવી. `હા, આના બાપા સાથે.' `હું એ જ જાણવા આવ્યો છું,' સુખલાલના શબ્દો આવ્યા : `કે મારા બાપા સાથે આપે શી સમજાવટ કરી છે.' મોટા શેઠના કાન પર જાણે વીજળીનો કડાકો થયો. માંદલો સુખલાલ — આ અધમૂઓ કંગાલ સુખલાલ — જ શું આ શબ્દોનો બોલનાર છે? હોઈ શકે? બૈરાં બધાં અંદર લપાઈ ગયાં હતાં. ભાભુ અને સુશીલા પોતાના ખંડમાં બે જ જણાં હતાં. બંને આ બહાર મચી રહેલા વાવાઝોડાની વચ્ચે ઉચાટભરી, ભયભરી છતાં સંયમી મુખમુદ્રા ધરી બેઠાં હતાં; પણ સુશીલા વારે વારે ચમકતી હતી. બહાર લિફ્ટનો સળવળાટ થયો. બારણાં ઊઘડ્યાં ને બિડાયાં. શેઠ-ઘરના બ્લૉકની ઘંટડી બજી. ભાભુએ જઈ બારણાં ખોલ્યાં. બારણાંની સામે એક પોલીસ-ઑફિસર અને બે પોલીસ ખડા થયા. તેમને ભાળતાં જ ભાભુ હેબતાયાં. `શેઠ છે અંદર?' ઑફિસરે ગૌરવભેર પૂછ્યું `શું કામ છે?' `મળવું છે,' એમ કહીને ઑફિસર અંદર દાખલ થયો. ભાભુ અંદર ચાલ્યાં ગયાં. પતિને જાણ કરી : `પોલીસ આવેલ છે.' વેપારીના મનથી એક ઇન્કમટૅક્સના ને બીજા પોલીસના માણસનું આગમન જીવનના શ્વાસ ઉરાડી દેનારી બે અજોડ આફતો હોય છે. મોટા શેઠે ઊઠીને બહાર આવી પોલીસ-ઑફિસર પાસે રાંક દીદાર ધારણ કર્યો. પોલીસ-ઑફિસરે પૂછ્યું : `વિજયચંદ્ર દલપત નામના જુવાન આપને ઘેર આવે-જાય છે?' `એં-એં-કેમ?' વાણિયે મગનું નામ ન પાડ્યું. `એ આપનો ભાવિ જમાઈ છે તે સાચી વાત?' ફરીથી ગેં-ગેં-ફેં-ફેં થયું. પોલીસ-ઑફિસરે આગળ ચલાવ્યું : `છેલ્લા એ આંહીં ક્યારે આવેલા?' `મને — મને કાંઈ યાદ — યાદ…' `તમારાં પુત્રી ઘરમાં છે?' `છે.' `એમને થોડા પ્રશ્નો પૂછવા છે.' `સુશીલા —' એવો મોટા શેઠનો ફાટી ગયેલો અવાજ નીકળ્યો કે તરત જ સુખલાલ આવીને પોલીસઑફિસર પાસે ઊભો : `એને આપ શું પૂછવા માગો છો? શા આધારે પૂછવા માગો છો?' `આપ તો, સાહેબ,' ખુશાલે પણ આસ્તે રહીને કહ્યું, `ધાસ્તી પમાડવા જેવું કરો છો. અમને જ જે પૂછવું હોય તે પૂછો ને — શી વાત છે વિજયચંદ્રની?' પોલીસ-ઑફિસર આ બે જુવાનોની હિંમત ભાળી સહેજ અચકાયો. પણ એણે રુઆબ રાખીને કહ્યું : `તમે કોણ છો?' `એ જાણવું હોય તો ચાલો, હું આપની ભેળો કમિશનરસાહેબની કચેરી પર આવું. ત્યાં જ મારી સાચી ઓળખાણ પડશે.' પોલીસ-ઑફિસરે આ માણસને સાવ હિંગખાઉ ન માન્યો. એની માન્યતાને વધુ ઘાટી કરવા માટે ખુશાલે ઉમેર્યું : `કાયદેસર જે કરતા હો તે કરો ને!' નરમ પડીને પોલિસ-ઑફિસરે કહ્યું : `ચાલો, હું અંદર આવું? ત્યાં હું શાંતિથી સમજ પાડું.' `બેલાશક!' એવો એક જ રુઆબી શબ્દ કાઢતે કાઢતે ખુશાલે આ ઘરને ઘડીભર પોતાનું જ બનાવી લીધું. પોલીસ-અમલદારને અંદર દીવાનખાનામાં લીધા. મોટા શેઠને કોઈક વખતસરનો ઈશ્વરી મદદગાર આવેલો લાગ્યો. સુખલાલ પણ ખુશાલભાઈની હિંમતના પ્રકાશમાંથી પોતાની આંતરિક નૈતિક નીડરતાનો દીપક પેટાવીને અંદર ગયો. બધા ખુરશી પર બેઠા. ખુશાલે તો સુંવાળા સોફાને જ પોતાના ભરાવદાર દેહ વડે શણગારી દીધો. `હવે સબૂરી રાખીને પૂરી વાત કરો, રાવસાહેબ,' ખુશાલના એ બોલમાં આ ઘરના માલિકની સત્તાનો રણકાર હતો. મોટા શેઠને એ પળે જો ખુશાલનો ઘાટી બનીને ભાગ ભજવવાનું આવી પડત તોય વિના અચકાયે પોતે એ પાઠ પસંદ કરત, એવી એમની મનોવસ્થા હતી!