વ્યાજનો વારસ/ત્રણ તાંસળી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ત્રણ તાંસળી

નંદન અને અમરત આ ઘરનો સઘળો વારસો પચાવી પાડવા મથી રહ્યાં હતાં. દુનિયાની આંખમાં ધૂળ નાખવાના કીમિયાઓ યોજાઈ રહ્યા હતા. ચલાવેલો ગપગોળો સાચો પાડવાની તરકીબો અજમાવાઈ રહી હતી.

આભાશાને ત્યાં બહોળાં ઠામવાસણો એક અલાયદા ઓરડામાં ભરવામાં આવતાં. જાતજાતના ને ભાતભાતનાં વાસણોનો આ ભંડાર નાનાસરખા સંગ્રહસ્થાન જેવો બની ગયો હતો. એમાં શિહોરી થાળી, તાંસળી અને વાટકાઓ સાથે દક્ષિણી ઘાટઘૂટની ચીજો પણ નજરે પડતી, મારવાડી પ્યાલાઓ સાથે મુરાદાબાદી લોટા પણ દેખાતા. આટલું જાથુકનું વાસણ ગામ આખામાં ક્યાંય નહોતું. કોઈને ઘેર જમણવાર હોય ત્યારે આભાશાના ભંડારમાંથી ચીજો માગી જવામાં આવતી. આડે દિવસે તાળાકૂંચીએ રહેતો આ વાસણભંડાર સરઅવસરે જ ઉઘાડવામાં આવતો. આજે એવો કશો પ્રસંગ ન હોવા છતાં અમરત ચોરની પેઠે એ ભંડારમાં દાખલ થઈ તેથી તો નંદનને પણ નવાઈ લાગી.

આ ઓરડો એટલો તો અંધારિયેયો હતા કે ધોળે દિવસે પણ એમાં દાખલ થતાં બીક લાગે. અત્યારે રાત હોવા છતાં અમરતા બેધડક અંદર પ્રવેશી હતી. અમરતનું કાળજું લોઢાનું હતું.

દીવાના ઝાંખા ઉજાસમાં એ અવવારું વાસણો વધારે બિહામણાં લાગતાં હતાં. એક ખૂણે મોટી મોટી દેગો, કઢાઈઓ, ચાકીઓ ​ અને કોઠીઓ ઊંધી વાળેલી પડી હતી. બીજે ખૂણે પડેલા કાળામેશ જંગી બકડિયાં ટોળું વળીને સૂતેલાં રીંછડાંનો ખ્યાલ આપતાં હતાં. પરચૂરણ અને નાનાં ઠામવાસણનો તો પાર નહોતો. થાળી, તાસક, તાંસળી, પ્યાલા, કળશા, કમંડળ, કથરોટ, ઝારી, હલવાઈ, ચમચા, ડોયા વગેરેનો તો જાણે કે ડુંગર ખડકાયો હતો.

હળવે પગલે અમરત વાસણોના એ ડુંગર તરફ વળી. ડાબા હાથમાંના દીવા વડે જમણી બાજુ અમરતનો લાંબો લાંબો પડછાયો પડતો હતો અને આખા વાસણ–સમૂહને આવરી લેતો હતો. એ પડછાયો જોઈને અમરતે વિચાર્યું કે આ બધું મારી માલિકીનું થઈ જાય તો કેવું સારું !... હવે તો બધું મારા દલુના જ નસીબનું છે ને ! નંદુડીનું તો બધુંય બે ઘડીનું નાટક છે, એને તો છાકરોય હું કોક પાસેથી ભીખીને દઈશ ત્યારે થાશે ને ? એમ મળ્યે ઘીએ ચૂરમું થોડું થવાનું હતું ? આ તો નાટક માંડ્યું છે તે હવે પૂરું કર્યે જે છૂટકો છે. બાકી ગામ તો ગાલાવેલું જ કેવાય. એની આંખ આંજવી એમાં કઈ મોટી મોથ મારવાની હતી ?…

આટલું વિચારીને અમરતે પોતાના પડછાયા સામું જોયું અને વિચિત્ર રીતે હસી પડી. જાણે કે પડછાયાની અમરતને ઉદ્દેશીને એ કહેતી ન હોય  : ‘અલી અમરતડી, તારાં સંધાય કરતૂક હું જાણું છું હો !’

આ અવાવરું ઢગલામાં એક્કેએક વાસણથી અમરતનાં આંગળાં પરિચિત હતાં. જિંદગીનો પા ભાગ જેણે ભાઈને ઘેરે વિતાવ્યો હોય એનાથી શું અજાણ્યું રહ્યું હોય ? જાદુગરના જેટલી આસાનીથી એણે તાંસળીઓનો ઢગલો ખોળી કાઢ્યો.

અમરત ચોરની જેમ વાસણોને અડતી હતી અને સહેજ પણ ખખડાટ થાય તો કંપી ઊઠતી હતી.

સારી વાર સુધી પૂરતો વિચાર અને ગણતરી કરીને એ નાનામોટા કદની ત્રણ તાંસળીઓ અલગ તારવી કાઢી અને ​ મીંદડીની જેમ પગલાં ભરતી ભરતી એ તાંસળીઓ ઓરડાની બહાર લાવી.

નંદનને બોલાવીને અમરતે ચારમાંની સૌથી નાના કદની તાંસળી આપતાં કહ્યું :

‘આને તારે પેટે બાંધી દે... બે મહિના પછી આ બીજી બાંધજે... ને પછી આ ત્રીજી. મહિના તો આખા ને પાખા હવે છ–સાત કાઢવાના છે ને ? પછી તારો બેડો પાર થઈ ગયો સમજી લે !’

‘પણ પછી ?...’

‘લે ! પછી પછી પછવાડું: આ તો ડાહ્યલી ભારે. હું કહું એમ કરતી નથી ને...’ અમરતે આંખ કાઢી.

‘ઠીક લ્યો ! હવે નહિ બોલું; હાંઉં ?’

‘હાંઉં નહિ તો શું ? આવાં કામ કરવાં કાંઈ સહેલાં પડ્યાં છે ? લોઢાની છાતી જોઈએ લોઢાની. મારું મન જાણે છે, મેં કેમ આ કામ માથે લીધું છે એ. ને એમાં વળી તું ‘પછી’ ‘પછી’ કરીને મારો સગડ નથી મેલતી. આ શું ખાવાનો લાડવો છે. તે ચપ કરતોકને ખાઈ જઈએ ?’

‘ના, બાપુ, ના.’

‘તો ઠીક; બધુંય હજી સમેસૂતર પાર ઉતારતાં તો આ અમરતની આંખો ઠેઠ ઓડે પૂગશે.’

‘તમે જબરાં છો, બહેન !’

‘જબરાં થયા વિના આવાં કામ માથે લેતાં હોઈશું ?’ અમરતે અભિમાનથી કહ્યું : ‘તું એમ ન સમજતી કે તારી બેન ચંપલીને મેં સાવ મફતમાં પડાવી લીધી છે !’

‘એમ તે હોય, બહેન ! તમે તો મને નવો અવતાર અપાવ્યો છે. જંદગાની સાવ હારી બેઠી’તી, એમાંથી તમે એ જીતાડી દીધી.’

‘એમ મોઢાના મલાવા ઉતારીને ઠાલું મને રૂડું મનવ મા. આ અમરત રૂડું મનાવ્યે રીઝી જાય એવી ગાલાવેલી નથી હોં !’ ​ ‘હું ક્યાં નથી જાણતી ?’ નંદને કબૂલ કર્યું.

‘તો ઠીક. હું તો સીધી ને સટ વાત કરવાવાળી છું. બોલ; ચંપલીનાં લગન કઈ તિથિનાં લખાવી દઈશ ?’

પોતાની ભાવિ પુત્રવધૂ ચંપાને સંબોધવા માટેનો શબ્દ અમરતે અત્યારથી જ યોજી રાખ્યો હતો. બન્ને નાનીમોટી ભોજાઈઓ માટે ‘માનુડી’ ને ‘નંદુડી’ સંબોધનો વાપરનાર અને સુલેખાને માટે પણ ગેરહાજરીમાં ‘સુલેખડી’ બોલનાર અમરત દલુની વહુ માટે ‘ચંપલી’ કરતાં વધારે આદરભર્યો શબ્દ ન જ વાપરી શકે.

‘ચંપલી તો મારી મુઠ્ઠીમાં જ છે.’ નંદને પણ નાની બહેન માટે અમરતે યોજેલું સંબોધન વાપરી બતાવીને કહ્યું : ‘કમુરતાં ઊતરે એટલે કરીએ કંકુના.’

‘તો ઠીક.’ અમરતે અમલદારી અદાથી સંતોષ વ્યક્ત કર્યો.

‘એ તો મારે પોતે જ ત્યાં જઈને પ્રસંગ ઉકેલવાનો છે ને ?’ નંદને કહ્યું : ‘માનવંતીબહેન તો રૂસણાં લઈને બેઠાં છે. કહે છે કે દલુને શું જોઈને ચંપા દઈ દીધી ? મોટી બહેન તો લગનમાંય નથી આવવાનાં,’

‘એ વાંઝણી તો કોઈનું સારું વાંચતી જ નથી.’ દલુની નાલેશી થતી સાંભળીને અમરતે ચિડાઈ ઊઠતાં કહ્યું : ‘પોતાનો ભવ બગડ્યો એટલે સહુના ભવ બગાડવા બેઠી છે.’

‘ખોદશે એ પડશે’ નંદને મોટી બહેનને શાપ આપ્યો. અને પછી નણંદના મોં ઉપર હજીય દેખાતી ચીડનાં ચિહ્નો દૂર કરવા કહ્યું :

‘ચંપલીના એવા ભાગ્ય ક્યાંથી કે દલુભાઈ જેવા વર જડે ! ને તમ જેવાં જોરૂકાં સાસુ ! આ ભોજાઈ ઉપર પણ દીકરી જેટલું વહાલ રાખો છો, તે સગા દીકરાની વહુ ઉપર તો અછોઅછો વાનાં જ કરશોને ! મારે પોતાને જ ચંપલીના લગન ઉકેલવા જાવું પડશે.’

‘ને લગન પછી ત્યાં જ રહેજે.’ અમરતે હુકમ સંભળાવ્યો. ​‘કાં ?’ નંદન કશું ન સમજતાં બોલી ઊઠી.

‘કાગડાની જેમ કાં કાં શું કરે છે ?’ અમરતે ફરી મિજાજ ગુમાવ્યો. હમણાં હમણાંનું એનું વર્તન સરમુખત્યાર જેવું થતું જતું હતું. બોલીઃ ‘ત્રણ તાંસળી લઈ જઈને તારે પિયર પડી રહેજે. કહેવું કે, મને સાસરિયાના ઘરની સુવાવડ સદતી નથી…’

‘હા, એમ જ કહીશ.’

‘ને પછી સુવાવડ કરવાને બહાને મને તેડાવજે…’

‘તમારા આવ્યા વિના તો સુવાવડ થશે જ ક્યાંથી ?’ વાતનો વિષય હસવા જેવો નહોતો છતાં નંદનથી હસાઈ ગયું.

‘ને ખબરદાર, જો ઘરના ઉંબરાની બહાર પગ મેલ્યો છે તો ?’

‘હું શું છ મહિનાની કીકલી છું કે એટલું પણ ન સમજું ?’

‘જોઈ હવે મોટી સમજવાવાળી ! સમજતી હોત તો તો મારા કીધા વિના જ તને આ કોઠું કરવાનું ન સૂઝી ગયું હોત ?’ અમરતે નંદનને ચૂપ કરી દીધી.

‘બીજુ કાંઈ ?’ નંદને નરમાશથી વધારે સલાહ–સૂચનો માગી જોયાં.

‘બીજાની વાત પછી. આ ઉપાડ્યું છે એ એક પૂરું કરીશ તોય તારો બેડો પાર છે. ત્રણ તાંસળીએ તો તું ભવસાગર તરી જઈશ.’

જીવનમાં પહેલી જ વાર નંદનની છાતીએ ઉછાળો અનુભવ્યો.

*