શાહજહાં/બીજો પ્રવેશ2

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
બીજો પ્રવેશ

અંક ત્રીજો


         સ્થળ : અમદાવાદ, દારાની છાવણી. સમય : રાત્રિ.

દારા : વાહ કિસ્મત! રાજા-મહારાજા ઉપર આણ વર્તાવનારો દારા આજ ગામોગામથી જાકાર પામી પામીને પારકાને બારણે ભિખારી બન્યો છે; ઔરંગજેબ અને મુરાદના સસરાને ઘેરે ભિખારી! આટલા નીચા પડવાનું નહોતું ધાર્યું.
નાદિરા : નાથ, બેટા સુલેમાનના કાંઈ સમાચાર મળ્યા?
દારા : એના સમાચાર પણ એ જ, નાદિરા; મહારાજ જયસિંહ એને સાથે ખૂટીને ફોજ લઈ ઔરંગજેબની બાજુ ચાલ્યો ગયો. બેટો બિચારો મૂઠીભર સંગાથીઓને લઈ હરદ્વારને રસ્તે લાહોર મારી શોધમાં જતો હતો ત્યાં રસ્તામાંથી ઔરંગજેબની એક ફોજે એને શ્રીનગર તરફ હાંકી કાઢ્યો છે. અત્યારે સુલેમાન શ્રીનગરના રાજા પૃથ્વીસિંહને આંગણે ભિખારી બન્યો છે. કેમ, નાદિરા, રડે છે?
નાદિરા : ના, સ્વામી!
દારા : ભલે, રડી લે. હૈયું હળવું થશે. અરેરે! મારાથીય રડી શકાતું હોત!
નાદિરા : હજુ શું તમે ઔરંગજેબ સામે લડાઈ કરશો?
દારા : કરીશ જ તો. જ્યાં સુધી દેહમાં પ્રાણ છે ત્યાં સુધી તો લડીશ. મારા બુઢ્ઢા બાપને જ્યાં સુધી નહિ છોડાવું ત્યાં સુધી લડીશ. કેમ નાદિરા! માથું કાં નમાવી દીધું! મારા આ બધા તૉર તને પસંદ નથી આવતા ખરું? શું કરું?
નાદિરા : ના, નાથ, તમારી મરજી એ જ મારી મરજી. છતાં —
દારા : છતાં શું?
નાદિરા : વહાલા! રોજેરોજ આ બળતરા, આ ધમપછાડા, ને આ ભાગનાસ શા સારુ!
દારા : શું કરું? મારે પનારે તું પડી છો એટલે તો પછી તારે વેઠી લીધાં સિવાય બીજો શો ઇલાજ!
નાદિરા : હું મારે માટે નથી કહેતી, પ્યારા! હું તો તમારે ખાતર જ કહું છું. એક વાર અરીસો લઈને તમારો ચહેરો તો જુઓ, વહાલા, શરીર કેવું હાડપિંજર બની ગયું છે! આંખો કેટલી નિસ્તેજ અને વાળ પણ ધોળા—
દારા : આજ હવે જો મારો ચહેરો તને પસંદ ન પડતો હોય તો હું શું કરું! બોલ!
નાદિરા : હું શું એટલા માટે કહું છું?
દારા : તમારી ઑરતજાતનો એ સ્વભાવ જ છે. તમારે શું! તમે તો ફક્ત પ્યાર જ કરી જાણો. તમે અમારા સુખમાં વિઘ્નરૂપ છો, અને દુઃખમાં બોજારૂપ છો.
નાદિરા : [તૂટતે સ્વરે] નાથ, સાચે જ શું એમ! [હાથ ઝાલે છે.]
દારા : અહીંથી જા. અત્યારે મને બીજા સૂર ગમતા નથી.

[હાથ તરછોડી ચાલ્યો જાય છે. નાદિરા થોડી વાર સુધી આંખે વસ્ત્ર ઢાંકીને ઊભી રહે છે. ગાઢ સ્વરે બોલે છે.]

નાદિરા : દયાળુ પ્રભુ! હવે ક્યાં સુધી! હવે તો આંહીં જ પડદો પાડી દે! સલ્તનત હારી બેઠી; મહેલમોલાત છોડ્યાં; ટાઢ-તડકો, ભૂખ અને ઉજાગરા વેઠતાં વેઠતાં કેટલા દિવસ કાઢ્યા; બધું હસીને સહન કર્યું, કેમ કે મારા પતિદેવનો પ્રેમ હારી નહોતી. પરંતુ આજ — [ગળું ભરાઈ આવ્યું] — તો પછી હવે શા માટે! શા માટે! બધુંય સહી શકાય, પણ આટલું તો નહિ સહેવાય.

[રડે છે. સિપાર આવે છે.]

સિપાર : અમ્મા, આ શું? તું રડે છે?
નાદિરા : ના બેટા, હું નથી રડતી. ઓહ, સિપાર, સિપાર!

[રડે છે. સિપાર પાસે જઈને નાદિરાને કંઠે હાથ નાખી આંખો પરનું વસ્ત્ર ખેંચે છે.]

સિપાર : અમ્મા, રડે કેમ? કોણે તારું દિલ દુભાવ્યું? બોલ, હું એને કદી પણ નહિ છોડું. હું એને —

[એટલું બોલીને સિપાર નાદિરાને ગળે બાઝી પડી એની છાતીમાં મોં છુપાવી રડવા લાગે છે. નાદિરા એને છાતીસરસો ચાંપી લે છે. જહરતઉન્નિસા આવે છે.]

જહરત : આ શું! અમ્મા રડે છે કેમ, સિપાર?
નાદિરા : ના બેટા! હું નથી રડતી.
જહરત : અમ્મા! તારી આંખોમાં તો મેં કદી પણ પાણી નથી જોયાં. ચાંદનીની માફક રાત જેમ જેમ જામતી જાય તેમ તેમ તારું હાસ્ય પણ મેં ઉજ્જ્વલ થતું જોયું છે. ભૂખમરા અને ઉજાગરામાં પણ તારા હોઠ પર મેં એ હાસ્યને આફત વખતના દોસ્ત જેવું હાજર દેખ્યું છે — અને આજ આ શું થઈ ગયું, અમ્મા!
નાદિરા : એ વેદના તો વાણીમાં કહી જાય તેવી નથી, જહરત! આજ મારો દેવતા મોં ફેરવી બેઠો છે.

[દારા ફરી આવે છે.]

દારા : નાદિરા! મને ક્ષમા કર. મારો અપરાધ થયો છે. બાહેર ગયા પછી જ મને સૂઝ્યું. નાદિરા —

[નાદિરા વધુ ધ્રૂસકાં મૂકી રડે છે.]

દારા : નાદિરા! હું અપરાધ કબૂલ કરી લઉં છું. ક્ષમા માગું છું. છતાંયે જો તો! નાદિરા, જો તું જાણતી હોત, જો સમજતી હોત કે મારા અંતરમાં કેવી જ્વાલા દિવસ ને રાત જલી રહી છે, તો તું મારો આવો અપરાધ મનમાં કદી પણ લાવત જ નહિ, હો!
નાદિરા : અને તમે પણ જો જાણતા હોત, પ્રભુ, કે તમે મને કેટલા બધા વહાલા લાગો છો, તો તમે આટલા બધા કઠોર ન જ બનત.
સિપાર : [અસ્પષ્ટ સ્વરે] તમારી તો હું દેવ જેવી ભક્તિ કરું છું, બાબા!

[જહરત ચાલી ગઈ.]

નાદિરા : ના બેટા! તારા બાબાએ મને કશુંયે નથી કહ્યું હો! એ તો હું જ એવી અભિમાની છું — મારો જ અપરાધ હતો.

[બાંદી આવે છે.]

બાંદી : બાહેર એક આદમી બોલાવે છે, ખુદાવંદ!
દારા : કોણ છે?
બાંદી : ગુજરાતના સૂબેદાર છે, એમ સાંભળ્યું છે.
દારા : સૂબેદાર આવ્યા છે?
નાદિરા : હું અંદર જાઉં છું.

[જાય છે.]

દારા : એને આંહીં જ તેડી લાવ, સિપાર!

[બાંદી સાથે સિપાર જાય છે.]

દારા : જોઉં તો ખરો — જો આશરો મળી શકે તો.

[શાહનવાજ અને સિપાર આવે છે.]

શાહનવાજ : બંદગી, શાહજાદા!
દારા : બંદગી, સુલતાન સાહેબ!
શાહનવાજ : જહાંપનાહ મને યાદ કરતા હતા?
દારા : હા, સુલતાન સાહેબ, એક વાર આપને મળવાની ઇચ્છા હતી.
શાહનવાજ : ફરમાવો.
દારા : ફરમાન! એ દિવસો તો ગયા, સુલતાન સાહેબ! આજે તો ભિક્ષા માગવા આવ્યો છું. ફરમાન તો ઔરંગજેબ કરશે.
શાહનવાજ : ઔરંગજેબનું ફરમાન મારે માટે ન હોય.
દારા : કેમ નહિ, સુલતાન સાહેબ! એ હિન્દનો શહેનશાહ છે.
શાહનવાજ : હિન્દનો શહેનશાહ ઔરંગજેબ! જેણે પરમાર્થનો વેશ પહેરી બુઢ્ઢા બાપ સામે બંડ કર્યું, પ્યારનો પોશાક પહેરી સગા ભાઈને કેદ પૂર્યો, ધર્મનો દંભ કરી તખ્ત પચાવી પાડ્યું — એ શહેનશાહ?
દારા : સુલતાન સાહેબ, ઔરંગજેબ તો આપનો જમાઈ છે.
શાહનવાજ : જમાઈને બદલે સગો બેટો હોત — અને એ પણ સાત ખોટનો એક જ હોત, — તો પણ હું એનો ત્યાગ કરત. જીવું છું ત્યાં સુધી અધર્મનો પક્ષ મારે ખપે નહિ.
દારા : તો પછી શું કરવાનું ધાર્યું?
શાહનવાજ : યુવરાજ દારાની સાથે ઊભા રહીને લડવાનું. પહેલેથી જ તૈયાર થઈ રહ્યો છું. મારી નાનકડી ફોજ પૂરી ન પડે તેથી ફોજ એકઠી રહ્યો છું.
દારા : કેવી રીતે?
શાહનવાજ : મહારાજ જસવંતસિંહની પાસે મદદ માગવા માણસ મોકલેલ છે.
દારા : એણે કબૂલ કર્યું છે?
શાહનવાજ : હા, યુવરાજ, કંઈ ડર નથી. ચાલો, આજે આપ મારા મિજબાન છો. શહેનશાહના વડા પુત્ર છો અને એમના મનપસંદ સુલતાન છો. હું એક વૃદ્ધ રાજભક્ત છું. વૃદ્ધ શહેનશાહને ખાતર હું લડીશ. ભલે જીતું નહિ, પણ પ્રાણ તો આપી શકીશ. હવે બુઢ્ઢો થયો છું. હવે એકાદ પુણ્ય કરીને રસ્તે ભાતું બાંધતો જાઉં.
દારા : ત્યારે શું આપે મને આશરો દીધો છે?
શાહનવાજ : આશરો હોય, યુવરાજ! આજથી તો આ ઘર જ આપનું છે. ને હું આપનો ચાકર છું.
દારા : આપ આટલા મહાન!
શાહનવાજ : શાહજાદા, હું મહાન નથી, એક અદનો ઇન્સાન છું. અને આજે હું કોઈ મહાન સ્વાર્થનો ભોગ આપી રહ્યો છું તેમ પણ સમજતો નથી. શાહજાદા, હું આજ આટલો બુઝર્ગ થયો છું — પણ છાતી ઠોકીને કહી શકું છું કે જાણીબૂજીને મેં આજ સુધી એક પણ પાપ કર્યું નથી, તેમ નથી કર્યું કોઈ મોટું પુણ્ય! પણ આજે જો પુણ્ય કરવાનો લાગ મળ્યો છે તો તે ગુમાવું શા માટે!

[બન્ને જાય છે. જહરતઉન્નિસા ફરી પ્રવેશ કરે છે.]

જહરત : હું શું આટલી બધી પામર! આટલી નકામી! બાબાને કાંઈ જ ખપની નહિ! ફક્ત એક બોજારૂપ! હાય રે ઑરત જાત! માતાપિતાની આવી હાલત જોઉં છું, છતાં કાંઈ કરી શકતી નથી. વચ્ચે વચ્ચે ફક્ત ઊનાં આંસુડાં જ પાડી રહી છું. પરંતુ હું એવું કાંઈક કામ કરીશ — એવું કાંઈક, કે જે પહાડનાં શિખર પરથી ધસતા પાણીના ધોધ જેવું પ્રચંડ ને ભયંકર થઈ પડશે — જોઉં છું.