શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૨૦. ચોપડીઓ વિશે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૦. ચોપડીઓ વિશે


કોણ જાણે શાથી, પણ નાનપણથી મને ચોપડીઓ ગમતી રહી છે. મા મને અવારનવાર કહે છે: ‘તું તો નાનો હતો ત્યારથી જ રમકડે રમવાને બદલે ચોપડીએ રમતો’તો! ચોપડી જોઈ નથી ને તેં ઝડપી નથી! કંઈ કેટલીય ચોપડીઓ ફાડી હશે તેં!’ ચોપડીઓ ફાડવાની મારી આ ટેવ આજે મોટપણેય એટલી જ મજબૂત છે. અલબત્ત, નાનપણમાં સ્થૂળ અર્થમાં ચોપડીઓ ફાડતો, મોટપણે અતિવાચનને કારણે ચોપડીઓ ફાટે છે. નાનપણ કે મોટપણમાં ચોપડીઓ મારા દ્વારા ફડાઈ હોય તો ચોપડીઓ પ્રત્યેના મારા ઉત્કટ પ્રેમને જ કારણે, એમના પ્રત્યે દ્વેષ કે રોષને કારણે નહીં જ. ચોપડી કોઈને મેં છૂટી મારી નથી; અલબત્ત, મારા દ્વારા લખાયેલી ચોપડી કોઈને માથે મરાઈ હોવાનું લાગે તે જુદી વાત છે! હું તો નાનો હતો ત્યારેય ચોપડીને માત્ર આંખે જોઈને કે હાથે સ્પર્શીને છોડી દેતો નહોતો. એનો આસ્વાદ લેવા હું સ્વાદેન્દ્રિયનો પણ ઉપયોગ કરતો હતો. ફ્રાન્સિસ બેકને એક ઠેકાણે કહ્યું છે: ‘કેટલાંક પુસ્તકો ચાખવાનાં હોય છે. કેટલાંક ગળી જવાનાં હોય છે અને કેટલાંકને ચાવીને પચાવવાનાં હોય છે.’ હું તો ફ્રાન્સિસ બેકનથી – એની આ વાતથી છેક જ અજાણ છતાં સહજભાવે નાનપણમાં જે પુસ્તકો મળે તે ચાખવા, ચાવવા ને ગળવાનું કામ યથાશક્તિ કરતો જ હતો! ચોપડીને ઉદરસાત્ – એ રીતે આત્મસાત્ કરવા હું નિષ્ઠાપૂર્વક મથતો હતો. ચોપડીઓના જ્ઞાનથી મગજ ભરવાને બદલે એમનાં પાનથી જઠર ભરવાની મારી ટેવથી અકળાઈને કોઈ કોઈ વાર બાપાજી મારામાં કલ્કિ અવતારને બદલે ગર્દભાવતારનુંયે આરોપણ કરતા અને મારા ભવિષ્ય વિશે ચિંતા પણ પ્રગટ કરતા. ક્યારેક તો તેઓ એમ પણ કહેતા કે ‘આવો એ ગયા જન્મમાં ઊધઈ હશે ને એવું નહીં હોય તો આવતા જન્મમાં (નાવ આઇ મીન એકવીસમી સદીમાં) ઊધઈ થશે!’ જોઈએ હવે ઈ.સ. ૨૦૦૫માં શું થાય છે તે!

મને કોણ જાણે શાથી, પણ ચોપડીઓ સાથે જ રમવાનું નાનપણથી ગમવા લાગ્યું ને તેથી જ ચોપડીઓ સાથે અવનવી રીતે રમતાં રમતાં હવે મને ચોપડીઓની મદદથી લોકોને રમાડવાની ફાવટ ઠીક ઠીક આવી ગઈ છે.

રાજકારણમાં તમે પ્રામાણિક હો એટલું પૂરતું નથી લેખાતું. મહત્ત્વ તો ત્યાં તમારી આસપાસનાં સૌને તમે પ્રામાણિક લાગો એનું હોય છે. એ જ ન્યાયે જીવનમાં તમે ચોપડીઓને ચાહતા હો તો પૂરતું નથી; તમારે એ રીતે આશુતોષ પણ ન થવું; તમને આસપાસનાં સૌ ચોપડીઓના ચાહક માને એ મહત્ત્વનું છે. અમારા એક મિત્ર વારંવાર મેકોલેને યાદ કરીને કહે છે: ‘જેનામાં વાચન માટે પ્રેમ ન હોય એવા રાજાના કરતાં અનેક પુસ્તકોવાળા કાતરિયામાં વસતો ગરીબ માણસ બનવાનું હું પસંદ કરું.’ અમારા એ મિત્ર ગરીબ બની શકતા નથી કે કાતરિયામાં રહી શકતા નથી એ ભલે; પણ તેઓ અનેક પુસ્તકો વચ્ચે રહેવાનું જરૂર પસંદ કરે છે. તેમની બેઠકની આસપાસ બધે જ સોફા પર, ટી.વી. પર, રેડિયો પર ને ચરણ આગળ જાતભાતની ચોપડીઓની વસાહતો બિલાડીના ટોપની જેમ ખડી થઈ ગયેલી તમે જોઈ શકો. પોતાની પાસે કઈ ચોપડીઓ છે એ કહેવાની જેટલી ફાવટ છે, તેટલી એ ચોપડીઓ કેવી છે તે કહેવાની ફાવટ એમની નથી. તેઓ પલ્લવગ્રાહી પાંડિત્યનો આદર્શ સેવીને આસપાસના વાતાવરણમાં ચલણી એવી ચોપડીઓની પાંચપંદર વાતો કંઠસ્થ કરી રૂડી રીતે અઠંગ વાચનવીરની જવાબદારીનો ધુરાભાર વહે છે. આખો દહાડો ચોપડીઓ વાંચી વાંચીને આંખો ફોડનારાના ચહેરા પર ન વર્તાય એવી ચમક અમારા આ મિત્રના ચહેરે ચોપડીઓનાં ટાઇટલ ટપ ટપ બોલી જતાં વરતાય છે! તેઓ સાહિત્યના ‘સ’માં ખૂંપ્યા વિના જ તમને વિશ્વસાહિત્યના સીમાડાઓ સુધી દોડાવી શકે છે. ચોપડીઓનાં ટાઇટલ ને ફ્લૅપના ફકરાઓના જોરે તેઓ સારસ્વત જગતની એક મજબૂત હસ્તી તરીકે પોતાને અનેકનાં મનમાં ઠસાવી શક્યા છે!

આપણા એક સાક્ષરવર્ય મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ એક નિબંધમાં લખી દીધું: ‘વાંચવું એટલે વિચારવું.’ મણિલાલ ભલાદમી જૂની પેઢીના ને જુનવાણી નીતિરીતિપ્રીતિગતિના જીવ! એટલે તેમને તો આવું જ લખવાનું સૂઝે ને! વસ્તુતઃ આજના રૉકેટયુગમાં તો વાંચવું એટલે ચોપડીને જોવી, એનાં પાનાં આમતેમ ફેરવવાં અને એના વિશે જે અહીંતહીં બે-ચાર વાતો ચલણી બની હોય તેના આધારે તેનો પ્રભાવ વર્ણવવો. ચોપડી વાંચીને તો કોઈ પણ વાત કરે. એમાં શું ધાડ મારી? વગર વાંચ્યે જેમ વિદ્યાર્થી પરીક્ષા પાસ કરે છે તેમ વગર વાંચ્યે જ ચોપડીની વાત કરે તો ખરો ચોપડીનો વાચક! સ્વામી વિવેકાનંદ જેવા અત્યંત ઝડપી વાચકોય એનાથી તો હેઠ!

આપણે ચોપડી વસાવી હોય તો તે વાંચવામાં સમય બરબાદ કરવા કરતાં બહેતર તો એ છે કે આપણી વસાવેલી ચોપડી બને તેટલા વધુ માણસોને બતાવવી. બજારમાં ને તેમાંય ખાસ કરીને ‘એલિટ’ લેખાતા વર્ગમાં – ભદ્ર વર્ગમાં કઈ ચોપડીઓની બોલબાલા છે તે જાણી લેવું અને એવી ચોપડીઓ વહેલામાં વહેલી તકે બને ત્યાં સુધી મફત મેળવી લેવી અને તે પછી તે બીજાઓને તુરત નજરે ચડે એ રીતે હાથમાં રાખીને ફરવું – એ જ ચોપડીઓના અને ખાસ તો બીજાની ચોપડીઓના ભોગે કે યોગે પોતાના મહાન વાચકપણાના ‘ઇન્સ્ટંટ’ પ્રચારની અસરકારક કળા છે. અમારા એક સંબંધી મનસા, વાચા, કર્મણા ચોપડીને જ વર્યા હોય એ રીતે ચોપડી જોડે જ રાખે. સવારે ઊઠે કે બ્રશ લઈને લૉબીમાં દાંત ઘસતાં ઘસતાં ચોપડીમાં આંખો ફેરવતા હોય. જાજરૂમાં જાય તો ચોપડી લઈને. નાસ્તો કરવા કે જમવા બેસે ત્યારેય પડખે ચોપડી તો ખરી જ. રાત્રે ચોપડી વાંચવા લે તો જ ઊંઘવા માટે આંખો બિડાઈ શકે! અરે ઓશીકેય બેચાર ચોપડીઓ તો જોઈએ જ; વળી શાક લેવા જાય ત્યારેય થેલીમાં ચોપડી રાખે; કદાચ ને સમય મળે તો વાંચવા થાય! મુસાફરીમાં ભલે એમનાં ઘરવાળાં જોડે ન હોય, ચોપડી તો ખરી જ ખરી. ચોપડી જ સાચા અર્થમાં એમની સહચરી. તેથી જ તેમના દોસ્તો હસતાં હસતાં એમને કહે છે: ‘તમારા મરણ પછી તમારી શય્યામાંય ચોપડીઓ તો ખાસ મૂકવી પડશે!’

જોકે જેમ ચોપડી વિના નહીં ચલાવનારા કે ચાલનારા હોય છે તેમ ચોપડી વિના જ ચાલનારા ને ચલાવનારા તમને મળે ખરા! કેટલાક તો ચોપડીનું મુખદર્શન કરવાથી જાણે પ્રતિજ્ઞાપૂર્વક વેગળા રહેતા હોય છે! તેમને ચોપડીનું પૂંઠું જોવાનોય મોહ થતો નથી! જો તેમને ચોપડી અંગે કશુંય પૂછીએ તો તરત કહેઃ ‘ચોપડીથી કંઈ ભૂખ લાગે છે, ભૂખ તો ભાંગે છે ચોપડાંથી.’ તેમની સાથે જીભાજોડી કરવાનો તો અર્થ જ નહીં. તેઓ અખાના પેલા ઘુવડની જેમ તુરત જ સંભળાવેઃ ‘અમારે હજાર વર્ષ અંધારે ગયાં, તમે આવા ડાહ્યા ક્યાંથી થયા?’

ચોપડી તો કેટલાકને મન વેદિયાપણાનું પ્રતીક. ઘરમાં ચોપડીઓ ભર્યે કંઈ માન-મોભો વધે છે? મારે ત્યાં ફ્રીજ આવ્યું, ફોન આવ્યો, ફિયાટ આવી – એવું કહેનારા અનેક મળશે પણ મારે ત્યાં રામાયણ આવ્યું, મહાભારત આવ્યું, ‘સરસ્વતીચંદ્ર’ આવ્યો, ‘માનવીની ભવાઈ’ આવી, ‘સમગ્ર કવિતા’ આવી એવું કહેનારા કેટલા? ઘરમાં ફૂલદાની ને વૉલપીસ, બસ્ટ ને બાઉલ – આવુંતેવું બધું લવાય; ચોપડીમાં કંઈ પૈસા નખાય? ચોપડી તો ક્યારેક જોઈએ તો કોઈ હરિના લાલ પાસેથી ઉછીનીપાછીનીયે લેવાય! રેલવેનું ટાઇમટેબલ પણ ઉછીનું લાવીને ચલાવનારા આપણે કંઈ ‘હિમાલયનો પ્રવાસ’ ખરીદવાની હિમાલય જેવી ભૂલ કરીએ?

ચોપડીઓ પ્રત્યે આવી આપણી ગુનાહિત ઉદાસીનતા છતાં મને એ જ સમજાતું નથી કે શા માટે કેટલાક લોકો ચોપડીઓ સાથે ફોટા પડાવે છે? આજકાલના ફિલ્મી સ્ટાઇલના ઢિસૂમ-ઢિસૂમિયા વાતાવરણમાં તો બે વરસના બાબાનેય હાથમાં રિવૉલ્વર કે રાઇફલ (અલબત્ત, રમકડાંની) પકડાવી ફોટો પડાવવામાં મમ્મી-પપ્પાઓ રાચતાં હોય છે, ત્યાં મોટાઓની વાત જ શું કરવી? તમે માનશો? અમારા પાડોશીની વીસ વર્ષની મોના બ્રિચીસ-કોટમાં, હાથમાં રાઇફલ લઈ, નાદિયા-સ્ટાઇલમાં ફોટા પડાવી આવી! કેમ જાણે એણે જ ઝાંસીની રાણીની બાકી રહેલી જવાબદારી હવે પૂરી કરવાની ન હોય? એને પોતાને ‘સરસ્વતીચંદ્ર’માંની કુમુદસુંદરી કે કુસુમસુંદરીની જેમ અથવા ગુણસુંદરીની જેમ, ચોળીચણિયો ને સાડીમાં, હાથમાં કોઈ ચોપડી રાખીને ફોટો પડાવવાનું શા માટે નહીં સૂઝ્યું?

જૂના વખતની કેટલીક ફિલ્મોમાં ને નાટકોમાં નાયક કે નાયિકા પરસ્પરને મળવા જાય ત્યારે માત્ર ગુલાબનું ફૂલ કે ગુલછડી કે બુકે લઈને જ ન જાય; એ તો દિલની દાસ્તાનની દર્દીલી શાયરીની ચોપડી પણ સાથે લઈ જાય! પિયા-મિલનની એ નજાકત! એ શાને-શૌકત! ક્યાં છે એ બધું આજે? પ્રેમીઓ મળે છે પણ પ્રેમની કવિતા વિના! પ્રેમીઓ મળે છે તે જાણે પરસ્પરનું ‘ઇન્ટર્નલ ઑડિટ’ કરતાં હોય એવા ઢંગે. પ્રણયકવિતાની રૂપકડી ચોપડી હાથમાં રાખવી, એમાંની મધુમય પંક્તિઓ પ્રિયતમાને સંભળાવી સંભળાવી એના કર્ણમૂળને લાલ લાલ કરી દેવું – એ બધું આજે હવે ક્યાં આથમી ગયું?

અમારા ઘરમાં અમારાં દાદા-દાદીના વારાના કેટલાક દમામદાર ફોટા છે. અલબત્ત, કંઈક પીળા પડી ગયેલા! આજેય આ લખતાં એમના ચહેરા મારી નજર આગળ તરે છે. દાદીને કાળા અક્ષર સામે બાપે માર્યાં વેર! ને તેમ છતાંય કલાત્મક રીતે કોતરેલા સીસમના ગોળ ટેબલ પર પાંચસાત ચોપડીઓના થપ્પા પર, ઢીંચણિયા પર કોઈ ઢીંચણ ટેકવે એમ, કોણી ટેકવી એવો તો સરસ ફોટો પડાવ્યો છે કે એ જોતાં એમ જ થાય કે આ દાદી પોતે ગાર્ગી કે મૈત્રેયીનો જ અર્વાચીન અવતાર હશે! અમારાં ફોઈબાયે પેલાં દાદીમાની બીજી આવૃત્તિ. એમણે તો વળી હાથમાં ખુલ્લી ચોપડી રાખીને, ફોટાવાળા તરફ જોતાં ફોટો પડાવ્યો છે. આજે તો ફોટા પડાવનારાઓ ફ્લાવર ને ફ્લાવરપોટની વધારે ફિકર કરતા હોય છે! આમ ચોપડીઓ સાથે ફોટા પડાવનારી આ સન્નારીઓને આપણે ખુશીથી વીણા-વણધારિણી (જોકે પુસ્તકધારિણીઓ તો કહેવાય!) શારદાદેવીઓ તરીકે જ અભિવંદવી જોઈએ.

એક જમાનામાં ઇંગ્લેન્ડના ભદ્ર સમાજમાં ચોપડીઓ વસાવવી એ સંસ્કારિતાની નિશાની લેખાતી. ત્યારે ચોપડીઓની કિંમત ઘણી ભારે હતી તેથી કેટલાક તો ખરેખરી ચોપડીઓ વસાવવાના બદલે એનાં રૂપાળાં પૂંઠાં જ કબાટમાં રાખતા. એ ચોપડીઓનાં બે પૂંઠાં વચ્ચે હૃદય તો ક્યાંથી હોય? ત્યાં તો ન્હાનાલાલનું ‘શૂન્યમુખ ચિદાકાશ’ જ જોવા મળે! માટીનાં કે પ્લાસ્ટિકનાં ફ્લાવર-ફૂટ્સનો જ તાલ! આપણે ત્યાંય કેટલાક દેખાદેખી, શરમાશરમી પચીસ-પચાસ ચોપડીઓ દીવાનખંડમાં સજાવટના એક ભાગ રૂપે રાખનારા લોકો તમને મળી આવે ખરા! પણ એમનામાંના કેટલાક તો પૂરા જલકમલવત્! ચોપડીઓ પાસે ખરી, પણ ખોલવા-વાંચવાની વૃત્તિયે નહીં ને વખતેય નહીં. ખરા અનાસક્તયોગીઓ! પાક્કા કલ્ચર્ડ મોતીના ઢીંગલા!

ઉત્તમ ચોપડીઓ કોઈ પણ ઉપાયે મેળવવી, પ્રેમરસથી બરોબર વાંચી લેવી, પચાવવી – એવું થવા માટે પેલા નગીનદાસ પારેખ થયા હતા એમ ‘ગ્રંથકીટ’ થવું પડે! એમના જેવા ગ્રંથકીટ થવું એ જીવનનો એક લહાવો છે. એ લહાવો ચાહીને લેનારા, માણનારા કેટલા? કેટલીક સુંદર ચોપડીઓ દરેક જમાનામાં એના સાચા પ્રેમીની પ્રતીક્ષા કરતી જ હોય છે અને કેટલાક શબદુંના બાણે ઘાયલ એવા, કલાપી જેવા પ્રેમીજન હોય છે પણ ખરા, જે નગરી નગરી દ્વારે દ્વારે ઉત્તમ ચોપડીઓની ખોજ કરતા ફરતા હોય અને તક મળ્યે તેમની સાથે તારામૈત્રક સાધી અંતરને કાવ્યામૃતે – જ્ઞાનામૃતે તરબતર કરતા હોય. આપણે તો ન્હાનાલાલની જેમ, વિનમ્ર પુરોહિતોની જેમ કહીએઃ દરેક નૂરજહાંને એનો જહાંગીર મળો! દરેક ઉત્તમ ચોપડીને એનો ઉત્તમ વાચક મળો!! દરેક ઉત્તમ વાચકને એની જોઈતી ઉત્તમ ચોપડી મળો!!!

(હેત અને હળવાશ, પૃ. ૧૬૦-૧૬૬)