સંવાદસંપદા/વિનોદ જોશી : ‘સૈરન્ધ્રી’ની સર્જનયાત્રા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વિનોદ જોશી : ‘સૈરન્ધ્રી’ની સર્જનયાત્રા

આરાધના ભટ્ટ

Vindo Joshi Saurandhri.jpg





વાર્તાલાપની શ્રાવ્ય કડી


હું અનેક સર્જકો સાથે વાર્તાલાપ કરું છું અને દરેક સર્જનાત્મક વ્યક્તિત્વ સાથે સંપર્ક થાય કે વાતચીત થાય ત્યારે મારી સહજ શોધ એમનામાં રહેલી સર્જનાત્મકતાનાં મૂળની હોય છે. એમની મૌલિક કૃતિ, પછી એ વાર્તા હોય, નિબંધ હોય, કાવ્ય હોય કે પછી ચિત્ર હોય—એ ક્યારે અને કેવી રીતે સ્ફુરે અને પછી એનો આકાર અથવા તો પિંડ કેવી રીતે બંધાય એ મારાતમારા જેવા ભાવકો માટે એક કુતૂહલનો વિષય છે. આજે જ્યારે વિદેશપ્રવાસો સામાન્ય બન્યા છે ત્યારે સર્જકો પણ પ્રવાસો કરે છે. સ્વદેશની માટીની સોડમ કેટલાકની સર્જનશીલતાનો પ્રાણવાયુ બને છે. તો કેટલાક સર્જકો એવું પણ કહે કે એમની કલમ વિદેશ જાય ત્યારે થોડીક સુકાઈ જતી હોય છે. કેટલાક સર્જકો કહે છે કે એમનાં ઉત્તમ સર્જનો એમના ચિરપરિચિત પરિસરમાં જ થાય છે. આપણા શિરમોર કવિ વિનોદ જોશી એમ કહે છે કે એમની સર્જના સ્થળ સાથે સંકળાયેલી નથી, એટલું જ નહીં એમનું પોંખાયેલું પ્રબંધકાવ્ય ‘સૈરન્ધ્રી’ ઑસ્ટ્રેલિયામાં લખાયું અને પછી એ પ્રસિદ્ધ થતાં એ સાહિત્યવર્તુળોમાં ભારે ચર્ચાયું અને પ્રસિદ્ધિ પામ્યું. આમ તો વિનોદ જોશીનું નામ પડે એટલે એમનાં ગેય ગીતો આપણા ચિત્તમાં રમે. તળનાં કલ્પનો અને ભાષાપ્રયોગવાળાં ગીતોના કવિની લોકપ્રિયતાનાં મૂળ એમની સત્ત્વશીલતા અને ટકોરાબંધ સર્જનોમાં છે. ૨૦૧૫માં એમને ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર એનાયત થયો, ૨૦૧૮માં એમને પ્રતિષ્ઠિત નરસિંહ મહેતા સન્માન અર્પણ થયું, ૨૦૨૧નું મનુભાઈ પંચોળી ‘દર્શક’ સન્માન એમને ૨૦૨૨માં એનાયત થયું, ઉપરાંત, ૨૦૨૨માં એમને ‘નર્મદ ચંદ્રક’ અને ૨૦૨૩માં ‘સૈરન્ધ્રી’ પ્રબંધકાવ્ય માટે એમને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર સાંપડ્યો. ભાવનગર યુનિવર્સિટીના ગુજરાતી ભાષાના અધ્યક્ષ તરીકે એમણે ગુજરાતી ભાષા-સાહિત્યના શિક્ષણક્ષેત્રે પણ મહત્ત્વનું પ્રદાન કર્યું છે. કવિ સાથેના પ્રસ્તુત વાર્તાલાપમાં તેઓ ‘સૈરન્ધ્રી’ની સર્જનપ્રક્રિયા વિશે સહજતાથી વાત કરે છે. પ્રશ્ન : વિનોદભાઈ, આપનું આ સંવાદમાં સ્વાગત છે. નમસ્કાર. ગત વર્ષે ત્રણ એવી ઘટનાઓ બની જેનાથી અમે સૌ કાવ્યરસિકો રાજી થયા. નરસિંહ મહેતા એવૉર્ડ, સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર, અને ‘સૈરન્ધ્રી’નું લોકાર્પણ. આ ત્રણે બદલ અભિનંદન. નમસ્કાર, આરાધનાબહેન. ખૂબ ખૂબ આભાર, તમારો પણ અને આ ઘટનાઓથી જે રાજી થયા અને મારી આ નાનકડી સિદ્ધિને પ્રોત્સાહન પૂરું પાડ્યું એ બદલ સૌનો આભાર. પ્રશ્ન : વિનોદભાઈ, ‘સૈરન્ધ્રી’ એ અનેક રીતે નોંધપાત્ર અને સીમાચિહ્નરૂપ સર્જન છે. આ નોંધપાત્ર બાબતોની એક પછી એક આજે ચર્ચા કરીએ. સૌ પ્રથમ આ કાવ્યનું શીર્ષક અને એની પાછળની કથા અમને ટૂંકમાં કહેશો? સૈરન્ધ્રી એ આપણી પરંપરાના મહાભારત જેવા ગ્રંથનું પાત્ર અને એના વિશેનું આ કાવ્ય. એની વાત કરું તો કહીશ કે એ અહીં ઑસ્ટ્રેલિયામાં લખાયું, એટલે સ્વાભાવિક જ આજે તમે મને આ બધું પૂછી રહ્યાં છો ત્યારે એની પ્રાસંગિકતા અને સૈરન્ધ્રીનું ખુદનું વજૂદ એ ઘણું મહત્ત્વ ધરાવે છે; એટલે તમારા આ પ્રશ્નનો જવાબ આપવો મને બહુ જ ગમશે. આમ તો સૈરન્ધ્રીનો અર્થ દાસી એવો થાય, પણ એ દ્રૌપદીનું બીજું નામ છે. પાંડવો સાથે દ્યૂતની ઘટના બની, જેમાં એમને બાર વર્ષ વનવાસ અને એક વર્ષ અજ્ઞાતવાસ રહેવું પડે એવી શરત હતી. એ અજ્ઞાતવાસમાં વિરાટ નગરીમાં પાંડવો દ્રૌપદી સાથે રહ્યા. ત્યાં એમણે પોતાના વ્યક્તિત્વને છુપાવવાનું હતું, એટલે એ સૌએ પોતપોતાના વ્યક્તિત્વને ઢાંકી દીધું—નવા નામથી, નવા કામથી, અને એ એક વર્ષ માટે વિરાટ નગરીમાં રહ્યા. તો દ્રૌપદી, જે હસ્તિનાપુરની મહારાણી, એણે વિરાટ રાજાની રાણી સુદેષ્ણાની દાસી સૈરન્ધ્રી બનવાનું સ્વીકાર્યું. આ છે સૈરન્ધ્રીના પાત્રનું મહાભારતમાં સ્થાન. મને લાગ્યું કે પાત્ર જે પોતાની મૂળ ઓળખને છુપાવીને જીવી રહ્યું છે એને આપણા આજના સમય-સંદર્ભમાં જો વિચારીએ તો કદાચ આપણે સૌ પણ આપણી મૂળ ઓળખને છુપાવીને જ જીવી રહ્યા છીએ. તો સૈરન્ધ્રી મને એ રીતે મદદે આવી. પ્રશ્ન : વિનોદભાઈ તમે કહ્યું એમ સૈરન્ધ્રી એ ઑસ્ટ્રેલિયાની આબોહવાનું ફરજંદ છે, અને એ આ કૃતિની બીજી વિશેષતા છે. મને આ ઘટનામાં રસ એ રીતે પડે છે કે કેટલાક સર્જકો વિદેશની ભૂમિ પર પોતાની સર્જકતા સુકાઈ જાય છે એવું અનુભવે છે. તમારા કિસ્સામાં એનાથી ઊંધું બન્યું. આ કાવ્ય લખવાની પ્રેરણા, એની શરૂઆત અને એનું સમાપન—આ આખી સર્જનપ્રક્રિયા વિશે કંઈક કહેશો? મને એવું લાગ્યું કે જે સૈરન્ધ્રી ભારતમાં ખૂલવા મથતી હતી … તમે કદાચ નહીં માનો, પણ એક-દોઢ દાયકાથી સૈરન્ધ્રીનું પાત્ર મારી અંદર ઉપર-તળે થતું રહ્યું અને એ વિશે લખવાની પાર વગરની મથામણ હું કરતો રહ્યો પણ મારાથી એ શબ્દદેહે ન અવતર્યું. મને લાગ્યું કે કશુંક બંધાઈ રહ્યું છે, કશુંક પીડી રહ્યું છે, કશુંક પિંજરમાં મુકાયેલું છે પણ એ વ્યક્ત થતું નથી. દેશ, આબોહવા, સંસ્કારો, પરંપરાઓ આ બધાંનું કોઈક સંગઠિત રૂપ મારા ઉપર કોઈક બોજ બનતું હશે, જે અહીં ઑસ્ટ્રેલિયા આવતાં કદાચ હું એમાંથી મુક્ત થયો અને પેલું પિંજરનું ખુલ્લી પાંખવાળું પંખી હતું એ બહાર નીકળ્યું અને એ ઊડ્યું. તો સંભવ છે કે દેશ-કાળ કવિતાના કોઈ સત્ય પર અસર કરતા હોય એ રીતે મારાથી અહીં આવતાં જ આ લખાવાનું શરૂ થયું હોય. બીજું એક આશ્ચર્ય એ પણ છે કે મેં અહીં આવીને આ લખવાનું શરૂ તો કર્યું પણ ત્રણેક સર્ગ લખાયા પછી વળી પાછો હું ભારત ગયો અને વળી પાછું એ લખાવું બંધ થયું અને વળી પાછો ઑસ્ટ્રેલિયા આવ્યો તો પાછું એ લખાવાનું શરૂ થયું. તો આ મારા માટે પણ એક આશ્ચર્ય છે. કદાચ કાવ્યને દેશ-કાળ અસર કરતા હશે એવો સ્વીકાર ઊંડે ઊંડે હું આ કાવ્ય પરથી કરવા લાગ્યો છું. આ કેમ લખાયું એની તો મારે કથા માંડવી પડે. મેં કહ્યું એમ આ પાત્ર મને ઘણા લાંબા સમય સુધી પજવતું રહ્યું. મને થયું કે એક સ્ત્રી, જે યૌવન સાથે જન્મી છે, જેને શૈશવ છે જ નહીં, એક એવી સ્ત્રી જે પાંચ પાંડવોની પત્ની છે, એ એવી સ્ત્રી છે જે ભારતવર્ષની મહારાણી હોઈ એણે પોતાની જાતને, પોતાની ઓળખને, પોતાની ઊર્જાને ઢાંકી દેવી પડે અને એ સ્થિતિમાં જીવવું પડે, એનો બોજ એને કેટલો અસહ્ય લાગતો હશે. એક સામાન્ય નાગરિક તરીકે આપણે સૌ પણ આ બોજ તળેથી પસાર થઈ રહ્યા હોઈએ, આપણાં સૌનાં પોતપોતાનાં મહાભારત હોય, પોતપોતાનાં યુદ્ધ હોય, પોતપોતાના આપણા સકંજાઓ હોય, અને એ સર્વમાંથી છૂટવાની આપણી મથામણો અને તે છતાં આપણે આપણી જાતમાં ફરીથી પ્રવેશી ન શકતાં હોઈએ… આવી એક સમજ મને સૈરન્ધ્રીના પાત્ર તરફ દોરી ગઈ. એ સિવાય પણ સૈરન્ધ્રીનું પાત્ર મને મારી રીતે જોવા જેવું લાગ્યું. મને થયું કે આ એ સૈરન્ધ્રી છે જે એક વખતે દ્રૌપદી હોય, સ્વયંવર યોજાયો હોય, મત્સ્યવેધ કરવાનો હોય, અને એ વખતે કર્ણ મત્સ્યવેધ કરવા માટે આગળ આવે અને ધૃષ્ટદ્યુમ્ન એને આહ્વાન આપે, મહાભારતની મૂળ કથા પ્રમાણે દ્રૌપદી ખુદ એને રોકે કારણ કે એ સૂતપુત્ર છે. મને થયું કે મહાભારતની આ કલ્પના છે એને મારા સમયમાં હું જરા જુદી રીતે વિચારું. મને થયું કે દ્રૌપદી, સૈરન્ધ્રી, યાજ્ઞસૈની કે કોઈ પણ નામે તમે જે નારીને ઓળખો છો એ મૂળભૂતરૂપે સ્ત્રી છે. અને એ સ્ત્રી કર્ણને જુએ છે, એ અર્જુનને જુએ છે, એ સ્ત્રી અન્ય રાજાઓને જુએ છે ત્યારે એ પોતાની ઓળખને એક બાજુએ મૂકીને સૌથી પહેલાં એમને પુરુષ તરીકે જોતી હશે. આ તો મારું નિરીક્ષણ છે, પણ એ સૈરન્ધ્રીના પૉઇન્ટ ઑફ વ્યૂથી થયેલું નિરીક્ષણ છે, કારણ કે, આપણા સૌ ઉપર આ બધાં જ આવરણો—નામનાં હોય, જ્ઞાતિનાં હોય, પ્રદેશનાં હોય કે કોઈ ને કોઈ સંદર્ભનાં હોય, એ સર્વથી અલગ જે આપણી પાયાની ઓળખ છે અથવા તો પ્રાકૃતિક ઓળખ છે એ સ્ત્રીની અથવા તો પુરુષની છે. તો દ્રૌપદી એક સ્ત્રી તરીકે કર્ણનો તિરસ્કાર કરે એવો સંભવ મને ઓછો લાગ્યો. મને એમ લાગ્યું કે દ્રૌપદી કદાચ સૂતપુત્રનો તિરસ્કાર કરે પણ દ્રૌપદી સ્ત્રી તરીકે કર્ણથી જો આકર્ષાય તો એ એનો અસ્વીકાર ન કરે. તો મારા આ કાવ્યમાં દ્રૌપદી કર્ણ તરફ લોભાઈ છે, કર્ણ એક પુરુષ છે અને કર્ણને એક સ્ત્રી તરીકે પોતે પસંદ કરે છે, એવી દ્રૌપદી વિશેની એક અંગત માન્યતા મને આ કાવ્ય લખવા તરફ દોરી ગઈ. પ્રશ્ન : કાવ્યના વિષયવસ્તુની વાત કરીએ છીએ તો એના મૂળ વિષયવસ્તુથી કેટલી હદે અળગું ચાલ્યું છે? હા, ઘણું બધું. હમણાં જ મેં જે વાત કરી એ મારી મૌલિક વાત છે. મહાભારતકારે તો દ્રૌપદી કર્ણને તિરસ્કારે છે, એને મત્સ્યવેધ માટે રોકે છે, એવો પ્રસંગ નિરૂપ્યો છે. મેં એનાથી જુદું કર્યું છે. મેં દ્રૌપદી કર્ણને પસંદ કરે છે અને ધુષ્ટદ્યુમ્ન, જે દ્રૌપદીનો ભાઈ છે એ કર્ણને રોકે છે, એવી વાત મૂકી છે, દ્રૌપદી તો કર્ણને પસંદ કરે છે. મહાભારતમાં દ્રૌપદીને જ્યારે કોઈ મુશ્કેલી, કોઈ યાતના કે પીડા આવે ત્યારે એમાં ભીમ, કૃષ્ણ, વગેરે એની મદદે આવે છે. એટલે મને એવું લાગ્યા કર્યું કે દ્રૌપદી જાણે લાચાર કે દયનીય હોય, એક સ્ત્રી તરીકે એનું પોતાનું હોવું ક્યાંય કોઈ રીતે ઊર્જિત થતું હોય એવું મને ન લાગ્યું. તો મેં વિચાર્યું કે આ બરાબર નથી, અને એટલે જ આ કાવ્યમાં કીચકનો સામનો દ્રૌપદી પોતે કરે છે. એ ભીમને કે કૃષ્ણને આરત કરતી હોય એવું મેં નથી વિચાર્યું કે નથી લખ્યું. એટલે એ રીતે પણ આ કાવ્ય મહાભારતના મૂળ કથનથી જુદું છે. પ્રશ્ન : હવે વાત કરીએ ‘સૈરન્ધ્રી’ના સ્વરૂપ અને ભાષાકર્મની. અમારા પ્રિય ગીતકવિ ‘સૈરન્ધ્રી’માં જુદા સ્વરૂપે પ્રગટે છે. તળની ભાષાથી સાવ નોખી સંસ્કૃતમય ભાષા, છંદ, અને પ્રબંધકાવ્યનું એક અત્યંત ચુસ્ત સ્વરૂપ. આ બધું કઈ રીતે, કઈ ગતિએ, કેવા લયમાં સિદ્ધ થયું? બહુ જ મથામણો કરવી પડી છે. એની પાછળ બહુ જ સમય અને પીડા થઈ છે. મારી અંદર ઊથલપાથલ થતી રહી છે. એક સમય હતો જ્યારે હું મારા મનમાં આ લખવા વિશે વિચારતો હતો ત્યારે અગાઉ મેં ‘શિખંડી’ સંસ્કૃત વૃત્તોમાં લખેલું એ રીતે લખવાની ઇચ્છા થયેલી. એ રીતે મેં લખ્યું પણ ખરું, પણ મને થયું કે આ તો એનું એ થાય છે. અને એક સર્જક તરીકે હું કોઈ ને કોઈ શિફ્ટિંગમાં માનનારો છું. તો મેં એ છોડી દીધું. મને એમ થયું કે આમાં તો ઘણા બધા નાટ્યગુણ પણ પડેલા છે, તો હું નાટક લખું. એટલે મેં નાટક લખવાનો પ્રયત્ન પણ કર્યો. પણ એ પણ એકાદ અંકથી આગળ ન ચાલ્યું. મને થયું કે આ આખી વાત કવિતામાં જ ઠરશે, પણ એને માટેનો કોઈ લય કે છંદ કે બંધ મારા મનમાં આવતો નહોતો. પણ તલગાજરડામાં દર વર્ષે મોરારિબાપુ અસ્મિતા પર્વનું આયોજન કરે છે એમાં હનુમાન જયંતીના દિવસે સવારમાં સુંદરકાંડનો એક કલાક પાઠ થાય. એ સામૂહિક પાઠ હોય અને એ પાઠ હું પણ કરું. મને સુંદરકાંડ આવડતું નથી, પણ હું વાંચતાં વાંચતાં સૌની સાથે ગાતો જાઉં. એમ કરતાં કરતાં એનું અનુરણન મારા ચિત્તમાં થયું હોય અને કોઈ તીવ્ર એવી લયની ભાત રચાતી હોય એવું મને એ વખતે લાગ્યું. મને લાગ્યું કે આ ચોપાઈ અને દોહરા જે તુલસીદાસની ભાષામાં છે અથવા તો મેં કબીરની ભાષામાં જે વાંચ્યાં છે એના કરતાં ગુજરાતી ભાષામાં જરા જુદી રીતે આવી શકે એમ છે. અને મારી સંસ્કૃત ભાષાની જે થોડીઘણી સમજ છે એને જો હું કામે લગાડું તો જુદા પ્રકારનાં ચોપાઈ અને દોહરા ગુજરાતીમાં આવી શકે. અને એમ કરવામાં હું સફળ થયો. એમ આખુંય કાવ્ય આ રીતે ચોપાઈ અને દોહરામાં સુબદ્ધ થયું. બીજું મને એ લાગ્યું કે આ આખી વાત એવી પદાવલીમાં મુકાય કે જે એક પ્રકારનું સંગીત પણ ધરાવે તો એનાથી શ્રુતિને ઘણી બધી રોચકતા પ્રાપ્ત થાય. તો મેં અહીં એવી પદાવલી મૂકી છે જે મુખ્યત્વે વર્ણના માધુર્યને સમાવતી હોય. એટલે અહીં એવી પદાવલીઓ મળશે જેમાં એકના એક ધ્વનિનું, એકના એક પ્રાસનું કોઈ ને કોઈ રીતે અનુસંધાન રચાતું હોય, અને એમ આખી વાત શ્રુતિગોચર થાય ત્યારે આપણને ગમે એવી લાગે. મને લાગ્યું કે મારે એને નથી તો ખંડકાવ્ય કરવું કે નથી તો એને દીર્ઘકાવ્ય કરવું, કે નથી તો એને કોઈ નાનકડા સ્વરૂપમાં રોકી દેવું. મારા મનમાં આપણે ત્યાં મધ્યકાળમાં રચાયેલાં પ્રબંધ કાવ્યો છે—પદ્મનાભનું ‘કાન્હડદે પ્રબંધ’ છે, એ સ્વરૂપ મને વધારે અસરકારક લાગ્યું. અને મેં પણ આ કાવ્યનો એક બંધ રચ્યો. સાત સર્ગ કરવા, સાતેય સર્ગમાં સાત ખંડ કરવા, એ રીતે ૪૯ ખંડનું આ કાવ્ય થાય અને દરેક ખંડમાં નવ શ્લોક કરવા, જેમાંના આઠ શ્લોક ચોપાઈમાં હોય અને નવમો શ્લોક એ બે દુહાથી બનેલો હોય. તો આ રીતે મેં સુગઠિત સ્વરૂપ તૈયાર કર્યું અને એમાં કથાનકને વિભાજિત કરીને મેં એ કર્યું. એ અર્થમાં હું આ કાવ્યને પ્રબંધકાવ્ય કહું છું. પ્રશ્ન : વિનોદભાઈ ‘સૈરન્ધ્રી’ એ એક નારીના મનોગતની વાત તો છે જ, પણ એમાં માનવજીવનનો સૂક્ષ્મ સંદેશ પણ વણાયેલો છે. સર્જનપ્રક્રિયા વખતે તમે આ બાબતે સભાન કે સક્રિય હતા ખરા? મારા મનમાં ત્રણ બાબતો હતી; એક તો એ કે મનુષ્ય પોતાના સમગ્ર જીવન દરમ્યાન ત્રણથી ચોથી ભૂમિકામાં જીવતો નથી. એક છે એનો સ્મૃતિલોક કે જે એણે પોતાના જીવનમાં જોયું છે, જે એ જીવ્યો છે, એને એ યાદ કરે એ એનો સ્મૃતિલોક છે. બીજું જે છે તે એનો સ્વપ્નલોક, જે એના હાથ બહારની વાત છે અને પછી એ વાત એની સ્મૃતિમાં લાંબો સમય સચવાય પણ નહીં. તો આ સ્મૃતિલોક જે હમેશાં પોતાના મનમાં સચવાયેલો રહે, આ સ્વપ્નલોક જે પોતાના હાથમાં ન હોય પણ કલ્પનાલોક એ ત્રીજો એવો લોક છે કે જેમાં મનુષ્ય ગમે ત્યારે પોતાની ઇચ્છા અનુસાર વિહરી શકે અને એના ઉપર એનો સંપૂર્ણ સકંજો છે. તો સૌથી મુક્ત એવો જે લોક છે તે આ કલ્પનાલોક. એટલે મનુષ્ય સ્મૃતિના ભારથી કે સ્વપ્નના એવા ચમત્કારથી પોતાની જાતને પૂરેપૂરો ન્યાલ કરી શકે નહીં. એને માટે એની પાસે કલ્પનાલોક હોવો જોઈએ. મેં આ કાવ્યમાં સૈરન્ધ્રીને સ્મૃતિના આશ્રયે, સ્વપ્નના આશ્રયે આ કલ્પનાલોકમાં વિહરતી કરી. મેં એ રીતે વાત મૂકવા ધારી કે મનુષ્યનો કલ્પનાલોક એ એનો સૌથી અંગત, પોતાના અધિકારક્ષેત્રમાં હોય એવો, અને સૌથી શ્લાઘ્ય એવો લોક છે અને એ જ એનું સર્વસ્વ છે. પ્રશ્ન : તમારા સર્જકકર્મનો આ એક મહત્ત્વનો પડાવ છે અને ગુજરાતી સાહિત્યનું એક ઐતિહાસિક સર્જન છે. તમારી સર્જકતા સંદર્ભે અંગતપણે તમે ‘સૈરન્ધ્રી’ને કેવી રીતે જુઓ છો? અથવા બીજા શબ્દોમાં કહું તો ‘સૈરન્ધ્રી’ની સર્જનયાત્રાએ અંગતપણે તમને શું આપ્યું? સૈરન્ધ્રીએ મને ખૂબ પજવ્યો. મેં આ લખ્યું એનાથી મને લાગ્યું કે એ પજવણી જરૂરી હતી. મને એમ લાગ્યું કે જ્યાં સુધી પરિપક્વ ન થાય ત્યાં સુધી કોઈ વાત શબ્દદેહે મૂકવી એ યોગ્ય નથી. એની ચોક્કસ ઘડી આવતી હોય છે અને એ ધૈર્ય સર્જકમાં હોવું જોઈએ. સર્જકમાં જો આ પ્રકારની આત્મક્રૂરતા ન હોય અને ગમે ત્યારે જે આવે તે લખી નાખવા જેટલી એને ઉતાવળ હોય તો ઉત્તમ કવિતા સર્જાઈ ન શકે. આવું મેં મારી સર્જકતા પરત્વે વિચાર્યું એ પણ આ કાવ્યના સંદર્ભથી મને પ્રાપ્ત થયું એમ કહી શકાય. જે દ્વિધા મનુષ્યની પોતાના સર્જન પરત્વે હોય એ દ્વિધા એની અભિવ્યક્તિ પરત્વે પણ હોય. લખાશે કે નહીં અથવા જે લખાશે તે કેવું લખાશે એ બાબતે એની અંદર ચાલતું જે યુદ્ધ હોય, એનાં શસ્ત્રો કઈ રીતે સજવાં, એ અંગેની તૈયારીઓ એ બધું જ આવી સ્થિતિમાં એને પરેશાન કરતું હોય છે અને એવી પરેશાનીનો અનુભવ જ હું માનું છું કે સર્જકતાની પ્રતીતિ છે. તો આવી પ્રતીતિનો અનુભવ મને સૈરન્ધ્રીએ કરાવ્યો. પ્રશ્ન : ‘સૈરન્ધ્રી’ને અપૂર્વ આવકાર મળ્યો છે. ‘નવનીત સમર્પણ’માં એ હપતાવાર પ્રગટ થયું, પછી એના પઠનના જાહેર કાર્યક્રમો થયા, એનું મંચન થયું, અને એનું મલ્ટિ-મીડિયા રૂપાંતર પણ થઈ રહ્યું છે. અનેક શક્યતાઓથી આ સર્જન ભર્યું ભર્યું છે. એક સર્જક તરીકે તમને શું લાગે છે—એ ક્યાં ક્યાં જશે? મને લાગે છે કે આ કાવ્ય ભાવકની અંદર હોય એ જ એનો સૌથી મોટો વિશ્રામ છે. કારણ કે, દરેક વ્યક્તિને એ પોતાનું લાગવા માંડ્યું છે. દરેક વ્યક્તિ એમ વિચારે છે કે હું પણ એક સૈરન્ધ્રીપણું વેઠું છું, હું પણ બંધ છું. બહાર આવવું છે, પણ આવી શકાતું નથી, અને બહારની પરિસ્થિતિને જ જીવ્યા કરવાનું છે. એટલે કે જીવનને કોઈ બીજાના વતી જીવી રહ્યાનો અનુભવ થતો હોય એવું દરેકને આ કાવ્યથી પ્રતીત થાય છે. આમાં એક એવી પંક્તિ આવે છે કે ‘ખુલ્લી પાંખો… પણ પિંજરમાં, હોય ઊડવું સચરાચરમાં’. એટલે આજુબાજુની જે સૃષ્ટિ છે એ દેખાઈ તો રહી છે, પણ એ જોનાર જે છે તે પિંજરમાં છે. પિંજરમાં છે ત્યારે એને એવી ભ્રાંતિ છે કે એની પોતાની પાંખો ખુલ્લી છે. પણ પિંજરનું બંધન છે એનું શું? તો આપણી આસપાસનું જે વાસ્તવ છે જે આપણને રોકી રહ્યું છે અને જે પોતાની નિજતા છે, પોતાનું હોવું જે સ્થિતિમાં છે ત્યાં સુધી આપણને જવા દેતું નથી એનું એક તાત્ત્વિક પણ અને સહજ પણ એવું ચિંતન કોઈ પણ ભાવક કરવા લાગે એ આ કાવ્યની ફલશ્રુતિ છે. અને મેં એવું જોયું છે કે એ પ્રતીતિ ભાવકો કરી રહ્યા છે. આ કાવ્યમાં તમે મંચનનો ઉલ્લેખ કર્યો એટલે હું કહી શકું કે અહીં અભિનય પણ છે, અહીં નૃત્ય પણ છે, અને સંગીત પણ છે, અને લય તો છે જ. અને બીજી રીતે જોઈએ તો અહીં એક કથન પણ છે અને એ આખી કથાની સેર એ બધા અભિવ્યક્તિના આયામોથી પ્રગટ થાય તો હું માનું છું કે એ વધુ ને વધુ લોકો સુધી પહોંચે અને એના દ્વારા આ સર્જકતાનો મહિમા થઈ શકે. પ્રશ્ન : વિનોદભાઈ, ‘શિખંડી’ રચાયું અને પછી ‘સૈરન્ધ્રી’ રચાયું. આમ તો સર્જન આયોજનથી થતું નથી, તેમ છતાં, હવે પછી શું? મને લાગે છે કે મારી છંદની સમજને હજુ મારે ઘાટ આપવો બાકી છે. આપણું અત્યારે બહુ ઓછું ખેડાતું કાવ્યસ્વરૂપ છે સૉનેટ, એ માટે સક્રિય થવા માટે હું મારી અંદર રહેલા સર્જકને બળ આપી રહ્યો છું. સંભવ છે કે એ દિશામાં હવે એ સક્રિય થશે. મારે સૉનેટ લખવાં છે, સૉનેટમાળા લખવી છે. આપણા સંસ્કૃત વૃત્તોને ગુજરાતી ભાષામાં બરાબર યોગ્ય રીતે પ્રયોજવા છે અને ઉમાશંકર, સુન્દરમ્ કે ઉશનસ્‌થી જુદી સૉનેટ ભાષા નિપજાવવી છે. આવો કંઈક મનસૂબો મારામાં અત્યારે તો છે પણ જોઈએ, મા સરસ્વતી મને ક્યારે એ દિશાએ જવાનો માર્ગ સુઝાડે છે. હું એવી આશા રાખું કે જેમ ઑસ્ટ્રેલિયાની ધરતી મને સૈરન્ધ્રી માટે ફળી એમ મારે જે સૉનેટ લખવાં છે એ માટે પણ એ મને ફળે અને તમારી શુભેચ્છા પણ એમાં ભળે.